કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૩. ગાંધીસ્મૃતિ


ગાંધીસ્મૃતિ


મારા સાહેબ
તારી સાળ પર વણી દે ને ચાદર
કડકડતી ટાઢ છે ચારેકોર
જેની હૂંફે રાત કાઢી શકાય
એવી વણી દેને ચાદર
તારી આંગળીઓના ઇલમથી
કે જેને ઓઢતા જ ભાતીગળ કવિતા
લખાતી આવે અમારાં હૃદય પર
માણસાઈની એવી ભાષા શિખવી દે મારા સાયેબ
કે ક્યારેય બોલતા ધ્રૂજે નહીં અમારા હોઠ
ભલે સામે ઊભા હોય ચમરબંધી
એની આંખમાં આંખ પરોવી
કહી શકીએ સત્ય સામી છાતીએ
ગાંધીની જેમ ટટ્ટાર ઊભા રહી
ભલે ને હોય ગમે તેવી હાડ ગાળી નાખતી ટાઢ
સોંસરા જઈ શકીએ સવાર સુધી
લાકડીને ટેકે ટેકે રસ્તો કરતાં કરતાં પોતડીભેર
એટલી ખાદી વણી દે ને
મારા સાહેબ!


કાલ બપોરે
અમદાવાદની અડતાળીસ ડીગ્રી ગરમીમાં
ચાર રસ્તે મને ગાંધીજીએ રોક્યો
ને પૂછ્યું : વડોદરામાં કેવી ગરમી પડે છે, ભાઈ!
મેં કહ્યું : બાપુ, આંહ્ય જેટલી જ લગભગ.

આવી કાળઝાળ ગરમીમાં ઇન્દુલાલ કેમ છે?
બાપુએ ચિંતાતુર અવાજે નાનાભાઈની ખબર પૂછી.

હવે બાપુની સામે ખોટું તો બોલાય નહિ
એટલે સાચેસાચ કહેવું પડ્યું કે
આ માથું ફાડી નાખતી ગરમીમાંય
એ તો ઊભા છે ઇલોરાપાર્કને નાકે
હાથમાં સળગતી મશાલ લઈ
પછી લોહી ઊકળે નહિ તો બીજું શું થાય
કોઈ કાન માંડીને ઊભા રે’ય બે ઘડી
તો બરુંણબરુંણ બુડબુડાટ સંભળાય
અદ્દલ ઊકળતાં પાણી જેવો અંદરોઅંદર
પણ ચાચા જેનું નામ એ તો લાંઘો ભરીને હેંડવા તૈયાર
એરકંડિશન ગાડીઓ વચ્ચેથી સડસડાટ...

મારો લાંબોલચ જવાબ અધવચ્ચે અટકાવતા
બાપુ એટલું જ બોલ્યા
એમના ચિરપરિચિત સ્મિત સાથે :
લે, આ મારી લાકડી લઈ જા
એને આપજે
ને કેજે કે બાપુએ મોકલી છે
ને ફરી આવે ત્યારે એની મશાલ લેતો આવજે
કેજે બાપુએ મંગાવી છે.

હવે તમે જ કો’
બાપુ ચિંધે એ ચાચાનું કામ
દીકરાવે તો કરવું જ પડે ને!


આઝાદી પહેલાંની વાત છે
એક વખત
દેશના કામસર મારે ઇંગ્લાંડ જવાનું થયું
આખા પ્રવાસ દરમ્યાન
‘છેલ્લો કટોરો ઝેરનો આ...’
શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા

ગોળમેજી પરિષદ પૂરી થઈ.
પછી એક ઊંચા પાતળા જુવાન સાથે
મારી મુલાકાત કરાવતા
કોઈ ફિલ્મકારે કહ્યું :
મિ. ગાંધી, તમારી ફિલમ ઉતારવાની છે
આ યંગમેન તમારો રોલ કરશે
એને ગાંધી બનતા શિખવાડો.

મેં એની સાથે હસ્તધૂનન કરતા કહ્યું :
ભાઈ, સૌ પહેલાં તો તમારે માંસાહાર છોડવો પડશે
પછી જ હું તમને અહિંસા વિશે સમજાવી શકીશ કંઈક
ને તો જ તમને પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા જાગશે જરીક .

બીજું, તમને સિનેમાવાળાને ટેવ હોય છે એમ
પરાઈ સ્ત્રીઓ સાથે લફરાં નહીં કરતા હો
તો જ પ્રેમનો અનુભવ પામી શકશો બરોબર
ને બ્રહ્મચર્યનો મહિમા જાણી શકશો મનોમન.

વળી, રોજ એક કલાક ને અઠવાડિયે એક દિવસ
મૌન રાખવાનું જેથી સમય જતા તમને
સત્યનો અર્થ સમજાય આપમેળે.

આ ત્રણે વાત સાંભળતાં જ એને થયું કે
બાપુ બનવું કેટલું અઘરું છે.
એણે તો ફિલ્મલાઇન જ છોડી દેવાનો વિચાર કર્યો.

