કળા, સાહિત્ય અને વિવેચન/વિવેચનની પદ્ધતિઓ

વિવેચનની પદ્વતિઓ

કૃતિવિવેચનની ભિન્નભિન્ન પદ્ધતિઓના ઉદ્‌ભવવિકાસ લક્ષમાં લેતાં અંગ્રેજી વિવેચનમાં, અને એકંદરે સમગ્ર પાશ્ચાત્ય વિવેચનમાં, બે સ્પષ્ટ તબક્કાઓ આંકી શકાય છે. એમાં પહેલા તબક્કાના આરંભ વિશે ચોક્કસ સમય નક્કી કરવાનું મુશ્કેલ હોય તો પણ આ સદીના આરંભે એ પૂરો થતો હોવાનું કહી શકાય. એ ગાળામાં ઘણું કરીને પરંપરાગત ઢાંચાનાં કૃતિવિવેચનો લખાતાં રહ્યાં છે અને એની પાછળ પરંપરાગત સાહિત્યવિચારણાની ભૂમિકા પડેલી છે. બીજો તબક્કો આ સદીના આરંભથી શરૂ થયો છે. પશ્ચિમના વિદ્યાજગતમાં આધુનિક ભાષાવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, માનવનૃવંશશાસ્ત્ર, પુરાણમીમાંસા, ફ્રોય્‌ડનો મનોવિશ્લેષણવાદ, માર્ક્સવાદ, ફિનોમિનોલોજી, સંરચનાવાદ, અનુસંરચનાવાદ, નવ્ય ઇતિહાસવાદ, નારીદૃષ્ટિવાદ આદિ ક્ષેત્રોમાં વિભિન્ન વિચારધારાઓના જન્મ સાથે સાહિત્યસિદ્ધાંતમાંય નવા નવા વિચારો ઊપસતા ગયા, તે સાથે સાહિત્યકૃતિના અધ્યયન-વિવેચનમાં પણ નવી નવી પદ્ધતિઓ આકાર લેતી ગઈ. વિદ્યાજગતમાં અનેક વિષયની જુદી જુદી વિચારધારાઓ પરસ્પર નિકટ આવી પરસ્પરને પ્રભાવિત કરતી રહી તેથી વળી સાહિત્યની સિદ્ધાંતચર્ચામાં પરસ્પર ભિન્ન દિશાનાં દૃષ્ટિબિંદુઓ વિકસતાં ગયાં. એટલે પરંપરાગત અને આધુનિક તબક્કાના અસંખ્ય અભિગમો અને પદ્ધતિઓ લક્ષમાં લેતાં તેની સંખ્યા નિશ્ચિત કરવાનું મુશ્કેલ બન્યું છે. આગલી સદીઓના પરંપરાગત માળખાનાં કૃતિવિવેચનોનું નિકટતાથી અવલોકન કરતાં જણાશે કે એમાં એના વિવેચકોનો ઉપક્રમ ચુસ્તપણે આ કે તે કોઈ એક જ પદ્ધતિને અનુસરવાનો નહોતો. પ્રસ્તુત સાહિત્યકૃતિના વિવેચનમાં, તેના ચોક્કસ સાહિત્યિક સ્વરૂપ-(લિટરરી જેનર)નાં પરંપરાગત લક્ષણોની દૃષ્ટિએ તપાસ, કર્તાના જીવનપ્રસંગો અને ચારિત્ર્યની વિગતો, યુગનાં પ્રેરક અને પ્રભાવક બળો, કૃતિના વર્ણ્યવિષયોના મૂળ સ્રોતો, પાઠના સંશોધનના મુદ્દા, મુખ્યગૌણ પાત્રોનું સ્વભાવદર્શન, વસ્તુસંયોજન, શૈલી, પદ્યબંધ, કૃતિનો નૈતિક પ્રભાવ આદિ મુદ્દાઓનું યથાવકાશ વિવેચન હાથ ધરાતું. કૃતિના નાનામોટા ગુણદોષોની નોંધ લઈ વિવેચક સમગ્રપણે કૃતિનું મૂલ્યાંકન રજૂ કરવા પ્રેરાતો. કૃતિનાં રસલક્ષી તત્ત્વોની પ્રસંગે માર્મિક ઓળખ પણ તે આપતો, પણ વિશેષતઃ કૃતિ અને કર્તાને લગતા સાક્ષરી પ્રશ્નોમાં તેનું ધ્યાન રોકાયેલું રહેતું. કૃતિને તેના વિશાળ માનવતાવાદી ચિંતનના સંદર્ભે પણ અવલોકવામાં આવતી. એ સાથે એ વિવેચનમાં પ્રગટપણે કે પ્રચ્છન્નપણે માનવીય મૂલ્યોની સમીક્ષા સાથે, અને વ્યાપકપણે સાંસ્કૃતિક સાહિત્યિક પરંપરાઓ સાથે જીવંત અને સઘન અનુસંધાન રહેતું. કૃતિના આકાર, શૈલી કે ભાષાની ચર્ચા એને અનુષંગે જ થતી. પરંપરાગત કૃતિવિવેચનોમાં વત્તેઓછે અંશે સંયોજિત થઈને પ્રવર્તતી પદ્ધતિઓ/અભિગમો અને તેની મુખ્ય ભૂમિકા અહીં સંક્ષેપમાં રજૂ કરી છે :

સાહિત્યસ્વરૂપલક્ષી પદ્વતિ(Generic Method) :

કૃતિવિવેચનના ઇતિહાસમાં આ પદ્ધતિ સૌથી જૂની, છેક એના આરંભકાળથી યોજાતી રહેલી દેખાય છે. એનું એક સંભવિત કારણ એ છે કે સાહિત્યની સિદ્ધાંતવિચારણામાં મુખ્ય કે પાયાનાં સ્વરૂપોની તાત્ત્વિક ચર્ચાઓ આંતરિક રીતે જોડાયેલી રહી છે. દરેક સાહિત્યમાં ખેડાતાં રહેલાં મુખ્ય કે ગૌણ સ્વરૂપોની વળી સતત બદલાતા સંદર્ભમાં નવેસરથી વ્યાખ્યાઓ કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. એટલે, વિવેચક જે કૃતિ હાથમાં લે છે તે કોઈ મહાકાવ્ય પ્રકારની રચના છે, મધ્યકાલીન ગુજરાતીનું આખ્યાન છે કે સામાજિક નવલકથા છે કે ટ્રૅજડિના વર્ગનું નાટક છે એવા સ્વરૂપલક્ષી બોધ સાથે, ઘણુંખરું અસંદિગ્ધ પણ કેટલીક વાર સંદિગ્ધ મનોદશામાં, તેનું વાચન-અધ્યયન શરૂ કરે છે. ઘણુંખરું વિવેચનપરંપરામાં પ્રસ્તુત કૃતિના સ્વરૂપ અંગે તારવી કાઢવામાં આવેલાં લક્ષણો કે ગુણધર્મોની સમજ તેને એમાં એક મુખ્ય સંદર્ભ પૂરો પાડે છે. સ્વરૂપના નિયત ગુણધર્મો કૃતિમાં તે લાગુ પાડવા પ્રેરાય છે; તેની સામે એ ગુણધર્મો જ એક ધોરણોનો ગણ (a set of norms) રચે છે. એને ધ્યાનમાં રાખીને કૃતિના અમુક ગુણદોષોનો તે નિર્ણય કરે છે. શેક્સપિયરનાં નાટકો વિશે સત્તરમી અઢારમી સદીમાં અંગ્રેજ વિવેચકોએ જે વિવેચનો લખ્યાં તેમાં સ્વરૂપવાદી અભિગમનાં જ્વલંત દૃષ્ટાંતો મળે છે. એરિસ્ટોટલે ટ્રેજડિ અને કૉમિડિ એ બંને નાટ્યપ્રકારોની આગવીઆગવી આંતરક્ષમતા જોઈ એ બંનેના વિશુદ્ધ આવિર્ભાવનો મહિમા કર્યો. શેક્સપિયરના કેટલાક વિવેચકોએ હેમ્લેટ, મેકબેથ આદિ ટ્રૅજડિઓમાં પ્રસંગે કૉમિક તત્ત્વો પ્રવેશી ગયાં હોવાની ટીકા કરી છે. વળી, એરિસ્ટોટલે નાટ્યકૃતિમાં કાર્યની એકતા સાથે સ્થળ અને કાળની એકતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, તેને નજરમાં રાખીને ટીકાકારોએ શૅક્સપિયરની કૃતિઓમાં સ્થળ અને કાળની એકતા કેટલેક અંશે સચવાઈ નથી એ રીતે દોષ બતાવ્યો. વાસ્તવમાં શૅક્સપિયર વિશેનાં આ રીતનાં વિવેચનો તો માત્ર દૃષ્ટાંતરૂપ છે. પરંપરાગત ઢાંચાનાં મોટાભાગનાં કૃતિવિવેચનો કંઈક આ રીતે જ પ્રસ્તુત સ્વરૂપ વિશેનાં રૂઢ લક્ષણો કે ધોરણોનો સ્વીકાર કરીને ચાલે છે. આ પદ્ધતિની ગંભીર મર્યાદા એ રહી છે કે પ્રતિભાશાળી સાહિત્યકાર નવી વર્ણ્યવસ્તુ કે નવી અનુભવસામગ્રી સાથે પરંપરાપ્રાપ્ત સ્વરૂપના બાહ્ય કે આંતરિક બંધારણમાં વત્તુંઓછું પરિવર્તન કરે કે જૂની રચનારીતિમાં અમુક વિચલન સાધે ત્યારેય રૂઢિચુસ્ત વિવેચકો જે તે સ્વરૂપનાં રૂઢ લક્ષણોને જ વળગી રહે છે. નવ્ય વિવેચકોએ દરેક કૃતિના અપૂર્વ અને વિશિષ્ટ રૂપનો પરમ મહિમા કર્યો, ત્યારે સ્વરૂપલક્ષી અભિગમની મૂળભૂત મર્યાદાઓ એકદમ છતી થઈ. પશ્ચિમના કેટલાક તરુણ અભ્યાસીઓ સાહિત્યસ્વરૂપ(genre)ની વિભાવના, કૃતિવિવેચનમાં ખરેખર પ્રસ્તુત બને અને ઉપયોગી નીવડે, એ દૃષ્ટિએ પુનર્વિચારણા કરી રહ્યા છે.

ચરિત્રલક્ષી પદ્વતિ(Biographical Method) :

પરંપરાગત કૃતિવિવેચનમાં આ પદ્વતિ/અભિગમ પણ વત્તેઓછે અંશે જોડાયેલી રહી છે. એની પાછળ એક સામાન્ય ધારણા એ રહી છે કે સાહિત્યકૃતિમાં રજૂ થતા વિશ્વને તેના લેખકના ચારિત્ર્ય સાથે – તેના વ્યક્તિત્વ અને તેની મનોસૃષ્ટિ સાથે – નાભિનાળ સમો સજીવ સંબંધ હોય છે. કવિ, નાટ્યકાર કે નવલકથાકાર જે રીતનું માનવીય વિશ્વ રચે છે તેમાં તેના અનુભવો, વિચારો, સંસ્કારો આદિ નિર્ણાયક ભાગ ભજવે છે. સામાજિક રાજકીય વિચારધારાઓ પણ કૃતિમાં પ્રવેશે છે. પ્રતિબદ્ધ લેખકો તો અમુક સામાજિક મૂલ્યો અને આદર્શોનું કૃતિમાં સંપ્રજ્ઞ પદ્ધતિએ નિરૂપણ કરવા પ્રવૃત્ત થાય છે. અર્થાત્‌ વ્યકિતજીવન, સમાજજીવન અને વિશ્વપ્રકૃતિ વિશેનું તેનું નિજી દર્શન કૃતિમાં સાકાર થયું હોય છે. ચરિત્રલક્ષી અભિગમ લઈને ચાલતો વિવેચક, આથી, પ્રસ્તુત કૃતિમાં તેના કર્તાના જીવનપ્રસંગો કે તેનું મનોગત જોવા પ્રેરાય છે. કૃતિના જન્મ પૂર્વે કે પછીથી કર્તાએ જે જે ચિંતનમનન કર્યું હોય તે સર્વ કૃતિના વિશ્વમાં તે શોધે છે. વિવેચક એ રીતે કૃતિમાંથી કર્તાના મનોગતમાં તેમ કર્તાના મનોગતથી કૃતિમાં આવતો જતો દેખાય છે. આપણે ત્યાં ‘સરસ્વતીચંદ્ર’ (૧-૪) વિશે લખાયેલાં કેટલાંક વિવેચનોમાં આ અભિગમ સ્પષ્ટ દેખાઈ આવે છે. એ મહાનવલમાં ગોવર્ધનરામની જે વિચારણાઓ રજૂ થઈ તેને તેમની સ્ક્રેપબૂક્ની તેમજ અન્ય જીવનમીમાંસાઓ સાથે સાંકળીને જોવાના એમાં પ્રયત્નો છે. પણ એ રીતે આ અભિગમ લેનારો વિવેચક પ્રસ્તુત કૃતિને એનું આગવું રૂપ મળ્યું છે અને ખરેખર તો એ રૂપબદ્ધ કૃતિ જ વિવેચનનો વિષય છે, કર્તાનું મનોગત નહીં, એ એક અત્યંત મહત્ત્વની હકીકતની અવગણના કરે છે. આ અભિગમની આ ઘણી ગંભીર મર્યાદા છે.

નીતિવાદી અભિગમ (Moral Approach) :

આ અભિગમ લઈને ચાલતો વિવેચક સાહિત્યકૃતિમાં રજૂ થતા માનવવૃત્તાંતોનું – તેમાંના પ્રસંગોનું, પાત્રોના ભાવજગતનું તેમ તેમનાં વાણીવર્તનોનું – સમાજમાં રૂઢ થયેલા નીતિમત્તાનાં કે સંસ્કારિતાના ખ્યાલોને આધારે મૂલ્યાંકન કરે છે. જીવનમાં આચારવિચાર અને નીતિમત્તાનાં જે ધોરણો પ્રચારમાં હોય તેને જ સીધેસીધાં કૃતિના માનવપ્રસંગોમાં અને ભાવનિરૂપણમાં લાગુ પાડવાનાં છે એમ તે માને છે. સાહિત્યાદિ કળાઓ નીતિપ્રેરક હોવી જોઈએ એમ એમાં અભિપ્રેત છે. આ ખ્યાલને વિસ્તારીને કળાકારનું અંગત જીવન પણ નીતિશુદ્ધ અને ચારિત્ર્યવાન હોવું જોઈએ એવો ખ્યાલ પ્રચલિત થયો છે. કળાકારે માનવજીવનના અભદ્ર અને અશ્લીલ ભાવોને રજૂ ન કરવા જોઈએ, એમ પણ નીતિવાદી વિવેચકો માને છે. આપણે ત્યાં ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ આદિ ગાંધીપરંપરાના તેમજ એ પરંપરાથી પ્રભાવિત થયેલા રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી આદિ ચિંતકો-વિવેચકોનાં સાહિત્યકૃતિઓ વિશેનાં લખાણોમાં તેમનો નીતિવાદી અભિગમ એકદમ ધ્યાન ખેંચે છે. પણ આ અભિગમની મોટી મર્યાદા એ છે કે સાહિત્યમાં રજૂ થતાં માનવચરિત્રોની સીધેસીધી સમાજમાં પ્રચલિત નીતિમત્તા અને સદાચારનાં ધોરણોએથી સમીક્ષા કરવામાં આવે છે. કૃતિમાં રજૂ થયેલો ભાવ, વિચાર કે કાર્ય એની સાથે સુસંગત હોય તો એ સાહિત્યકૃતિ સાચકલી અને ઊંચી એમ આ જૂથના ચિંતકો વિચારકો માને છે. પણ કૃતિને આ રીતે વ્યવહારની ભૂમિકાએ મૂકીને તપાસવા જતાં એના સર્જકના ગહનસંકુલ વિશ્વની અવગણના જ થાય છે. નીતિ-અનીતિનાં, શ્લીલ-અશ્લીલનાં તત્ત્વો સર્જકના દર્શનની અખિલાઈમાં કેટલાં અનિવાર્ય છે તે અંતે તો નિર્ણાયક પ્રશ્ન છે. પણ નીતિવાદી વિવેચકો ઘણુંખરું રૂપનિર્માણની ભૂમિકાએથી વિચારવાનું ટાળતા હોય છે.

ઐતિહાસિક અભિગમ (Historical Approach) :

પરંપરાગત વિવેચનમાં આ અભિગમ સહજ સ્વીકાર પામતો રહ્યો છે. હિપોલિટ ટેઈન, એડમંડ વિલ્સન, વુડહાઉસ, રોય હાર્વે પિયર્સ, લાયોનેલ ટ્રિલીંગ, રિચાર્ડ એલ્મન આદિ અભ્યાસીઓનાં લખાણોમાં એની મુખ્ય ભૂમિકા મળે છે. આ અભ્યાસીઓની સૌથી કેન્દ્રવર્તી સિદ્ધાંતભૂમિકા એ છે કે સાહિત્યપદાર્થ, કહો કે સાહિત્યકૃતિ, સ્વરૂપતઃ એક ઐતિહાસિક નિર્માણ છે, ઐતિહાસિક ઘટના છે. એનો કર્તા ઇતિહાસના કોઈ એક ચોક્કસ સમયખંડમાં, એના ચોક્કસ સંયોગો અને પરિબળો વચ્ચે જીવ્યો છે. એનું માનસ એ યુગની જ કોઈ વિચારધારા કે આંદોલનથી ઘડાયું છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓએ જાણ્યેઅજાણ્યેય તેની ચેતનાને સંકોરી છે. એ યુગની પરંપરાઓનો પ્રભાવ પણ તેણે ઝીલ્યો છે. કૃતિમાં રજૂ થતા વર્ણ્યવિષયો (themes), તેના પ્રેરણાસ્રોતો, તેના આકારપ્રકાર, ભાષાશૈલી, રચનાપ્રણાલી, વિશ્વદર્શન, સૌંદર્યભાવના એમ સર્વ સ્તરે ઐતિહાસિક તત્ત્વો પ્રગટપણે કે પ્રચ્છન્નપણે સક્રિય રહ્યાં હોય છે એ રીતે સાહિત્યકૃતિ એના ચોક્કસ ઐતિહાસિક સંયોગો પરિબળોના મિલનબિંદુએ સંભવી હોય છે. વર્તમાનની ક્ષણ પર ઊભેલા વાચક માટે એ એક ઐતિહાસિક અસ્તિત્વ છે : વર્તમાન જેને સરળ રીતે ભેદી ન શકે એવું એ ઐતિહાસિક અસ્તિત્વ છે. આ ભૂમિકાએથી વિચારતાં પ્રસ્તુત કૃતિનો ‘અર્થ’ તેના શબ્દપાઠમાં નહિ, કૃતિનિર્માણમાં પ્રેરક અને વિધાયક બની રહેલાં સર્વ બહિર્ગત તત્ત્વોની સમર્પકતામાં રહ્યો છે એવા તાર્કિક તારણ પર એ વિવેચકો આવ્યા છે. આ અભિગમથી વિવેચન કરતો વિવેચક, આથી, કૃતિ અને તેનો કર્તા, તેના સંયોગો, સ્રોતો આદિ વિષયોમાં શક્ય તેટલું સર્વગ્રાહી શોધન કરે છે. કૃતિની મૂળ હસ્તપ્રતની શ્રદ્ધેયતા, પાઠનિર્ણય, વર્ણ્યવસ્તુના મૂળ સ્રોતો, કર્તાનું માનસઘડતર, તેની સાહિત્યવિભાવના, પરંપરાઓ સાથે તેનું અનુસંધાન, આકારપ્રકારની પ્રણાલી એમ મૂળ કૃતિ નિમિત્તે સંબંધિત સર્વ પાસાંઓનું શોધનઅધ્યયન એમાં મહત્ત્વની પ્રવૃત્તિ બની રહે છે. આપણી પ્રાચીન કે મધ્યકાલીન કૃતિઓનાં વિવેચનમાં સામાન્ય રીતે આ ઐતિહાસિક પદ્ધતિ સ્વીકારાતી રહી છે. પણ આ પદ્ધતિની મર્યાદા એ સંભવે છે કે કૃતિનો ‘અર્થ’ કૃતિમાં જ સમાહિત નહીં, તેનાં પ્રેરક વિધાયક બળોમાં વહેંચાઈ જાય છે. એક રીતે કૃતિનો ‘પૂર્ણ અર્થ’ એ એક પ્રાપ્તવ્ય માત્ર છે. બાહ્ય પરિબળો કે સમર્પક તત્ત્વોનો જેટલો વધુ પરિચય મળે તેટલા પ્રમાણમાં તેનો ‘અર્થ’ વધુ પ્રકાશિત થાય.

