કાંચનજંઘા/કાંચનજંઘા અર્થાત્ ‘ગુડ લક’

કાંચનજંઘા અર્થાત્ ‘ગુડ લક’

ભોળાભાઈ પટેલ

હેમંતની આ ઝાકળભીની સવારે કોયલોનો આટલો કલશોર શાને છે? આપણી રાગપરંપરામાં દરેક રાગ ગાવાનો એક નિશ્ચિત સમય છે. વહેલી પરોઢનો રાગ બપોરના ન ગવાય કે રાત્રિ વેળાનો રાગ સવારના ન ગવાય. આ શાસ્ત્રીય નિષેધનું ખરેખર જે કારણ હોય તે, પરંતુ મને લાગે છે કે દરેક રાગ એક ખાસ ‘મૂડ’ જગાડે છે, અને એ મૂડ અમુક દિનમાનમાં ભલી રીતે પ્રકટ થાય છે. પણ હવે ઘણા ગાયકો આવી નિષેધાજ્ઞા પાળતા નથી. કોઈ પણ સમયે કોઈ પણ રાગ ગાવા માટે તેમને વિવશ થવું પડે છે. પણ આ કોયલોને શાની વિવશતા છે? કેમ આ હેમંતના દિવસોમાં વસંતનો રાગ? કદાચ હવે કોયલો પણ વસંત હોય તો જ કંઠ ખોલે એવું નથી રહ્યું. આ જુઓને, ઉત્તરમાંથી ઠંડો પવન કેટલાય દિવસથી શરૂ થયો છે. સામેના નીમવૃક્ષનાં પાન પીળાં થઈ ગયાં છે અને જરા સરખીય પવનની લહેરખી આવતાં એ ખર્ ખર્ કરતાં ખરતાં રહે છે, આવે સમય કોયલનો કલશોર… રવિ ઠાકુરના શાંતિનિકેતનમાં નિયમનું ઉલ્લંઘન?

પણ એકાએક કાગડાઓનો અવાજ શરૂ થયો. પહેલાં એક કાગડાનો વિલંબિત કા… કા… સ્વર, પછી દ્રુત અને પછી તો એકાધિક કાગડાઓનું વૃંદગાન. હું બહાર આવીને જોઉં છું તો અંદરના કમ્પાઉન્ડમાં ફાલસાની ડાળીએ બેસતાં ઊડતાં કાગડા સવારના કોમળ તડકામાં પોતાના ગાનમાં ડૂબેલા છે.

પીળા તડકામાં કાળા કાગડા. આકાશ એકદમ ભૂરું અને સ્વચ્છ છે. ‘એકે નથી વાદળી.’ આટલું ભૂરું આકાશ ક્વચિત જ દેખાય છે. ભૂરા વિસ્તીર્ણ આકાશ નીચે ચારે દિશ પથરાયેલો તડકો અને એમાં સસ્વર ઊડાઊડ કરતા કાગડા. ઠીક લાગે છે ભૂરા આકાશ નીચે પીળા તડકામાં કાળા કાગડા. અવાજ જાણે વિલીન થઈ ગયો, નજર સામે માત્ર રંગ… સ્વચ્છ રંગ…

એક વખત આવા આકાશના એક ભૂરા ખંડ માટે, સ્વચ્છ તડકાની કેટલીક ક્ષણો માટે બહુ બધી ઇચ્છા કરી હતી. એક ક્ષણ માટે, આ દિશે એક વાર ભૂરું આકાશ ખૂલી જાય, તડકો પથરાઈ જાય. પણ ના, આકાશ સાવ અંધ, ધૃતરાષ્ટ્રની આંખો જેવું.

