કથોપકથન/સર્જનાત્મક સાહિત્યમાં કાળયોજના


સર્જનાત્મક સાહિત્યમાં કાળયોજના

સુરેશ જોષી

સ્થળ અને કાળનાં પરિમાણો આપણા અનુભવમાત્રને માટે અનિવાર્ય હોય છે. સ્થળનો સન્દર્ભ બાહ્ય જગતમાં છે, પણ કાળ તો આપણી આન્તરિક સૃષ્ટિને પણ આવરી લે છે. આપણી સંવેદનાઓ, સંસ્કારો તથા સ્મૃતિઓને પણ એનો આગવો એવો કાળનો અન્વય હોય છે. સ્થળના કરતાં, આ રીતે, એ વધુ અપરોક્ષ હોય છે. ઉપલક દૃષ્ટિએ જોતાં અરાજકતા રૂપે દેખાતાં આન્તરિક સંવેદન, સંસ્કાર, સ્મૃતિ વગેરેમાં આનુપૂર્વીનો અનુભવ આપણને થતો જ હોય છે. આનુપૂર્વી, કાર્યકારણ, સાતત્ય, પરિવર્તન – આ બધું એક પ્રકારના અન્વયની આપણને પ્રતીતિ કરાવે છે. આ અન્વય તે કાળનું જ પરિણામ હોય છે.

આપણા પરિવર્તનનું માધ્યમ પણ સમય છે. આપણી અન્તિમ પરિણતિને આપણે ‘કાળ’ કહીને ઓળખાવીએ છીએ. આપણું દૃષ્ટિગોચર શારીરિક પરિવર્તન જ નહીં પણ આપણા ચૈત્યપુરુષનો વિકાસ પણ આપણને કાળની વિશિષ્ટ પ્રકારની પ્રતીતિ કરાવે છે. આપણે જેને આપણી આન્તરચેતના કહીએ છીએ તેનો સાક્ષાત્કાર આ સમયની પટભૂમિની પડછે જ આપણને થતો હોય છે. આ રીતે ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી આપણી વ્યક્તિગત ચેતનાને આપણે એક અને અભિન્ન ગણીને વિશિષ્ટ નામે શી રીતે ઓળખાવીએ છીએ? ક્ષણે ક્ષણે જુદું રૂપ ધારણ કરનાર એ પૈકીના કયા રૂપને પોતાનું નિત્ય રૂપ કહી શકે? આ સન્દર્ભમાં ગીતામાં કાળને લોકક્ષયકૃત્પ્રવૃત્ત: કહ્યો છે તે સૂચક બની રહે છે. પણ સદા વહ્યે જતા આન્તરચેતનાના પ્રવાહ સાથે બધું જ વહી જાય છે ખરું? એ બધી પ્રવાહની સ્થિતિ કશું અવશેષમાં મૂકી જતી નથી? પ્રવાહની એક ક્ષણથી તે બીજી ક્ષણ સુધીનું સાતત્ય ટકાવી રાખનાર કશું એમાં અનુસ્યૂત થઈને રહ્યું નથી હોતું? આ અનુસ્યૂત થઈને જે રહ્યું હોય છે તે વ્યક્તિની ચેતનાને વિશિષ્ટતા અર્પે છે એમ કહી શકાય ખરું? અસ્તિત્વ અને સાતત્ય અવિનાભાવી સમ્બન્ધે જોડાયેલાં છે ખરાં? આ બધા પ્રશ્નો વિચારવા જેવા છે.

સમય પરત્વેની ઉગ્ર અભિજ્ઞતા એ આપણા જમાનાનું તેમ જ આપણા સાહિત્યનું એક વિશિષ્ટ લક્ષણ છે. આપણે કથા આલેખીએ છીએ સમયના પટ પર, આપણું જીવન પણ ઉકેલાતું જાય છે સમયના પટ પર. આથી તો બાળપણમાં જે વાર્તા સાંભળેલી તેની શરૂઆત થતી: હજાર વર્ષો પહેલાંની વાત છે. તો સાહિત્યમાં સમયની કઈ વિભાવના વ્યાપકશીલ બનેલી દેખાય છે? કેટલાક કહે છે કે સ્થળનું પરિમાણ સંકોચાવાની સાથે સમયનું પરિમાણ પણ આપણા અનુભૂતિના ક્ષેત્રમાં બદલાયું છે. એરિસ્ટોટલે કહેલું: Time is the number of motion. ગતિ સ્થળમાં, સ્થળને આધારે, થતી હોય છે, એ ગતિનું માપ તે સમય. પણ આ ગતિ કેવળ સ્થૂળ અવકાશમાં થતી ગતિ નથી. આપણા ચિત્તના અવકાશમાં સમાન્તર અનેક પ્રકારની ગતિના આવર્તો રચાતા હોય છે. એનું માપ કાઢી આપનાર સમયનું સ્વરૂપ ચિત્તે ચિત્તે વિભિન્ન નહીં હોય? સર્જનાત્મક સાહિત્યમાં આ સમય જોડે જ સર્જકને નિસ્બત હોય છે ને! એ સમયનાં મુખ્ય લક્ષણો કયાં? અદ્યતન સાહિત્યમાં એને આટલું બધું મહત્ત્વ શાથી મળે છે?