સૌંદર્યવાદી/પ્રભાવવાદી અભિગમ (Aesthetic/Impressionistic Approach) :

પાશ્ચાત્ય જગતમાં ગઈ સદીમાં સૌંદર્યવાદ(Aestheticism)નું એક આંદોલન જન્મ્યું, જેને પરિણામે કળા ખાતર કળાનો વાદ જન્મ્યો, અને સૌંદર્યવાદી વિવેચનની એક ધારાય જન્મી, અંગ્રેજીમાં ઑસ્કાર વાય્‌લ્ડ અને વૉલ્ટર પેટર જેવા સૌંદર્યવાદીઓએ એ સમયના સાહિત્યવિવેચનમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રભાવ નીચે જે સાક્ષરી વલણો પ્રવેશી ચૂક્યાં હતાં તેની સામે તીવ્ર પ્રતિક્રિયા દર્શાવી. કળા માત્ર સૌંદર્યનું સર્જન છે અને સૌંદર્યજન્ય આનંદ એ જ એનું પરમ પ્રયોજન છે એમ તેમણે કહ્યું. આ વિચારને સુસંગત રહીને તેમણે સૌંદર્યવાદી કે પ્રભાવવાદી વિવેચનનું નિર્માણ કર્યું. રસલક્ષી કૃતિ વાંચતાં વિવેચકના ચિત્તમાં તેનો જે સમગ્રલક્ષી સંસ્કાર (કે પ્રભાવ) અંકિત થાય છે, જે અવર્ણ્ય આનંદ અનુભવાય છે, તેનો જ તેણે જીવંત સૌંદર્યલક્ષી પરિચય આપવાનો છે. કૃતિમાં વર્ણવાયેલા ભાવો, વિચારો, ચિત્રાંકનો જે કંઈ તેને ઊંડે ઊંડે સ્પર્શી ગયાં હોય તેની તેણે પૂરી મુક્તતાથી, કશાય અવરોધ વિના, અભિવ્યક્તિ આપવાની છે. પાશ્ચાત્ય વિવેચનના ઇતિહાસમાં સૌંદર્યવાદની ઘટના એ રીતે અપૂર્વ છે કે સાહિત્યના રમણીય અંશો પર જ એની દૃષ્ટિ મંડાયેલી છે. પણ આ અભિગમ લઈને ચાલતા વિવેચકોએ કૃતિના સૌંદર્યાત્મક પ્રભાવના વર્ણનમાં વારંવાર અંગત લાગણીઓ, સ્મૃતિસંવેદનો, સાહચર્યો કે વૈયક્તિક ઝંખનાઓના જગતમાં મનસ્વી વિહાર કરવાનું વલણ કેળવ્યું. પરિણામે મૂળ કૃતિની સામે સાવ નોખું રંગરાગી ભાવજગત રચાતું રહ્યું. આ અભિગમની ગંભીર મર્યાદા એ રીતે જન્મી આવી. પાછળથી નવ્ય વિવેચકોએ કૃતિની એક સ્વતંત્ર, સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત વિશ્વ તરીકે પ્રતિષ્ઠા કરી અને તેની નિજી તાત્ત્વિક સત્તાનો મહિમા કર્યો તેમાં એ મર્યાદા ઓળંગી જવાનો પ્રયત્ન હતો. પાશ્ચાત્ય વિવેચનમાં છેલ્લાં સોદોઢસો વરસો દરમ્યાન જુદી જુદી માનવવિદ્યાઓ અને વિચારધારાઓની પ્રેરણા અને પ્રભાવ નીચે અનેક નવપ્રસ્થાનો થયાં. એમાં સિદ્ધાંતવિચારના ક્ષેત્રમાં અલગ અને સ્વતંત્ર ભૂમિકાએથી તેમ જુદી જુદી વિચારધારાઓની સમન્વિત ભૂમિકાએથી વિવિધ દિશાઓમાં વિકાસક્રમો જોવા મળ્યા. પરંપરાગત સિદ્ધાંતવિવેચન વિશેષતઃ આદેશાત્મક રહ્યું છે : આ સદીનું આધુનિક લેખાતું સિદ્ધાંતવિવેચન, થોડાક અપવાદ રૂપ અભિગમો બાદ કરતાં, મુખ્યત્વે વર્ણનાત્મક રહ્યું છે. દરેક સાહિત્યવિચારને એનું આગવું વિભાવનાત્મક માળખું પ્રાપ્ત થયું છે, એની આગવી પરિભાષા ઊભી થઈ છે. ઘણીએક સાહિત્યવિચારણામાં સાહિત્યકૃતિ વિશેના પરંપરાગત ખ્યાલને સ્થાને ‘પાઠ’ - (text)નો ખ્યાલ પ્રતિષ્ઠિત થયો છે. કૃતિવિવેચનમાં ગુણદોષનો નિર્ણય અને મૂલ્યાંકન એ સાવ ગૌણ અને આગંતુક બાબત બને છે. કૃતિના ‘અર્થ’ની અંતહીન રમણાની ઓળખ કરવામાં કે તેનાં અર્થઘટનો વિકસાવવામાં આધુનિક વિવેચનને વધુ રસ છે. આ સદીમાં વિકસેલા મહત્ત્વના અભિગમોનો સંક્ષિપ્ત પરિચય અહીં કરીશું.

સમાજશાસ્ત્રીય – સાંસ્કૃતિક અભિગમ (Socio-Cultural Approach):

સાહિત્ય અને સમાજ વચ્ચે પ્રગટપણે કે ગર્ભિત રીતે, કોઈ સ્તરે, સંબંધ રહ્યો જ છે, એ હકીકતનો સદીઓથી સાહિત્યકારો અને વિવેચકો દ્વારા સ્વીકાર થતો રહેલો છે. પણ સાહિત્યના વિવેચનમાં સમાજશાસ્ત્રીય-સાંસ્કૃતિક અભિગમની એક સ્વતંત્ર અને અલગ અભિગમ લેખે પ્રાણપ્રતિષ્ઠા ખાસ તો આ સદીમાં થઈ. અઢારમી-ઓગણીસમી સદીમાં સમાજશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર અને સંસ્કૃતિચિંતન જેવી ગાઢ રીતે સંકળાયેલી વિદ્યાશાખાઓમાં વૈજ્ઞાનિક વૃત્તિથી જે વિચારણાઓ આરંભાઈ તેમાં એના મુખ્ય પ્રેરણાસ્રોતો રહ્યા છે. ખાસ કરીને વિકો, મદામ દ સ્ટીલ, ટેઈન, ડિલ્થી, ફેઝર, ટાય્લર, મેથ્યુ આર્નલ્ડ, માકર્‌સ, એંગલ્સ આદિની વિચારણાઓ એમાં વિશેષ પ્રેરક બની છે. સિદ્ધાંતવિચારમાં તેમ કૃતિવિવેચનમાં સમાજશાસ્ત્રીય અને સાંસ્કૃતિક પાસાંઓ અનિવાર્યપણે જોડાયેલાં રહ્યાં છે. જોકે ‘સમાજ’ અને ‘સંસ્કૃતિ’ એ બે વિભાવનાઓ એકરૂપ નથી. ‘સમાજ’ સંજ્ઞા વિશેષતઃ સમાજનું બંધારણ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સામાજિક ઘટકો વચ્ચેની સતત ચાલતી ક્રિયાપ્રતિક્રિયાઓ અને ગતિશીલ સંબંધો એ પાસાંઓ સૂચવે છે. તો ‘સંસ્કૃતિ’ સંજ્ઞાથી સમાજની વિશિષ્ટ જીવનરીતિ – તેની આગવી વિદ્યાઓ, કળાઓ, હુન્નરો, સાધનસરંજામ, ધર્મ અને અધ્યાત્મ વિષયક માન્યતાઓ, કર્મકાંડો, રિવાજો, આચારવિચારનાં ધોરણો, કેળવણી, પરંપરા આદિ જે કંઈ બાબતો તેની વિશિષ્ટ મુદ્રા ઉપસાવે છે તે સમગ્ર જીવનશૈલી અભિપ્રેત છે. ‘સંસ્કૃતિ’ અને ‘સમાજ’ બંને દેખીતી રીતે પરસ્પર ગાઢ રીતે સંકળાયેલાં છે. જોકે ‘સંસ્કૃતિ’ કેટલેક અંશે સ્વાયત્તપણે પ્રવર્તે છે, તોપણ એકબીજા પર નિર્ભર છે. કોઈ એકનો વિચાર કરતાં અનિવાર્યપણે અન્યને લક્ષમાં લેવું જ પડે છે. એટલે વિવેચનમાં બંનેય અભિગમોનો સંયોજિત રૂપે વિચાર કરવામાં મોટું ઔચિત્ય રહ્યું છે. અહીં એય નોંધવું જોઈએ કે પરંપરાગત ઐતિહાસિક અભિગમ અને આ સદીમાં વિકસતો રહેલો માર્ક્સવાદી અભિગમ પણ વત્તેઓછે અંશે એ બંને સાથે સંકળાયેલા રહ્યા છે. આરંભના તબક્કામાં સમાજશાસ્ત્રીય/સાંસ્કૃતિક અભિગમ લઈને ચાલનારા વિવેચકો સાહિત્યકૃતિઓને પોતાના ક્ષેત્રીય અધ્યયન અર્થે દસ્તાવેજ માત્ર લેખવતા રહ્યા. કળાકૃતિ એ સર્જનાત્મક કલ્પનાનું વિશિષ્ટ કોટિનું નિર્માણ છે, સ્વતંત્ર અને સ્વાયત્ત એવું વિશ્વ છે, એ હકીકતની તેઓ અવગણના કરતા હતા. વિવેચનાત્મક તપાસના તેમના પ્રશ્નો જ બહિર્લક્ષી અને ઉપરછલ્લા હતા. કર્તા સમાજના કયા વર્ગ કે સ્તરમાંથી આવે છે, કયાં વર્ગહિતો તે આગળ ધરે છે, કયા વાચકસમૂહને નજરમાં રાખીને લખે છે, કયાં સામાજિક/સાંસ્કૃતિક મૂલ્યોનું સંક્રમણ કરવા ચાહે છે, કામદાર વર્ગમાં કયું સાહિત્ય વંચાય છે, પુસ્તકોનાં છાપકામ, પ્રકાશન અને વહેંચણીની શી વ્યવસ્થા છે, ભૌતિક ઉત્પાદન અને આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ સાથે તેને કેવો સંબંધ છે વગેરે પ્રશ્નોની આસપાસ ચાલતું વિવેચન, દેખીતી રીતે જ, કળાકૃતિનાં બાહ્ય પાસાંઓને જ લક્ષતું હતું. કૃતિમાંથી ઉપલક સામગ્રી સીધેસીધી ઉપાડી લઈ તેને સમાજશાસ્ત્રીય વિચારણાની આગવી કોટિઓ(categories) અને આગવી વિભાવનાઓમાં ઘટાવવી એ મુખ્ય પ્રવૃત્તિ બની રહી. પણ આરંભકાળનો આ રીતનો સમાજશાસ્ત્રીય/સાંસ્કૃતિક અભિગમ સાહિત્યકળાના પક્ષકાર વિવેચકો અભ્યાસીઓને માન્ય નહોતો. ગોલ્ડમાન, યૉસ, બાખ્તિન આદિ અભ્યાસીઓએ આથી, સાહિત્યકૃતિની સ્વતંત્ર વિશ્વ લેખે પ્રતિષ્ઠા કરી તેની રૂપરચનામાં સમાજશાસ્ત્રીય/સાંસ્કૃતિક તત્ત્વો કેવા રૂપે પ્રવેશે છે, તેની સંરચનામાં કેવી રીતે નિર્ધારક બને છે અને ખાસ તો, કૃતિની રૂપરચનાને તેના બાહ્ય સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભો સાથે જુદાં જુદાં સ્તરોએ કેવા સંકુલ સંબંધો રહ્યા છે તેની વિચારણા કરી. કૃતિની ભાષા, આઇડિઑલૉજી, સંરચનાવાદ અને ઐતિહાસિકતાવાદ એ સર્વની વૈચારિક ભૂમિકાઓ તેમાં સમર્પક બની. બાખ્તિન એમ કહેવા ચાહે છે કે સમાજશાસ્ત્રીય/સાંસ્કૃતિક અભિગમ લેનાર વિવેચકે આઇડિઑલૉજી – સ્વયં એક સામાજિક-સાંસ્કૃતિક વિચારતંત્ર – અને સાહિત્યવિશ્વ એ બે વચ્ચેના પ્રાણભૂત અને સજીવ સંબંધોનું વિશ્લેષણ કરવું જોઈએ. જે રચનાપ્રક્રિયા દ્વારા આઇડિઑલૉજીનું કાવ્યમાં રૂપાંતર થાય તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવી જોઈએ. યોસે જે રિસેપ્શન સિદ્ધાંત વિકસાવ્યો તેમાં કૃતિનો ‘અર્થ’ સમાજ અને ઇતિહાસની અંતર્ગત વિસ્તર્યો હતો. કૃતિનું રસકીય મૂલ્ય કોઈ એક ભાવકની ચિત્તદશાની સિદ્ધિ નહીં પણ ઐતિહાસિક, સામાજિક/સાંસ્કૃતિક તત્ત્વોની સંયોજિત ઉપલબ્ધિ છે. બાખ્તિનની વિચારણાને યોસમાં એક વિશેષ ઐતિહાસિક પરિમાણ પ્રાપ્ત થાય છે. ગોલ્ડમાનના જેનેટિક સંરચનાવાદમાં વ્યક્તિચેતનાનો કેન્દ્રસ્થાને સ્વીકાર છે. સાહિત્યકૃતિ એની એકીભૂત અને સંગતિયુક્ત રૂપરચનામાં ચોક્કસ વિશ્વદર્શન રજૂ કરે છે. સાહિત્યકૃતિની અંતર્ગત રહેલાં તત્ત્વો, એની સમગ્ર સંરચના એટલે અંશે અર્થપૂર્ણ સંભવે, જેટલે અંશે એના સામાજિક ઐતિહાસિક ઉદ્‌ભવરૂપે અને સક્રિય માનવચેતના સાથેના સંબંધોરૂપે એ પ્રગટ થાય. કૃતિના અર્થબોધમાં, ખરેખર તો, સમગ્ર સંસ્કૃતિના સંદર્ભે, તેનું અર્થઘટન જ નિહિત રહ્યું છે. મહાન સાહિત્યકૃતિઓ કોઈ એકાકી વ્યક્તિચેતના નહીં, કોઈ એક સમાજ કે જૂથની શક્ય એટલી મહત્તમ ચેતના વ્યક્ત કરે છે. કૃતિવિવેચનમાં, આથી, છેક ભાષાસંરચનાની ભૂમિકાએથી આઇડિઑલૉજીના કળાત્મક રૂપાંતરણની પ્રક્રિયા તપાસવામાં આવે છે.

