કંસારા બજાર/હિમપ્રદેશ

હિમપ્રદેશ

અહીં રોજ રચાય છે હિમના પર્વતો
અને પહાડી. પ્રાણીઓ, પોતાનાં શિંગડાંથી
એ પર્વતો તોડીને,
રોજ નવી નવી કેડીઓ કંડારતાં
ખૂંદી વળે છે, હિમપ્રદેશને.
ક્યારેક હિમના કરાઓ નીચે ઢંકાઈ જાય છે
પહાડી પ્રાણીઓનાં આખાં ને આખાં ટોળાં
અને એમ રચાઈ જાય છે, દિવ્ય શિખરો.
સૂરજનાં પહેલાં પહેલાં કિરણો
જ્યારે એ શિખરો પર પડે ત્યારે
અંદરથી ડોકાતા પ્રાણીઓના ચહેરા
અલૌકિક લાગે છે.
પણ પછી, જેમ સૂર્ય જલદ બને તેમ બરફ ઓગળે,
શિખરો ધ્રૂજી ઊઠે, મોટી મોટી તિરાડો પડે,
અને અંદરથી જીવતાં થાય એ પ્રાણીઓ.
માથું ધુણાવી, બરફ ખંખેરી,
ચાલવા માંડે એ પ્રાણીઓ
પોતપોતાના માલિકની
માલસામાન ભરેલી ગાડીઓને ખેંચતાં
હિમની સડકો પર,
એમના તંદુરસ્ત, લટકતા આંચળમાંથી
ગરમ ગરમ દૂધ, હિમની કેડીઓ પર ટપકે તેમાંથી
પળવારમાં રચાઈ જાય હિમના કરા
અને ફરી હિમપર્વત નીચે દટાઈ જાય આ
પ્રાણીઓ.
આ અહીંનો નિત્યક્રમ છે.
આ પ્રાણીઓના શરીરની જૈવિક ગરમી જ
જિવાડે છે અહીં સૂર્યને.