કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય

સંપાદકીય

આપણા દેશની બે મુખ્ય સાહિત્યસંસ્થાઓ—સાહિત્ય અકાદમી અને નૅશનલ બુક ટ્રસ્ટે—પોતાની રીતે ભારતીય સાહિત્યકારો વિશે આ પ્રકારનો શ્રેણીઓ શરૂ કરી છે. આવી એકાદ શ્રેણી ગુજરાતીમાં હોય તો કેવું એમ પાછલા દશકામાં અનેકને સૂઝ્યું હશે એવી મને ખાતરી છે. આ એક પ્રયત્ન કાર્યની ગંભીરતાના પૂરા ભાન સાથે શરૂ થયો છે. ગુજરાતી સારસ્વતોના જીવનનો ટૂંકમાં પરિચય કરાવી, એમની કૃતિઓનો ખ્યાલ આપી તેમના સાહિત્યિક અર્પણને મૂલવવાને અને એમ કરતાં એમના વિશેના અભ્યાસીઓના અભિપ્રાયની સમીક્ષા અને એમના કાર્યનું મૂલ્યાંકન-પુનર્મૂલ્યાંકન કરવાનો આશય આ જાતની શ્રેણી પાછળ રહે એ સ્વાભાવિક છે. ચોસઠથી એંશી પાનની મર્યાદામાં તે તે સાહિત્યકાર વિશે સંક્ષેપમાં દ્યોતક લખાણ મેળવીને રજૂ કરવાનો વિચાર રાખ્યો છે. વિગતવાર સંદર્ભસૂચિ એ પુસ્તિકાનું એક મુખ્ય અંગ રહેશે. આપણા વિદ્વાનો-અભ્યાસીઓ તરફથી આ શ્રેણીને ઉમળકાભર્યો આવકાર સાંપડ્યો છે એની નોંધ લેતાં આનંદ થાય છે. શ્રી મનસુખલાલ ઝવેરીએ આ પુસ્તિકા તૈયાર કરી આપી એ માટે તેમનો ખૂબ આભારી છું. ઘણા સાહિત્યરસિકો અને અભ્યાસીએ તરફથી શ્રેણીની પુસ્તિકાઓ વિશે અવારનવાર ઉત્સુકતાભરી પૃચ્છા થાય છે. પરંતુ અગાઉ કરેલી કાર્યસોંપણીની અનિવાર્ય સંજોગોને કારણે છેલ્લી ઘડીએ પુનઃ વ્યવસ્થા કરવાનું આવે છે તેને લીધે પ્રકાશનમાં વિલંબ થાય છે. વાચકો એ દરગુજર કરે એવી વિનંતી છે. શ્રેણીની ‘નરસિંહરાવ’ અને ’અખો’ ઉપરની પુસ્તિકાઓ હાલ છપાઈ રહી છે.

૨, અચલાયતન સોસાયટી,
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
૧૫ ઑગસ્ટ, ૧૯૭૮

રમણલાલ જોશી