કળા, સાહિત્ય અને વિવેચન/સાહિત્ય અને સંસ્કૃતિ

સાહિત્ય અને સંસ્કૃતિ

આપણા પરંપરાનિષ્ઠ વિવેચનનું નિકટવર્તી અવલોકન કરતાં તરત સ્પષ્ટ થશે કે ‘સાહિત્ય’ અને ‘સંસ્કૃતિ’ (culture) વચ્ચે સંબંધો હોવાનું કેટલાંક લખાણોમાં પ્રગટપણે સૂચન મળે છે, કેટલાંકમાં એની આછી ભૂમિકા સ્પર્શાયેલી મળે છે અને બીજાં અનેકમાં એનો ગર્ભિતપણે સ્વીકાર થયેલો દેખાય છે. પણ, એ વિશે વિસ્તૃત સઘન અભ્યાસપૂર્ણ સિદ્ધાંતચર્ચા થઈ હોય એમ દેખાતું નથી. એ ખરું કે નવલરામ, ગોવર્ધનરામ, બળવંતરાય, વિષ્ણુપ્રસાદ, રામનારાયણ પાઠક કે ઉમાશંકર જોશી જેવા અગ્રણી સાક્ષરો-વિવેચકોએ સાહિત્યને જ્યાં જ્યાં સમાજજીવન સાથે સાંકળવાના પ્રયત્નો કર્યા છે, ત્યાં ત્યાં જાણ્યેઅજાણ્યેય આપણી સાંસ્કૃતિક બાબતોને વત્તેઓછે અંશે સ્પર્શતા રહ્યા છે, પણ સાહિત્ય અને સંસ્કૃતિ વચ્ચેના અતિ સંકુલ અને દુર્ગ્રાહ્ય સંબંધો વિશે એમાં કોઈ વેધક પ્રકાશ પડતો જણાતો નથી. હું તો એમ માનવા પ્રેરાયો છું કે સાહિત્યને સામાજિક અને સાંસ્કૃતિક વાસ્તવિકતાઓ સાથે કેવો માર્મિક સંબંધ સંભવે છે, તે વિશે આપણા સર્જકો તેમ વિવેચકો પૂરતી અભિજ્ઞતા દાખવતા નથી. છઠ્ઠા-સાતમા દાયકાઓમાં આધુનિકતાવાદના ઘેરા પ્રભાવ નીચે કેટલાક તરુણ લેખકોએ ‘સંસ્કૃતિ નહિ, કૃતિ માત્ર’ એવો વિચાર જોમપૂર્વક વહેતો કર્યો. એમાં ‘શુદ્ધ કવિતા’ કે ‘શુદ્ધ કળા’ની જિકર હતી. પણ સાથોસાથ સાહિત્યનો સમાજ અને સંસ્કૃતિથી વિચ્છેદ કરવાનું વલણ પણ હતું. એક રીતે માનવ સંસ્કૃતિ સામે એમાં આક્રોશ હતો, વિદ્રોહ હતો. અને, એટલે જ ત્રીસીચાળીસીના આપણા સાહિત્યમાં ગાંધીજી, ટાગોર આદિ મહામના પુરુષોની પ્રેરણાથી જીવનની ઉદાત્ત, મંગળ ભાવનાઓનું જે નિરૂપણ થયું હતું, તે ઘટના સ્વયં ઉપહાસની બાબત બની રહી. બલકે, આત્યંતિકતાએ જઈને કોઈ કોઈ કવિએ આદિમતાવાદી વલણો પોતાની રચનાઓમાં પ્રગટ કર્યાં. ત્રીસીચાળીસીની ભાવનાવાદી કવિતામાં કે આધુનિકતાવાદી તરુણોની આદિમતાવાદથી પ્રેરિત રચનાઓમાં સાચી કવિતા ક્યાં – એ પ્રશ્નને આપણે કદાચ જોઈએ એટલી ગંભીરતાથી લીધો નથી. ત્રીસીચાળીસીના કવિઓએ એ યુગના સાંસ્કૃતિક પરિવેશમાં તરતાં થયેલાં મૂલ્યોનું સીધું ઉદ્‌ગાન કરવાની વૃત્તિ રાખી, એમાં વૈયક્તિક સંવેદનાતંત્રની ભોંય પર વિચારો કે મૂલ્યોની સર્જનાત્મક ખોજની એટલી ગહન દૃષ્ટિ નહોતી. એની સામે આધુનિકતાવાદી તરુણોમાં કેટલાક ‘સંસ્કૃતિ’નો મૂળથી વિરોધ કરવા પ્રેરાયા. સંસ્કૃતિ એ સાહિત્યની વિઘાતક હોય, સર્જનપ્રવૃત્તિના મૂળમાં કુઠારાઘાત કરનારી બાબત હોય એવું વલણ એમાં છતું થયું. જોકે આધુનિકતાવાદના ગાળામાં અત્યંત રસપ્રદ ઘટના એ બની કે ઉમાશંકરે ‘અભિજ્ઞાન શાકુંતલ’ના પોતાના અનુવાદની આગળ મૂકેલી અધ્યયનસભર પ્રસ્તાવનામાં મહાકવિ કાલિદાસની એ નાટ્યકૃતિને ‘ભારતીય સંસ્કૃતિનું સૌંદર્યસમૃદ્ધ ચિત્રાંકન’ એવા શબ્દોથી બિરદાવી, તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ચી.ના.