કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય

સર્જક-પરિચય

શ્રી મનસુખલાલ ઝવેરી (જન્મ : ૧૯૦૭) સુપ્રતિષ્ઠિત કવિ અને વિવેચક છે. ‘ચન્દ્રદૂત’, ‘ફૂલદોલ’, ‘આરાધના’, ‘અભિસાર’, ‘અનુભૂતિ’, ‘કાવ્યસુષમા’ અને ‘ડૂમો ઓગળ્યો’ એ તેમના કાવ્યસંગ્રહો છે. ‘થોડા વિવેચન લેખો’, ‘પર્યેષણા’, ‘કાવ્યવિમર્શ’ અને ‘અભિગમ’ એ વિવેચનગ્રંથો પછી તાજેતરમાં તેમના વિવેચનલેખોને સંગ્રહ ‘દૃષ્ટિકોણ’ પ્રગટ થયો છે. જુદા જુદા સાહિત્યકારો વિષે લખેલા અભ્યાસલેખોની પુસ્તિકાઓ તેમણે પ્રગટ કરેલી છે. આપણે ત્યાં કવિ-વિવેચકોની ઉજ્જ્વલ પરંપરા છે, એ પરંપરા બાંધવામાં શ્રી. મનસુખલાલ ઝવેરીનો પણ ફાળો છે. કવિતા અને વિવેચન ઉપરાંત સંપાદન અને અનુવાદના ક્ષેત્રે પણ શ્રી. મનસુખભાઈએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. કાલિદાસ અને શેક્‌સ્પિયરના કૃતિઓ તેમણે ગુજરાતીમાં ઉતારી છે. અધ્યાપક અને આચાર્ય તરીકે લાંબી યશસ્વી કારકિર્દી બાદ હાલ તે નિવૃત્તિજીવન મુંબઈમાં ગાળે છે. ૧૯૭૬થી તેઓ મુંબઈ યુનિવર્સિટીના મુલાકાતી પ્રાધ્યાપક છે. વિવિધ યુનિવર્સિટીઓની વ્યાખ્યાનમાળાઓમાં તેમણે વ્યાખ્યાનો આપેલાં છે. ૧૯૬૩માં મુંબઈમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ‘સાહિત્ય વિવેચન’ વિભાગના તેઓ પ્રમુખ હતા. ગુજરાતી સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી, ઇન્ડિયન પી. ઈ. એન. જેવી સાહિત્યસંસ્થાઓ સાથે જુદી જુદી રીતે તેઓ સંકળાયેલા રહ્યા છે. કનૈયાલાલ મુનશી એ તેમના વિશેષ અભ્યાસને વિષય રહ્યા છે. મુનશીજીનું તેમણે કરેલું પુર્નમૂલ્યાંકન જેટલું તટસ્થ છે તેટલું સૌન્દર્યદર્શી અને વિચારપ્રેરક પણ છે.