માત્ર થોડા કલાકો માટે નહિ, દિવસ માટે નહિ, લગાતાર સાત દિવસથી આકાશની આંખો લગભગ બંધ છે. ન સૂર્ય, ન ચંદ્ર. ગીતામાં તમસાવૃત લોકની વાત આવે છે. કદાચ તમસાવૃત તો નહિ, પણ અભ્રાવૃત કે ધુમ્મસાવૃત આ લોક છે. રાતપ્રભાતની સંધિક્ષણો કે દિવસ- સંધ્યાની સંધિક્ષણોની જલદી ખબર પડતી નથી એક ઠંડી ભીનાશમાં. છતાં બધો વ્યવહાર ચાલે છે. સવાર પડે છે, કારણ સવારની ચા પથારી પાસેના ટેબલ પર આવી જાય છે. લોકોની અને વાહનોની યાતાયાતથી, અવાજથી રસ્તા ઊભરાય છે. પણ ક્યાં – આકાશની આંખ ક્યાં? ગાયત્રીનો ઉત્સ સવિતા ક્યાં? માત્ર ગાઢ અપારદર્શી ધુમ્મસ કે ભૂખરાં વાદળ. આકાશ દેખાય નહિ. વચ્ચે વચ્ચે તો એવું થાય છે કે ઘર કે વૃક્ષ કંઈ દેખાય નહિ. સામેના પહાડ દેખાય નહિ. પહાડનો અભ્યાસ રચતાં માત્ર વાદળ વાદળ – વાદળ. આ વાદળ અને ધુમ્મસ ઘણી વાર તો આપણા ઓરડામાં આવી જાય.

તે દિવસે શાંતિનિકેતનથી આ સુંદર ગિરિનગરીના વાંકાચૂકા ઊંચે ઊંચે જતા રસ્તાને જોતાં જોતાં બસની બારી પાસે બેસીને બરફના પહાડનું સ્વપ્ન જોયું હતું – કાંચનજંઘાનું સ્વપ્ન. એ માત્ર સ્વપ્ન જ રહેશે? એ દિવસે સૂર્યની અસ્તાયમાન દ્યુતિથી આખો માર્ગ રમણીય લાગતો હતો. પણ તે પછી સપ્તાહ થવા આવ્યું હતું. સૂર્ય અદૃશ્ય. ચંદ્ર પણ. ચાંદની રાત્રિના દિવસો હતા. ધવલ જ્યોત્સ્નામાંય પહાડો જોવાનો સંકલ્પ હતો, એટલે એવા દિવસો પસંદ કર્યા હતા. પણ એ ચંદ્રેય અમે આવ્યા તે દિવસે જ એટલે કે અત્યંત વહેલી પરોઢે દર્શન દીધાં એ દીધાં.

દાર્જિલિંગના પહાડો અત્યંત રમ્ય છે, પણ દાર્જિલિંગની ટાઇગર હિલ પરથી સૂર્યોદય વેળાએ દેખાતી હિમાચ્છાદિત પર્વતશ્રેણીઓ તો રમ્યતમ અને ભવ્યતમ દૃશ્યોમાંનું એક દશ્ય ગણાય છે. સૂર્યોદયની આભામાં શ્વેત તુષારમંડિત વિસ્તીર્ણ ગિરિશૃંગોનાં દર્શનની કેટકેટલી કલ્પનાઓ કરી છે. જાણે ક્યાંક ઊભો છું અને સૂર્ય પ્રકટવામાં છે. આખી દિગન્તપ્રસારી પર્વતશ્રેણી આંખોની સામે લાલકાંચન આભામાં ઝળહળી ઊઠે છે. ધીમે ધીમે પરિવર્તિત થતી લાલ આભા વિલીન થતી જાય છે અને પછી નીલ આકાશની પશ્ચાત્‌ભૂમાં ત્ર્યંબકનું રાશિભૂત શ્વેત અટ્ટહાસ્ય તડકામાં ચમકી રહે છે. પણ આ તો કલ્પના જ.

ટાઇગર હિલ ભણી જતાં આ કલ્પના વાસ્તવ બનશે એમ હતું. વહેલી સવારે ચંદ્ર ગિરિનગર પર તરતો દેખાયો હતો. ઘડીભર તો થયું આ તે સૂર્ય કે ચંદ્ર? તો શું સૂર્યોદય થઈ ગયો? દિશાભ્રમ. ચંદ્ર જ હતો.

