કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૫. કીડી


કીડી

ઝાડ જેવું ઝાડ
કીડીનાં જડબાં વચ્ચે
ઘેરાયેલું.

એક પછી એક મૂળ ખેંચાઈ
આવે છે બ્હાર
નદી થીજી જાય છે.

પાનમાતર ખરી પડે એકસામટા
પવન ઢગલો થઈ જાય છે.

ફળ તૂટી પડે તડાક્
સૂરજ ડૂબી જાય છે.

હવે જમીન જેવી જમીન
ઉપર અંધારું ફરી વળે
કીડી કોતર્યા કરે
સવાર સુધી
ઝાડ આળસ મરડી બેઠું થશે ફરી.