થોડાં વરસ પછી
એક એક્શન મુવી આવી
એમાંથી ધાંય ધાંય ધાંય કરતીક ત્રણ ગોળી છૂટી
ને The End આવી ગયો આખી વાતનો.

છેક ચાર દાયકા વીત્યા પછી
બેન કિંગ્સલે
પેલા ત્રણ અભિનયમાં માહેર થઈ ગયા
વાચિક આંગિક અને સાત્ત્વિક જેમ
ત્યારે ગાંધીજીનો રોલ કર્યો
ખુદ ગાંધીજી મોંમાં આંગળાં નાખી જાય
એવો અદ્દલ.

જેણે ગાંધીજીને જોયા નથી
એવા અમને સૌને
ગાંધીજીને ઠેકાણે
હવે એ જ દેખાય છે
આઝાદી પછી.



ચિ. ભાઈ સરદાર,
ઘણા સમય પછી તમને ચિઠ્ઠી લખું છું
કદાચ તમે મારા અક્ષર ભૂલી ગયા હો એમ બને
કે પછી આટલો વખત વીત્યે મારા જ અક્ષર
બદલાઈ ગયા હોય એમ પણ બને
તોય તમે થોડોક મરોડ ને કંઈક કાકુ પકડી શકશો જરૂર
એવાં સાબૂત આંખકાન છે તમારાં હજી આજેય
એ ભરોસે આ ચિઠ્ઠી લખું છું, તાકીદની.

વાત એમ છે
કે મને જાણવા મળ્યા મુજબ
નર્મદાના કાંઠે તમે ઊંચા ઊભા છો લોખંડી શરીરે અડીખમ
જગો તો તમને શોભે એવી પસંદ કરી છે બરાબર
ખેડા અને બારડોલી વચ્ચે.
આ બંને નામ સાંભળતાં જ સત્યાગ્રહના
એ દિવસો યાદ આવી જશે તમને
ને સાથે જ સાંભરશે ત્યાંનાં ખેડૂ ખેતર ઢોરઢાંખર ને ઘરનાં ઘર
જો કે એમાંનું કંઈ નહીં હોય અહીં
અહીં તો આંખ સામે ભરેલાં હશે ચિક્કાર પાણી
ને પાણીની અંદર
જોતાં જ જણાશે કૈં કેટલાંય જંગલ
જંગલમાં દૂર દૂરથી સંભળાશે માણસના સાદ
સરદાર...સરદાર...
કરતા તમને ઘેરી વળશે ભોળા આદિવાસીઓ
તમે એના ભોળપણની સંભાળ લેજો.

બસ. એટલું કહેવા આ ચિઠ્ઠી લખી છે તમને.

લિ. બાપુના આશિષ
l
તા.ક. ચોમાસુ ચાલે છે
તે ભેજથી તમારા શરીરને અસુખ ન થાય
તેનું ધ્યાન રાખજો.



હું ગુજરાતીનો શિક્ષક છું
પણ મારી જોડણી પહેલેથી કાચી
એટલે મેં વસાવ્યો ‘સાર્થ જોડણીકોશ’
એની મારે વારે વારે જરૂર પડે એમ
ગાંધીજીને ડગલેપગલે લાકડીની જેમ.

ધીમે ધીમે મને સમજાઈ ગયું કે
માત્ર મારી જોડણી જ કાચી નથી
કેટલાય શબ્દોના અર્થ પણ સમજાતા નથી મને.
ઘણી વાર તો મને આવડતા હોય
એવા અર્થ વિશે પણ શંકા જાય
ને સામે પડેલો ‘સાર્થ’ જોઈને થાય
લાવ, ખાતરી કરી લઉં પાક્કી
કે એમાં મને સમજાતો જ અર્થ છે કે કોઈ બીજો?
પછી તો મને શબ્દે શબ્દે શંકા થવા માંડી કે
ગાંધીજીને અભિપ્રેત અર્થ કંઈક બીજો જ હશે કે શું?
ક્યારેક ક્યારેક તો શબ્દનો ઉચ્ચાર કરતા પહેલાં
ને ક્યારેક તો વિચાર કરતાય પહેલાં
મન અર્થની અવઢવમાં ઢસડતું જાય મને
અને હું સાર્થકતાની શોધમાં
પહેલાંથી છેલ્લાં પાનાં સુધી ફરી વળું શ્વાસભેર.

આમ જોતજોતાંમાં
ગાંધી રોડ જેવી હાલત થઈ ગઈ છે એની
હવે એને ઊભો પણ રાખી શકાતો નથી ટેબલ પર
એટલે આડો ગોઠવી રાખું છું કબાટમાં.
આજે તો આ શબ્દકોશ સાવ રદ્દી થઈ ગયો છે
છતાં મેં એને કાઢી નાખ્યો નથી હજી
મને ખબર નથી કે એની ક્યારે જરૂર પડી જાય
સત્ય અહિંસા પ્રેમ માણસાઈ
આ બધાના અર્થ જોવા માટે
મારા દીકરાને કે પછી મનેય.