અમને હતું ટાઇગર હિલ પર પહોંચવામાં અમે જ પહેલા છીએ, પણ અહીં તો દર્શનાર્થીઓની ભીડ થઈ ગઈ હતી. લક્ષ્યસ્થળે પહોંચ્યા ત્યારે એક સાઇનબોર્ડ આવ્યું – ટાઇગર હિલ. પ્રવાસીઓને સ્વાગતનું વાક્ય હતું અને પછી લખ્યું હતું — ‘ગુડ લક ટુ યુ.’

‘ગુડ લક?’ એનો શો અર્થ? આવું તો ભાગ્યે જ કોઈ સ્થળના નામસંકેત સાથે લખેલું જોવા મળે. આ ‘ભાગ્ય’ અર્થાત્ ‘લક’ની શુભેચ્છાઓ મને બહુ ગમતી નથી. ‘બેસ્ટ લક’ની શુભેચ્છા અનેકને આપીએ છીએ, અને પામીએ છીએ, પણ લાગે છે ટેવવશ. પરિશ્રમ કરીને પરીક્ષા આપવા જઈએ કે કોઈ કામમાં અગ્રેસર થઈએ ત્યારે સાંભળવાનું કે કહેવાનું ‘બેસ્ટ ઑફ લક’. બધું નસીબને અધીન! પુરુષાર્થનું કશુંય નહિ. એ તો ઠીક, પણ અહીં પણ ‘ગુડ લક!’

પણ પછી સમજાઈ ગયું. અહીં ખરેખર ‘ગુડ લક’ની શુભેચ્છાની જરૂર છે. સાત સાત દિવસ થયા, ટાઇગર હિલ પરથી દર્શનાર્થીઓને કાંચનજંઘા દેખાતો નથી. પહેલે દિવસે ટાઇગર હિલ પર કેટલી તીવ્ર ઉત્સુકતાથી પૂર્વાભિમુખ થઈને ઊભા હતા? કેટલી બધી આંખો એ દિશામાં હતી – ઉદગ્ર, ઉત્સુક. હમણાં લાલ ટશરો ફૂટશે, હમણાં આકાશ ઝળાંહળાં થઈ ઊઠશે, હમણાં પર્વતશ્રેણી…

ક્ષણ પછી ક્ષણ સરવા લાગી. હજી કેટલી વાર? કેમ દિશાનાં દ્વાર ખૂલતાં નથી? લાલ આભા કેમ પ્રકટતી નથી? પણ લાલ આભા તો ક્યાં, વાદળની એક પટ્ટી ધીમે ધીમે દેખાઈ અને આખી પૂર્વ દિશામાં પથરાઈ ગઈ અને પછી તો અનેક દર્શનાર્થીઓની નજરોના તીક્ષ્ણ ભાલાઓથી વીંધાવા છતાં, તે છિન્ન થવાને બદલે ઘટ્ટ થતી ગઈ. ક્ષણો સરતી ગઈ, સરતી ગઈ અને સરી પડી અમારા ‘ભાગ્ય’માંથી.

ખીણોમાંથી ધુમ્મસનાં મોજાં પર મોજાં ઉપર આવવા લાગ્યાં અને પછી તો માત્ર ધુમ્મસનાં મહાસાગર નજરો સામે. આકાશ નહિ, પર્વતો નહિ, વૃક્ષો નહિ, જરા દૂર ઊભા સાથી સંગી પણ નહિ. માત્ર તમે અને ધુમ્મસ.

દેશપરદેશની જુદી જુદી ભાષાઓમાં – ‘સદ્ભાગ્ય’ના ઉદ્ગારો એ ધુમ્મસમાં ભળી ગયા..