માર્ક્‌સવાદી અભિગમો (Marxist Approaches) :

માર્ક્‌સવાદ મૂળભૂત રીતે તો, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને માનવક્રાંતિ વિશેની એક મહાન વૈજ્ઞાનિક વિચારધારા છે. માર્ક્‌સની વિચારધારામાં સાહિત્યાદિ કળાઓને લગતું ચિંતન પ્રાસંગિક છે, ત્રૂટકત્રૂટક વિચારબિંદુઓ રૂપ છે. પણ માક્ર્‌સ અને એંગલ્સની એવી ત્રૂટક વિચારણાઓને સાંકળીને કે તેનું અર્થઘટન કરીને કે તેના સૂચિતાર્થો લક્ષમાં લઈને તેમના અનુયાયી ચિંતકો વિવેચકોએ આગવો આગવો સાહિત્યસિદ્ધાંત રચવાના ગંભીર ખંતભર્યા પ્રયત્નો કર્યા છે. પણ એ રીતે એમાંથી કોઈ એક વ્યાપક સંગતિપૂર્ણ સિદ્ધાંત રચાતો નથી. એ દૃષ્ટિએ માર્ક્‌સવાદી વિવેચનની કોઈ એક નિશ્ચિત સ્કૂલ બની નથી. એનું એક દેખીતું કારણ એ છે કે માર્ક્‌સવાદ સ્વયં એક જીવંત અને ગતિશીલ વિચારધારા છે અને નિરંતર બદલાતા રહેતા જગતમાં એ પણ પરિવર્તન માગે છે. બીજું, માર્ક્‌સવાદી વિચારધારામાં સામાજિક ક્રાંતિ માટેનો આદેશ છે. એથી સાહિત્યના સ્વરૂપ, ઉદ્દેશ અને રીતિ પરત્વે જુદી જુદી ભૂમિકાએથી ચિંતન થયું છે. માક્ર્‌સવાદી વિવેચકોનો મોટો વર્ગ એમ માનતો રહ્યો છે કે માર્ક્‌સવાદી વિવેચને સાહિત્યક્ષેત્રની બધી જ પ્રચલિત પદ્ધતિઓથી આગવી ભૂમિકા અપનાવી છે, આગવું ‘મિશન’ સ્વીકાર્યું છે. પાશ્ચાત્ય તત્ત્વચિંતનમાં હેગલ અને તેમના અનુયાયીઓએ વિશ્વરચના વિશે જે મૂળભૂત ધારણા સ્વીકારી હતી તેને માર્ક્‌સે પોતાના દર્શનમાં ઉલટાવી નાખી છે. હેગલના મતે આ વિશ્વ કોઈ પરમ ચિતિતત્ત્વથી નિયંત્રિત છે : સમગ્ર ઐતિહાસિક ઘટના એ પ્રજ્ઞામય તત્ત્વનાં ઋતોનું ક્રમશઃ દ્વન્દ્વાત્મક પ્રક્રિયા રૂપ ઉદ્‌ઘાટન છે. આ સ્થૂળ ભૌતિક વિશ્વ એ પરમ ચિતિનું મૂર્ત વ્યકત રૂપ છે. આ મૂળ ભૂમિકા ઉથલાવીને માક્ર્‌સ એમ સ્થાપવા ચાહે છે કે આ વિશ્વની ભૌતિક સત્તા જ પ્રાથમિક અને મૂળભૂત છે. ચેતનાનાં અપારવિધ આવિષ્કરણો એ ભૌતિક જગતનાં ઘટકો વચ્ચેની દ્વન્દ્વાત્મક પ્રક્રિયાનું પરિણામ છે. આ ભૂમિકાએથી તેમણે એમ દર્શાવ્યું કે ભૌતિક-આર્થિક માળખું અને એની સાથે જોડાયેલું સામાજિક બંધારણ એ મૂળાધાર(the base)રૂપ છે, જ્યારે ધર્મ, નીતિ, કાનૂન, સાહિત્યાદિ કળાઓ – જેને માનસિક વિચારવિશ્વો કહી શકાય – તે આ મૂળાધાર પર નિર્ભર super-structures માત્ર છે. આ ભૌતિક-આર્થિક માળખું અને સામાજિક બંધારણ જ super-structureની કોટિનાં ચૈતસિક રૂપોને નિર્ધારિત કરી આપે છે. જોકે કળા અને તત્ત્વજ્ઞાન એ બે ચૈતસિક વિશ્વો ‘સાપેક્ષ દૃષ્ટિએ સ્વાયત્ત’ છે અને માનવીય સત્ત્વને બદલી નાખવાની એમાં ક્ષમતા છે એમ માર્ક્‌સ માને છે, છતાં માર્ક્‌સપ્રેરિત વિવેચનમાં આર્થિક સામાજિક માળખાંને સાહિત્યના વિશ્વ જોડે કેવો સંબંધ છે તે વિશે તીવ્ર મતમતાંતરો જન્મ્યાં છે. માર્ક્‌સવાદી વિવેચનમાં, આથી, વિચારભેદે કેટલાયે અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. રશિયામાં ૧૯૧૭ની રાજકીય ક્રાંતિ પછી વિધિરૂપ પ્રચારમાં મુકાયેલી સમાજવાદનિષ્ઠ વાસ્તવવાદની વિચારધારા એ માર્ક્‌સવાદી વિવેચનનો એક પ્રબળ આવિષ્કાર છે. સોવિયેત લેખકોના સંઘ દ્વારા, લેનિની ક્રાંતિકારી વિચારણાઓમાંથી, ’૩૨-૩૪નાં વર્ષોમાં, રજૂ થયેલા આદેશાત્મક નિયમો એમાં મહત્ત્વનું સ્થાન લે છે. એમાં શ્રમિક મજૂર વર્ગના કલ્યાણ અર્થે પ્રતિબદ્ધતાનો આદેશ છે. પ્રગતિવાદી દૃષ્ટિનું એમાં સમર્થન છે. મજૂરસમૂહોના સામાજિક વિકાસની સંભાવનાઓ નિહાળી ઝળહળતા ભાવિની ઝાંખી રજૂ કરવાને એમાં અનુરોધ છે. આ વિચારધારાથી પ્રેરિત કૃતિવિવેચનોમાં, દેખીતી રીતે જ, પ્રચારતત્ત્વનો મહિમા રહ્યો છે. માક્ર્‌સની વિચારણામાંથી પ્રેરણા લઈ સ્વતંત્ર રીતે, આગવી આગવી વૈચારિક ભૂમિકાએથી વિવેચન ખેડનારા વિવેચકોમાં જ્યોર્જ લુકાચ્‌, બર્તોલ્ટ બ્રેખ્ટ, મહેરીન, બ્લોક્‌, વોલ્તેર બેન્જામિન, થિયોડોર એડોર્નો, લ્યુસિયન ગોલ્ડમાન, લૂઈ આલ્થુઝર, પિયર માકિર, ટેરી ઇગલટન, ફ્રેડરિક જેમ્સન આદિની વિવેચનવિચારણા વિશેષ ઉલ્લેખનીય છે. એ વિવેચકોમાં કેટલાક ફ્રોય્‌ડના મનોવિશ્લેષણવાદમાંથી તો કેટલાક સંરચનાવાદમાંથી અમુક વિચારો સાંકળી લે છે, છતાં માક્ર્‌સની વિચારણામાંથી સાહિત્યનિર્માણ અને વર્ગચેતના, સાહિત્ય અને આઇડિઓલૉજી, સાહિત્ય અને ઐતિહાસિક/સામાજિક પ્રક્રિયા જેવા પાયાના વર્ણ્યવિષયો સાથેનું અનુસંધાન તેઓ દર્શાવે જ છે. એ પૈકી જ્યોર્જ લુકાચે રૂઢિચુસ્ત સમાજવાદનિષ્ઠ વાસ્તવવાદને ઘણી સંગીન તાત્ત્વિક ભૂમિકાએથી ખેડીને તેને સર્વથા નવું જ રૂપ આપ્યું. સામાજિક વ્યવસ્થાની અંતર્ગત રહેલા આંતરવિરોધોને દ્વન્દ્વાત્મક પ્રક્રિયાથી અતિક્રમી જવા મથતી ગતિશીલ ચેતના દ્વારા સાહિત્યકૃતિનું એક સંકુલ રૂપ જન્મે છે એમ તેમણે કહ્યું. તેમની આ ભૂમિકામાં હેગલનો દ્વન્દ્વાત્મક ચૈતસિક વિકાસનો ખ્યાલ પ્રેરણારૂપ છે, તો સામાજિક બંધારણની વિચારણામાં આર્થિક/ઐતિહાસિક પાસાંઓ પર ભાર મૂકી માક્ર્‌સવાદ સાથેય તેઓ અનુસંધાન જાળવે છે. તેમના વિવેચનનું મુખ્ય આધારકેન્દ્ર નવલકથાનું કળાસ્વરૂપ છે. સામાજિક વાસ્તવના ‘પ્રતિફલન’ (reflection)ની વિભાવના એમાં કેન્દ્રસ્થાને છે. પ્રસિદ્ધ નાટ્યકાર બર્તોલ્ટ બ્રેખ્ટે પોતાનાં નાટકો દ્વારા સામાજિક ક્રાંતિનો સંદેશ આપ્યો છે. પ્રેક્ષકોને ભારે આઘાત આપીને નિર્ભ્રાંત કરે એ રીતે પોતાનાં નાટકોમાં તેમણે એલિયેનેશનની પ્રયુક્તિ યોજી છે. એમાં બુર્ઝવાવિરોધી અને અરાજકતાવાદી વલણો દેખા દે છે. થિયોડોર એડોર્નો, હર્બર્ટ માર્ક્યુઝ, વોલ્ટેર બેન્જામિન જેવા વિવેચકો રૂઢ માક્ર્‌સવાદને અભિમત વાસ્તવવાદથી અળગા થઈ આગવી આગવી રીતે સાહિત્યવિચાર કરે છે. સામાજિક વ્યવસ્થાને તેઓ એવી સમગ્રતા લેખવે છે જેમાં દરેક પાસું એક જ સત્ત્વ પ્રતિબિંબિત કરે છે. કળા અને સાહિત્ય દ્વારા એકહથ્થુ સત્તાવાદનો સામનો કરી શકાય એવી તેમની આસ્થા રહી છે. લ્યુસિયન ગોલ્ડમાને સંરચનાવાદના માળખામાં આ વિષયની વિચારણા કરી છે. સાહિત્યિક નિર્માણ એ કંઈ વૈયક્તિક ચેતનાની પ્રાપ્તિ નથી. ચોક્કસ વર્ગ/જૂથની માનસિક સંરચનાઓ એમાં નિર્ણાયક બને છે, એમ તેઓ કહે છે. આલ્થુઝરના વિવેચનવિચારમાં અનુસંરચનાવાદનો અમુક પ્રભાવ જોઈ શકાશે. તેમના ચિંતનમાં ‘સમગ્રતા’, ‘વ્યવસ્થા’, ‘સામાજિક તંત્ર’ જેવી સંજ્ઞાઓ પ્રયોજાઈ નથી તે સૂચક છે. તેમની વિચારણામાં, ખરેખર તો, ‘વિકેન્દ્રિત સંરચના’(de-centralized structure)નો ખ્યાલ પ્રસ્થાપિત થયો છે. સામાજિક રચનાપ્રક્રિયામાં સંઘર્ષશીલ સ્તરો પૈકી કોઈ પણ એક સ્તરનું યથાર્થ પ્રતિબિંબ ઝીલવાનો અહીં પ્રશ્ન નથી. એ રીતે મહાન કૃતિઓમાં વાસ્તવને સાચી રીતે વિભાવનાત્મક માળખામાં રજૂ કરવાનું બનતું નથી, તેમ કોઈ એક વર્ગની આઇડિઑલૉજી સીધેસીધી રીતે વ્યક્ત થાય એવું પણ નથી. કળા તો પોતે જે આઇડિઑલૉજીમાંથી જન્મી છે, જેમાં એ ઓતપ્રોત છે અને જેમાંથી કળારૂપે એ અલગ પડી છે તેને દૂરતા કેળવીને પ્રત્યક્ષ કરવાનું આપણને શીખવે છે. માકિરેની વિચારણામાં સાહિત્યના ઉત્પાદનનો આગવો ખ્યાલ પ્રતિષ્ઠિત થયો છે. તેમની દૃષ્ટિએ રોજિંદા જીવનમાં આઇડિઑલૉજી વાસ્તવની પૂર્ણ એકતાભરી રજૂઆત હોય એ રીતે જિવાતી હોવાનો અહેસાસ થાય છે, પણ ‘પાઠ’માં તેની રજૂઆત થતાં તેની અંતર્ગત રહેલા આંતરવિરોધો અને ખાલી અવકાશો એકદમ ઊપસી આવે છે. ટેરી ઇગલટન અને ફ્રેડરિક જેમ્સ જેવા અભ્યાસીઓએ આગવીઆગવી દૃષ્ટિએ આ વિષયની વિચારણા વિકસાવી છે. આમ, માક્ર્‌સવાદી વિવેચનમાં જુદી જુદી ભૂમિકાએથી ચિંતન થતું રહ્યું છે. પ્રત્યક્ષ વિવેચન અર્થે એ રીતે જુદા જુદા પરિપ્રેક્ષ્યો અને જુદાંજુદાં ધોરણો ઊપસ્યાં છે.

મનોવિશ્લેષણવાદી અભિગમ (Psycho-analytic Approach) :

