કંસારા બજાર/સુખ

સુખ

ગ્રામ્યગીતોની કમાડબંધ ડેલીમાં
સમેટાઈ ગયું છે મારું સુખ.
પહોળો થતો જાય છે
લાલચટાક સેંથો.
ને નજર હવે નથી પહોંચતી પાદર સુધી.
શાંત ગોધૂલી
સભર બનાવી દે છે મારા શ્વાસને છતાં
એકથી બીજી ઓસરીમાં ફરી વળીને હું
શોધું છું સુખ નામના પ્રદેશને.
વિશાળ મેદાનો પર વહી આવતાં પાણી
દોડી દોડીને પથરાઈ જાય આખા મેદાન પર
છતાં છૂટી જાય ક્યાંક ક્યાંક
થોડીક થોડીક જમીન.
દૂરથી જુઓ તો લાગે જાણે દોડતું હરણ.
અથવા તો જે ધારો એ.
અહીં આ કમાડબંધ ડેલીની દીવાલો
નાની-મોટી થતી રહે છે,
મ્યુલર લાયરની આકૃતિની જેમ.
અને પછી ક્યારેક
પડછાયાઓ વધારે ન લંબાવી શકવાથી
ઊભી રહે છે, લાચાર બનીને.