પટેલ દ્વારા પ્રસ્તુત ‘વાલ્મીકીય રામાયણ’ના આમુખમાં એ મહાકાવ્યનું ‘ભારતીય સંસ્કૃતિનો પુણ્યશ્લોક’ તરીકે ગૌરવ કર્યું. આ બંને અભ્યાસીઓ પોતપોતાના અધ્યયનની રચનાઓમાં ભારતીય સંસ્કૃતિનાં ઉદાત્તમંગલ તત્ત્વોનો સૌંદર્યમય આવિષ્કાર જુએ છે, અને એ દૃષ્ટિએ એ સાહિત્યની ઉત્કૃષ્ટતા દર્શાવવા પ્રેરાયા છે. અહીં એય નોંધવા જેવું છે કે આ બંને અભ્યાસીઓ એમની પેઢીના બીજા અનેક અભ્યાસીઓની જેમ આધુનિકતાવાદી સાહિત્ય પરત્વે ખાસ કશો ઉત્સાહભર્યો પ્રતિભાવ દર્શાવતા નથી. તો સાહિત્યકારો અને અભ્યાસીઓની અમુક પેઢીઓ સાહિત્ય અને સંસ્કૃતિનો સંબંધ સ્વીકારે, બીજી કોઈ પેઢી કે વર્તુળ એનો અસ્વીકાર કરે – એ ઘટના મૂળથી સમીક્ષા માગે છે. અને, એ સંદર્ભે સૌથી પહેલાં તો ‘સંસ્કૃતિ’ સંજ્ઞાના અર્થો સ્પષ્ટ કરી લેવાના રહે છે. સંસ્કૃતિનું સ્વરૂપ કેવું છે, તેની લક્ષ્યસાધના શી છે, તેની વિકાસપ્રક્રિયા શી રીતે ચાલે છે, તેનો આદ્ય સ્રોત ક્યાં છે, તેનું સંચાલક બળ કયું છે, તેનું હાર્દ – તેનું પ્રાણતત્ત્વ – ક્યાં છે એવા એવા પ્રશ્નોને અહીં સ્થાન છે. એ પ્રશ્નોને અનુલક્ષીને અહીં કંઈક વિસ્તારથી ચર્ચા કરવાને મને આવશ્યકતા જણાય છે. એ પછી એ ભૂમિકા પરથી સાહિત્ય અને સંસ્કૃતિના પરસ્પરના સંબંધોનો મુદ્દો વિચારણામાં લઈશ. સાહિત્ય સ્વયં ‘સંસ્કૃતિ’ છે કે સંસ્કૃતિના એક વિશેષ રૂપનો આવિષ્કાર છે કે પછી સાહિત્યિક ઘટનાથી સંસ્કૃતિ કોઈ બહારનું આગંતુક તત્ત્વ છે? સાંસ્કૃતિક તત્ત્વો સાહિત્યના મૂલ્યમાં કોઈ રીતે વૃદ્ધિ કરે છે કે સાહિત્ય માટે એ નિષ્ક્રિય અને અપ્રસ્તુત સામગ્રી છે? સંસ્કૃતિ જો માનવચેતનાના વિકાસને લક્ષ્ય કરતી હોય તો જીવનમાં કે સાહિત્યમાં એ વિઘાતક શી રીતે બને? અંતે પ્રશ્નોનો પ્રશ્ન સંસ્કૃતિનો આત્મા તમે કઈ રીતે ઓળખો છો તેને લગતો છે. ખરેખર તો ‘સંસ્કૃતિ’નું સમર્થન કરનારા અને તેનો વિરોધ કરનારા એ સંજ્ઞાનો કંઈક જુદો જ અર્થ સમજતા હોય છે. પણ આ પરિસ્થિતિના મૂળમાં જતાં જણાશે કે સંસ્કૃતિ વિશે આધુનિક સમયમાં વ્યાપક સ્તરેથી જે વ્યાખ્યાવિચારણાઓ થઈ તેમાં જ પરસ્પરથી ભિન્ન, બલકે વિરોધી લાગતાં દૃષ્ટિબિંદુઓ ઊપસતાં રહ્યાં છે, અને એ કારણે સંસ્કૃતિ પરત્વે અનેક ચિંતકો અને લેખકોમાં દ્વિધાભર્યું અને સંદિગ્ધ વલણ જન્મ્યું છે. પાશ્ચાત્ય વિદ્યાજગતમાં ‘સંસ્કૃતિ’ની વિભાવના ગઈ સદીમાં વ્યાપકપણે ખેડાઈને ઘણી અર્થસંકુલ બની અને દૃઢમૂલ બની – એની સાથે આંતરિક રીતે છેક હાર્દમાં જોડાયેલી બલકે એની પર્યાયરૂપ નહિ તોય લગભગ પર્યાયરૂપ ‘સભ્યતા’(civilization) સંજ્ઞાય ખેડાતી રહી – અને પશ્ચિમમાંથી એ વિભાવનાઓ આપણે અર્વાચીન યુગના આરંભે સ્વીકારી છે. પણ એનો અર્થ એ નહિ કે એ પૂર્વે આપણા દેશમાં કે જગતના અન્ય દેશોમાં સંસ્કૃતિ અસ્તિત્વમાં જ નહોતી. વાસ્તવમાં, ભારતમાં ઈ.સ.પૂ. ૧૫૦૦ વર્ષ પહેલાં અસાધારણ તેજસ્વી એવી વૈદિક સંસ્કૃતિ વિકસી હતી અને પશ્ચિમ ભારતમાં એનીય પહેલાં હરાપ્પા લોથલ આદિ સંસ્કૃતિઓ અમુક હદ સુધી વિકસીને લુપ્ત થઈ હતી. પશ્ચિમી જગતમાં ગ્રીક સંસ્કૃતિ ઈ.સ.