વિવેચનનો આ અભિગમ સિગ્મંડ ફ્રોય્‌ડના મનોવિજ્ઞાનમાં કેન્દ્રસ્થાને રહેલા મનોવિશ્લેષણવાદ (Psycho-analysis) પર મંડાયેલો છે. સિગ્મંડ ફ્રોય્‌ડના મૂળ મનોવિશ્લેષણવાદનું પછીથી એડલર, હર્ની, ફ્રોમ, સલિવન, યુંગ, રેંક વગેરે મનોવિજ્ઞાનીઓએ આગવીઆગવી રીતે અર્થઘટન કે સ્પષ્ટીકરણ કર્યું છે. પરંપરાગત સાહિત્યવિચારના પ્રશ્નોને મનોવિશ્લેષણવાદના પ્રકાશમાં બિલકુલ નવો પરિપ્રેક્ષ્ય અને નવી જ પરિભાષા મળી છે. માનવીય વાસ્તવિકતાની વિભાવના એમાં મૂળભૂત રીતે બદલાઈ છે, જ્ઞાનમીમાંસા(epistemology)ની મૂળ ભૂમિકાય બદલાઈ છે, તે સાથે કળાનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિ વિશે નવાં દૃષ્ટિબિંદુઓ રજૂ થયાં છે. જોકે, મનોવિશ્લેષણવાદ પર આધારિત પૂર્ણ વ્યવસ્થિત સાહિત્યશાસ્ત્ર હજુ રચાયું નથી. પણ અભ્યાસીઓ એ દિશામાં વિચારતા રહ્યા છે. સિગ્મંડ ફ્રોય્‌ડના મનોવિશ્લેષણવાદનો ઉદ્‌ભવ, એ તો જાણીતું છે કે, માનસિક રોગીઓની ચિકિત્સાપદ્ધતિમાંથી થયો. ફોય્‌ડે આ પદ્ધતિ પાછળ અસંપ્રજ્ઞાત ચિત્ત(the unconscious)નો વિશિષ્ટ ક્રાંતિકારી ખ્યાલ સ્વીકાર્યો છે. મનોવૈજ્ઞાનિક સંકુલતાવાળી સાહિત્યકૃતિઓ, સ્વપ્નો, પુરાણકથાઓ, આદિમ્‌ જાતિઓના ‘ટબૂઝ’ (Taboo), રમૂજી ટૂચકાઓ, શબ્દોચ્ચારનાં આલંબનો જેવી વિભિન્ન સામગ્રીઓની ઝીણવટભરી તપાસમાંથી ‘અસંપ્રજ્ઞાત’ની વિભાવનાનું તેમણે સમર્થન મેળવ્યું. માનસિક રોગીનું અસંપ્રજ્ઞાત ચિત્ત તેની અંદર પડેલાં દમિત ઇચ્છાઓ-વૃત્તિઓનાં દબાણો અનુભવતું રહે છે. ઇપ્સિત પદાર્થ/વ્યક્તિને લગતા ભાવો અને વૃત્તિવલણો અન્ય કશામાં આરોપે છે કે સ્થાનાંતર કરે છે. નિષ્ણાત ચિકિત્સક મુક્ત સાહચર્યોની પદ્ધતિએ દર્દીના અજ્ઞાત ભય, ચિંતા, તણાવ, સંઘર્ષના મૂળ સ્રોતની તપાસ કરે છે. ‘મનોવિશ્લેષણ’ સંજ્ઞા એના પ્રાથમિક અને સીમિત અર્થમાં સાયકોથેરાપીની આ પ્રત્યક્ષ તપાસપદ્ધતિ સૂચવે છે. પણ એના વિસ્તૃત અર્થમાં વ્યક્તિની ભાષા, વર્તન, સ્વપ્નો-દિવાસ્વપ્નો, સાહિત્ય આદિ ઘટનાઓમાંથી અસંપ્રજ્ઞાત સ્તરના ગૂઢ અર્થો બહાર લાવવાની પદ્ધતિ સૂચવે છે. ફ્રોય્‌ડની ચિત્તના બંધારણ વિશેની વિચારણાઓમાં ક્રમશઃ વિચારવિકાસ જોવા મળે છે. ઈ.સ. ૧૮૯૦-૧૯૨૩ના પહેલા તબક્કામાં ચિત્તના બે અલગ ખંડો તેમણે સ્વીકાર્યા છે : એક, અસંપ્રજ્ઞાત, બીજો સંપ્રજ્ઞાત(પૂર્વસંપ્રજ્ઞાત એનો પેટાખંડ). ૧૯૨૩માં ચિત્તના બંધારણની તેઓ પુનર્રચના કરે છે : એમાં અસંપ્રજ્ઞાત(unconscious), અહમ્‌(ego) અને મહદ્‌ અહમ્‌(super-ego) એવા ત્રણ ગતિશીલ વ્યાપારો તેમણે અલગ તારવ્યા છે. ૧૯૫૦ પછી માણસમાં વિશિષ્ટ વ્યક્તિત્વના વિકાસનો પ્રશ્ન તેઓ વિગતે ચર્ચે છે. એમાં વ્યકિતનો સેલ્ફ અન્ય પદાર્થોના સંદર્ભે કેવો વિશેષ આકાર લે છે તે મુદ્દો કેન્દ્રમાં છે. એ રીતે ફ્રોય્‌ડ વ્યક્તિના સમાજ અને સંસ્કૃતિ સાથેના સંબંધોનેય સ્પર્શી રહે છે. ફ્રોય્‌ડે, જોકે, સાહિત્ય અને કળાઓ વિશે કોઈ સર્વગ્રાહી સુગ્રથિત ચર્ચા કરી નથી. પ્રસંગોપાત્ત કેટલીક ત્રૂટક વિચારણાઓ જ એમાં મળે છે. પણ પરંપરાગત સાહિત્યવિચારથી બિલકુલ ભિન્ન વિભાવનાઓનું માળખું એમાં તરત ધ્યાન ખેંચે છે. તેમની આરંભના તબક્કાની ‘ઇડ’ -સાઈકૉલૉજી એમાં મુખ્ય આધારસ્થાન છે. તેમના મતે ‘ઇડ’ અર્થાત્‌ અસંપ્રજ્ઞાતના અંધારિયા તળમાં અવિરત અનેકવિધ દૈહિક આવિષ્કાર એની ઇચ્છાઓ વૃત્તિઓ ઊઠ્યા કરે છે, પણ બહારના જગતમાં એની સંતુષ્ટિ અર્થે તક ન હોવાથી એનું દમન થતું રહે છે. માનવીની જાતીય ઇચ્છા એમાં સાર્વભૌમ ઉન્મેષ છે; ઇડિપસગ્રંથિ/ઇલેક્ટ્રાગ્રંથિ એનું એક પ્રચ્છન્ન પરિણામ છે. અસંપ્રજ્ઞાતમાં પ્રાયમરી પ્રોસેસથી એવી ઇચ્છા/વૃત્તિનું જે રીતે દમન થાય છે તેમાં ફિક્સેશન પામીને ટકી રહેલા પદાર્થોનું ઘનીભવન કે સ્થાનાંતર થાય છે. ઇચ્છા અતિ પ્રબળ હોય અને પૂર્વસંપ્રજ્ઞાતની સપાટી સુધી ઉપર ઊઠવા પામે તો કઠોર સેન્સરશીપ નીચે વિકૃત થઈને કે કોઈ compromised formમાં તે દેખા દે છે. સ્વપ્નનિર્માણમાં અસંપ્રજ્ઞાતની ક્રિયાશીલતા વધુ ગતિશીલ અને વધુ જટિલ સંભવે છે. સાહિત્યના નિર્માણને ફ્રોય્‌ડે આ સ્વપ્નનિર્માણના સાદૃશ્યથી સમજાવ્યું છે. તેમની દૃષ્ટિએ સાહિત્ય એ તેના સર્જકના અસંપ્રજ્ઞાતમાં અવરુદ્ધ પડેલી અતૃપ્ત ઇચ્છાનું જ પ્રચ્છન્ન રૂપાંતરમાત્ર છે. સ્વપ્નસૃષ્ટિમાં તેમ સાહિત્યકૃતિમાં ‘પ્રગટરૂપ સામગ્રી’ એ તો કેવળ છદ્મરૂપ જ છે, સાચી વાસ્તવિકતા તો સ્વયં અસંપ્રજ્ઞાતમાં પડેલી અવરુદ્ધ સામગ્રી છે. કળાના સાચા રૂપ અને તેનાં મૂલ્યો વિશે ફ્રોય્‌ડ સાવ અનભિજ્ઞ નહોતા, પણ તેમનો મુખ્ય રસ અંદરની સામગ્રીના ‘પ્રગટરૂપ’ સુધીમાં ચાલતા વિસ્તૃત ગહન રૂપાંતરવ્યાપારની ઓળખમાં રહ્યો છે. આ ભૂમિકાએથી કર્તા/કૃતિ સંદર્ભે નીચેની તપાસપ્રવૃત્તિ જન્મી છે. એક, કોઈ એક લેખકની બધી જ કૃતિઓમાંની ‘પ્રગટ સામગ્રી’ને આધારે તેના મૂળમાં ઊતરી તેના કર્તાની સુષુપ્ત ઇચ્છાઓની અને એ રીતે અસંપ્રજ્ઞાતમાં સક્રિય બનતી આદ્ય સંચલનાઓની તપાસ કરવી; બે, સાહિત્યકૃતિનાં મુખ્ય/ગૌણ ચરિત્રોના પ્રગટ વાણીવર્તનને આધારે તેના અસંપ્રજ્ઞાત ચિત્તની તપાસ કરવી : મેરી બોનાપાર્તે એડગર એલન પૉની ટૂંકી વાર્તાઓને આધારે પૉના અસંપ્રજ્ઞાત ચિત્તમાં જે ખોજ કરી તે પહેલા પ્રકારનું અને અર્ન્સ્ટ જોન્સે ‘હેમ્લેટ’ નાટકના મુખ્ય પાત્ર હેમ્લેટના અસંપ્રજ્ઞાત માનસનું જે ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું તે બીજા પ્રકારનું નિદર્શન છે. ફ્રોય્‌ડની ઇગો-સાઇકોલૉજીનો આધાર લઈ પાછળના અભ્યાસીઓએ જે સાહિત્યચર્ચા કરી તેમાં અસંપ્રજ્ઞાતની સ્વૈર ઇચ્છાની ક્રિયાશીલતા પર નહિ, તેની સામે ego - અહમ્‌ની નિયંત્રણશક્તિ પર ભાર મુકાયો. ફ્રોય્‌ડની ઉત્તરકાલીન વિચારણામાં ego – અહમ્‌ એ અસંપ્રજ્ઞાતથી અલગ અને સ્વતંત્ર એવી કોઈ સત્તા નથી; ‘ઇડ’ – ‘અસંપ્રજ્ઞાત’નો જ અમુક અંશ વિકાસ પામીને વિશેષ ‘સાધન’ રૂપે કાર્ય કરે છે અને તે ego તરીકે ઓળખાય છે. હકીકતમાં, ‘ઇડ’માંથી ઊઠતી સ્વૈર ઇચ્છાઓ-વૃત્તિઓની પ્રબળ ભીંસ અને ‘સુપર-ઇગો’- ‘મહદ્‌ અહમ્‌’ દ્વારા સામાજિક નૈતિક આદર્શો અને ધોરણો પરત્વે અનુકૂલન સાધવાનો આગ્રહ એ બે વિરોધી બળો વચ્ચે અહમ્‌ સંતુલન સાધવા મથે છે. અહમ્‌ના પ્રભાવ નીચે જે શક્તિ ચિત્તની પ્રાયમરી પ્રોસેસને નિયંત્રિત કરે છે તે જ શક્તિ સાહિત્યના રૂપનિર્માણમાંય પ્રવર્તે છે. ઇડ-સાઇકોલૉજી પર નિર્ભર સાહિત્યવિચારમાં લેખકની અવરુદ્ધ ઇચ્છાઓની સંપૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું : ઇગો સાઇકોલૉજી પર આધારિત સાહિત્યવિચારમાં અહમ્‌નું સાધન જે રીતે અસંપ્રજ્ઞાતની ઇચ્છાઓ, વૃત્તિઓ સામે પ્રબળ પ્રતિક્રિયારૂપે સામાજિક-નૈતિક ધોરણોએ તેનું વિશિષ્ટ વ્યવસ્થારૂપે નિર્માણ કરે છે તે પાસું દૃષ્ટિકેન્દ્રમાં આવ્યું છે. દરેક સફળ કળાકૃતિની રૂપરચનામાં સંપ્રજ્ઞ અહમ્‌ નિર્ણાયક ભાગ ભજવે છે. ક્રિસ અને એમ્પ્સન જેવા અભ્યાસીઓએ ઇગો-સાઇકોલૉજીની ભૂમિકાએથી કૃતિની સમૃદ્ધ અર્થસંદિગ્ધતાઓની સૂક્ષ્મ તપાસ કરી છે. ફ્રોય્‌ડની ઉત્તરકાલીન વિચારણામાં સ્થપાયેલી ઓબ્જેક્ટ રિલેશન્સ થિયરી અનુયાયી અભ્યાસીઓને સાહિત્યચર્ચાના વિકાસ અર્થે નવી ભૂમિકા રચી આપે છે. આ થિયરીમાં સર્જકચિત્તની અતિ સંકુલ પ્રક્રિયાનું વર્ણન છે. બાહ્ય જગતના પદાર્થો સાથેના સંબંધો રચાતાં લેખકના વિશિષ્ટ સેલ્ફના ઘડતરની પ્રક્રિયા અને એવા સંબંધોમાં ભાષાના માધ્યમની કામગીરી અને એ સમગ્ર સંકુલ ક્રિયાપ્રતિક્રિયાઓની કળાત્મક રૂપમાં નિર્ણાયક અસર – એને લગતા પ્રશ્નો એમાં વણાયા છે. બાળક પુખ્ત વયનું થાય એ ગાળામાં અસંપ્રજ્ઞાતના બહિર્લક્ષી પ્રક્ષેપન(projection) દ્વારા થતું સંરચન અને બાહ્ય જગતની સંરચનાનું અંતર્વર્તી પ્રક્ષેપન(introjection) -એમ પરસ્પરવિરોધી સંરચનપ્રક્રિયાઓ ચાલતી રહે છે. કળાનિર્માણ આ રીતે સમાજ અને સંસ્કૃતિ સાથે સજીવ રીતે જોડાય છે. એરિનઝ્‌ વીગ, એડ્રિઅન સ્ટોક્સ અને રિચર્ડ કુહ્‌ન જેવા અભ્યાસીઓએ આ દિશામાં મૂલ્યવાન વિચારણા કરી છે. જેક લકાને ફ્રોય્‌ડની મૂળ વિચારણામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અસંપ્રજ્ઞાતની વિભાવના તેમણે સંરચનાવાદના માળખામાં રચી. આ અસંપ્રજ્ઞાત કંઈ આદિમ વૃત્તિઓ, ઇચ્છાઓ અને કલ્પનોનો અતંત્ર યાદૃચ્છિક સંચય માત્ર નથી : ભાષાની જેમ એ પણ સંરચના ધરાવે છે. બાળક એની ભાષા – પૂર્વ દશાના ઇડિપસગ્રંથિ – પૂર્વ ચિત્તમાં હજુ કેવળ કાલ્પનિક વિશ્વનો પ્રક્ષેપ કરે છે. આ તબક્કે ego-અહમ્‌ સ્વયં ઘેરી ભ્રાંતિ સમો હોય છે. પણ તે જ્યારે ભાષાતંત્રમાં પ્રવેશે છે ત્યારે પોતાની એ કાલ્પનિક સૃષ્ટિ અને ભાષાતંત્ર વચ્ચે એક ખાઈ રચાય છે. ભાષા સ્વયં એક પ્રતીકાત્મક વિશ્વ છે અને તેની સંરચનાઓમાં સામાજિક જીવનના આદર્શો અને આદેશો અન્વિત રહ્યાં હોય છે. એટલે લકાન જેને કઠોર વાસ્તવ કહે છે તેના પર એ કાલ્પનિક સૃષ્ટિ અને ભાષાતંત્ર વચ્ચેની આંતર ક્રિયાપ્રતિક્રિયા અસર પાડે છે. અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત એ બે વચ્ચે એ રીતે સંગતિ સ્થપાય છે. લકાનની દૃષ્ટિએ સમગ્ર મનોઘટના જ પાઠ (psyche as text) રૂપે ઊપસે છે. એડ્‌ગર એલન પૉની ‘દ પરલૉઇન્ડ લેટર’ શીર્ષકની વાર્તાનું તેમણે આ દૃષ્ટિએ વિશ્લેષણ કર્યું છે. અનુસંરચનાવાદી મનોવિશ્લેષણની વિચારધારામાં દેરિદાનું દૃષ્ટિબિંદુ નોંધપાત્ર છે. પાઠ(text) સ્વયં તેમને માટે મનોઘટના (psyche) સમો છે. વિનિર્મિતિની પદ્ધતિએ તેઓ પાઠના અંશોને ઉકેલવા ચાહે છે. લકાનની વિચારણામાં લેખક-ભાવકનો ‘સબ્જેક્ટ’ – આત્મ પાઠથી જ નિર્ધારિત થાય છે. એ ‘આત્મ’ પોતાનાં કાર્યોમાં signifierને ચઢિયાતું લેખે છે. દેરિદાની વિચારણામાં signifier એટલું મહત્ત્વનું નથી. લેખન એકીસાથે desireને અવરોધે પણ છે અને પ્રગટ પણ કરે છે. બોલાયેલો કે લિખિત શબ્દ differenceની અસર નીચે જ સંભવે છે. તેમના મતે અસંપ્રજ્ઞાત હંમેશાં ભાષામાં જ કાર્યરત હોય છે. લકાન એ વાત પર ભાર મૂકે છે કે ભાષા સ્વયં એક એવો ઢાંચો લાદે છે જે અસંપ્રજ્ઞાતનું નિર્માણ કરે છે. અર્થાત્‌, ભાષા શાસનકર્તા રહે છે. દેરિદા એ વાત પર ભાર મૂકવા ચાહે છે કે અસંપ્રજ્ઞાત સ્વયં એવા ઢાંચાની બહાર નીકળી જાય છે. અસંપ્રજ્ઞાત signifying system માં સક્રિયપણે ઉત્પાદક બને છે. કાફકાની ‘પેરેબલ બિફોર ધ લૉ’ એ વાર્તાના પાઠનું પોતાની રીતે વિશ્લેષણ તેમણે કર્યું છે.

પુરાકલ્પનો અને આદ્યરૂપોને લક્ષતું વિવેચન (Criticism pertaining to myths and archetypes) :

સાહિત્યવિવેચનમાં ‘પુરાકલ્પન’(myth) અને ‘આદ્યરૂપ’(archetype) એ બે વિભાવનાઓ જુદા જુદા વિષયોમાંથી ઊતરી આવી છે. પણ એ બંનેને લક્ષતું વિવેચન ઘણી ગાઢ રીતે સંકળાઈ જતું દેખાય છે. એ બે પૈકી પુરાકલ્પનનો ખ્યાલ ઘણો પ્રાચીન છે. સદીઓ પહેલાં માનવજાતિને પુરાણકથાઓનો જે વિશાળ વારસો મળ્યો તેનો એ નિર્દેશ કરે છે. પણ આ વિષયમાં ચુસ્ત વૈજ્ઞાનિક સંશોધન-અધ્યયન છેલ્લાં દોઢસોબસો વર્ષોમાં જ આરંભાયું છે. ફેઝર, ટાય્લર, હેરિસન, મેક્સમૂલર, ફ્રોય્‌ડ, યુંગ, યોસેફ કેમ્પબેલ, ક્લાય્‌ડ ક્લક્‌ હોમ, નોર્થ્રોપ ફ્રાય આદિ અનેક અભ્યાસીઓએ આગવીઆગવી દૃષ્ટિએ ખેડાણ કર્યું છે. મૂળ હકીકત એ છે કે પુરાકલ્પનની વિચારણા ધર્મ, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિચિંતન, માનવનૃવંશશાસ્ત્ર, મનોવિશ્લેષણવાદ અને સાહિત્યાદિ કળાઓ એમ અનેક વિષયો સાથે જોડાયેલી રહી છે અને એ દરેક વિષયના અભ્યાસીઓએ એનાં સ્વરૂપ, કાર્ય અને પ્રયોજન પરત્વે પરસ્પરથી ઘણી ભિન્ન ભૂમિકાએથી ચિંતન કર્યું છે. એટલે એ સર્વ વિચારણાઓમાં પુરાકલ્પનની કોઈ એક સ્થિર નિશ્ચિત અને એકાત્મરૂપ વ્યાખ્યા કે વિભાવના પ્રાપ્ત થઈ નથી. એની સામે ‘આદ્યરૂપ’ (archetype)ની વિભાવના જાણીતા મનોવિજ્ઞાની કાર્લ યુગની સામૂહિક અવચેતન(collective unconscious)ની વિશિષ્ટ ધારણા સાથે જોડાયેલી છે. આ સામૂહિક અવચેતનમાંથી જ ઉદ્‌ભૂત થતાં આદ્યરૂપો જ પુરાણકથાઓમાં અંશભૂત રહ્યાં હોય છે. પુરાણકથાઓનું વિશ્વ એ ઐતિહાસિક સમયની પેઠે પેલે પારનું આદ્યવિશ્વ છે. દિવ્ય શક્તિ ધરાવતાં ચરિત્રો અને અદ્‌ભુત અલૌકિક બનાવોનું એ વિશ્વ છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, દેવદેવતાઓનાં અદ્‌ભુત દિવ્ય હેતુવાળાં કાર્યો, દેવતાઈ શક્તિવાળા અવતારી પુરુષની કથા, દેવદાનવસંગ્રામ, કોઈ માનવજાતિની પૃથ્વી પર આગમનની કથા, માનવ અને પ્રાણીઓનાં જાતિપરિવર્તનો, સ્વર્ગનરકની રચના, વિશ્વપ્રકૃતિમાં ચમત્કૃતિપૂર્ણ ફેરફારો – વગેરે વર્ણ્ય વિષયો પુરાણકથાઓમાં રજૂ થતા હોય છે. ધર્મકથાઓ, વિધિવિધાનો, પ્રાચીન મહાકાવ્યો અને અન્ય પ્રશિષ્ટ સાહિત્ય, મૌખિક પરંપરાનું સાહિત્ય, ચિત્રશિલ્પસ્થાપત્ય અને અન્ય પરંપરાઓ રૂપે પ્રજાને એ વારસામાં મળે છે. અનેક પ્રજાઓને ધર્મ અને પુરાણકથાઓનો સંયુક્ત વારસો મળ્યો હોય છે. એવાં દૃષ્ટાંતોમાં બંને એકબીજાનો આશ્રય લઈને વિકસતાં રહ્યાં હોવાનું જણાય છે, પણ અનેક આદિમ્‌ જાતિઓને ધર્મથી અલગપણે સાદી સરળ પુરાણકથાઓનો વારસો મળ્યો છે. એ પરથી સૂચિત થાય છે કે ધર્મસંસ્થાના ઉદ્‌ભવથી સ્વતંત્ર રીતે પુરાણકથા અસ્તિત્વ ધરાવે છે; પણ, ધર્મના સંયોગે તે જન્મી છે ત્યાં તે વધુ authoritative નીવડી છે. એવી પુરાણકથાઓ પવિત્ર અને લોકોત્તર રહસ્યવાળી લેખાતી રહી છે. લોકોએ પૂરી આસ્થા સાથે એનો સ્વીકાર કર્યો હોય છે. ધર્મવિચારની સાથોસાથ આ પુરાણકથાઓ પણ લોકોને સમાજવ્યવસ્થા, વિધિવિધાન, રિવાજ, પર્વો ઉત્સવોમાં પ્રેરે છે, બલકે ધર્મનીતિ અને આચારવિચારનાં ધોરણો અને મૂલ્યોનું અર્ધપ્રગટ અર્ધપ્રચ્છન્ન માળખું પૂરું પાડે છે. વળી, સાહિત્ય અને અન્ય કળાઓએ સતત ધર્મ અને પુરાણકથાઓમાંથી પ્રેરણા મેળવી છે : ધર્મ અને પુરાણકથાઓના અતીન્દ્રિય અનુભવો અને દર્શનો, કથાનકો અને ચરિત્રો તેમાં વર્ણ્ય વસ્તુ તરીકે સ્વીકારાતાં રહ્યાં છે. આધુનિક યુગમાં પુરાણોનું વિશ્વ પ્રખર બૌદ્ધિકતાવાદ અને વૈજ્ઞાનિક વિચારના પ્રભાવ નીચે સંશયનો વિષય બન્યું ત્યારેય આધુનિક કવિઓ, નાટ્યકારો અને કથાસર્જકો પુરાણકથાઓમાંથી આગવીઆગવી રીતે સામગ્રી લઈ તેને નવું કળાત્મક રૂપ આપવા પ્રેરાયા છે કે તેની કોટિનું રહસ્યસભર વિશ્વ સર્જવા મથ્યા છે. પુરાણકથાઓની સંરચના, પ્રતીકમંડળ, ભાષાભિવ્યક્તિ અને તે સર્વ અંશોમાં કામ કરતી mythopoetic ચેતના આધુનિક સાહિત્યમાં વ્યાપકપણે ગૂંથાયાં છે. સમકાલીન વિવેચનવ્યાપારમાં સાહિત્ય અને પુરાકલ્પન/પુરાણકથાને જુદા જુદા સ્તરેથી સાંકળવાના અનેક ગહનગંભીર પ્રયત્નો થયા છે. નોર્થ્રોપ ફ્રાય, લેવી સ્ટ્રોસ આદિ ચિંતકોની વિચારધારા એમાં નોખી તરી આવે છે. પુરાણકથાઓની સંરચનાઓમાં બંને જુદી જુદી ભૂમિકાએથી તપાસ કરે છે. પણ આ વિશેનું કૃતિલક્ષી વિવેચન માત્ર સંરચનાની તપાસમાં સમાઈ જતું નથી. પૌરાણિક વિષયવસ્તુનાં જુદા જુદા સર્જકો દ્વારા નવસંસ્કરણો કે રૂપાંતરો, પૌરાણિક વિષયોની તરેહો, પુનરાવર્તનો, મનોવિશ્લેષણવાદની દૃષ્ટિએ કૃતિના પ્રગટ સામગ્રીરૂપ અને પ્રચ્છન્ન અસંપ્રજ્ઞાત આશય/અર્થ વચ્ચેનો સંબંધ, કૃતિની રૂપરચનામાં વિધિવિધાનની પ્રેરણા, પૌરાણિક પ્રતીકો/આદ્યરૂપોના ગૂઢાર્થોની ખોજ, બે નિકટનાં સાહિત્યોમાં એક પુરાણવૃત્તાંતનાં ભિન્ન સાહિત્યસર્જનોનું તુલનાત્મક અધ્યયન – એમ અનેક દૃષ્ટિએ એનું વિશ્લેષણાત્મક વિવેચન હાથ ધરાયું છે. આ રીતનાં અધ્યયનો અર્થે કોઈ સુનિશ્ચિત પદ્ધતિ સ્વીકાર પામી નથી. પુરાકલ્પનોને લક્ષતા વિવેચનમાં, આમ જુઓ તો, સાહિત્ય બહારની કોઈ વિચારધારા એમાં માળખું રચી આપતી નથી. કૃતિના વર્ણ્યવિષય, સંરચના, અનુભવવિશ્વ અને તેમાં નિહિત મૂલ્યો આદિની તપાસ તેની પ્રેરણારૂપ વિશિષ્ટ પુરાણકથા અને વ્યાપકપણે પુરાણકથાઓના પોતાના જ સર્વગ્રાહી માળખામાં થાય છે. કૃતિનો સાચો અર્થ એવા એવા વ્યાપક સંદર્ભમાં જ નિર્માણ થાય છે. ફ્રાન્સિસ ફર્ગ્યુસનના જાણીતા ગ્રંથ ‘ધ આઇડિયા ઑફ અ થિયેટર’માં ગ્રીક ટ્રૅજડિ ’ધ ઇડિપસ કિંગ’માં અન્વિત રહેલી પુરાણકથા અને વિધિવિધાનની તપાસ કરવામાં આવી છે. હર્બર્ટ વાય્‌ઝીંગરે શેક્સપિયરની ટ્રૅજડિઓની ચર્ચા કરી છે. એ ઉપરાંત જ્હોન વિકરીની ડી. એચ. લોરેન્સની લઘુનવલોમાં એ રીતની ખોજ કરી છે. આ બધાં વિવેચન આ પ્રકારના વિવેચનના નમૂના છે. કાર્લ યુંગે આદ્યરૂપ (archetype)ની સત્તા સામૂહિક અવચેતનના સ્તરે પ્રતિષ્ઠિત કરી છે. ફ્રોય્‌ડના મનોવિજ્ઞાનમાં અસંપ્રજ્ઞાત/અવચેતન મુખ્યત્વે વ્યક્તિની પોતીકી માનસિકતાનો જ વિશેષ અંશ છે, વ્યક્તિની અવરુદ્ધ ઇચ્છાઓ, વૃત્તિઓના શેષરૂપે એ અસ્તિત્વ ધરાવે છે, સ્વયં એક સક્રિય આત્મતત્ત્વ છે. આથી ભિન્ન, યુંગ એવા વ્યક્તિસીમિત અસંપ્રજ્ઞાતને નર્યો ઉપરછલ્લો વિસ્તાર લેખવે છે. તેમની ભૂમિકા એવી છે કે એવા વ્યક્તિસીમિત અસંપ્રજ્ઞાતની નીચે સામૂહિક અસંપ્રજ્ઞાતનો વિરાટ પ્રસાર પડેલો છે. અસાધારણ પ્રાણશક્તિથી સભર, ગુહ્ય રહસ્યમાં આવૃત્ત એવાં આદ્યરૂપો એમાં સાકાર થાય છે. જુદી જુદી જાતિઓ/પ્રજાઓના અનુભવોમાં સાંસ્કૃતિક ભેદને કારણે દેખીતી ભિન્નતાઓ વચ્ચેય એની પાછળ રહેલાં આદ્યરૂપોની એકરૂપતા પ્રત્યક્ષ થઈ જાય છે. વિશાળ વિશ્વસાહિત્યમાં તેમ અન્ય લલિતકળાઓમાં એવાં આદ્યરૂપોની ઉપસ્થિતિ તરત ધ્યાન ખેંચે છે. સૂર્યદેવતા, ધરતીમાતા, સમુદ્ર, ચંદ્ર, અગ્નિ, આદિજલ, વિશ્વમરુત, અગ્નિચક્ર, અરણ્ય, ગુફા, સુવર્ણપંખી, પડછાયો, હોડી, સ્વર્ગ, નરક, દાનવ, સરિતા, રથચક્ર, વેદી, અશ્વારોહી, ઉદ્યાન, પરી, મહાવૃક્ષ, મંદિર આદિ વ્યક્ત રૂપો/પ્રતીકોના હાર્દમાં એનું અવ્યક્ત સાર્વત્રિક આદ્યરૂપ રહ્યું હોય છે. આ પ્રકારનાં આદ્યરૂપો સાહિત્યના અનુભવના અપૂર્વ સાક્ષાત્કાર જેવાં લાગે છે. દરેક યુગમાં માનવજાતિને જે ગહનાતિગહન અનુભવો થતા રહ્યા છે તેનું સારસત્ત્વ આદ્યરૂપોમાં સંચિત થતું રહે છે. એની આ સાર્વત્રિકતા અને આદ્યરૂપતાને કારણે સાહિત્યમાં એના વિનિયોગે વ્યાપક અપીલ જન્મે છે. મૉદ બૉદકિને ‘આર્કિટાય્‌પલ પેટર્ન્સ ઇન પોએટ્રી’ ગ્રંથમાં પાશ્ચાત્ય સાહિત્યમાં યોજાયેલાં કેટલાંક પ્રભાવક આદ્યરૂપોની ઊંડી મર્મગ્રાહી વિવેચના કરી છે. આ પ્રકારના વિવેચનનું એ ઘણું ધ્યાનાર્હ દૃષ્ટાંત છે.

