કળા, સાહિત્ય અને વિવેચન/આપણો સાંસ્કૃતિક વારસો

આપણો સાંસ્કૃતિક વારસો

‘સંસ્કૃતિ’ શબ્દ આપણે ઘણુંખરું તો અંગ્રેજી સંજ્ઞા ‘culture’ના પર્યાય તરીકે યોજતા રહ્યા છીએ. પણ ત્યાંના અભ્યાસીઓ એ સંજ્ઞાને કેટલીક વાર અતિ વ્યાપક તો કેટલીક વાર અતિ સીમિત અર્થ અર્પે છે, અને એના પરસ્પરવિરોધી એવા અર્થોય થયા છે. એટલે એની અર્થસીમા પરત્વે ગૂંચવાડા જન્મ્યા છે. આ વિવાદોમાં ઊંડે ન જતાં આ વાર્તાલાપ સંદર્ભે એનો એ અર્થ કરીશ કે ભારતીય સમાજના ઘડતરવિકાસ અને સંગઠન અર્થે સદીઓથી ધર્મ, દર્શન, સાહિત્યાદિ કળાઓ અને જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રમાં જે વિચારતંત્રો અને માન્યતાઓ કામ કરી રહ્યાં છે તે સર્વ સંસ્કૃતિ છે. જરા જુદી રીતે કહું તો વિશ્વદર્શનો અને જીવનના પરમ શ્રેય તરફ પ્રેરતા-દોરતા આધ્યાત્મિક અને નૈતિક વિચારો, માન્યતાઓ, કર્મકાંડો વગેરે એમાં સમાઈ જાય છે. તો, આ રીતે જોતાં, આપણને જે ભારતીય સંસ્કૃતિ વારસામાં મળી છે તે એટલી તો વિશાળ, એટલી તો સમૃદ્ધ અને એટલી તો વૈવિધ્યસભર છે કે એના અભ્યાસીને રહીરહીને એનું વિસ્મય થયા કરે છે. એના સૌથી પ્રાચીન અવશેષો તો ઈ.સ.પૂર્વે ૩૦૦૦ વર્ષ પૂર્વે સિંધુ નદીની ખીણમાં વિકસેલી મોહેં-જો-દડો અને હરપ્પાની સંસ્કૃતિઓમાં મળી આવ્યા છે. પણ વિશાળ રૂપે ભારતીય સંસ્કૃતિના ઉદ્‌ભવવિકાસની ઘટના તો વૈદિક સમયમાં આરંભાઈ. એ સંસ્કૃતિના વિકાસવર્ધક જતન અને સંશોધનની પ્રક્રિયા એ રીતે ત્રણ સાડાત્રણ હજાર વર્ષો ચાલતી રહી છે. ઋગ્વેદ આદિ ચાર વેદો, તેના અંગરૂપ બ્રાહ્મણકો, આરણ્યકો અને ઉપનિષદો, રામાયણ અને મહાભારત, શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા, ભાગવત અને અન્ય પુરાણો, જૈન અને બૌદ્ધદર્શન, શંકરાચાર્યનું અદ્વૈતદર્શન, ષડ્‌દર્શનો, સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનાં કાવ્યનાટકાદિ તેમજ એ યુગનાં ચિત્રશિલ્પસ્થાપત્ય, દક્ષિણ ભારતના આચાર્યોનું દર્શન અને અલ્વારોનો ભક્તિમાર્ગ, મધ્યકાલીન ભક્તિસાહિત્ય, સંતોનો રહસ્યવાદ, સૂફીવાદ અને નાથસંપ્રદાય, ઇસ્લામી સંસ્કૃતિના પ્રભાવ નીચે નવી શૈલીનાં સ્થાપત્યો, ચિત્રો આધુનિક ભારતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ નીચે પરંપરાપ્રાપ્ત ધર્મ સંસ્કૃતિ અને સાહિત્યનું નવી દૃષ્ટિએ અધ્યયન અર્થઘટન અને પુનર્શોધન – આ સર્વ વિરાટ વૃક્ષની શાખાપ્રશાખાઓની જેમ ભારતીય સંસ્કૃતિનો વિકાસવિસ્તાર છે. આપણે સૌ ભારતીયો માટે સાચે જ આ અતિ મૂલ્યવાન વારસો છે. એમાં સદીઓ સુધીનો વિકાસ એક અતૂટ સાતત્યભરી ઘટના છે. પૃથ્વીના પટ પર ઇજિપ્ત, બેબિલોનિયા અને સુમેરિયા જેવી પ્રાચીન સંસ્કૃતિઓ વિકાસની અમુક સીમાએ પહોંચીને પછી હંમેશ માટે કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ જ્યારે ભારતીય સંસ્કૃતિ એની બદલાતી ઐતિહાસિક, સામાજિક પરિસ્થિતિ વચ્ચેય પોતાની અંદર પડેલાં અમુક પ્રાણધારક, પ્રાણપોષક અને પ્રાણરક્ષક સત્ત્વોના બળે ટકી રહી છે. ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા ઉપરાંત શક, હૂણ આદિ અનેક જાતિઓ અહીં આવી વસી, પણ આરંભમાં અમુક સંઘર્ષો પછી તે વિશાળ સંસ્કૃતિમાં સમાઈ ગઈ. એ જ રીતે ઇસ્લામી સંસ્કૃતિ સાથે સંવાદિતા સાધવાની પ્રક્રિયા પણ અહીં ચાલી છે. તો, આધુનિક સમયમાં પશ્ચિમનાં જીવનદર્શન, જ્ઞાનવિજ્ઞાન અને સાહિત્યકળા આદિનો આપણા પ્રજાજીવન પર વ્યાપક પ્રભાવ શરૂ થયો ત્યારે દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, શ્રી અરવિંદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને એ કોટિના બીજા અનેક મહામના પુરુષોએ પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિનું પુનર્શોધન કર્યું. આમ, ભારતીય સંસ્કૃતિ વધુ વ્યાપક, વધુ ઉદાર અને વધુ સમન્વિત બનીને બહાર આવી. અન્ય ધર્મો અને સંસ્કૃતિઓ પરત્વે સહિષ્ણુતા તો એમાં છે જ, પણ એમાંનાં શ્રેયસ્કર તત્ત્વો સમાવી લેવાની તેનામાં તત્પરતા છે. ‘અમને સર્વ દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ, આ વિશ્વ માનવજાતિ માટે એક માળો બની રહો, આપણે સૌ સાથે મળીને જીવીએ’ એવા શિવસંકલ્પો વેદકાલીન ઋષિઓએ વ્યક્ત કર્યા હતા અને આપણી સંસ્કૃતિમાં સતત તેનો મહિમા થયો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદોના મંત્રોમાં વૈદિક ધર્મ અને વૈદિક સંસ્કૃતિના મુખ્ય પ્રેરણાસ્રોતો રહ્યા છે. એમાં ઋગ્વેદ વળી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, વિષ્ણુ, અશ્વિન, ઉષા, સવિતા, પૂષા, રુદ્ર, મિત્ર વગેરે દેવોનાં સ્તોત્રો મોટો ભાગ રોકે છે. એ દરેક દેવતાના વર્ણનમાં ઉદાત્ત અને ભવ્ય કલ્પનાનો યોગ છે. ગહનગંભીર દર્શન અને અલૌકિક આનંદ આપતી કવિતાનો સુભગ સમન્વય છે. એ મંત્રોના અર્થઘટન કે રહસ્યદર્શનની બાબતમાં વિદ્વાનો વચ્ચે મતમતાંતરોય ઓછાં નથી. પણ એટલું તો સ્પષ્ટ છે કે વેદકાલીન ઋષિઓ માનવજીવનના પરમ કલ્યાણની સતત ઝંખના કરે છે. આ જગતમાં સમૃદ્ધિ શ્રી શક્તિ જ્ઞાન અને સદાચાર માટે તે પ્રાર્થના કરે છે, પણ તેમની દૃષ્ટિ વિશ્વજીવનના ગહનતમ ઋત અને સત્ય પર મંડાયેલી છે. પ્રસિદ્ધ ગાયત્રીમંત્રમાં એવા ઋત અને સત્યનું દર્શન કરનારી પરમ પ્રજ્ઞા માટેની પ્રાર્થના છે. અંધકારમાંથી પ્રકાશમાં, અસત્યમાંથી સત્યમાં અને મર્ત્યલોકમાંથી અમૃતમાં જવાની ગહનતમ ઝંખના જુદી જુદી રીતે રજૂ થઈ છે. એક રીતે માનવીના માનવ્યમાં દિવ્યતાનું અનુસંધાન તેઓ સ્થાપી આપે છે. સીમિત માનવજીવનને અનંત, અસીમ અને અમૃતતત્ત્વમાં સહભાગી