પૂ. ચોથીપાંચમી સદીમાં આગવી રીતે વિકસીને પરાકાષ્ઠાએ પહોંચી હતી. એ પછીના સમયમાં રોમન સંસ્કૃતિની વિકાસકથાય રસપ્રદ છે. આ ઉપરાંત અન્ય પ્રાચીન સંસ્કૃતિઓમાં ઇજિપ્ત, બેબિલોનિયા, સુમેરિયા અને ચીનજાપાનની સંસ્કૃતિઓય ઉલ્લેખનીય છે. માનવ-ઇતિહાસમાં આ સર્વ સંસ્કૃતિઓ/સભ્યતાઓ તો ઘટેલી ઘટનાઓ છે, પણ આપણી મૂંઝવણો અને મુશ્કેલીઓ તેની ચેતનાનો તાગ લઈ તેની સાર્વત્રિક વિભાવના રચવામાંથી જન્મી છે. મૂળ મુદ્દો એ છે કે પશ્ચિમમાં ગઈ સદી દરમિયાન સમાજશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, ધર્મમીમાંસા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરે વિષયોમાં જે નવું જ્ઞાન મળ્યું અને ચિંતનની નવી કોટિઓ પ્રચારમાં આવી તેમાં ‘સંસ્કૃતિ’ એ અત્યંત મહત્ત્વની વિભાવના બની રહી, પણ દરેક વિષયના અભ્યાસીઓએ પોતપોતાના અભ્યાસ-પદાર્થના સંદર્ભે આગવી રીતે એની વિભાવના બાંધવાના પ્રયત્નો કર્યા. પરિણામે એની દોઢસોથીય વધુ વ્યાખ્યાઓ બંધાઈ ચૂકી છે અને એ સર્વ વ્યાખ્યા-વિચારણાઓને લક્ષમાં લેતાં એ ઘણી અટપટી અને ગૂંચવાડાભરી સંજ્ઞા બની રહી છે. એફ.આર.કોવેલ નામનો પાશ્ચાત્ય અભ્યાસી કંઈક ખિન્ન સ્વરમાં કહે છે : ‘What the word ‘culture’ really means, seems to have been accepted as one of the insoluble puzzles of the Modern Age’ (‘સંસ્કૃતિ’ સંજ્ઞાનો ખરેખર શો અર્થ થાય એ આધુનિક યુગની કદી ઊકલી જ ન શકે એવી સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે એ બાબત હવે સ્વીકારાઈ ચૂકી છે.) બીજા પ્રસિદ્ધ સંસ્કૃતિચિંતક અને વિવેચક રેમન્ડ વિલિયમ્સ આ બાબતે એમ કહે છે : ‘Culture is one of the two or three most complicated words in the English Language.’ (‘સંસ્કૃતિ’ એ અંગ્રેજી ભાષાના સૌથી અટપટા એવા બેત્રણ શબ્દો પૈકીનો એક છે.) આધુનિક અંગ્રેજી ચિંતનમાં પ્રચલિત ‘culture’ શબ્દની નિકટનો પૂર્વવર્તી શબ્દ તે લેટિનનો ‘cultura’ (કાળજી રાખવી, માવજત કરવી, જતન કરવું) શબ્દ છે. એની વ્યુત્પત્તિલક્ષી ચર્ચાને અહીં જગ્યા નથી. માત્ર એટલો જ નિર્દેશ કરીશ કે સોળમી સદીની આસપાસમાં અંગ્રેજીમાં એ ક્રિયાવાચી સંજ્ઞા રહી છે : એનો મુખ્યાર્થ છે – the tending of something, basically crops or animals. કશાકને, મુખ્યત્વે ધનધાન્ય અને પ્રાણીઓને ઉછેરવું. સોળમી સદીમાં જ કલ્ચર સંજ્ઞાનો ‘સ્વાભાવિક ખિલવણીમાં જતન’ અને ‘માનવવિકાસની પ્રક્રિયા’ એ અર્થવિસ્તાર સધાયો. પણ, અગાઉ નિર્દેશ કર્યો છે. તેમ, ઓગણીસમી સદીમાં જુદા જુદા જ્ઞાનવિજ્ઞાનના વિષયોમાં ખેડાઈને વ્યાપકપણે એ પ્રતિષ્ઠિત થઈ, અને ‘સર્વસાધારણ સામાજિક પ્રક્રિયા’નો અર્થ એને મળ્યો. વિજ્ઞાન અને ટેક્‌નૉલૉજીના ઝડપી વિકાસની સાથે માનવજાતિના વિકાસ અને પ્રગતિના ખ્યાલો દૃઢ બન્યા. નવો માનવ્યવાદ, વિજ્ઞાનવાદ અને ઐતિહાસિકતાવાદની વિચારણાઓય એમાં સમર્થક બની. ઈશ્વરવિદ્યા(theology), ધર્મવિચાર, પુરાણતત્ત્વ આદિ પરંપરાગત વિષયોનું કઠોર, બૌદ્ધિક ભૂમિકાએથી સમીક્ષા કરવાનું પ્રબળ વલણ જન્મ્યું. એ સમયે, ઈશ્વરવિદ્યા, ધર્મચિંતન અને પુરાણતત્ત્વ – જેમાંથી સંસ્કૃતિએ પ્રાણપ્રદ તત્ત્વો મેળવ્યાં અને જેમાં હજી એના આદ્યસ્રોતો પડેલા છે – તે સર્વથી અળગા થઈ પોતાનું ‘સ્વાયત્ત વિશ્વ’ રચવાનો પ્રયત્ન કર્યો. એમાં માનવવિકાસની