રશિયન સ્વરૂપવાદ (Russian Formalism) :

રશિયન સ્વરૂપવાદી વિચારણાઓ મુખ્યત્વે ૧૯૧૫થી ૧૯૩૦ના ગાળામાં જન્મી છે. એમાં બે વિદ્વાનમંડળોનું અર્પણ વિશેષ મહત્ત્વનું રહ્યું છે. એ પૈકીની એક તે ૧૯૧૫માં સ્થપાયેલું ‘મોસ્કો લિંગ્વસ્ટિક સર્કલ’. એ મંડળની અધ્યયનપ્રવૃત્તિ વિશેષતઃ ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં ચાલી છે. રોમન યાકબસન એ મંડળના જ એક અગ્રણી સભ્ય, જેમણે પાછળથી ૧૯૨૬માં ‘પ્રાગ લિંગ્વિસ્ટિક સર્કલ’ની સ્થાપના કરેલી. બીજી સંસ્થા તે ૧૯૧૬માં પિટ્‌સબર્ગમાં સ્થપાયેલી ‘ધ સોસાયટી ફોર ધ સ્ટડી ઑફ પોએટિક લેંગ્વેજ.’ વિક્ટર શ્ક્લોવોસ્કી અને બોરિસ આઇકનબામ જેવા અગ્રણી અભ્યાસીઓ એની સાથે જોડાયેલા હતા. કાવ્યભાષાના અધ્યયન નિમિત્તે સાહિત્યનું સ્વરૂપ, તેની રૂપરચના અને તેના કાર્ય વિશે તેમણે નવી ક્રાંતિકારી વિચારણાઓ રજૂ કરી છે. આ અભ્યાસીઓ સાહિત્યિક અધ્યયનને એક સર્વથા સ્વાયત્ત વિદ્યાશાખા લેખે વિકસાવવા ચાહે છે. વિશિષ્ટ કૃતિઓના વિવેચન-મૂલ્યાંકન કરતાંય વ્યાપકપણે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (literariness)નું હાર્દ સમજવામાં તેમને વિશેષ રસ રહ્યો છે. સાહિત્ય એ બહારના જગતનું અનુકરણ છે કે સર્જકના આત્મગત સંવેદનની અભિવ્યક્તિ છે એ પરંપરાગત સિદ્ધાંતો તેમણે ત્યજી દીધા છે. તેમ સાહિત્યને અન્ય વિદ્યાઓ અને વિચારધારાઓના સંદર્ભમાં ઘટાવવાનું સ્વીકાર્યું નથી. સાહિત્યિક નિર્માણ એ સ્વાયત્ત ભાષાકીય રચના છે. એ રીતે સાહિત્યિકતાની તપાસ ભાષાકીય સ્તરેથી તેઓ આરંભે છે. નવ્ય વિવેચકોની જેમ તેઓ કૃતિને વિશિષ્ટ ભાષાકીય તંત્રરૂપે જુએ છે, પણ નવ્ય વિવેચકો દરેક કૃતિની અપૂર્વ રૂપરચનાનો અસાધારણ મહિમા કરે છે અને કૃતિના રૂપને તેના કર્તાના વિવક્ષિત અર્થ કે ભાવકના લાગણીમય પ્રતિભાવથી મુક્ત કરવા છતાં તેઓ તેમાં રજૂ થતાં અનુભવો અને લાગણીઓમાં ગહન સૂક્ષ્મ અર્થો અને મૂલ્યોની ખોજ કરે છે. એ રીતે કૃતિ અને તેની બહારના જગત વચ્ચેનો સંબંધ તેઓ સ્વીકારે જ છે. આથી ભિન્ન, રશિયન સ્વરૂપવાદીઓ સાહિત્યની ‘સાહિત્યિકતા’ને માનવીય મૂલ્યો અને અર્થોથી અળગી રાખીને ઓળખવા ચાહે છે. તેમના મતે સાહિત્યિક પાઠ અને ભાષાકીય પ્રયુક્તિઓનું સંયોજિત રૂપ માત્ર છે. અનુભવો અને લાગણીઓ એમાં તટસ્થ તત્ત્વો છે. લેખક એ ટેકનિશ્યન માત્ર છે. તેનું કામ પૂર્વકાલીન સાહિત્યની ભાષાકીય પ્રવૃત્તિઓનું સતત અવનવાં રૂપોમાં સંયોજન કરતા રહેવાનું છે. સાહિત્યની વ્યાખ્યા કરતાં શ્ક્લોવોસ્કી એમ કહે છે : સાહિત્ય એટલે પૂર્વસાહિત્યમાં પ્રયોજાતી રહેલી વિભિન્ન શૈલીગત પ્રયુક્તિઓનું સંયોજિત રૂપ. સ્વરૂપવાદીઓએ આથી કાવ્યભાષાઓની પ્રયુક્તિઓ વિશે ઘણું ઝીણવટભર્યું વૈજ્ઞાનિક અધ્યયન હાથ ધર્યું છે. વ્યવહારની ભાષાથી કાવ્યભાષા શી રીતે જુદી પડે છે એ તેમની સાહિત્યિક વિચારણાઓનો કેન્દ્રવર્તી પ્રશ્ન છે. એના ઉત્તરરૂપે તેઓ કાવ્યભાષામાં સધાતાં વિચલનોની પ્રક્રિયાને આગળ ધરે છે. એ વિચલનો દ્વારા બાહ્ય જગતના પદાર્થોનું defamiliarization સધાય છે. રોજબરોજના જીવનમાં લાંબા સમયની ટેવગ્રસ્તતાને કારણે પદાર્થો પરત્વેના પ્રતિભાવો યાંત્રિક, નિર્જીવ અને સપાટિયા બની જતા હોય છે. ભાષામાં વિચલનો સાધી કવિ એ ટેવગ્રસ્તતા તોડે છે અને પદાર્થોનું નવું defamiliarised form પ્રત્યક્ષ થાય છે. એમાં અપૂર્વ તાજગી અને વિસ્મયકારી પ્રાણશક્તિનો અનુભવ થાય છે. પણ સ્વરૂપવાદીઓને આવા પ્રત્યક્ષીકરણમાં વ્યક્ત થતી સંવેદનાઓ કરતાંય કૃતિમાં એવી અસરો જન્માવવામાં સાધન બનતી ભાષાકીય પ્રયુક્તિઓમાં વધુ રસ રહ્યો દેખાય છે. તેમના મતે સાહિત્યનું નિર્માણ બાહ્ય વાસ્તવના સીધેસીધા પ્રત્યક્ષ બોધમાંથી નહિ, સાહિત્યિક પાઠોના સંપર્કમાંથી જન્મે છે. એ રીતે સાહિત્યનું વિશ્વ તેની બહારના જગતથી વિચ્છિન્ન છે, તો તેના કર્તાના મનોગતથી – તેના આશયો અને અર્થોથીય એટલું જ અલગ છે. દીર્ઘ પરંપરાની સાહિત્યકૃતિઓના સ્વાયત્ત અને સ્વતઃચાલિત પાઠનો એ વિસ્તાર માત્ર છે. આરંભની સાહિત્યમીમાંસામાં સર્વ ભાષાકીય પ્રયુક્તિઓ સરખી હોવાનો ખ્યાલ પ્રચારમાં રહ્યો, પણ પછીથી એમાં એક નવું દૃષ્ટિબિંદુ એ સ્થપાયું કે આ પ્રયુક્તિઓ જુદા જુદા સાહિત્યિક યુગમાં ઓછાવત્તા મહત્ત્વની ઠરે છે. એક યુગમાં જે પ્રયુક્તિઓ મુખ્ય પ્રવર્તનકારી (the dominant) ઘટકો તરીકે કામ કરતી હોય, તે બીજા યુગમાં ગૌણ બની રહે અને એક યુગની ગૌણ લાગતી પ્રયુક્તિઓ પછીથી કૃતિમાં મુખ્યભૂત બની રહે એમ જોવા મળે છે. સાહિત્ય એ રીતે ગતિશીલ અને રૂપાંતરશીલ રૂપતંત્ર ધરાવે છે એમ પણ એમાંથી સૂચવાયું. મુખ્ય અને ગૌણ પ્રયુક્તિઓના પરસ્પરના સંબંધના પ્રશ્નો એ રીતે ઊપસી આવ્યા. કૃતિમાં કઈ ભાષાકીય પ્રયુક્તિઓ અગ્રભાગે રહે છે – foregroundingમાં આવે છે અને કઈ પશ્ચાદ્‌ભૂમિકામાં રહે છે તે તેની રૂપરચનાનો નિર્ણાયક મુદ્દો બની રહ્યો. સ્વરૂપવાદીઓએ આ ભૂમિકાએથી કથાસ્વરૂપની જે મીમાંસા કરી તે એટલી જ ધ્યાનપાત્ર છે. શ્ક્લોવોસ્કીએ કથારૂપમાં sjuzet – કૃતિમાં મુખ્યગૌણ બનાવોનું પ્રગટ સંયોજિત તંત્ર – અને fabula, એવા કળાત્મક રૂપ નીચે પડેલી મૂળભૂત બીજરૂપ કથા એ બંને વચ્ચેની ભેદકતા સૂક્ષ્મ દૃષ્ટિએ પ્રગટ કરી છે. પાછળના તબક્કામાં બખ્તન સ્કૂલના અગ્રણીઓ – બખ્તિન, મેડવિડે, વોલોશિનોવ્‌ આદિ રશિયન સ્વરૂપવાદ અને માક્ર્‌સવાદી વિચારણાનું સંયોજન કરવા પ્રેરાયા છે. તેમની મુખ્ય વિચારણા એ રહી છે કે સાહિત્ય ભલે સામાજિક પરિબળોનું સીધું પરિણામ ન હોય, ભાષા સ્વયં સમાજની આઇડિઑલૉજીનું વહન કરે છે અને કૃતિની બદલાતી જતી રૂપરચનામાં ભાષા જે રીતે સક્રિય અને ગતિશીલ બની પ્રવર્તે છે તેમાં આઇડિઑલૉજીના પરિવર્તનના સંકેતો પડેલા છે. સ્વરૂપવાદીઓની રૂપની વિભાવના એ રીતે એની બહારનાં વિચારતંત્રો સાથે જોડાઈને વધુ સંકુલ બને છે.

નવ્ય વિવેચન (New Criticism) :

પાશ્ચાત્ય વિવેચનના ઇતિહાસમાં ‘નવ્ય વિવેચન’ એક મોટી ક્રાંતિકારી ઘટના છે. આ સદીના વચગાળામાં ખાસ કરીને ચોથા, પાંચમા અને છઠ્ઠા દાયકામાં યુરોપ, ઇંગ્લૅન્ડ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં એક વિદ્યાકીય આંદોલનના રૂપમાં એ વિવેચનપ્રવૃત્તિ પ્રચાર પામી છે. આ વિવેચનને ontological criticism, formalist criticism, aesthetic criticism fu analytical criticism જેવી સંજ્ઞાઓથીય ઓળખાવવામાં આવ્યું છે. જ્હોન ક્રો રેન્ઝમ, એલન ટેઇટ, ક્લિન્થ બ્રૂક્સ, ડબલ્યૂ કે. વિમ્સોત, વિલિયમ એમ્પ્સન, રોબર્ટ પેન વૉરેન, યૉર વિન્ટર્સ, આર.પી.બ્લેકમર, કેનેથ બર્ક, ડેવિડ ડેચિઝ, સ્ટીફન સ્પેન્ડર આદિ અનેક તેજસ્વી વિવેચકોની વિવેચનપ્રવૃત્તિ સામાન્યપણે અને કંઈક શિથિલપણે ‘નવ્ય વિવેચન’ના ખાનામાં મુકાતી રહી છે. એમની સાહિત્યિક વિચારણાઓમાં થોડા ધ્યાનપાત્ર દૃષ્ટિભેદોય છે. છતાં એ સૌ વિવેચકો એ બાબતે મળતા આવે છે કે સાહિત્યકૃતિના પ્રાણભૂત તત્ત્વ લેખે તેઓ સૌ તેની રૂપરચનાને ગણાવે છે. પરંપરાગત વિવેચનના અભિગમો લગભગ હંમેશાં કૃતિ નિમિત્તે કર્તાનું મનોગત, ચરિત્ર, નીતિમત્તા અને યુગબળોનો પ્રભાવ જેવા મુદ્દાઓની તપાસમાં રોકાયેલા રહેતા. નવ્ય વિવેચકોએ કૃતિને કર્તાના આશય અને ભાવકોના લાગણીમય પ્રતિભાવોથી સર્વથા મુક્ત કરી. દરેક કૃતિ એક સ્વતંત્ર, સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત વિશ્વ છે. ભાષામાંથી ઉદ્‌ભવતું એવું એક મૂર્ત અને સજીવ એકતાથી બંધાયેલું વિશ્વ છે, જેમાં ભાષા સ્વયં એક સર્જનાત્મક તત્ત્વ છે. કૃતિનું રૂપ એ કોઈ સ્થિર, સ્થગિત, રૂઢ ઢાંચો નથી, પણ કૃતિનાં વિવિધ ઘટકો વચ્ચેના સજીવ ગતિશીલ સંબંધોનું એ તંત્ર છે. કવિના અનુભવજગતનાં સુરૂપકુરૂપ, સંવાદીવિસંવાદી એવાં તત્ત્વો સર્જકશક્તિના અસાધારણ પ્રવર્તન નીચે એમાં પૂર્ણ સંવાદ અને એકતા પામે છે. કૃતિને મૂર્ત verbal iconના રૂપમાં તેઓ નિહાળે છે. તેની રૂપરચનામાં નિહિત રહેલાં ambiguity, paradox, irony, અને tension જેવાં સેમેન્ટિક સ્ટ્રક્ચરોની તેમણે અતિ ઝીણવટથી તપાસ કરી છે. તેમની વિચારણામાં કૃતિને આગવું ઓન્ટોલૉજિકલ સ્થાન મળ્યું છે. કૃતિની રૂપરચનાના ભાગ લેખે સર્વ ઘટકો વચ્ચે છંદોલય; પ્રાસ, કલ્પન, પ્રતીક, ભાવનિવેદક વ્યક્તિ – persona, સંરચનાની રીતિ આદિ વચ્ચે – સૂક્ષ્માતિસૂક્ષ્મ સંબંધોની વિશ્લેષણયુક્ત તપાસ આ વિવેચનપદ્ધતિમાં કેન્દ્રસ્થાને છે. કૃતિનો ‘અર્થ’ એની અપૂર્વ રૂપનિર્મિતિમાં અનુસ્યૂત રહ્યો છે અને મર્મજ્ઞ વિવેચક એને અખંડ રૂપમાં પામી શકે છે.