બનાવવાની દૃષ્ટિ એમાં છે. જે પૂર્ણ પુરુષ છે તે આ જગતના જડચેતન પદાર્થો, વ્યક્તિઓમાં માત્ર એક ચતુર્થાંશ જ છે, એને અતિક્રમીને તે વ્યાપી રહ્યો છે. પરમ પુરુષનું આ રીતે વિશ્વમાં અંતર્હિત હોવું અને છતાં તેને અતિક્રમી જવું આ દર્શન ભારતીય સંસ્કૃતિમાં વ્યાપકપણે સ્વીકાર પામ્યું છે. વળી વેદકાલીન ઋષિઓએ આ વિશ્વજીવનની ઘટનામાં અતિ સૂક્ષ્મ રૂપે યજ્ઞનું ચક્ર નિહાળ્યું હતું, જે પછીથી ગીતા અને પુરાણોમાં જુદી જુદી રીતે રજૂ થયું. વેદોના મંત્રોમાં જ ખરેખર તો, અનેક દેવતાઓનાં સ્તોત્રો છતાં આખાય વિશ્વમાં સર્વવ્યાપી એવા એક પરમ પુરુષની ઝંખના છતી થઈ છે. અને માનવવ્યક્તિમાં રહેલો અંશ એનો જ આવિષ્કાર છે, આ એક જ પરમ તત્ત્વ જુદી જુદી રીતે, જુદા જુદા રૂપે વિલસી રહ્યું છે, અને વિશ્વજીવનમાં મૂળભૂત રીતે એકતા, અભેદ અને અખિલાઈ છે. એ દર્શન એ તબક્કે જ વિકસી રહ્યું હતું. પછીથી ઉપનિષદોમાં બહ્મવિદ્યાનો અતિ ગહન અને સૂક્ષ્મ સ્તરેથી તાત્ત્વિક વિચારવિકાસ થયો. વેદોમાં જે પરમ પ્રેરણારૂપ સત્યો પ્રગટ થયાં હતાં એ વિશે ઉપનિષદના ઋષિઓ તાત્ત્વિક ચિંતન કરવા પ્રેરાયા. એમાં ક્રમશઃ વિશ્વનિર્માણમીમાંસા ઈશ્વરવિદ્યા અને મનોવૈજ્ઞાનિક દર્શન વિકસ્યાં છે. આત્મજ્ઞાન એ જ વ્યક્તિના પરમ શ્રેયનો માર્ગ છે એમ એમાં કહેવાયું છે. શ્રીમદ્‌ ગીતામાં ઉપનિષદોનાં ભિન્ન ભિન્ન દર્શનોનું એક વ્યાપક અને સર્વસમન્વિત એવું ભવ્ય ઉદ્‌ગાન છે. જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મ ચારેય માર્ગો એમાં ઉદાર દૃષ્ટિએ સમાવી લેવાયા છે. વિભૂતિયોગ અને વિશ્વરૂપદર્શનયોગમાં ગીતા વિરલ કવિત્વની ઊંચાઈને પહોંચે છે. આ ગીતાદર્શન આધુનિક યુગના બધા જ ચિંતકો માટે મહાન પ્રેરણારૂપ બન્યું છે. ગાંધીજી જેવા કર્મનિષ્ઠ રાષ્ટ્રપુરુષ માટે તો એ ક્ષણેક્ષણનો પ્રેરણાદાયી ગ્રંથ રહ્યો છે. રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો ભારતીય સાહિત્યનો અમર વારસો છે, અને બંને ભારતીય સંસ્કૃતિને આગવીઆગવી રીતે રજૂ કરે છે. રામાયણની કથાવસ્તુ પ્રમાણમાં સાદીસરળ છે, અને કુટુંબ અને રાજ્યશાસનની ઉદાત્ત ભાવનાઓ અને એષણાઓનું એમાં નિરૂપણ છે. રામ અને સીતાનું દાંપત્ય એક પૂર્ણ જીવનનો આદર્શ રજૂ કરે છે. અને આ મહાકાવ્યની ઉદાત્ત ભાવનાઓ આ દેશની વિશાળ સામાન્ય જનતાના હૃદયને ગાઢપણે કેળવતી રહી છે. મહાભારતમાં વિશાળ કુરુવંશમાં બે કુટુંબો કૌરવો-પાંડવોના સંઘર્ષની ભવ્ય કરુણ કથા છે. એમાં મહાભારતના યુદ્ધની દારુણ કથા કેન્દ્રમાં છે. ભગવાન વ્યાસે એમાં તત્કાલીન વિકસેલા સમાજવિચાર, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરે વિષયોને સર્વગ્રાહી રીતે સમાવી લીધા છે. એ ગાળામાં અને પછીથી જે પુરાણ સાહિત્ય રચાયું