બિનસાંપ્રદાયિક અને સાર્વત્રિક પ્રક્રિયા શોધવાનું લક્ષ્ય દેખાય છે. ‘સંસ્કૃતિ’ના સ્વરૂપવિચારમાં આગળ વધીએ તે પહેલાં રેમન્ડ વિલિયમ્સે એ સંજ્ઞાના પરસ્પરસંબંધિત છતાં અલગ પડતા ત્રણ અર્થસંકેતો તારવી આપ્યા છે તે નોંધી લઈએ. પાછળની ચર્ચાવિચારણા સમજવાને એ સારું માળખું પૂરું પાડે છે. ‘સંસ્કૃતિ’ અંગેની ઉપલબ્ધ વ્યાખ્યાવિચારણાઓ એ રીતે ત્રણ સર્વસાધારણ કોટિઓમાં વહેંચાઈ જાય છે : ૧. સંસ્કૃતિ એક ભાવનારૂપ કોટિ (a category of ideal) : આ કોટિમાં સંસ્કૃતિ એ એક ભાવનાનું વિશ્વ છે. માણસ અમુક શાશ્વત મૂલ્યોની સિદ્ધિ અર્થે સાધના કરે અને માનવ્યની પૂર્ણતા તરફ ગતિ કરે એ આખી પ્રક્રિયાનું એમાં સૂચન છે. માનવચેતના બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં જે કોઈ ઉન્નત વિચાર, ભાવના કે દર્શન પ્રાપ્ત કરે છે, તેમજ સૌંદર્યાનુભવના ક્ષેત્રમાં જે સૂક્ષ્મ અને વિશુદ્ધ ચેતના સાથે અનુસંધાન પામે છે તે સર્વ ચૈતસિક પ્રક્રિયા સંસ્કૃતિ જ છે. કોઈ પણ પ્રજાના ઊર્ધ્વગામી પુરુષો – ઋષિઓ, સંતો, કવિઓ, કળાકારો અને સમાજદૃષ્ટાઓએ જીવનની પૂર્ણતાનું જે દર્શન રજૂ કર્યું હોય કે શાશ્વત મૂલ્યોનું જે તંત્ર નિર્માણ કર્યું હોય તે સંસ્કૃતિનું હાર્દ છે. અહીં માનવીની ભૌતિક કૃતિઓ કે સાધનોનો ખ્યાલ અભિપ્રેત નથી : માનવચેતનાના ઊર્ધ્વવિકાસની ઘટના જ અહીં ઉદ્દિષ્ટ છે. ૨. સંસ્કૃતિ એ દસ્તાવેજ સમી કૃતિઓનો સમુચ્ચય (A category of documentary works) : આ કોટિએ સંસ્કૃતિમાં કોઈપણ સમાજને સમૃદ્ધ વારસારૂપે પ્રાપ્ત થતાં બૌદ્ધિક દર્શનો અને કલ્પનાનાં સર્જનોનો સમાવેશ થાય છે. ચિંતકોએ વિશ્વજીવન સમાજજીવન કે રાષ્ટ્રીયતાના સ્તરેથી જે કંઈ ગહન ચિંતન કર્યું હોય, જે કંઈ જીવનમીમાંસા કરી હોય, ધર્મ, નીતિ, પુરાણ, કળાઓ વિશે તાત્ત્વિક ચિંતનપરીક્ષણ અને શોધ કર્યાં હોય તે સર્વ સાહિત્ય એમાં સ્થાન પામે છે. જ્ઞાનવિજ્ઞાનનાં અનેકવિધ ક્ષેત્રોની ઉપલબ્ધિઓ, સાહિત્ય અને ભિન્નભિન્ન કળાઓનો વારસો, ઐતિહાસિક ધાર્મિક સ્મારકો, દસ્તાવેજ રૂપ અન્ય સાધનો આ કોટિમાં સ્થાન લે છે. સંસ્કૃતિની પહેલી કોટિ - a category of ideal – કરતાં આ બીજી કોટિ થોડી વિસ્તૃત છે. એમાં ભાવનારૂપતાનો નિષેધ નથી, સમાવેશ છે. પણ અહીં માત્ર ભાવનાત્મકતા નથી. જીવનના અપારવિધ અનુભવો, વિચારો અને કલ્પનાઓ અહીં ભૌતિક માધ્યમોમાં મૂર્તરૂપે પ્રાપ્ત થઈ છે. જીવનની કઠોર કારમી વિષમતાઓ, સંઘર્ષો, યાતનાઓ એ બધું એમાં પ્રસ્તુત થાય છે, અને ખાસ તો બૌદ્ધિક ચિંતનની કૃતિઓમાં તેમ સર્જનાત્મક કૃતિઓમાં, મેથ્યુ આર્નલ્ડ કહે છે તેમ, ‘જીવનની સમીક્ષા’ દાખલ થાય છે. વિચારો, અનુભવો અને મૂલ્યોનું જગત સ્વયં અન્ય વિદ્વાનો અને વિવેચકો દ્વારા સમીક્ષા અર્થઘટન કે મૂલ્યાંકનનો વિષય બને છે. અંતે તો સંનિષ્ઠ શોધન અને વિવેચન પણ માનવવિકાસની પ્રકિયાને જ લક્ષે છે. પણ હવે એમાં ભિન્નભિન્ન વિચારધારાઓ, વાદો વિવાદો અને વિવેચનમૂલ્યાંકનનાં મૂલ્યો નિર્ધારક બને છે. ૩. ‘સંસ્કૃતિ’ની વ્યાખ્યા (a social definition of culture) : સંસ્કૃતિની વ્યાખ્યા વિચારણાઓની