પછી બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ. ધુમ્મસનો દરિયો પહાડો, પહાડો પરનાં ઊંચા પાઈન અને ખીણોને એકાકાર કરી દે છે. ધુમ્મસ હટે સુંદર છબીઓ જેવાં ઘર દેખાય, ઊંચે ઊંચે વસતાં ગયેલાં, પણ સૂરજ ન દેખાય.

‘ગુડ લક…’ પણ ગુડ લક ક્યાં? રસ્તે હોટલમાં દુકાનમાં સૌ પ્રવાસીઓ ‘ગુડ લક’, ‘હાર્ડ લક’ની ચર્ચા કરે. તમે કાંચનજંઘા જોયો? તમે કાચનજંઘા જોયો? સૌ એકમેકને પૂછે, જવાબ મળે, એટલા માટે તો રોકાઈ ગયાં છીએ, પણ દિવસ જ ઊઘડતો નથી ને!

દાર્જિલિંગમાં કોઈ પણ સ્થળે ફરતાં હોઈએ, પણ નજર તો કાંચનજંઘાનાં દર્શન માટે ઝૂરતી હોય. ત્યાં દૂર કાંચનજંઘા તો છે, પોતાની અસીમ સુષમામંડિત નિસ્તબ્ધતા લઈને. પણ આપણું નસીબ ક્યાં? નસીબની વાત હવે નવા સંદર્ભમાં સમજવા લાગ્યો. નસીબજોગે એક ક્ષણ આ ઉત્તર દિશા ખૂલે જો. પણ ધુમ્મસનું એક અપારદર્શી અંતરપટ અમારી અને કાંચનજંઘાની વચ્ચે છે. એ દિશે થોડું ભૂરું આકાશ, પીળો તડકો ઝખ્યા કર્યો.

ક્યારેક ધુમ્મસનું અંતરપટ ખસે, આસપાસનાં પર્વતો, વૃક્ષો, ઘરો, રસ્તા પ્રકટી ઊઠે. પણ તોય ત્યાં દૂરની કાંચનજંઘાની ગિરિમાળા વાદળોથી ઢંકાયેલી હોય. કાંચનજંઘાએ જ અમને દર્શન આપવાનું ધાર્યું નથી.

દાર્જિલિંગના રસ્તાઓ ચાલવા માટે બહુ સારા છે. હોટલમાં બેસી રહેવા દે જ નહિ. રસ્તે નીકળી પડો, ચાલ્યા કરો. અહીંની પહાડી સુંદર સ્ત્રીઓનાં ગોરાં મોં જોયા કરો. દરેકને ગાલે સ્વાભાવિક જ લાલી, પણ એ ચહેરાઓને ક્યાં સુધી જોયા કરીએ? બજારમાં કશુંક ખરીદવાને બહાને તેમની સાથે ભાવની રકઝક કરીને થોડો સમય જાય. પણ એટલું. પ્રવાસીઓ તો આવે ને જાય.

એક દિવસ ભટકતાં ભટકતાં દાર્જિલિંગનાં પ્રાચીન પુરાતન વૃક્ષો જોયાં કર્યાં – પાઈન-દેવદારુ વર્ગનાં. પણ અહીં વિરાટ તો છે જાપી વૃક્ષ. એકસાથે આંખમાં માય નહિ. રોડોડેનડ્રનનાં લાલ ફૂલો જોઈને તો રાજી રાજી થઈ જવાય. પણ તડકા વિના એ પણ નિષ્પ્રભ લાગે. તો શું કાંચનજંઘા નહિ જ દર્શન દે? સત્યજિત રાયની આ નામની ફિલ્મમાં કાંચનજંઘાનું આછું દર્શન કર્યાનું યાદ છે. પણ વધારે તો યાદ છે બાઇનોક્યુલર લઈને પક્ષી-નિરીક્ષણ કરતું એક પ્રૌઢ પાત્ર અને આ જે પહાડીની અમે પ્રદક્ષિણા કંઈ કેટલીયે વાર કરી છે તે પહાડીની આસપાસ વાતો કરતી જતી નાયિકા, બેસવાની બેન્ચો વગેરે. કાંચનજંઘા નામ તો ગમી જાય તેવું. સુવર્ણની જંઘા. જંઘા કહેતાં ઘૂંટીથી ઢીંચણ સુધીનો પગ. કાંચનજંઘા, કાંચનપદા. આજકાલ મોઢા કરતાં પગની સેક્સઅપીલ વધારે માનવામાં આવે છે.

