કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૯. સત્યપથ


સત્યપથ

જો તમને પગ ટેકવવા જેટલીય જગ્યા ન મળે આ પૃથ્વી પર
તો તમે ફાંસીને માંચડે જ લટકી ગયા છો એમ લાગે ઘડીભર.
ક્યાંય ગાળિયો ન દેખાય એ જુદી વાત
પણ તમને યુધિષ્ઠિર જેવો રોમાંચ જરૂર થાય
આમેય આટલી બધી ગંદકીમાં પગ ન ખરડાય એ ફાયદો
જોકે સાચું બોલવું પડે એ મુશ્કેલી
પછી દરેક સાચું બોલતાં મુશ્કેલી વધતી જાય
ને તમે અધ્ધર ને અધ્ધર થતા જાવ
પછી ચક્કર ને ચક્કર ચઢતાં જાય
ને આખી પૃથ્વી એની ધરી પર ઘુમચક્કર
ભમરડાની જેમ ઘમ્મર ફરવા માંડે ત્યારે
આના કરતાં લાવ ને થોડુંક ચટપટું
કે ખાટુંમીઠું ખોટું બોલી નાખીએ થોડુંક
એમ કોઈને પણ થાય તમારી જેમ
એમાં કોઈ કીડીને કે હાથીને મરી જવું પડે એ મોટી વાત નથી
જોકે ખોટું બોલતાંવેત તમે હાથીની અંબાડી પરથી પડી ગયા હો ભોંભેર
ને કીડીની જેમ ચગદાઈ ગયા હો ચપ્પટ એમ લાગે તો જુદી વાત
પણ એ કાંઈ પગ મૂકવા જેવું અઘરું ન કહેવાય
ને આમ પણ આ રીતે ખાલી થયેલી જગ્યામાં જ ઘડીભર
બીજા પગ મૂકીને ઊભા રહી શકતા હોય છે પૃથ્વી પર.