આધુનિક ભાષાવિજ્ઞાન/શૈલીવિજ્ઞાન પર આધારિત ‘વિવેચન’
(Criticism based on Modern Linguistics/Stylistics) :

આ સદીમાં આધુનિક કવિઓ અને લેખકોએ ભાષાનો એકધારો સર્જનાત્મક ઉપયોગ કર્યો અને ભાષાની આંતરક્ષમતાનો તાગ લેવાને પ્રયત્નો કર્યા. પરિણામે વિવેચનમાંય સાહિત્ય અને ભાષાના સંબંધના પ્રશ્નો વ્યાપકપણે ચર્ચામાં આવતા રહ્યા. કૃતિના અધ્યયનમાં આધુનિક ભાષાવિજ્ઞાન અને શૈલીવિજ્ઞાન પર નિર્ભર અભિગમ એનું એક સહજ પરિણામ છે. રશિયન સ્વરૂપવાદ અને સોસ્યૂરની ભાષાવિચારણા એમાં મુખ્ય આધારો રહ્યા છે. સોસ્યૂરની ભાષાવિચારણા સંકેતવિજ્ઞાન, સંરચનાવાદ, અનુસંરચનાવાદ જેવી વિચારધારાઓમાંય જુદી જુદી રીતે પ્રેરક રહી છે. પણ એ સિવાય વિવેચનના અન્ય અભિગમો - સમાજશાસ્ત્રીય/સાંસ્કૃતિક અભિગમ, માક્ર્‌સવાદી અભિગમ, મનોવિશ્લેષણવાદી અભિગમ, નારીવાદી અભિગમ વગેરેમાંય આધુનિક ભાષાવિચાર કોઈ ને કોઈ ભૂમિકાએ એક વિધાયક બળ લેખે સંકળાતો રહ્યો છે, પણ આ અભિગમોમાં ભાષાવિચાર તેના સાહિત્યસિદ્ધાંતના વિકાસ વિસ્તારમાં કોઈક તબક્કે એક માત્ર નિર્ધારક તત્ત્વ લેખે પ્રવેશે છે. આથી ભિન્ન, ભાષાવિજ્ઞાનલક્ષી/શૈલીવિજ્ઞાનલક્ષી અભિગમ સાહિત્યિક પાઠને માત્ર ભાષાકીય સંરચના લેખે સ્વીકારે છે અને સમગ્ર ભાષાનું આધુનિક ભાષાવિજ્ઞાનની વિભાવનાઓ અને કોટિઓને અનુલક્ષીને કઠોર શિસ્તપૂર્વક વર્ણનવિશ્લેષણ આપવા ચાહે છે. જોકે આ રીતની ભાષાકીય તપાસમાંય બે અભિગમો અલગ પડી જાય છે. અભ્યાસીઓનું એક જૂથ, સાહિત્યવિવેચનના કોઈ સિદ્ધાંત કે વિભાવના પર નિર્ભર એવી કોઈ પણ પૂર્વધારણા સ્વીકાર્યા વિના એટલે કે ભાષાકીય વિગતોની પસંદગીના કોઈ ચોક્કસ નિયમ સ્વીકાર્યા વિના, ભાષાકીય લક્ષણોની મુક્તપણે તપાસ કરવા માગે છે. અભ્યાસી એ રીતે પાઠની ભાષાનાં જે કોઈ પાસાં અવલોકનમાં આવે છે તેનાં લક્ષણોની નોંધ કરે છે. અને વિગતોના ખડકલા વચ્ચેથી જે કોઈ તરેહ કે સંરચનાની ઓળખ થાય તેને સ્વીકારે છે. અભ્યાસીઓનું બીજું જૂથ વિવેચનના કોઈ સિદ્ધાંત કે વિભાવનાને દૃષ્ટિકેન્દ્રમાં રાખી તેને અનુષંગે પાઠની ભાષાની તપાસ કરવા ચાહે છે. એ તપાસમાં દેખીતી રીતે જ ભાષાકીય સંરચનાની બહાર રહેલો સિદ્ધાંત કે વિભાવના, વિગતોની પસંદગીમાં નિર્ણાયક બની રહે છે. પહેલું જૂથ પાઠને કેવળ ભાષાસંરચનાઓના સંયોજિત એકમ તરીકે જુએ છે, બીજું જૂથ કૃતિની વર્ણ્યવસ્તુ, વસ્તુગ્રથન, ચરિત્ર, વાસ્તવબોધ જેવાં સાહિત્યિક તત્ત્વોના સહસંબંધકો તરીકે ભાષાસંરચનાઓનો વિચાર કરે છે. ‘શૈલીવિજ્ઞાન’ સંજ્ઞા નીચે વળી સાહિત્યિક પાઠોને પરસ્પરથી ભિન્ન રીતે અવલોકતી અનેક ભૂમિકાઓ સમાવવામાં આવે છે. શૈલીની તપાસમાં પણ આધુનિક ભાષાવિજ્ઞાનની વિભાવનાઓ અને કોટિઓનો ગાઢ વિનિયોગ છે, પણ ભાષાવિચારણાનાં જુદાં જુદાં મોડેલો એમાં નિર્ણાયક પ્રભાવ પાડે છે. સોસ્યૂરની ભાષાવિચારણામાં (૧) Langue – વ્યક્તિસમૂહને અતિક્રમી રહેલું ભાષાનું અમૂર્ત સાર્વત્રિક તંત્ર – અને Parole – એવા તંત્રની અંતર્ગત રહેલા નિયમોને અનુસરી થતો ભાષાનો મૂર્ત જીવંત વ્યક્તિવિશિષ્ટ પ્રયોગ, (૨) diachronic ધરી પર વિકસતી ભાષા અને synchronic ધરી પર સમયના કોઈ એક નિશ્ચિત બિંદુએ ઉપસ્થિત ભાષાનું સંરચનાતંત્ર, (૩) ભાષાકીય સંકેતનાં બે પાસાં – સંકેતક : signifier મૂર્ત ભૌતિક ધ્વનિપ્રતિમા અને સંકેતિત : signified એ ધ્વનિપ્રતિમા સાથે જોડાતો માનસિક વિભાવ – આ વિભાવનાત્મક યુગ્મો મુખ્ય આધારભૂમિ બની રહ્યાં છે. એ પૈકી ભાષાની synchronic ધરી પરની સંરચનાનો ખ્યાલ ભાષાવિજ્ઞાનલક્ષી/શૈલીવિજ્ઞાનલક્ષી અભિગમમાં સીધો પ્રેરણાસ્રોત રહ્યો છે. કૃતિ/પાઠની ભાષામાં ધ્વનિઘટકોના સ્તરે, રૂપઘટકોના સ્તરે, પદાન્વય કે પદક્રમના સ્તરે, અર્થપૂર્ણ એકમોના સ્તરે જે તરેહો રચાવા પામે છે તેનું કઠોર વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિશ્લેષણ કરવું એ ભાષાલક્ષી તપાસનું મુખ્ય પ્રયોજન છે. એ માટે ભાષાકીય સંરચનાઓમાં જોવા મળતા સમરૂપ સમાંતર પ્રયોગો, એકબીજાની સામે વિરોધમાં યોજાતા પ્રયોગો વગેરે ધ્વનિસંયોજનના તેમ અર્થતત્ત્વપરક સંબંધો અવલોકવામાં આવે છે. પ્રાગ સ્કૂલના અભ્યાસીઓએ સોસ્યૂરનો સંરચનાનો ખ્યાલ અને રશિયન સ્વરૂપવાદ – એ બે સ્રોતમાંથી પ્રેરણા લઈ કાવ્યભાષાનો વધુ વ્યાપક ભૂમિકાએથી વિચાર કર્યો. એ સ્કૂલના અગ્રણી યાન મુકારોવ્સ્કીએ માન્ય ભાષા અને કાવ્યભાષાના ભેદની ચર્ચા કરી, ખાસ તો કાવ્યભાષામાં ઉક્તિનું foregrounding કેવી રીતે થાય છે તેની ઝીણવટભરી તપાસ કરી. રશિયન સ્વરૂપવાદનો defamiliarisationનો ખ્યાલ સારી રીતે સાંકળી લીધો. એ સ્કૂલના બીજા અગ્રણી રોમન યાકબ્સને કમ્યૂનિકેશનની વિચારણાના માળખામાં મૂકીને કાવ્યભાષાનો વિચાર કર્યો. દરેક message અલગઅલગ છ કાર્ય કરે છે અને એમાં છ ઘટકો અલગઅલગ રીતે નિમિત્ત બને છે એમ દર્શાવ્યું છે. એ પૈકી message પર જ જ્યાં ધ્યાન કેન્દ્રિત થાય છે ત્યાં poetic function સંભવે છે. ભાષાપ્રયોગોમાં defamiliarisationની ઘટના એ માટે અનિવાર્ય છે. પાઠની સંરચનામાં એક યા બીજા સ્તરે વ્યાપક ધોરણરૂપ બની રહેલા ઉક્તિપ્રયોગોનું ખંડન કરવામાં આવે તે જ defamiliarization. પાઠમાં જે કોઈ એક dominant level રચાય છે તે બીજાં સ્તરો સાથેના સંબંધોમાં વર્ચસ્‌ ધરાવે છે અને પાઠમાં સમગ્રતા સિદ્ધ કરે છે. સંકેતવિજ્ઞાન વ્યાપકપણે માનવવ્યવહારનાં વિવિધ સંકેતતંત્રોનું અધ્યયન કરે છે. સાહિત્યરચના એ રીતે ભાષાકીય સંકેતોનું વિશિષ્ટ તંત્ર છે. પ્રાગ્‌ સ્કૂલના અભ્યાસીઓએ કાવ્યભાષાના અધ્યયનને સંકેતવિજ્ઞાનની અંતર્ગત વિસ્તાર્યું અને તેથી એને એક વિશેષ પરિમાણ પ્રાપ્ત થયું. શૈલીવિજ્ઞાનલક્ષી અધ્યયનમાં (૧) લિખિત અને બોલાતી ભાષાનો સંબંધ, (૨)લિખિત ભાષામાં એના phonic પાસાનો સ્વીકાર, (૩) ભાષાના formal aspectનો સ્વીકાર, (૪) સામાજિક વર્તનના ભાગરૂપે ભાષાની ઉક્તિઓનો સ્વીકાર, (૫) ભાષાકીય અંશ જે તે વ્યવહારજીવનનો જ વિસ્તાર – એમ અનેક બાજુએથી તપાસ હાથ ધરવામાં આવી છે. એ રીતે આ અભિગમમાં ભાષાનાં સહભાગી લક્ષણો અને ઉક્તિનાં વિલક્ષણ તત્ત્વો વચ્ચે મૂળભૂત ભેદ કરીને ચાલવાનું આવશ્યક બની રહે છે. લેખકની માનસિક પ્રકૃતિ, અમુક જૂથના લેખકોનું કે અમુક યુગના લેખકોનું વિશિષ્ટ વલણ, કે અમુક કળાવાદની પ્રેરણા જેવા મુદ્દાઓય એમાં સંકળાય છે.

સંરચનાવાદી અભિગમ (Structuralist Approach) :

પશ્ચિમના સાંસ્કૃતિક ચિંતનમાં ‘સંરચના’(structure)નો ખ્યાલ, આમ તો, અઢારમી સદીના જાણીતા અભ્યાસી વિકોમાં મહત્ત્વનું સ્થાન લે છે. પણ એક સર્વગ્રાહી અને આમૂલ પરિવર્તન માગતી વિચારધારારૂપે ‘સંરચનાવાદ’ (structuralism)નો જન્મ આ સદીના ઉત્તરાર્ધમાં થયો છે. અલબત્ત, એનો નિકટનો સીધો પ્રેરણાસ્રોત તે સોસ્યૂરની ભાષાવિચારણામાં કેન્દ્રસ્થાને રહેલો સંરચનાનો ખ્યાલ છે. પ્રાગ્‌ સ્કૂલના અભ્યાસીઓએ સંરચનાના ખ્યાલને વિકસાવ્યો. ‘ભાષા’ના ખ્યાલનેય ‘સંરચના’ની વિભાવના અતિક્રમી જાય છે. એમાં ઘટકો વચ્ચેના આંતરસંબંધોનો સમગ્ર સંકુલ અભિપ્રેત છે. સંરચનાવાદ, ખરેખર તો, જ્ઞાનવિજ્ઞાનનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અલગઅલગ વિચારણાઓને એક સર્વગ્રાહી વિચારતંત્રમાં સાંકળવાનો એક મોટો મહત્ત્વાકાંક્ષી ઉપક્રમ છે. સાહિત્યવિવેચનમાં સંરચનાવાદી અભિગમ એનો જ એક ભાગ છે. નોર્થ્રોપ ફ્રાયે તેમના ગ્રંથ ‘એનેટોમી ઑફ ક્રિટીસીઝમ’ (૧૯૫૭)માં સમગ્ર સાહિત્યના સંદર્ભે તેની અંતર્ગત સક્રિય રહેલા સંરચનાત્મક સિદ્ધાંતોની ખોજ કરી, તેમાં સંરચનાવાદની વ્યવસ્થિત સ્થાપના પૂર્વેની એક ભૂમિકા જોઈ શકાય. નોર્થ્રોપ ફ્રાય આત્મલક્ષી મૂલ્યનિર્ણય પર આધારિત વિવેચનને સ્થાને એક ચુસ્ત વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત વિવેચનનું વિજ્ઞાન રચવા ચાહતા હતા. તેમનું મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે દરેક કૃતિને એની આગવી સંરચના સંભવે છે ખરી, પણ એના યથાર્થ આકલન અર્થે એને સમગ્ર સાહિત્યની સર્વગ્રાહી સરચનાના માળખામાં મૂકીને જોવી જોઈએ. આમ, સર્વ સાહિત્યિક સ્વરૂપો, ઢાંચાઓ, તંત્રો વગેરેને આવરી લે એવા વિરાટ સાહિત્યિક તંત્રની વિભાવના તેમણે આગવી રીતે વિકસાવી હતી. કૃતિનો કર્તા એવા વિરાટ તંત્રમાં એક function માત્ર રહી જાય છે. સંરચનાવાદીઓએ સોસ્યૂરની વિચારણામાંથી ‘સંરચના’ના પરંપરિત ખ્યાલને જે રીતે વિકસાવ્યો તેમાં સંરચનાના અંગભૂત ઘટકને સ્વકીય કોઈ અર્થ નહિ, તેમના પરસ્પરના આંતરસંબંધોની સમગ્રતામાંથી જ ‘અર્થ’ નિષ્પન્ન થાય છે એ વાત પર જ ભાર મુકાયો. સાહિત્યિક પાઠોની સંરચના તપાસવી એટલે તેનાં અંગભૂત ઘટકો વચ્ચેના સમગ્ર સંબંધોની ઓળખ કરવી. આવી તપાસમાં કર્તાની માનસિકતા, આશય, હેતુ કે બીજા એવા જ ઉદ્‌ભાવક સ્રોતનો મુદ્દો સર્વથા અપ્રસ્તુત છે. તો પાઠની ભાષાકીય સંરચનાઓને એની બહાર રહેલી વાસ્તવિકતા સાથેય કોઈ સંબંધ સંભવતો નથી. સાહિત્યિક પાઠને એનું સાર્વભૌમ સંરચના તંત્ર છે અને એનું જ વિવેચકે વિશ્લેષણ યા વિવેચન કરવાનું રહે છે. યુરિ લોત્મેને કાવ્યપાઠની વ્યાખ્યા કરતાં એમ કહ્યું કે ‘સમરૂપતા’ (similarities) અને ‘વિરોધાત્મકતા’ (oppositions)ના sets દ્વારા નિયંત્રિત થયેલો એવો ‘સંદર્ભગત’ અર્થ જેમાં સિદ્ધ થાય એવું એ તંત્ર છે. જુદા જુદા સ્તરે અનસ્યૂત રહેલાં તંત્રોનુંય એ તંત્ર છે. એવાં એ તંત્રો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા ચાલે છે. દરેક તંત્રને હકીકતમાં એનું આગવું ધોરણ સંભવે છે. એ તંત્ર અન્ય તંત્ર લપટું પડીને નિષ્ક્રિય ન થઈ જાય તે માટે તેમાં defamiliarization સિદ્ધ કરે છે. નાના કદના ઊર્મિકાવ્યમાં પણ છંદબંધારણ/લયનું તંત્ર, ધ્વનિઓનું તંત્ર, રૂપઘટકોનું તંત્ર, વસ્તુવિચારતંત્ર એ સર્વ તંત્રો પરસ્પરના લપટાપણાને તોડે છે. જોનાથન કલરે તેમના ગ્રંથ ‘The Structralist Poetics’માં ભાવકની literary competenceનો ખ્યાલ સ્વીકારી સંરચનાવાદની નવી ભૂમિકાએથી ચર્ચા વિકસાવી છે. કથાસાહિત્યની મીમાંસામાં સંરચનાત્મક દૃષ્ટિ નવા ફળપ્રદ વિચારો જન્માવે છે. રોલાં બાર્થ, લેવિ સ્ટ્રોસ, તોદોરોવ અને વ્લાડીમીર પ્રોપ જેવા અભ્યાસીઓની આગવીઆગવી દૃષ્ટિની કથામીમાંસા એ રીતે ઘણી નોંધપાત્ર છે. લેવિ સ્ટ્રોસે તો પુરાણ-કથાઓ, આદિમ્‌ જાતિઓનાં વિધિવિધાનો અને કુટુંબસંબંધો – એ સર્વના છેક તળમાં રહેલી પાયાની સંરચનાઓની અભ્યાસપૂર્ણ તપાસ હાથ ધરી છે. અર્થનું નિર્માણ કરનાર દરેક વિશિષ્ટ તંત્ર પાછળનું તેઓ ‘વ્યાકરણ’ શોધવા મથ્યા છે. પાયાની સંરચનાઓમાં પડેલાં ‘binary oppositions’નું તેઓ અસાધારણ મહત્ત્વ કરે છે. વ્લાડીમીર પ્રોપે રશિયન પરીકથાઓનું સંરચનાવાદના દૃષ્ટિકોણથી વિશ્લેષણ કર્યું છે. કથામાં જોડાતાં અર્થપૂર્ણ કાર્યો જે કથનાત્મક ભાષામાં રજૂ થાય છે તેના પાયાના એકમ રૂપ એવાં એકત્રીસ functions તેમણે તારવી બતાવ્યાં છે. આ ઉપરાંત તેમણે પુરાણકથાઓ, મહાકાવ્યો, રોમાન્સ અને કૉમિડિ જેવા સાહિત્યપ્રકારોમાં કાર્યોનાં સાત ‘વિશ્વો’ રેખાંકિત કરી આપ્યાં છે. ગ્રિમસે પ્રોપની કથાવિચારણાને વ્યાપક ભૂમિકાએથી ચર્ચી અને binary oppositions નાં ત્રણ મુખ્ય યુગ્મો રજૂ કર્યાં. આ ભૂમિકાએથી ગ્રીક નાટ્યકૃતિ ‘ઇડિપસ કિંગ’નું તેમનું વિશ્લેષણ નોંધપાત્ર છે. જિરાર્ડ જિને સંરચનાવાદી દૃષ્ટિએ કથાતત્ત્વવિચાર કર્યો તે પણ આ ક્ષેત્રનું વિશિષ્ટ અર્પણ છે.