તેમાં વેદઉપનિષદોમાં રજૂ થયેલી ધર્મવિચારણાના મુક્તિ, સદાચાર અને કર્મકાંડના ખ્યાલો ઘણુંખરું રૂપકગ્રંથિઓ રૂપે રજૂ થયા. એમાં શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા તો કૃષ્ણભક્તિની પરંપરામાં મુખ્ય પ્રેરણાગ્રંથ બની રહ્યો. બંગાળના કવિ જયદેવ અને ચૈતન્ય, અસમના કવિ શંકરદેવ, દક્ષિણના અલ્વારો અને આચાર્યો અને અન્ય પ્રાંતોના ભક્તોએ પ્રેમલક્ષણાભક્તિનો આગવીઆગવી રીતે અંગીકાર કર્યો. મહાન ભક્તકવિ તુલસીદાસે વિરલ રામચરિતમાનસની રચના કરી. એ ગાળામાં નાનક, કબીર, રૈદાસ, સૂરદાસ, મીરાં, નરસિંહ, જ્ઞાનદેવ, તુકારામ આદિ સંતોએ આગવીઆગવી રીતે ભક્તિભાવનાં પદો રચ્યાં. એમાં રહસ્યવાદની ધારાનું સાહિત્ય મળી આવશે. ઈ.સ.પૂર્વે પાંચમી સદીમાં મહાવીર અને બુદ્ધ ભગવાને અનુક્રમે જૈન અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. તત્કાલીન બ્રાહ્મણધર્મના આચારવિચારો સામેની પ્રતિક્રિયા રૂપે એ બે સંપ્રદાયો જન્મ્યા. યજ્ઞની હિંસા અને કર્મકાંડના સ્થૂળ માર્ગની સામે એમાં અહિંસા, કરુણા, પ્રેમ, ત્યાગ જેવાં પરમ મૂલ્યોની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી. એ પૈકી બૌદ્ધ ધર્મ સમય જતાં આ દેશમાં સંકોડાતો રહ્યો, જ્યારે જૈન ધર્મ ઠીક ઠીક વિસ્તૃત બન્યો. નોંધવા જેવું એ છે કે જૈન અને બૌદ્ધ દર્શનથી પ્રેરિત અને તેના વિશિષ્ટ વિચારો-સંસ્કારોથી મંડિત ચિત્રશિલ્પ આદિ કળાઓ સમગ્ર ભારતીય કળાજગતમાં આગવું સ્થાન લે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં ધર્મ અને નીતિબોધના સાહિત્યની સાથોસાથ રસલક્ષી સાહિત્યની સમૃદ્ધ પરંપરા વિકસી છે. એમાં મહાકવિ કાલિદાસનું જગપ્રસિદ્ધ નાટક ‘અભિજ્ઞાન શાકુંતલ’ અને મહાકાવ્યની કોટિની તેમની કૃતિઓ ‘કુમારસંભવ’ અને ‘રઘુવંશ’, ભવભૂતિનું ‘ઉત્તરરામચરિતમ્‌’ આદિ કૃતિઓ ખાસ ઉલ્લેખનીય છે. વળી, હિંદી, બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ આદિ ભાષાઓના મધ્યકાલીન સાહિત્યમાંયે કેટલુંક આગવાપણું છતાં પુરાણોની સામગ્રી પ્રતીકો વિચારતત્ત્વો અને વિધિવિધાનો બાબતમાં ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સાથે માર્મિક અનુસંધાન ધરાવે છે. આધુનિક યુગમાં પુનર્જાગૃતિનાં સંચલનો સાથે એમાં પુનર્શોધન અને નવાં અર્થઘટનો આરંભાયાં છે. એમાં critical inquiry છે, બૌદ્ધિક અભિગમ છે. પણ વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત જેવા મૂળ સ્રોતો સાથેનું અનુસંધાન અતૂટ છે. આપણા ભાવિ સમાજના વિકાસમાં એ સંસ્કૃતિએ વિકસાવેલાં શાશ્વત મૂલ્યો એટલાં જ ઉપકારક છે. રવીન્દ્રનાથ, ગાંધીજી અને શ્રી અરવિંદના જીવનદર્શનમાં એનો કેવો મંગલ વિનિયોગ થયો છે તેની ઝાંખી માત્રથી આપણે એની પ્રતીતિ કરીશું.