કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૭. તમે કહો છો


તમે કહો છો

તમે કહો છો
આ ફૂલો સુંદર છે, નહીં ?
ફૂલદાનીમાં સજાવીએ તો કેવું ?
કે પછી બુકે બનાવી
પ્રિય વ્યક્તિને શુભેચ્છા આપીએ
તે વધુ સારું રહેશે, ખરું ને ?

તમે કહો છો
આ ફળો પાકાંમીઠાં છે
રસબસ છે, બધાં લઈ લો
વાળુ પછી ખાધાં હોય તો નિરાંતે ઊંઘી શકાય
ઘસઘસાટ નિદ્રા નિરોગીપણાની નિશાની છે.

તમે કહો છો
આ પંખીઓ ઊડે છે ત્યારે
આકાશમાં ચીલો અંકાય છે
ચીલેચીલે બધાં પંખીઓ ઊડી જશે
પછી જમવાના ટેબલ પર પ્લેટો ખાલી પડી રહેશે
ચોપગાં તો ક્યારના ક્ષિતિજપાર ભાગી ગયાં છે.

તમે કહો છો
વરસાદ પણ હવે નિયમિત પડતો નથી
જે થોડોઘણો પડે છે એ
ઊડી ગયેલાં પંખીઓ અધવચ્ચે
ચાંચમાં ઝીલી લે છે
એટલે ધરતી પર ધૂળ ઊડ્યાં કરે છે
ખેતરો સુકાય છે
(ક્યારેક બંધ છલકાય એવો પડે પણ)
નહેરો બધે પહોંચી વળતી નથી
ને પાતાળનાં પાણી તો
ઝાડનાં મૂળિયાં બારોબાર ચૂસી જાય છે

હવે બીજી વાર ફૂલો આવે
હવે બીજી વાર ફળો લાગે
એની રાહ જુએ છે સૌ.

તમે કહો છો
તું પણ રાહ જોજે.

તમે કહો છો
એ બધું સાંભળ્યું.

તમે હવે મારી વાત જરા સાંભળો.