એટલે કાંચનજંઘા નામમાં શૃંગારબોધ રહેલો લાગે. સંસ્કૃત કવિઓ મોઢાને ચંદ્રની ઉપમા આપે છે. કવિ રિલ્કેએ સમુદ્રફેણમાંથી નીસરતી સૌંદર્યદેવી વિનસની નગ્ન કાન્તિનું વર્ણન કરતાં એનાં બે ઢીંચણને બે ચંદ્રોની ઉપમા આપી છે. જે હોય તે, પણ કાંચનજંઘા તો કોઈક સ્થાનિક નામનું સંસ્કૃતીકરણ છે. ક્યાંક વાંચ્યું છે મૂળ નામ અને એની ચર્ચા વિશે. પણ અત્યારે યાદ નથી, કેમ કે કાંચનજંઘા માટે પક્ષપાત છે.

પણ નામચર્ચાથી શું? કાંચનજંઘા નહિ જ દેખાય? કાફ્‌કાના પેલા મોજણીદાર જેવી મનઃસ્થિતિ છે. જેને મળવાનું છે, એ જ મળે નહિ; માત્ર એને મળવા ફરફર કરવાનું. બધા એની ચર્ચા કરે, મળવાનો માર્ગ બતાવે, પણ ‘એ’ મળે નહિ. મનમાં થાય બસ કાલે ન દેખાય તો જતાં રહીએ. રાત્રિ વેળાએ એકબીજાને કહીએ ‘ગુડ લક ફોર ટુમોરો’, પણ ‘ટુ-મોરો’ ‘આજ થાય ત્યારે.. પણ આશારહિત આશા રાખવાની — હોપ, વિધાઉટ હોપ!

હવે આ વેળા તો કાંચનજંઘા નહિ જ દેખાય. મન વાળી લીધું. જે દિવસે મેદાન પર ઊતરી જવાનું હતું, તે દિવસે પેલી પવિત્ર પહાડીની પ્રદક્ષિણા કરી લેવા ધાર્યું. આજે પણ દેવ સવિતા ધુમ્મસના વાતાવરણને ભેદવાને સમર્થ થયા નહોતા. દિવસ ચઢતો થાય તેમ નીચેની ખીણોમાંથી ધુમ્મસનાં રવહીન મોજાં ઉપર ચઢતાં જ જાય, ચઢતાં જ જાય. હમણાં તો દૂર સુધીનો બધો વિસ્તાર દેખાતો હોય અને થોડી વારમાં ધુમ્મસનો પડદો. પડદાને વીંધીને જાઓ તોય પડદો. સાથે સાથે ચાલતા હોઈએ, અને કશુંક જોવા ઊભા રહીએ તો દૂર જતા સાથી આછા આછા થતાં વિલીન થઈ જાય! સ્નેહ, પ્રેમ પણ આમ જ આછો આછો થતાં વિલીન થઈ જતો હશે!

પહાડીની આ ધારેથી સામે કાંચનજંઘાને સારી રીતે જોવાય. આમ તો કાંચનજંઘા દાર્જિલિંગમાં કોઈ પણ સ્થળેથી જોઈ શકાય, પણ અહીંથી તો સામે માત્ર એ ગિરિમાળા જ દેખાય, વચ્ચે કોઈ અંતરાય નહિ. પણ દેખાય તો ને? તેમાં આજે તો ખીણ ધુમ્મસથી ભરાતી જાય છે. અહીંથી નીચે ઢોળાવ પર નિર્વાસિત તિબેટી બાળકો માટેની એક શાળા છે. હમણાં એ શાળા અને શાળાના કંપાઉન્ડમાં પ્રાર્થના કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દેખાતાં હતાં. તેમની પ્રાર્થના સંભળાતી હતી, પછી માત્ર પ્રાર્થના સંભળાતી હતી. પછી પોતપોતાના વર્ગમાં જતા વિદ્યાર્થીઓના વેરાયેલા અવાજો – ભીના અવાજો આછા અંતરાલમાં નિશાળની આકૃતિ જેવું દેખાય.