અનુસંરચનાવાદ અને વિઘટન
(Post-structuralism and Deconstructionism):

અનુસંરચનાવાદનો ઉદ્‌ભવ આ સદીના સાતમા દાયકાના ઉત્તરાર્ધમાં થયો. જોકે અનુસંરચનાવાદ એ સંરચનાવાદનો સીધેસીધો વિસ્તાર નથી. હકીકતમાં, સંરચનાવાદની કહેવાતી વૈજ્ઞાનિક ધારણાઓ સામે એ મોટો વાંધો લે છે. એક રીતે સોસ્યૂરની ભાષાવિચારણામાં જ અનુસંરચનાવાદને જન્માવે એવી ભૂમિકા મળી આવે છે. ભાષાકીય સંકેતની વિચારણામાં તેમણે એમ સ્પષ્ટ કર્યું હતું કે ‘સંકેતક’ (signifier) અને ‘સંકેતિત’ (signified) વચ્ચે કોઈ એકરૂપ સંબંધ હોતો જ નથી; એ જ રીતે સમગ્ર ‘સંકેત’ (sign)-ને એ જે બાહ્ય પદાર્થનો નિર્દેશ કરવા તાકે છે તેની સાથેય એવો કોઈ અનિવાર્ય સંબંધ હોતો નથી. હકીકતમાં, સંકેતક પોતે કોઈ positive અર્થ ધરાવતો હોતો નથી. ધ્વનિરચનાના સ્તરે અન્ય સંકેતકોથી તે ભિન્ન છે અને તેની એ ભેદકતા જ તેને ‘અર્થ’નો નિર્દેશ કરવાની ક્ષમતા અર્પે છે. સંકેતકની સાથે જોડાઈને આવતા સંકેતિતને વળી બીજા સંકેતકો દ્વારાય સૂચવી શકાય. વળી, એ અન્ય સંકેતકો અન્ય સંકેતિતોય સૂચવતા હોય. આમ, અર્થબોધની પ્રક્રિયા સંકેતકો/સંકેતિતોની અંતહીન શૃંખલામાં વિસ્તરતી રહે છે. પણ, ક્યાંય અંતિમ નિરપેક્ષ સંકેતિત પ્રાપ્ત થતો નથી. જાણીતા ફ્રેંચ ચિંતક રોલાં બાર્થની ઉત્તરકાલીન વિચારણામાં પાઠની અર્થબહુલતાનો જે ખ્યાલ રજૂ થયો તેમાં અનુસંરચનાવાદનું અનુસંધાન રહ્યું છે. તેમણે એમ દર્શાવ્યું છે કે સાહિત્યિક પાઠનો કર્તા વિલય પામ્યો છે. પાઠમાં કોઈ અખંડ એકાત્મરૂપ ‘અર્થ’ કે ‘સત્ય’ કે ‘વાસ્તવબોધ’ સંભવતો નથી. પાઠનું વાચન એ સંકેતકોની શૃંખલામાં ક્રમશઃ ઝબકી જતા આંશિક અર્થોની શોધપ્રક્રિયા માત્ર છે. દરેક પાઠ હંમેશ માટે અનિર્ણીત અને ખુલ્લો રહે છે. સંરચનાવાદીઓ માટે પાઠ એની અખંડ, સર્વગ્રાહી અને અંતઃકેન્દ્રયુક્ત સંરચના ધરાવે છે. અનુસંરચનાવાદીઓ સંરચનાનું અંતઃકેન્દ્ર કે તેની અખંડિતતાનો ખ્યાલ સ્વીકારતા નથી. અર્થાત્‌ પાઠના આગળપાછળના કોઈ પણ સંદર્ભથી તેમાં પ્રવેશી શકાય. બાર્થે એમ પણ કહ્યું કે પાઠની મૂળ ભાષાની સામે તેનું વિશ્લેષણ કરતી ભાષા સ્વયં એક મેટાલેંગ્વેજ જ છે, અને એ મેટાલેંગ્વેજને વળી મૂળ ભાષાની જેમ ફરીથી વિશ્લેષણમાં લઈ શકાય. આ પ્રક્રિયા પણ અંતહીન સંભવે છે. જુલિયા ક્રિસ્ટિવાએ પાઠની અર્થનિર્મિતિ વિશે આગવી રીતે ચિંતન કર્યું. ફ્રોય્‌ડના મનોવિશ્લેષણવાદનો તેમણે પોતાની વિચારણામાં સંયોગ સાધવાનો ઉપક્રમ રાખ્યો. તેમનું વક્તવ્ય એ છે કે સાહિત્યિક પાઠમાં ઉપલક નજરે જે કંઈ વ્યવસ્થારૂપ અને બુદ્ધિગ્રાહ્ય લાગે તે ખરેખર કાંઈ સ્થિરદૃઢમૂલ હોતું નથી. પાઠની અંતર્ગત રહેલાં સમવિષમ અને અબૌદ્ધિક તત્ત્વો સતત તેને હચમચાવી રહેતાં હોય છે. પાઠની ભાષાની સંરચનાઓના સ્તરે અસંપ્રજ્ઞાત જે રીતે પ્રવેશે છે તે અભ્યાસીઓની તપાસનું ક્ષેત્ર છે. ઝાક લકાનની વિચારણામાં પણ સોસ્યૂરનો સંરચનાનો ખ્યાલ મનોવિશ્લેષણવાદ સાથે આગવી રીતે સંકળાયો છે. ફ્રોય્‌ડમાં અસંપ્રજ્ઞાત એ અવરુદ્ધ ઇચ્છાઓ, વૃત્તિઓ અને કલ્પનોનો અરાજક સમૂહ માત્ર હતો. લકાને અસંપ્રજ્ઞાત સ્વયં ભાષાસંરચના જેવું વ્યવસ્થિત તંત્ર છે એમ દર્શાવ્યું. તેમની વિચારણામાં સંકેતકો ચિત્તની સપાટી પર તરે છે, જ્યારે સંકેતિતો તેની નીચે સરકતા રહે છે. અગાઉ માક્ર્‌સવાદ, રશિયન સ્વરૂપવાદ અને સંરચનાવાદી વિચારધારાઓમાં કેટલીક પાયાની ચર્ચામાં વ્યક્તિની આત્મચેતના(subjective)ની બાદબાકી હતી. લકાને speaking subjectનો ખ્યાલ સ્વીકાર્યો અને ભૌતિકતાવાદી સ્તરેથી તેનું વિશ્લેષણ કર્યું. તેઓ કહે છે કે સંકેતકોની વ્યવસ્થાની પૂર્વઅસ્તિતાએ જ આત્મચેતનાનો પ્રવેશ થયો હોય છે, પણ ખરેખર તો ભાષાના તંત્રમાં જ તે અર્થ પ્રાપ્ત કરે છે. ખરેખર તો ભાષામાં પ્રવેશ કર્યા પછી જ આત્મચેતનાની ઉપસ્થિતિ ચોક્કસ સંબંધપરક માળખામાં ગોઠવાઈ છે. આ આખી પ્રક્રિયા અને તેની પૂર્વેના તબક્કાઓ અસંપ્રજ્ઞાતથી નિયંત્રિત થાય છે. આ તબક્કે સુખવાદના સિદ્ધાંતની સામે વાસ્તવબોધનો સિદ્ધાંત જન્મે છે. એની સાથે નીતિમત્તા, કાનૂન, ધર્મ આદિ patriarchal lawનાં પ્રતીકાત્મક રૂપો પ્રવેશે છે. પણ તેથી અસંપ્રજ્ઞાતની અવરુદ્ધ ઇચ્છાઓ વૃત્તિઓ કંઈક લય પામતાં નથી. આથી આત્મચેતનામાં મૂળથી જ ક્યાંક તિરાડ રહી જાય છે. ‘જ્યાં ઉપસ્થિત હોવાનું હું માનું છું ત્યાં ‘હું’ કદીય હોતો નથી.’ – આ ઉક્તિમાં ‘હું’ સંકેતક/સંકેતિતની ધરી પર ઊભો છે અને એ ‘હું’માં તિરાડ છે. મારી ભૂમિકાએ એ ‘હું’ કદીય પૂર્ણરૂપે ઉપસ્થિત થઈ શકે એમ નહિ. લકાનમાં આ રીતે ભાષાની વસ્તુઓનો નિર્દેશ કરવાની તેમ લાગણી કે વિચાર વ્યકત કરવાની શક્તિ વિશે મોટી અશ્રદ્ધા વરતાય છે. દેરિદાએ ૧૯૬૬માં જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં ‘માનવવિજ્ઞાનોના ડિસ્કોર્સ’માં ‘સંરચના, સંકેત અને ક્રીડા’ નિબંધ રજૂ કર્યો તે સાથે અમેરિકામાં વિવેચનની એક નવી હિલચાલ જન્મી. પશ્ચિમના તત્ત્વચિંતનમાં છેક પ્લેટોના જમાનાથી જે મેટાફિઝીકલ ગૃહીતોનો સ્વીકાર થયો હતો, તેની સામે જ તેમણે પડકાર કર્યો. સંરચનાવાદની ટીકા કરતાં તેમણે એમ કહ્યું કે એમાં અર્થનિર્માણ કોઈ ‘કેન્દ્ર’ પર નિર્ભર છે. એ કેન્દ્ર સમગ્ર રચનાનું નિયંત્રણ કરે છે, અને પોતે એનાથી પર છે એમ સૂચિત છે. એટલે, કેન્દ્ર સંરચનાવાદી વિશ્લેષણનો વિષય બનતું નથી. પરંપરાગત ચિંતનમાં એ કેન્દ્ર ‘ઈશ્વર’, ‘પરમ આત્મા’, ‘પરમ સત્તા’, ‘સત્ત્વ - essence’, ‘વસ્તુતત્ત્વ’, ‘સત્ય’, ‘રૂપ’, ‘આદિ’, ‘અંત’, ‘હેતુ’, ‘ચેતના’, ‘પુરુષ’, ‘the word’, ‘the presence’ જેવી સત્તારૂપે રજૂ થતું રહ્યું છે. સમગ્ર તત્ત્વવિચાર એવી logocentric ભૂમિકાએ થયો છે. પણ, દેરિદાને મતે, પાઠમાં ક્યાંય પણ એવું કોઈ કેન્દ્ર હોતું નથી. એટલે સંકેતકો/સંકેતિતોની અંતહીન શૃંખલામાં ‘અર્થ’ની અવિરત ખોજ એ જ અનિવાર્ય પરિણામ સંભવે છે. દેરિદાએ રૂઢ પદ્ધતિમાં રચાઈ આવતાં વિરોધાર્થી શબ્દયુગ્મો લઈ તેનું deconstruction કરી બતાવ્યું. રૂઢ ચિંતનમાં ‘સદ-અસદ્‌’, ‘સુંદર-વિરૂપ’, ‘શુભ-અશુભ’, ‘ઉચ્ચ-નીચ’, ‘ઇષ્ટ-અનિષ્ટ’, ‘અસીમ-સીમિત’, ‘સંસ્કૃતિ-પ્રકૃતિ’, ‘વિરાગ-રાગ’, ‘ધર્મ-અધર્મ’ જેવાં યુગ્મોમાં બંને પદના અર્થો પરસ્પરવિરોધી છે અને એ બે પૈકી એક પદનો અર્થ ચઢિયાતો હોવાનું અભિપ્રેત છે. દેરિદાએ એ રૂઢ ખ્યાલોનું ખંડન કર્યું અને બંને અર્થોનું ‘વિઘટન’ કરી બતાવ્યું કે હકીકતમાં વિરોધી અર્થોનો ખ્યાલ ખોટો છે : બંનેના અર્થ પરસ્પર ગાઢપણે ગૂંથાયેલા છે અને યુગ્મનું એક પદ અન્યથી ચઢિયાતું છે એ ખ્યાલ પણ ભ્રામક છે. તેમના મતે ‘સદ્‌-અસદ્‌’ એવા યુગ્મમાં ‘સદ્‌’નો પ્રાથમિક સ્વીકાર એ ખોટું છે. ‘અસદ્‌’ના સ્વીકાર પછી જ તેનો બોધ થાય છે. વિઘટનના ખ્યાલને સાહિત્યિક પાઠને લાગુ પાડી બતાવતાં તેમણે એમ દર્શાવ્યું કે કોઈ પાઠ એની પોતાની રચનામાં અમુક ચોક્કસ તંત્રની, અને તેની અંતર્ગત નિયમોની જ્યાં સ્થાપના કરતો લાગે ત્યાં જ પાઠમાંનું કોઈક તત્ત્વ એને વિચ્છિન્ન કે વિકેન્દ્રિત કરતું એકાએક ઉપસ્થિત થાય છે અને વિઘટનની પ્રવૃત્તિના આરંભ માટે ત્યાં જગ્યા રચાઈ આવે છે. પાઠના ખંડખંડના અર્થની ખોજ કરી તેમાં વિઘટનકાર આંતરસંબંધોની ઓળખ કરાવવા પ્રવૃત્ત થાય છે. પૉલ દ માન જેવા અભ્યાસીએ આ પદ્ધતિએ સાહિત્યિક પાઠોનાં ધ્યાનપાત્ર વિશ્લેષણો કર્યાં છે. આ વિચારધારા સાથે વત્તેઓછે અંશે સંકળાયેલા બીજા અનેક અભ્યાસીઓ – હેરોલ્ડ બ્લૂમ, જ્યોફ્રે હાર્ટમેન, જે.એચ. હિલિસ મિલર, બાર્બરા જ્હોન્સન, માઇકલ ફૂકો, એડવર્ડ સેડ વગેરેએ પોતાની આગવીઆગવી દૃષ્ટિએ મહત્ત્વનું અર્પણ કર્યું છે.

ફિનોમિનોલૉજી, વાચન-પ્રક્રિયા અને વાચક-પ્રતિભાવને લક્ષતા અભિગમો
(Phenomenology, Reading-process and Reader-Response -Approaches) :

આ સદીના વિવેચનમાં રશિયન સ્વરૂપવાદ, નવ્ય વિવેચન અને સંરચનાવાદ જેવા અભિગમોમાં વાચકની આત્મચેતના(subjectivity)નો મુદ્દો ક્યાં તો અસ્વીકાર પામ્યો, ક્યાં તો અપ્રસ્તુત લેખાયો. વિવેચનને વિજ્ઞાનની વસ્તુલક્ષી કોટિએ સ્થાપવાના જે જે પ્રયત્નો થયા તેમાં વાચકની આત્મચેતના અને વાચનપ્રક્રિયામાં તેના સક્રિય સહયોગની વાત ઉપેક્ષિત રહી. આમ છતાં વિવેચનવિચારમાં જુદી જુદી દિશાએથી વાચકનો પ્રવેશ થતો રહ્યો છે. ફિનોમિનોલૉજી, મનોવિશ્લેષણવાદ, વિઘટનવાદ, નારીવાદ જેવી વિચારધારાઓથી પ્રેરિત વિવેચનવિચારમાં વાચકને પુનઃપ્રતિષ્ઠા મળી છે. વાચન-પ્રક્રિયા અને વાચન-પ્રતિભાવને લગતી એ રીતે અનેક અલગ વિચારધારાઓ અને તેથી પ્રેરિત પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. એ પૈકી ફિનોમિનોલૉજીથી પ્રેરિત વિચારણા આગવી રીતે વિકસી છે. ફિનોમિનોલૉજી એ આધુનિક પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની એક મહત્ત્વની હિલચાલ છે. પ્રસિદ્ધ જર્મન ફિલસૂફ ઍડમંડ હુસેર્લ(ઈ.સ. ૧૮૫૯–૧૯૩૮) એના આદ્યપ્રણેતા લેખાયા છે. જોકે આ સંજ્ઞાથી પરસ્પરભિન્ન અનેક વિચારણાઓ સૂચવાતી રહી છે. એના મૂળમાં રહેલી ‘ફિનોમિના’ સંજ્ઞાને જ જુદી જુદી રીતે સમજાવવામાં આવી છે. પણ એ સર્વ ચિંતનમાં કેટલીક સમાન ભૂમિકા રહી છે. પરંપરાગત તત્ત્વવિચાર આત્મલક્ષી અને પરલક્ષી એવાં બે પરસ્પરથી સર્વથા અલગ ‘વિશ્વો’માં વહેંચાઈ ગયો હતો. હુસર્લે ચેતનાની વ્યાપક ભૂમિકાએથી એ વિશ્વોને જોડવાનો પ્રયત્ન કર્યો. ચેતના સ્વયં intentional વ્યાપાર રૂપે પદાર્થને અંતર્ગત કરે છે અને એ વ્યાપારમાં આત્મલક્ષી અને પરલક્ષી બંનેય વિશ્વોને અતિક્રમી જાય છે. ચેતના અને તેનો પદાર્થ એ ક્ષણે એક અખંડ સ્વતઃપૂર્ણ અને સ્વતઃ પર્યાપ્ત ચેતોવિશ્વરૂપે ઉદ્‌ભાસિત થઈ ઊઠે છે. ફિનોમિનોલોજીના પ્રણેતા ચિંતકોએ આ intentional mode of operationની ક્ષણની ચેતનાની સંરચનાનું અધ્યયન કરવાની જે ‘પદ્ધતિ’ વિકસાવી – ખરેખર એ કોઈ સ્થિર સુનિશ્ચિત એવી ઢાંચાઢાળ પદ્ધતિ નથી, પણ એમાં અમુક ગતિશીલ વ્યૂહનો ખ્યાલ સૂચિત છે – એ દ્વારા વિશેષ કોટિનું સીધું પ્રત્યક્ષવત્‌ જ્ઞાન પ્રાપ્ત થાય છે એવી સ્થાપના થઈ. આ ચૈતસિક વ્યાપારની ક્ષણે પદાર્થ જગતનું bracketing કે suspension કરવાની અપેક્ષા છે. એટલે કે, ચેતના જ્યારે પદાર્થોને અવગત કરવા સક્રિય બને છે ત્યારે તેની બાહ્ય સત્તાનો વિચાર થંભાવી દેવાનો છે. પદાર્થજગત વિશેનું પ્રચલિત જ્ઞાન, તેની પાછળની પૂર્વધારણાઓ, વિભાવનાઓ, કોટિઓ એ સર્વ હઠાવી દઈને પદાર્થની મૂર્ત સત્તાને સીધેસીધી અવગત કરવાનો એ ઉપક્રમ છે. ચૈતસિક ઘટનાનું સ્હેજ પણ reduction ન થાય એ સાવચેતી સાથે ‘reflection’ની પ્રક્રિયા ચાલે છે. ચેતના આ ક્ષણે પદાર્થના આંતરસત્ત્વનું સીધેસીધું ગ્રહણ કરે છે. સ્વતઃપ્રમાણિત પણ મૂર્ત કોટિનું જ્ઞાન એમાં સંભવે છે. એની પોતાની અંદર આંતરસંગતિ જન્મી હોય છે. ફિનોમિનોલૉજીની વિચારધારામાંના stratified structureના મૉડેલમાંથી પ્રેરણા લઈ રોમન ઇન્ગાર્ડને સાહિત્યની કૃતિનું ઝીણવટભર્યું વિશ્લેષણ હાથ ધર્યું. કૃતિની અતિ સંકુલ ઘટનાને મનોવિજ્ઞાનના નિયમોમાં ઢાળવાની નથી, સમુચિત આકલનમાં એની પોતાની અંતર્હિત રહેલી સંરચના એ પોતે જ પ્રગટ કરી આપશે એમ તેઓ કહે છે. કળાકૃતિ પોતે જે છે તે, અને વાચનપ્રક્રિયામાં તેની મૂર્ત ઉપલબ્ધિ એ બંને જુદાં છે. તેમની દૃષ્ટિએ સાહિત્યકૃતિની રચના ચાર સ્તરીભૂત સંરચનાઓથી બને છે :