આ ત્રીજી કોટિ છે. ઉપરની બંને કોટિઓની સામે આ સૌથી વધુ વ્યાપક કોટિ છે. અલબત્ત, ઉપરની બંને કોટિઓમાં સંસ્કૃતિનાં જે ઘટકો નોંધ્યાં છે તે અહીં સમાઈ જાય છે, પણ અહીં ઝોક પ્રજાની કે તેના કોઈ એક ચોક્કસ સમૂહની નિજી જીવનરીતિ કે જીવનતરેહ પર છે. એમાં જીવનની દૈહિક, ભૌતિક જરૂરિયાતો, એ જરૂરિયાત સંતોષવા મેળવેલી સામગ્રી, સાધન, રાચરચીલું, વ્યવસાય અને કારીગરી, ઉત્પાદનની વ્યવસ્થા અને વહેંચણી, કુટુંબ, જાતિ કે સમાજસંગઠનની પદ્ધતિ, ધાર્મિક આસ્થા, કર્મકાંડો, રીતિરિવાજો, નીતિમત્તાનાં ધોરણો, કેળવણીની પદ્ધતિ, શાસનરીતિ આદિ અનેકવિધ ઘટકો સમાઈ જાય છે. સુખસલામતી અને સુરક્ષાની સાથોસાથ જીવનના અર્થ કે મૂલ્યની ખોજનો એમાં સ્વીકાર છે. પરંપરામાં સંચિત જ્ઞાન, શાણપણ અને વિભિન્ન કળાઓ એમાં સમર્પક બને છે. ભૌતિક સાધનોસરંજામો પરત્વે માનવચેતના દરેક તબક્કે ક્રિયા પ્રતિક્રિયા દર્શાવે છે. અહીં શાશ્વત મૂલ્યોનો સીધેસીધો સ્વીકાર નથી, તેમ કેવળ બૌદ્ધિક, કાલ્પનિક કૃતિઓ પૂરતો સીમિત કરી શકાય નહીં. સંસ્કૃતિ એ એક વ્યાપક માનવવિકાસની પ્રક્રિયા છે. માનવ-અસ્તિત્વની પૂર્ણતા તરફની એ પ્રક્રિયા છે. પણ ભૌતિક સંયોગો અને સાધનોનો એમાં પ્રથમ સ્વીકાર છે. નિરપેક્ષ કે શાશ્વત મૂલ્યોનો એમાં સહજ સ્વીકાર નથી. ખરી વાત એ છે કે માનવીય પૂર્ણતાય એ દૂરનું લક્ષ્ય છે. એટલે માનવીય વિકાસની પ્રક્રિયા પર જ અહીં બધું ધ્યાન કેન્દ્રિત થયેલું છે. અહીં ‘સંસ્કૃતિ’ સંજ્ઞા સાથે સજીવપણે જોડાયેલી અને તેને લગભગ વ્યાપી લેતી ‘સભ્યતા’(civilization) સંજ્ઞા વિશેય થોડો નિર્દેશ કરી લઈએ. જાણીતા માનવનૃવંશશાસ્ત્રી એડવર્ડ ટાય્‌લરે તેમના જાણીતા ગ્રંથ ‘Primitive Culture-(I-II)’માં culture એ civilizationનો અર્થ જ દર્શાવે છે એમ સ્પષ્ટતા કરી છે. બીજા જાણીતા માનવનૃવંશશાસ્ત્રી માલિનોવ્સ્કી એ વિષયમાં જુદો ખ્યાલ પ્રગટ કરે છે. તેઓ કહે છે કે સંસ્કૃતિ અને સભ્યતા એ બંને એકરૂપ નથી : સંસ્કૃતિના વિકાસમાં આખરી તબક્કામાં સભ્યતા દેખા દે છે અને તે સંસ્કૃતિના એક વિશેષ પાસારૂપે ઊપસી હોય છે. બીજા એક અભ્યાસી મૈકાવર જાતિ કે સમાજની વિકાસપ્રક્રિયામાં બે અલગ સ્તરો જુએ છે : એ પૈકી એક છે mechanical order – ભૌતિક સાધનસરંજામોનું તંત્ર. એ કેવળ ઉપયોગવાદી દૃષ્ટિએ ઊભું થાય છે. બીજું છે – cultural order, અર્થાત્‌ સાંસ્કૃતિક તત્ત્વોનું તંત્ર. એ બંને તંત્રો એકબીજાના વિરોધમાં ઊભાં છે એમ તેઓ માને છે. રેમન્ડ વિલિયમ્સના મતે ‘સભ્યતા’ સંજ્ઞા હવે ઘણું કરીને સંપ્રજ્ઞપણે સંગઠિત થયેલા માનવસમાજની પ્રૌઢ જીવનસ્થિતિનો નિર્દેશ કરે છે. માનવસમાજ એની સર્વ શક્તિઓ લેખે લગાડીને ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક એમ સર્વ સ્તરેથી વિકાસ સાધીને એની પ્રૌઢ દશા પામે છે કે પામવામાં છે એમ એમાં અભિપ્રેત છે. જોકે આ રીતે સૂક્ષ્મ તાર્કિક ભેદ કરવામાં આવે તોપણ આ વિશેના ચિંતનમાં બંને સંજ્ઞાઓ શિથિલપણે યોજાતી રહેલી જોવા મળશે. જર્મન ભાષામાં culture સંજ્ઞા સભ્યતા civilizationના અર્થમાં જ પ્રયોજાતી રહેલી છે. ભારતીય