આગળ કહી ગયા તેમ સર્જનાત્મક સાહિત્યમાં સમય એટલે આપણા અનુભવના એક અનિવાર્ય ઘટક રૂપે રહેતો સમય. આપણી અનેકવિધ સંવેદનાઓ, સ્મૃતિઓ ને સંસ્કારોનું જે બુટ્ટાદાર પોત વણાતું આવે છે તેના એક અનિવાર્ય તન્તુ રૂપે આ સમયની અભિજ્ઞતા કામ કરતી હોય છે. આથી આ સમયનો સંકેત આપણા આ આન્તર જગતના સન્દર્ભમાં જ સિદ્ધ થઈ શકે એવો છે. આ રીતે જોઈએ તો આ સમય અંગત, વ્યક્તિગત અને આત્મલક્ષી હોય છે. આ સમય એ આપણી અપરોક્ષ અનુભૂતિનો વિષય ને સામગ્રી બન્ને હોય છે.

પણ આ સિવાયનો, વ્યક્તિનિરપેક્ષ બિનંગત એવો પણ સમય હોય છે. એ સમય તે સર્વસ્વીકૃત સમય જેને આપણે સર્વસામાન્ય રીતે માપવાની વ્યવસ્થા કરેલી છે. ઘડિયાળની મદદથી આપણે એને આપણા પરસ્પરના વ્યવહારમાં એકસરખો જાળવી શકીએ છીએ. એનું સત્ય નર્યું અંગત સત્ય હોતું નથી.

જેનો આપણને આપણા ચિત્તમાં અપરોક્ષ અને અસન્દિગ્ધ અનુભવ થાય છે તેવા સમયનો અહેવાલ સર્વમાન્ય બને એવી પરિભાષા કે સંકેતો દ્વારા આપવાનું શક્ય છે ખરું? આપણને જે સ્વયંસિદ્ધ અને અસન્દિગ્ધ લાગે છે તેને માટેનું તાકિર્ક માળખું ગોઠવવું તે ભારે દુષ્કર નીવડે છે. એમ કરવા જતાં જ એની વિલક્ષણતા આપણી નજરે ચઢે છે. એ સમયના સંકેતના નિર્ણયમાં સન્દિગ્ધતાને ટાળી નહીં શકાય, એકવાક્યતા સ્થાપી નહિ શકાય; ને છતાં અપરોક્ષપણે અનુભવેલા એના સત્યને નકારી નહિ શકાય.

તર્કના માળખામાં બેસે એવો અને સર્વમાન્ય નીવડે એવો સમય આપણી આન્તર જગતની સંજ્ઞા રૂપ બની શકતો નથી. એ દૃષ્ટિએ જોતાં એનો કશો અર્થ જ હોતો નથી. આમ, આ બે પ્રકારના સમય વચ્ચેનો ભેદ એવો છે કે બન્નેને માટે એક સંજ્ઞાનો ઉપયોગ યોગ્ય ગણાય કે કેમ એવો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે.

શાસ્ત્રીય વિચારણાના અંગભૂત એક વિભાવના રૂપ સમય તો આપણું એક ગૃહીત માત્ર છે; એની સચ્ચાઈ શાસ્ત્રમાં વ્યવસ્થા લાવવા પૂરતી છે. પણ આપણી અપરોક્ષ અનુભૂતિ રૂપ સમયની અભિજ્ઞતા ભલે અંગત, વ્યક્તિલક્ષી અને શાસ્ત્ર દૃષ્ટિએ અનુપાદેય કે સર્વમાન્ય ઠરે એવી ન હોય તેમ છતાં આન્તરપ્રતીતિનું સત્ય તો એને છે જ.