(૧) મૂર્ત અવાજોનું સ્તર,
(૨) ‘અર્થ’નું સ્તર,
(૩) રજૂ થતા પદાર્થો, વ્યક્તિઓનું સ્તર, અને
(૪) પદાર્થો વ્યક્તિઓની રજૂઆતમાં અમુક પરિપ્રેક્ષ્યો, વ્યૂહરચનાઓ, દૃષ્ટિબિંદુઓ કે જુદા જુદા ‘voice’ના સંયોજનની પદ્ધતિ – એ સ્તર.

આ દરેક સ્તર એની આગવી સંરચનાગત તરેહ ધરાવે છે, એ દરેકના સંયોજનના અમુક આગવા નિયમો છે. અને આંશિક સ્વાયત્તતા તેને હોય છે. પણ એ દરેક, બાકીનાં સ્તરો સાથે ક્રિયાપ્રતિક્રિયાઓથી ગાઢપણે સંયોજાય છે અને એ રીતે સમગ્રની એકતા નિર્માણ થાય છે. કૃતિના આસ્વાદ અને તેની સમજ અર્થે ભિન્નભિન્ન સ્તરોની સંરચનાઓ અને સમગ્ર સંરચનાને સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિએ લક્ષ લેવાની છે. પણ કૃતિને આ કે તે પૂર્વનિર્ધારિત ઢાંચામાં ઢાળવાની નથી. સંરચનાના આંતરસંબંધોને વિના અવરોધ પ્રગટ થવા દેવાના છે. જિનિવા સ્કૂલના એક અગ્રણી જ્યૉર્જ પુલેએ વાચનપ્રક્રિયાને ફિનોમિનોલૉજીના પ્રકાશમાં તપાસી છે. એ સ્કૂલના વિવેચકો [‘ચેતનાલક્ષી વિવેચકો’ (Critics of Consciousness) તરીકે ઓળખાવાયા છે.] તેમના મતે, વાચનની ક્ષણોમાં વાચકની આત્મચેતના કૃતિમાં લીન બને છે ત્યારે બહારની વાસ્તવિકતાનાં બંધનોમાંથી તે મુક્તિ મેળવે છે. એ ક્ષણે કૃતિમાંના પદાર્થોથી પોતે સભર હોવાનો અનુભવ કરે છે. આત્મચેતનાના કેન્દ્ર પરથી તે કૃતિના પદાર્થોનું ગ્રહણ કરે છે. લેખકની આત્મચેતના, અલબત્ત, તેની કૃતિમાં જેટલી અને જે રીતે પ્રગટ થઈ છે તેની સાથે જ આ અનુસંધાન હોય છે. પણ આ કોઈ સરળ એકલક્ષી પ્રક્રિયા નથી. વાચકની આત્મચેતના મુક્તપણે કૃતિની સંરચનાઓ પામવા વિસ્તરતી રહે છે, તો ઊઘડતી આવતી સંરચનાઓ તેની આત્મચેતનાને સતત નવાનવા આકારોમાં ઢાળે છે. બીજા એક અભ્યાસી વુલ્ગાંગ આય્‌ઝરે પણ વાચનપ્રક્રિયાનો આ અભિગમથી સૂક્ષ્મ વિચાર કર્યો છે. માત્ર મૂળ પાઠને જ નહિ, વાચનની ક્ષણોમાં એ પાઠ પરત્વે જન્મતા રહેતા પ્રતિભાવોની અંતર્ગત જે જે કાર્યો ચાલે છે તેનેય reflectionમાં લેવાનાં રહે એમ તેઓ કહે છે. સાહિત્યપાઠ જુદા જુદા schematised views રજૂ કરે છે અને તેની વિષયસામગ્રી આ રીતે પ્રકાશમાં આવે છે. આ પ્રકાશમાં આણવાની પ્રવૃત્તિ તે જ પાઠનું concretization છે. આય્‌ઝરની દૃષ્ટિએ સાહિત્યકૃતિને બે ધ્રુવો સંભવે છે. લેખકે રચેલો પાઠ કળાત્મક ધ્રુવનો અને ભાવક દ્વારા એ પાઠની જીવંત મૂર્ત ઉપલબ્ધિ તે સૌંદર્યપરક ધ્રુવ. એ બે વચ્ચે ક્યાંક સાહિત્યકૃતિનું અસ્તિત્વ છે. ફિનોમિનોલૉજી પ્રેરિત વિશ્લેષણનો આરંભ તરીકે ક્રમમાં આવતાં વાક્યો એકબીજા પર કેવી અસર પાડે છે તેની તપાસ કરવાની રહે. વાક્યબોધ દ્વારા જન્મતી આકાંક્ષા, તેનું નિરંતર પરિવર્તન, પૂર્વાપર સંદર્ભોના ખૂલતા સંબંધો એ સંકુલ પ્રક્રિયાની પરિણતિ રૂપે કૃતિની ‘સામગ્રી’ પ્રકાશમાં આવે છે. હાન્સ રોબર્ટ યૉસની પાઠગ્રહણની વિચારણા જુદી ભૂમિકા પર મંડાયેલી છે. સાહિત્ય અને ઇતિહાસ વચ્ચેના આંતરસંબંધોને તેઓ દૃષ્ટિકેન્દ્રમાં આણે છે. ભૂતકાળની કૃતિઓ અને વર્તમાન વાચકની એ કૃતિઓ માટેની નિસ્બત – એ ઐતિહાસિક સંબંધની ખોજમાં તેમનો મુખ્ય રસ રહ્યો છે. તેઓ એમ દર્શાવવા ચાહે છે કે કળાકૃતિમાં રહેલું ઐતિહાસિક સત્ત્વ એનું સીધેસીધું વર્ણન કરીને કે એના નિર્માણની પ્રક્રિયાની તપાસ કરીને પામી શકાય નહિ. સાહિત્યને, ખરેખર તો, એના નિર્માણ અને તેના ગ્રહણ(reception) વચ્ચેની દ્વન્દ્વાત્મક પ્રક્રિયા રૂપે જ પામી શકાય. કૃતિના જન્મસમયે અને તે પછીના સમયમાં પેઢી દર પેઢી વાચકોએ જે રીતે ગ્રહણ કરી હોય તેના કડીબદ્ધ ઇતિહાસમાં તેનું ઐતિહાસિક મહત્ત્વ અને સૌંદર્યપરક મૂલ્ય સ્થાપિત થાય છે. દરેક નવી પેઢીના વાચક ‘અનુભવની ક્ષિતિજ’ ધરાવે છે. ક્ષિતિજની રચના અને ગ્રહણશીલતાની શરતો નિમિત્તે યૉસે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સૌંદર્યશાસ્ત્રીય પાસાંઓનું ઘણું સૂક્ષ્મ ચિંતન કર્યું છે. વાચકના પ્રતિભાવમાં જન્મજાત ઐતિહાસિક ચેતના કામ કરી રહી હોય છે એમ તેઓ બતાવે છે. વાચનપ્રક્રિયા કે વાચકની આત્મચેતનાને એક યા બીજી ભૂમિકાએથી સાંકળનારા અન્ય અભ્યાસીઓમાં જોનાથન ક્લર, રોલાં બાર્થ, સ્ટેનલિ ફિશ, નોર્મન હોલેન્ડ, ડેવિડ બ્લિફ, ગોલ્ડમાન, ફુકો, દેરિદા, બખ્તિનનું અર્પણ પણ એટલું જ નોંધપાત્ર છે.

નારીવાદી અભિગમ (Feminist Approach) :

માનવજાતિના ઇતિહાસનું સહેજ નિકટતાથી અવલોકન કરતાં એક કઠોર હકીકત તરત ધ્યાનમાં આવશે કે લગભગ બધા જ દેશોમાં પુરુષપ્રધાન સમાજ અસ્તિત્વમાં રહ્યો છે; રાજ્યશાસન, સમાજવ્યવસ્થા, આર્થિક પ્રવૃત્તિઓ, સંસ્થાઓનું સંચાલન કે કુટુમ્બરચના – સર્વત્ર પુરુષો જ આગળ રહ્યા છે અને સાહિત્યાદિ કળાઓમાં કે સમાજદૃષ્ટાઓની વિચારણાઓમાં નારીશક્તિનો મહિમા થયો હોય તોપણ વ્યાપક સમાજજીવનમાં, એકંદરે, તેની અવગણના જ થઈ છે. ધર્મ, નીતિ, કાનૂન, શાસન અને કેળવણી જેવા વિષયોમાં પુરુષોએ જે કંઈ વિચારણા કરી, અને વ્યક્તિ અને સમાજના શ્રેયની દૃષ્ટિએ જે વ્યવસ્થાઓ ઊભી કરી તેમાં નારીનું સ્થાન ગૌણ જ રહ્યું છે. કંઈક અચરજ થાય એવી વાત તો એ છે કે તત્ત્વજ્ઞાન અને સૌંદર્યમીમાંસા જેવાં તટસ્થ લેખાતાં ચિંતનક્ષેત્રોમાંય પ્રચ્છન્ન રીતે નારીચેતનાની સામે પુરુષચેતનાનું ગૌરવ થતું રહ્યું છે. આ સદીમાં જાગૃત થયેલા નારીસમાજે હવે આખી પુરુષપ્રધાન સંસ્કૃતિઓ સામે પડકાર ફેંક્યો છે. જીવનવ્યવસ્થામાં નારીનું શોષણ થાય, તેને અન્યાય થાય, તેની સ્વતંત્ર અસ્મિતાનું ખંડન થાય એવી સૌ જોગવાઈઓનો તે વિરોધ કરતી થઈ છે. પુરુષપ્રધાન સમાજના અચળ પાયા જેવી વિચારધારાઓ, માન્યતાઓ અને મૂલ્યતંત્રો પર તે ઘા કરી રહી છે. પ્રશ્નોનો પ્રશ્ન પુરુષોના સાર્વત્રિક વર્ચસ્‌ને તોડવાનો જ નથી; આજ સુધી આ જગતનું પુરુષદૃષ્ટિએ દર્શન રજૂ થયું છે તે પરિપ્રેક્ષ્યને હઠાવવાનો છે. નારીવાદી વિવેચન આપણા સમયની બિલકુલ મૂળભૂત એવી સાંસ્કૃતિક કટોકટીમાંથી જન્મ્યું છે. જોકે નારીવાદી વિવેચનના પ્રણેતાઓએ આ વિશે કોઈ વ્યવસ્થિત, સુગ્રથિત અને સંગતિપૂર્ણ સિદ્ધાંતચર્ચા કરવાનું ખાસ વલણ બતાવ્યું નથી. નારીવાદી વિવેચન ઘણુંખરું સાહિત્યકૃતિઓ અને તેના મૂળમાં રહેલી જાતીય ચેતના (gender consciousness)ને અનુલક્ષીને નારીસમસ્યાઓની ઓળખ કરવામાં રોકાયેલું છે. આ આંદોલનના પ્રેરણાસ્રોતો એલિઝા હેવુડ, જ્યોર્જ એલિયટ, વર્જિનિયા વુલ્ફ જેવી લેખિકાઓના સાહિત્યમાં મળે છે. પણ આ સદીના ઉત્તરાર્ધમાં નારીવાદી આંદોલન જે રીતે જોમ પકડે છે તેમાં જાણીતી ફ્રેંચ લેખિકા સિમોં દ બોનું મોટું અર્પણ છે. સ્ત્રી જન્મથી ‘સ્ત્રી’ હોતી નથીઃ તેની ‘સ્ત્રી’ તરીકે રચના કરવામાં આવે છે. પુરુષના the other તરીકે સામાજિક સંબંધોના માળખામાં તેની ‘મૂર્તિ’ સ્થાન લે છે. પુરુષની મૂળભૂત સત્તાને અનુલક્ષીને તેનું અસ્તિત્વ ઉપપન્ન કરવામાં આવે છે. અંતે પ્રશ્ન સત્તાના સંબંધનો છે. પુરુષની દૃષ્ટિએ તેને ‘boneless woman’ તરીકે ગૌણ સ્થાન મળ્યું છે. નારી પુરુષની ‘ઇચ્છાનો વિષય’ તરીકે સ્વીકારાતી રહી. આજનું નારીવાદી વિવેચન આ સમગ્ર પુરુષપ્રધાન વ્યવસ્થાનું પરીક્ષણ કરવા ચાહે છે. આ ઉપરાંત, લેખિકાઓ દ્વારા નિરૂપાયેલી સ્ત્રીઓ અને પુરુષો પરત્વેનાં તેમનાં વલણોની તપાસ, લેખિકાઓની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ અને લેખનપ્રકાશનની તેમની સમસ્યાઓ, પુરુષ કળાકારોએ કંડારેલી નારીમૂર્તિઓ અને પુરુષો દ્વારા લખાયેલાં દર્શન, સૌંદર્યવિચારણા, વિવેચન આદિનું deconstruction એમ જુદી જુદી અનેક દિશાઓમાં આ વિવેચન વિસ્તર્યું છે. નારીવાદી વિવેચકોનું એક જૂથ નારીસત્તાની અલગ ઓળખ પર ભાર મૂકે છે. નારીની નોખી દેહરચના, તેની નિજી માનસિકતાથી સંરચિત વિશિષ્ટ અનુભવો, પદાર્થજગત વિશે તેનો નિજી ડિસ્કોર્સ, તેનું વિલક્ષણ અસંપ્રજ્ઞાત અને સામાજિક, આર્થિક સંયોગો વચ્ચે તેનું સ્થાન – આ સૌ બાબતોને લક્ષમાં લેતાં તેના સર્જનાત્મક સાહિત્યમાં કશુંક ગૂઢ નારીસત્ત્વ ઊતરી આવે છે એમ તેઓ કહે છે. સાહિત્યના વિવેચકે એ નારીસત્ત્વની, સાચી ઓળખ કરવાની છે. પણ નારીવાદી વિવેચકો સામે પ્રશ્ન આટલો સાદો સરળ નથી. લેખિકાઓએ પોતે રચેલી સાહિત્યસૃષ્ટિઓમાં નારીપ્રતિભા કેવી રીતે ઊપસી છે તેનીય તેઓ તપાસ કરવા ચાહે છે. વાસ્તવમાં નારીવાદી વિવેચન જાતીય ચેતના-gendered consciousness – પરત્વે અતિઉત્કટ સભાનતા પ્રગટ કરે છે. પુરુષની દૃષ્ટિ – male gaze – તેને પોતાને તાકી રહી છે એની સભાનતા તો તેનામાં છે જ, પણ પોતે જેને oppressive power ગણતી રહી છે તેનાથી મુક્ત થઈ તે પોતાની અલગ અસ્મિતા સ્થાપવા ચાહે છે. આ આખી માનસિક પ્રવૃત્તિમાં તે દ્વિવિધ જાતીય ચેતનાનો સામનો કરે છે. તેના વિવેચનમાં, આથી, વિશેષ સંકુલતા સર્જાતી રહી છે. કૃતિની સંરચના, વ્યૂહરચના, ટૅક્‌નિક આદિની તપાસમાંય નારીવાદી વિવેચકને નક્કર આધારો મળ્યા છે. સાહિત્ય અને અન્ય લલિત કળાઓનો ઇતિહાસ, કળાકૃતિઓનાં આસ્વાદવિવેચન, અને રંગભૂમિ ફિલ્મની પ્રસ્તુતિ – એ બધાંય ક્ષેત્રોમાં સંરચના, વ્યૂહરચના આદિનો મુદ્દો એ રીતે ચર્ચાતો રહ્યો છે કે વાચક/પ્રેક્ષકની પુરુષનજર એમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે નિયામક બની હોય છે. ચિત્ર, શિલ્પ, ફિલ્મ કે સાહિત્યમાં મોટો ભોક્તાસમૂહ પુરુષોનો સંભવે છે, એટલે એ પુરુષોની દૃષ્ટિને સંતર્પે એ રીતે જ નારીપ્રતિમાઓ એમાં રજૂ થતી રહી છે. નારીવાદી વિવેચકોનું એક જૂથ, આથી, સમગ્ર સૌંદર્યમીમાંસાની પુનર્વિચારણા માગે છે. આમ આ અભિગમ વિવેચનમાં આમૂલ પરિવર્તનની દિશામાં કામ કરી રહ્યો છે. એટલું જ નહિ, તેના મૂળ આધારોની તે સમીક્ષા કરવા ઝંખે છે.