કમલ વોરાનાં કાવ્યો/11 એક ઇસમ
એક ઇસમ
અ-ક્ષરોમાં છુપાઈ ગયો
એને થયું
આ શબ્દો એની ઉંમ૨ને વધતી અટકાવશે
સમયની થપાટોને પાછી વાળી
શરીરનું રક્ષણ કરશે
કમનીય મરોડો લોહીને વેગવંતું રાખશે
ધ્વનિઆંદોલનો
શ્વાસનો લય જાળવશે
અર્થ
અજવાળું થઈ
પ્રાણમાં શક્તિ સીંચશે
નર્યો આહ્લાદ વરતાશે
એમ જ થાય અને
એમ જ થાત
પણ એક ગફલત રહી ગઈ
એમ થઈ રહ્યું હતું ત્યારે
અક્ષરો એની જ ભીતર ઊતરી જઈ
ક્યારે મૌન થઈ ગયા
એ તરફ ધ્યાન ગયું નહીં
અને એમ એ મૂંગો
અને વૃદ્ધ
થઈ ગયો