ભાષા સામાજિક વ્યવહારનું સાધન છે. એમાં સમયની આનુપૂર્વી સૂચવતી ઘણી સંજ્ઞાઓ આપણે વાપરતા હોઈએ છીએ. ‘હવે’, ‘ત્યારે’, ‘પહેલાં’, ‘પછી’ના સંકેતોમાં શાસ્ત્રાપેક્ષિત એકવાક્યતા આણી શકાય ખરી? બે પ્રકારના સમયની વિભાવનાને કારણે ઊભી થતી સન્દિગ્ધતા કે વિરોધને ટાળવાનું શક્ય છે ખરું? જો એ શક્ય ન હોય તો આપણે જેને અનુભવનું વાસ્તવ કહીએ છીએ તે સિદ્ધ થાય શી રીતે? આ ઉપરાંતનું, શાસ્ત્રસ્વીકૃત વ્યક્તિનિરપેક્ષ વાસ્તવ આ સમયના સન્દર્ભની બહાર જ રહેતું હોય છે?

આપણી વ્યાકરણગત કાળવ્યવસ્થાનો પણ આ દૃષ્ટિએ વિચાર કરવો ઘટે. સ્મૃતિ ભૂતકાળની હોય, અપેક્ષા ભવિષ્ય પરત્વેની હોય, પણ સ્મૃતિ વર્તમાનનું તથ્ય હતી. પછીથી સ્મૃતિ બનીને સંચિત થઈ ત્યારે ભૂતકાળની સામગ્રી બની. આ ભૂતકાળને પણ એનો ક્રમ હોય છે. આ સ્મૃતિઓ પણ એના એક વખતના વર્તમાનના અનુલક્ષમાં અમુક ચોક્કસ પ્રકારનો ક્રમ જાળવતી હોય છે. વળી સ્મૃતિને પુનરુજ્જીવિત કરીએ છીએ ત્યારે એ વળી વર્તમાનનો વિષય બની રહે છે. આમ ભૂતકાળને પ્રત્યક્ષ અનુભૂતિ રૂપે પુનરુદ્ભાવિત કરવો હોય તો સન્દિગ્ધ, મિશ્ર એવી સ્મૃતિને સુરેખ, સ્પષ્ટ ને દૃઢ એવાં કલ્પન રૂપે વર્તમાનની પટભૂમિ પર પ્રગટ કરવી ઘટે.

અપેક્ષા ભવિષ્યનિર્ભર હોય એ સાચું, પણ ચિત્તમાં કાળની આ આનુપૂર્વી ટકી રહે છે ખરી? ભાવિ વિશેની અપેક્ષા ભૂતકાળની કોઈ ઘટના પર પોતાની છાયા વિસ્તારે એમ ન બને? આથી સ્મૃતિ અને અપેક્ષા બંને સમાન્તર અને યુગપત્ એવી સ્થિતિમાં પણ સમ્ભવી શકે.

ઇતિહાસનો ભૂતકાળ આપણે વ્યવસ્થિત કરીને જોઈએ છીએ. ઘટનાઓ ને વ્યક્તિઓ વચ્ચેના પારસ્પરિક સમ્પર્કનાં પરિણામોમાં રહેલાં સન્દિગ્ધ ને વસ્તુનિષ્ઠ નહીં એવાં તત્ત્વોને ગાળી કાઢીને એના abstract રૂપને આપણે સહેલાઈથી ગોચર કરી શકતા નથી. આ જ રીતે આપણી સ્મૃતિ કે આપણું સ્વપ્ન જે રીતે ઘટનાઓને કાલાનુક્રમે ગોઠવી આપે છે તે જ સાચો અને એક માત્ર કાલાનુક્રમ આપણી ચૈતસિક વાસ્તવિકતાનો છે એમ દૃઢતાથી શી રીતે કહી શકાશે? આન્તરિક અનુભવના એક ઉપાદાન તરીકે રહેલો સમય શાસ્ત્રદૃષ્ટિએ જે અસંગતિ ઊભી કરે છે તેને નિવારવાનું શી રીતે બને? ને એ શક્ય હોય તોય આવશ્યક છે ખરું? એમ કરવા જતાં અનુભવને સાર્થકતા અર્પનાર મર્મની જ બાદબાકી થઈ જતી હોય તો?

