કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર૫. કોઈનાં ગીત

કોઈનાં ગીત



કોઈ ઝાકળમાં જીવને ઝબોળે નહિ.

છીપે સચવાય જેમ સ્વાતિજળ
એમ અમે આંસુને સાચવ્યાં છે આંખે
આંખે સચવાયેલાં સપનાંના રંગ
બધા ઊડી જાય પંખીને પાંખે

કોઈ સપનાંમાં સૂરજ ઝબકોળે નહિ.

દરપણમાં જોતાંવેંત ઊઘડે સવાર
પછી અજવાળે ડૂબી જાય રાત
આંગળીઓ અડતાંવેંત ઓગળે આકાર
પછીભૂંસાતી જાય બધી ભાત

કોઈ પાણીમાં પડછાયો ઢોળે નહિ.


કોઈ ઝાકળનાં ટીપાં ખંખોળે છે.

ભલેને, ઘાસ ઉપર હોય કે ન હોય
પણ આંખોના ખૂણામાં હોય છે જરૂર
ભલેને, નદીઓમાં ઊડે વેકૂર
પણ પાંપણમાં ઘૂઘવતાં હોય ઘોડાપૂર

કોઈ તડકામાં જીવને ઝબોળે છે.

એક પછી એક આવે મોજાં હજાર
જે માછલીને જાય ક્યાંય તાણી
એક પછી એક ખરે પાંદડાં પચાસ
જે ધમરોળે મૂળસોતાં પાણી

કોઈ હવામાં હાથ ખાલી બોળે છે.


કોઈ પડછાયો ઝાકળમાં ઢોળે છે.

પછી ફેલાતું ચારેકોર અંધારું અહીં
જાણે કાગળ પર ઢોળી હો શાહી
પછી ક ખ ગ અ આ ઇ ઊકલશે નહીં
જાણે ભાષાનું નાખ્યું હો નાહી

કોઈ પાણીને કેવળ ડખોળે છે.

હવે લાગે તરસ તો પીવું શું
એમ કોઈ પૂછે તો મૃગજળ દેખાડશું
હવે તડકામાં ઊભા શું કામ તમે
એમ કોઈ પૂછે તો પડછાયા પાડશું

કોઈ સૂરજમાં સપનાં રગદોળે છે.


કોઈ તડકામાં ઝાકળને ઢોળે નહીં.

અહીં જંગલમાં હોય તેવો સન્નાટો છે
અને રણમાં હોય તેવો છે સૂનકાર
અહીં મધરાતે હોય તેવા ફફડાટો છે
અને છે બપ્પોરે હોય તેવો ચિત્કાર

કોઈ સાંજ ને સવાર ધમરોળે નહીં.

અહીં અજવાળું બોલો તો અંધારું થાય
અને સાચું બોલો તે થાય ખોટું
અહીં જુદાં છે સાચાં ને ખોટાંનાં માપ
અહીં હૈયું નાનું ને મન મોટું

કોઈ જીવતરને તલભારે તોળે નહીં.