ચિંતકોની વિચારણાય આ તબક્કે નોંધી લેવા ચાહું છું. પાશ્ચાત્ય ચિંતનની પ્રેરણા એમાં હશે, પણ તેમનું દૃષ્ટિબિંદુ નિરાળું છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર ભારતીય સંસ્કૃતિનું હાર્દ સ્પષ્ટ કરતાં એમ કહે છે કે પ્રજા પ્રજા વચ્ચે, જાતિ જાતિ વચ્ચે આંતરિક કેન્દ્ર પર મિલન અને સૌની વચ્ચે પૂર્ણ સંવાદ એની સાધના છે. વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર કોઈ પણ ભૂમિકાએ સ્પર્ધા અને સંઘર્ષને એમાં સ્થાન નથી. કેવળ પ્રેમ અને શાંતિના માર્ગે એ સાધના ચલાવવાની છે. અલબત્ત, આરંભ વ્યક્તિચેતનાથી કરવાનો છે. વ્યક્તિચેતના એની સીમિતતાને અતિક્રમીને અસીમ સાથે ઐક્ય પામે એ જ સાચી જીવનસાધના છે. જીવનદેવતા, પરમ પુરુષ સ્વયં, વ્યક્તિના હૃદયમાં વસે છે. તેના સાક્ષાત્કારમાં આખુંય બાહ્ય જગત અંતરમાં પ્રવેશે છે. રવીન્દ્રનાથના મતે આ જીવનદેવતાની આરાધના એ જ સંસ્કૃતિ છે, એ જ ધર્મ છે અને એ જ મુક્તિમાર્ગ છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના ચિંતનમાં સભ્યતા અને સંસ્કૃતિ એ સંજ્ઞાઓ પર્યાયરૂપ બની જતી દેખાય છે. તેમના એક પ્રવચનમાં સભ્યતાનો મૂળ સ્રોતો તરીકે કળાઓ, વિચારણાઓ, ભાષા અને સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ધર્મનો નિર્દેશ કર્યો છે. યુનિવર્સિટી બહારનાં ટોળાઓથી અલગ થઈ એકાંતમાં અધ્યયન કરે છે, ત્યારે માનવજીવનના ગાઢ નિકટના પ્રશ્નો વિશે જે કંઈ ઉત્તમ કહેવાયું છે અને વિચારાયું હોય તેના નિદિધ્યાસન(meditation)માંથી સંસ્કૃતિ જન્મે છે એમ તેઓ કહે છે. જીવનનું significance સામાન્ય સંજોગોમાં ક્યારેય પ્રગટ થયું ન હોત તે મહાન સાહિત્ય, કળાઓ, તત્ત્વજ્ઞાન કે ધર્મની અંશમાત્ર વ્યક્તિની ચેતનામાં પ્રવેશતાં એ significance પ્રગટ થાય, એ પ્રગટીકરણ તે જ સંસ્કૃતિ. આ વિચારનું વિવરણ કરતાં તેઓ એમ કહે છે કે સંસ્કૃતિ એ માનવીની માનસિકતાનું, તેની અસ્તિતાનું રૂપાંતર છે. એ માટે સમગ્ર ચિતિ અને દેહના સ્તરેથી ચિંતન કરવાનું અનિવાર્ય છે. વ્યક્તિના સમગ્ર પ્રાણકોષ, બુદ્ધિ અને સંવેદનશીલતા, મન અને સમજશક્તિ એ સર્વ ભાવનાઓનો રોમાંચ અનુભવી રહે, ચેતનામાં ભાવગત માધુર્ય, ચિત્તની સ્વસ્થતા અને ઓજસ્‌ જન્મે, એવી એ અનોખી ક્ષણ છે. ઉત્તમ જ્ઞાનની એષણા સાથે બૌદ્ધિક પ્રામાણિકતા અને માનવતાવાદી દર્શન એમાં સહયોગી બને છે. પરંપરાપ્રાપ્ત ધર્મ એ એક રીતે આધ્યાત્મિક ખોજનો માર્ગ છે. પણ ધર્મસંસ્થાની સાથે ચાલી આવતા સાચાખોટા ખ્યાલોની વૈજ્ઞાનિક દૃષ્ટિએ સંનિષ્ઠ અને પ્રામાણિક તપાસ પણ આવશ્યક છે. શ્રી અરવિંદ પણ આધ્યાત્મિક પરિભાષામાં ‘સંસ્કૃતિ’ અને ‘સભ્યતા’નો વિચાર રજૂ કરે છે. આત્મા, ચિત્ત અને દેહ ત્રણે વચ્ચે સ્વાભાવિક સંવાદિતાની ખોજ કરવી અને તેનું જતન કરવું એમાં જ સાચું સુખ રહ્યું છે. આ સંવાદિતાની સાચી ચાવી શોધી કાઢવામાં આવે અને પ્રગટ હેતુઓ અને સંચલનાઓને સુગ્રથિત કરવામાં ‘સંસ્કૃતિ’નું સાચું મૂલ્ય રહેલું છે એમ તેઓ કહે છે. સંસ્કૃતિનો જીવંત હેતુ તે આ પૃથ્વી પર સ્વર્ગનું સામ્રાજ્ય ઉતારવાનો છે. ભારતની એષણા