શાસ્ત્રની એક કાર્યકર વિભાવના રૂપ ને વ્યક્તિનિરપેક્ષ સમયનાં ત્રણ અનિવાર્ય ઘટકો તે માત્રા, આનુપૂર્વી અને દિશા. એ સમય અમુક ચોક્કસ એકમોથી માપી શકાતો હોય છે, એમાં આનુપૂર્વીનો સર્વમાન્ય એવો ક્રમ રહેલો હોય છે; અને એ એક ચોક્કસ દિશામાં આગળ વધતો હોય છે. આ ત્રણ ઘટકો આપણી આન્તરિક અનુભૂતિને ગોચર એવા સમયમાં સમ્ભવે ખરા? કેટલીક વાર એક ક્ષણ યુગ જેવી લાગે છે તો કેટલીક વાર યુગ ક્ષણમાં પસાર થઈ ગયો હોય એવું લાગે છે; તો કેટલીક વાર સમય અવિદિતગતયામ બની રહે છે, એના અવિરત પ્રવાહનો અનુભવ જ થતો નથી. વિજ્ઞાન તો સૂર્યચન્દ્ર કે સ્થિર તારાઓને આધારે સમયનું ચોકઠું ગોઠવે છે. એ માનવાનુભવથી નિરપેક્ષ એવો સન્દર્ભ છે. અલબત્ત, સમયનું આવું ચોકઠું આપણા એકબીજા સાથેના વ્યવહારવિનિમયની એક અનિવાર્ય એવી ભૂમિકા છે. એ જો ન હોત તો વ્યવહારને અપેક્ષિત એવી વ્યવસ્થાને સ્થાને અરાજકતા જ વ્યાપી ગઈ હોત. પણ આપણું બધું કાર્ય કેવળ આ ભૂમિકા પર જ થતું નથી. સમયની આન્તરિક ને વૈયક્તિક અભિજ્ઞતા આપણી વાસ્તવિકતાને એક આગવો સંકેત અર્પે છે. આ સંકેતને ઉવેખવાનુંય આપણને પરવડે નહીં. આન્તરિક અનુભૂતિનો સમય નમનીયતાનો ગુણ ધરાવે છે. પ્રૂસ્તે કહ્યું છે તેમ ‘The time is ours to use each day is elastic the passions we feel dilate is, those that we inspire contract it, and habit fills it.’

સમયને વર્ણવવાને સમયનદ, સમયપ્રવાહ, કાળસાગર જેવી સંજ્ઞાઓ ઘણુંખરું વપરાતી જોઈએ છીએ. આ બધામાં પ્રવાહ કે સાતત્ય કે આનુપૂર્વીનું સૂચન છે. આનુપૂર્વી હોય ત્યાં સાતત્ય અવિનાભાવી ખરું? જે ક્રમબદ્ધ છે તે પ્રવાહમય છે ખરું? નદી એકની એક દેખાય છે, પણ એનાં જળ બદલાયાં કરે છે. આમ છતાં નદી નદી રૂપે સદા અવશિષ્ટ રહે છે.

આપણા સમયની અભિજ્ઞતા આની સાક્ષી પૂરે છે ખરી? શાસ્ત્રનિદિર્ષ્ટ સમયના સુવ્યવસ્થિત એકમો ને ખણ્ડો પાડેલા હોય છે. પણ એ ખણ્ડ ખણ્ડ વચ્ચે સાતત્ય હોય છે ખરું? આ સાતત્યનો ખુલાસો શાસ્ત્ર આપવાનું માથે લેતું નથી. ઘડિયાળના ચંદા પરના સમયના ખણ્ડો ચોક્કસ હોય છે, છતાં એમાં પ્રવાહ નથી. સમયની આ પ્રવાહિતાનું અનિવાર્ય તત્ત્વ એમાંથી બાદ થઈ જતું લાગે છે. ઘડિયાળમાં બારના ટકોરા પડે છે ત્યારે એ ટકોરા એકબીજાથી અમુક ચોક્કસ અન્તરે અલગ અલગ સંભળાતા હોવા છતાં એ બધાનો સમુચ્ચય જ એના સંકેતને સ્પષ્ટ કરે છે. સમયના ખણ્ડોનો આવો સમુચ્ચય શાસ્ત્રને અપેક્ષિત છે?

આપણે જેને વર્તમાન કહીએ છીએ તે તો સોયની અણી ટકે એટલો જ હોય છે. એમ છતાં એ વર્તમાનની ક્ષણમાં રહીને જ આપણે ભૂતકાળની સ્મૃતિ અને ભાવિની આકાંક્ષાને એક સાથે અનુભવતા હોઈએ. છીએ. આ રીતે જોતાં એનું વર્તમાનપણું પણ ભૂત અને ભાવિના આ પ્રકારના સન્નિકર્ષથી જ સિદ્ધ થતું હોય છે. આથી વિલિમય જેઇમ્સ વર્તમાનને વર્ણવતાં કહ્યું હતું: (The present has) ‘a certain breadth of its own on which we sit perched and from which we look in two directions into time.’

