કમલ વોરાનાં કાવ્યો/8 એક વૃદ્ધને

એક વૃદ્ધને

એક વૃદ્ધને
આજે ચિત્ર કરવાનું મન થયું છે

પીંછી ઉપાડતાં પહેલાં જ
ટેરવાં રાતાઘૂમ થઈ ગયાં હોય
એવી આછી રતાશ
આંગળીઓની કરચલીઓ વચ્ચે ઊભરી આવી છે
પાણીની ભીતર સળવળતો સંચાર
ખળભળી ઊઠતો
સપાટી પર તરલ આકૃતિઓ રચે એવું વિહ્વળ
એનું આખું અંગ થઈ ગયું છે
રેખાઓનો આ સરસરાટ અને
રંગોનો ઉછાળ
વૃદ્ધને જંપવા નહીં દે
પ્રગટ થવા મથતું એક ચિત્ર
શરીરમાં ઊંડે ખૂબ ઊંડે
સેલારા મારી રહ્યું છે.
સામે પડેલી કૅન્વાસ
અદૃશ્ય મૂંગા આકારોને
આકારોના પ્રતિબિંબોને ઝીલતાં ઝીલતાં
કોઈ પણ પળે કદાચ અબઘડી
ફાટી જશે એવો
વૃદ્ધને ડર છે.

એવું થાય તો શું
એ વિચારમાં
ચિત્ર કરવાનું જેને મન થયું છે એ જડવત્ વૃદ્ધ
જાણે ફાટી પડવાની તૈયારીમાં બેઠો છે