તો શાશ્વતને પામવાની છે – કેમ કે એ જ પરમ પ્રાપ્તવ્ય છે – છતાં પોતાની સંસ્કૃતિમાં શાશ્વત અને સમયબદ્ધ વચ્ચે પરમ સામંજસ્ય રચવાનો તેનો સદાય પુરુષાર્થ રહ્યો છે. અર્વાચીન ભારતના આ અગ્રણી ચિંતકો સંસ્કૃતિનો ઉદ્‌ભવસ્રોત માનવચેતનાના કોઈ ઊર્ધ્વમુખી અંશમાં જુએ છે અને આત્મસાક્ષાત્કારમાં, આત્માની મુક્તિમાં કે પરમ તત્ત્વ સાથેના ઐક્યમાં એની પરમ ગતિ જુએ છે. માનવવ્યક્તિના કેવળ ભૌતિક અને માનસિક વિકાસની પરિણત દશા પૂરતું એ સીમિત લક્ષ્ય નથી. ભૌતિક સાધનસરંજામનો વિસ્તાર તેને સાવ અસ્વીકાર્ય પણ નથી, પણ પ્રત્યેક તબક્કે એ ભૌતિક સંસ્કૃતિ સાથે ચેતનાનો સંવાદ સાધવા પર અહીં ભાર મુકાયો છે. પણ અંતિમ સાધ્ય તો આત્માની મુક્તિ છે. વ્યક્તિએ એ માટે દેહ, પ્રાણ અને ચિત્તની સર્વ શક્તિઓનો પૂર્ણ સંવાદ રચવાને એકાગ્ર સાધના કરવાની છે, એક દૃષ્ટિએ અનાસક્તિના માર્ગે એમાં આગળ વધવાનું છે. ભારતીય ચિંતનમાં અન્ય લેખકો ચિંતકો દ્વારા સામાજિકતાના સ્તરેથી સંસ્કૃતિ વિશે ચિંતન થયું હોય એમ પણ જોવા મળશે. પણ એકંદરે ભારતીય ચિંતકોનો ઝોક આધ્યાત્મિકવિચાર તરફનો રહ્યો છે. પશ્ચિમમાં સંસ્કૃતિ વિશેની વિચારણામાં પરસ્પરથી ભિન્ન એવા અભિગમો તરત ધ્યાન ખેંચે છે. એ પૈકી એક વિશાળ વિચારધારા સમાજવિજ્ઞાન અને માનવનૃવંશશાસ્ત્રના અભ્યાસીઓ દ્વારા નિર્માણ પામી છે. એથી જુદા પડતા, બલકે એ અભ્યાસીઓની વિચારપદ્ધતિ સામે સંપ્રજ્ઞપણે પ્રતિક્રિયા રૂપે પોતીકી રીતે ચિંતન કરનારા સાહિત્યકારો, તત્ત્વચિંતકો જુદો વર્ગ રચે છે. બંને જૂથની વિચારણાઓમાં કેટલુંક ચોક્કસ અંતર છે, છતાં ભારતીય ચિંતકોની સામે મૂકતાં તેમની વિચારણાઓમાં કેટલીક સમાન ભૂમિકાય પ્રત્યક્ષ થાય છે. માનવનૃવંશશાસ્ત્રના ક્ષેત્રમાં એડવર્ડ ટાઈલર, માલિનોવ્સ્કી, હર્સકોવિઝ અને ક્રેબર જેવા અભ્યાસીઓનું અર્પણ મહત્ત્વનું છે. તેમણે મુખ્યત્વે આદિમ સમાજોમાં દેખા દેતી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે. સંસ્કૃતિ જે હજુ ધર્મ, પુરાણ, કળાઓ નીતિ અને શાસનપદ્ધતિ જેવાં અલગ ક્ષેત્રોમાં વહેંચાઈ નથી, પણ એક અખંડ અને સજીવ પુદ્‌ગલ રૂપ છે અને આંતરિક રીતે સંવાદી અને સંગતિપૂર્ણ છે તે તેમના અધ્યયનનો મુખ્ય વિષય છે. પણ આ સંદર્ભમાં નોંધપાત્ર બાબત એ છે કે તેઓ સૌ પ્રાકૃતિક વિજ્ઞાનો(natural sciences)માં સ્વીકારાયેલી વૈજ્ઞાનિક પદ્ધતિ એમાં લાગુ પાડે છે. એટલે, સંસ્કૃતિ પોતે કોઈ અસાધારણ મૂલ્યવાળી વસ્તુ છે એ વિચાર તેમને પ્રસ્તુત નથી. જીવવિજ્ઞાનની પ્રયોગશાળામાં કલ્ચર રૂપે ઉછેરેલા જીવકોષો પ્રત્યે વૈજ્ઞાનિકો જે તાટસ્થ્ય અને દૂરતા કેળવે છે તેવું જ વૈજ્ઞાનિક વલણ આ માનવનૃવંશશાસ્ત્રીઓએ કેળવ્યું છે. આદિમ જાતિઓમાં જોવા મળતાં ઓજારો-હથિયારો ઉપરાંત ધાર્મિક આસ્થા, પૌરાણિક માન્યતાઓ, મંત્રતંત્ર, વિધિવિધાન કે આચારવિચારના ખ્યાલોનું તેઓ અધ્યયન કરે છે, પણ એ સર્વને તેઓ તથ્યો તરીકે લે છે. સંસ્કૃતિનું તેઓ વિજ્ઞાન રચવા ચાહે છે, તેના સાર્વત્રિક નિયમોની તેઓ ખોજમાં છે. તેમના મતે માનવ-જીવકોષ (human organism) જે રીતે જીવન ટકાવી રાખવા, તેમ સંરક્ષણ સલામતી અને સુખાકારી અર્થે પોતાની આસપાસના સંયોગોની સામે ક્રિયાપ્રતિક્રિયા દર્શાવે છે તેમાંથી સંસ્કૃતિ જન્મે છે. ખેતીકાર્ય, મકાનની બાંધણી, રાચરચીલું, ઓજાર, હથિયાર સર્વ ભૌતિક સાધનો સંસ્કૃતિનો જ આવિર્ભાવ છે. ચૂલા પર રસોઈ કરવી, માટીના લોંદામાંથી ઘડો બનાવવો, નિસરણી બનાવવી, ધનુષ્ય બનાવવું, લીંપણગૂંપણ કરવું એ હરેક પરિચિત પ્રવૃત્તિઓમાં કશીક આવડત, કશુંક કૌશલ્ય રહ્યું છે. કળાકારીગરીમાં તો હાથના સ્નાયુઓ, આંગળાં કે અંગૂઠાની કેળવણી પણ ઘણી મહત્ત્વની છે. કારીગરી કૌશલ્ય સ્વયં દેહ અને ચિત્તની એક ટેવ બની રહે એ એક આવશ્યક સ્થિતિ છે. છેક જ્ઞાનતંતુતંત્રના સ્તરેથી શરીરમનની સૂક્ષ્મ પ્રતિક્રિયાઓ કે ક્રિયાઓ પણ સંસ્કૃતિનું જ અંગ છે. સંસ્કૃતિ એ રીતે જીવનસંયોગોનો પ્રતિકાર છે, મુકાબલો છે. વંશવારસામાં મળેલાં જ્ઞાનકૌશલ્યો, આવડતોમાં બદલાતા સંજોગો અનુસાર તે ફેરફાર પણ કરે છે. સામૂહિક જીવનમાં એ જ રીતે પરસ્પર વ્યવહાર અને આચારવિચારના નિયમો અને ધોરણો રચવાની તેને આવશ્યકતા વરતાય છે. કુટુંબસંસ્થા, લગ્નસંસ્થા, ધર્મસંસ્થા, શાસનતંત્ર, શિક્ષણતંત્ર, કાનૂની વ્યવસ્થા એમ અનેકવિધ સંસ્થાઓ એ રીતે વિકસતી રહે છે. પુરાણ, લોકકથા કે કાવ્યરચના, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય જેવી કળાઓ નિર્માણ થાય છે, અને મૌખિક/લિખિત પરંપરામાં જ્ઞાનની પ્રવૃત્તિઓ ચાલે છે. પણ સંસ્કૃતિવિચારણામાં આ માનવનૃવંશશાસ્ત્રીઓ એને વસ્તુલક્ષી કોટિની સામગ્રી તરીકે જ જોવા પ્રેરાયા છે. માનવજીવકોષે જે રીતે આ આખો સાંસ્કૃતિક વિસ્તાર સાધ્યો છે તેમાં જૈવિક વિકાસના સ્તરેથી તેઓ સાર્વત્રિક નિયમો શોધે છે. પણ એમ કરતાં વ્યક્તિચેતના જે રીતે જીવનના ગહન અર્થો અને મૂલ્યોની સિદ્ધિ અર્થે મથી રહે છે અને સંસ્કૃતિના વિસ્તારવિકાસમાં દરેક તબક્કે પરંપરાપ્રાપ્ત અર્થો અને મૂલ્યોની સમીક્ષા કે પુનર્સમીક્ષા કરે છે, અને સંસ્કૃતિના નિર્માણમાં વ્યક્તિચેતના જે રીતની ભૂમિકા ભજવે છે તેની અવગણના થયેલી છે. ખરી વાત એ છે કે માનવચેતનાના સ્તરે જ જીવનના ઉન્નત અર્થો અને મૂલ્યો દૃઢ પ્રતીતિમાં આવે છે, મૂર્ત સંયોગોમાં સાક્ષાત્કારાય છે. જીવન વિશેની સાચીખોટી વિચારણાઓ કે માન્યતાઓની કડક ચકાસણી અને વિશોધન પણ સંસ્કૃતિના હાર્દમાં પડેલી બાબત છે. ઓગણીસમી સદીના અંતભાગમાં માનવનૃવંશશાસ્ત્રીઓના positivistic approach સામે તીવ્ર પ્રતિક્રિયા શરૂ થઈ. વેબર, ડિલ્થી અને સિમેલ જેવા અભ્યાસીઓએ એવું પ્રતિપાદન કર્યું કે સંસ્કૃતિનો અભ્યાસ પ્રાકૃતિક વિજ્ઞાનોની પદ્ધતિએ કરી શકાય નહિ. એ એક સ્વાયત્ત અને સ્વતઃ નિર્ણાયક એવું એક વિશ્વ છે. સંસ્કૃતિ એ એક ગતિશીલ તંત્ર છે : ચેતના, ઇચ્છાશક્તિ અને હેતુ – એ ત્રણ તત્ત્વો એમાં સંયોજિત થાય છે. સંસ્કૃતિ સ્વયં એવાં મૂલ્યોનું નિર્માણ અને જતન કરે છે જેના અભાવમાં સામાજિક અને આર્થિક લક્ષ્યો સિદ્ધ થતાં નથી. સમાજવિકાસમાં ચોક્કસ મૂલ્યોનું તંત્ર કેવી રીતે ભાગ ભજવે છે તે આધુનિક રાષ્ટ્રોના ઘડતર વિકાસમાંથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.