આમ ‘પહેલાં’ અને ‘પછી’ની આનુપૂર્વી આન્તરિક સમયમાં એની આગવી રીતે જળવાઈ રહેતી હોય છે. પણ એ આનુપૂર્વી એને અનુભવનાર ચિત્ત સિવાય બીજા ચિત્તને માટે સાચી ઠરે નહિ. કેવળ સાહિત્ય જ પોતાના સામર્થ્યથી એને અનિવાર્ય અને પ્રતીતિકારક ઠરાવી શકે.

આ અનિવાર્યતા ને પ્રતીતિકારકતા નિપજાવવાની રીતિ શી હોઈ શકે? વિજ્ઞાનમાં કાર્યકારણનો સમ્બન્ધ સ્થાપી શકીએ તો આનુપૂર્વી પ્રતીતિકારક બને છે. સાહિત્યમાં પણ ઘટના અને ઘટના વચ્ચે, સ્મૃતિ અને સંસ્કાર વચ્ચે, સંવેદન અને સંવેદન વચ્ચે આ પ્રકારની કાર્યકારણતા સ્થાપી આપી શકાય. એક વડે જ બીજું સંભવ્યું એવું કૃતિમાં જ સિદ્ધ કરી આપી શકાય. જ્યાં આ પ્રકારની કાર્યકારણતા કૃતિમાં નથી સિદ્ધ થઈ હોતી પણ આહાર્ય સ્વરૂપની હોય છે ત્યાં આવી પ્રતીતિ ઉદ્ભવતી નથી અને રસક્ષતિ થાય છે.

જે ભૂતકાળમાં બને છે તે આપણા ચિત્ત પર એની છાપ મૂકી જાય છે. જે ભાવિમાં બનવાનું છે તેની આકાંક્ષા વર્તમાનમાં રહીને કહીએ તોય એની છાપ આપણા પર રહેતી નથી. ‘અમુક સમયે આ આકાંક્ષા કરી હતી’ એવી ભૂતકાળની એક વિગતરૂપે નોંધાઈ રહે એ વાત જુદી. આ છાપ એટલે જ સંસ્કાર? સ્મૃતિ અને સંસ્કાર – બંનેને ભૂતકાળ સાથે સમ્બન્ધ છે? એ બંનેનાં વ્યાવર્તક લક્ષણો કયાં?

આવી અટપટી વિગતોને ચોકસાઈથી નિરૂપવાને આપણી પાસે ચોક્કસ પરિભાષા નથી. Association અને Impression – આ બન્નેને માટે, કંઈક શિથિલતાથી, ‘સંસ્કાર’ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ એક જ સંજ્ઞાથી જુદી જુદી બે વસ્તુને ઓળખાવવામાં આવે છે એ તો માત્ર સન્દર્ભ પરથી જ નક્કી થઈ શકે. આને કારણે ચર્ચામાં સન્દિગ્ધતા પ્રવેશે.

એક બાજુથી આપણે કાર્યકારણ સમ્બન્ધ દ્વારા નિષ્પન્ન થતી અનિવાર્યતાની વાત કરીએ છીએ ને બીજી બાજુથી free associationની વાત કરીએ છીએ – તો બંને વચ્ચે વિરોધ ખરો? આનુપૂર્વીને સીધી લીટીની એક દિશામાં થતી ગતિ અપેક્ષિત હોય છે. પણ વર્તુળના વ્યાસની આનુપૂર્વી, આવર્તની અંદરની ચક્રાકાર ગતિનાં જુદાં જુદાં ઘટકોની આનુપૂર્વી, પણ સંભવે. આનુપૂર્વીનો અર્થ કદાચ એટલો જ કહી શકીએ કે એમાં ગતિ અગ્રગામી છે, એ આગળ ગયા પછી પાછી વળતી નથી. પણ વર્તમાનની એક સંવેદના ઉદ્દીપનરૂપે કામ કરે ને એની સાથે આપણા ચિત્તમાંનો સ્મૃતિ અને સંસ્કારોનો એક આખો, આમ વિશૃંખલ દેખાતો, સમૂહ ઉદ્ભાસિત થઈ ઊઠે ને કશાક રસાયણથી રસિત થઈને એક નવી જ ભાત ઉપસાવીને સુરેખ કલ્પનરૂપે વર્તમાનમાં અવતરે. સાહિત્યમાં આમ જ બનતું હોય છે. અહીં એ આખું એક પુદ્ગલ – organic structureનું રૂપ પામે છે. પણ એમાં અગ્રગામી અને અનુગામી એવી ગતિઓનાં આંદોલન-વર્તુળોનું એવું તો ગુંફન હોય છે કે એટલા બધા સંકુલ વ્યાપારને કેવળ આનુપૂર્વી કે કાર્યકારણના નામે વર્ણવી શકાય નહીં. સ્મૃતિ વડે સંસ્કાર પડે છે એમ કહીએ તો સ્મૃતિની સંસ્કાર નોંધવાની પદ્ધતિ વિલક્ષણ છે. જે ઘટનાનો સંસ્કાર પડે છે તે ઘટના, અને એનો સંસ્કાર, અને સમયના વહેવા સાથે અન્ય સંવેદનાઓથી રસિત થઈને એનું બદલાતું જતું રૂપ – આ કોઈ શાસ્ત્રને ગાંઠે એવી પ્રક્રિયા નથી. વળી સ્મૃતિમાં કલ્પનાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં ભળેલું હોય છે? એક કલ્પના અને બીજી કલ્પના વચ્ચેના સમ્બન્ધનો સેતુ કયો? બે બિન્દુ વચ્ચેનું અન્તર – એવું માપ ભૌતિક છે, ને રેખાનિષ્ઠ છે. પણ આપણને જે સમયની અનુભૂતિ થાય છે તેને કેવળ લંબાઈ જ નથી હોતી, પહોળાઈ અને ઊંડાણ પણ હોય છે. એક દટાઈ ગયેલી નગરીમાં કેટલો કાળ દટાઈ ને પડ્યો હોય છે! નિમેષ-આંખનો પલકારો સમયનું નાનામાં નાનું માપ ગણ્યું છે, પણ આંખનો એક પલકારો થતાં કેટલીક વાર શુંનું શું બની જતું હોય છે! એક નિમેષથી બીજી નિમેષ સુધી પહોંચતા સમયને વહેવાને શેનો આધાર પ્રાપ્ત થતો હોય છે? આથી સમયને વર્ણવતાં કેટલી તો વિભિન્ન રીતે એનો અહેવાલ આપવામાં આવ્યો છે! કેટલાકને મતે સમય દોરાના દડા જેવો છે. એ ધીમે ધીમે ઉકેલાતો જાય છે, ને ઉકેલાઈ રહેતાં રહે છે શૂન્ય. કેટલાકને મતે સમય એ બરફના પિણ્ડ જેવો છે. એને તમે બરફમાં નાખો તો બીજું બરફ એમાં ઉમેરાઈ જાય ને એનું કદ વધતું જાય. આ રીતે આપણી બધી ક્ષણો એમાં સંચિત થતી રહે છે, એમાંથી કશું નષ્ટ થતું નથી; તો કોઈ કહે છે કે સમય પાણીમાં ઓગળતી મીઠાની કણી જેમ આપણી ચેતનામાં કલવાતો જાય છે ને અણુએ અણુમાં પ્રવેશે છે. આ અને એવાં બીજાં ઘણાં વર્ણનો આપી શકાય, ને એ બધાં અમુક અંશે સાચાં છે એમ પણ કહી શકાય.

આ સમયની સંવિત્તિ સાહિત્યમાં ભાષા દ્વારા પ્રકટ કરવાની રહે છે. વ્યાકરણનિષ્ઠ ભાષા એના કાલક્રમને અનુસરે છે. એના અન્વયના ચોકઠામાં રહીને સમયની અનેકવિધ અભિજ્ઞતાઓને સિદ્ધ કરવી એ જેવો તેવો પડકાર નથી. આપણા સાહિત્યમાં આ પડકાર ઝીલવાનું વલણ હજી દેખાતું નથી. એ પડકાર આપણા સર્જકો ઝીલશે ત્યારે સાહિત્યમાં એક નવું પરિમાણ ખૂલશે ને એને એક નવી સચ્ચાઈ પ્રાપ્ત થશે. ત્યારે જેને કપોલકલ્પિત, કાલ્પનિક, ભ્રાન્તિ રૂપ કહીને આપણે ઉડાવી દઈએ છીએ તેના સત્યનો પણ સાક્ષાત્કાર થશે.