ત્યાં એક તિબેટી કિશોરી મળી, હસું હસું મોઢું. હિન્દી બોલી શકતી હતી, થોડું અંગ્રેજી પણ. એનું હસતું મોઢું જોઈને ગઈ કાલે નિર્વાસિત તિબેટીઓની શિબિરમાં ચરખો કાંતતી એક વૃદ્ધાનો ચહેરો યાદ આવ્યો. એક હારમાં અનેક તરુણ, યુવા, વૃદ્ધ સ્ત્રીઓ જાતજાતના હસ્તઉદ્યોગમાં વ્યસ્ત હતી, હસતી જતી. ગાતી જતી, પણ એક વૃદ્ધા નિર્વિકાર ભાવે આંખો પટપટાવતી માત્ર ચરખો ફેરવ્યે જતી હતી. એ શું જોતી હશે? તિબેટના કોઈ વિસ્તારમાં આવેલું એનું ગામ, એનું ઘર? એનું બાલ્ય? એનું યૌવન? એ ચરખો ફેરવ્યે જતી હતી. એનો ચહેરો ભુલાતો નથી. આ કિશોરીને જોતાં એ વૃદ્ધા યાદ આવી પાછી. એને અમે ઊભી રાખી. તિબેટથી અહીં આવ્યા પછી એ ભણી છે. થોડી વાતો પછી જતાં જતાં એનું નામ પૂછ્યું.

કહે – ‘તાશી?’

—એટલે?

—‘ગુડ લક.’

અને હસતી ચાલી ગઈ. જાણે એના નામનો અર્થ કહી અમને શુભેચ્છા આપી – ‘ગુડ લક’. પણ ગુડ લક ક્યાં? સડક રિપેર કરતા એક વૃદ્ધ સાથે વાતો કરવી શરૂ કરી, અમે પૂછ્યું – કાંચનજંઘા બરાબર સારી રીતે ક્યાંથી દેખાય? તેણે કહ્યું – તમે જ્યાં ઊભા છો ત્યાંથી, બરાબર સામે – ત્યાં દેખાય, – ત્યાં, જો ગુડલક હોય તો. અમે ખુલ્લા ભૂરા આકાશ માટે ઝંખી રહ્યાં.

એ દિશામાં દૂર સુધી તાક્યા કર્યું. કદાચ છે ને જતાં જતાં દેખાઈ જાય. ધુમ્મસનું આવરણ હટતું લાગ્યું, અને થોડીક ક્ષણોમાં સામે કાંચનજંઘાની તુષારમંડિત આખી પર્વતશ્રેણી ઝબકી રહી. અદ્ભુત!

નમી પડાયું. શું આ સ્વપ્ન કે સત્ય? કે અમારી આકુલ આકાંક્ષાની ભ્રમણા? ખરે જ ચમત્કાર. થોડીક ક્ષણોમાં જ તો ફરી આવરણ. બંધ થયેલા એ દ્વારને ઠેલવા અમારી નજરો ઘણી મથી રહી, પણ એ ચસ્યાં નહિ પછી.

એ દિવસે ભૂરા આકાશ અને પીળા તડકાની આકાંક્ષા લઈને ગાઢ ધુમ્મસ ચીરતાં નીચે મેદાનોમાં ઊતરી આવ્યાં હતાં.

એપ્રિલ નહિ, પણ નવેમ્બર-ડિસેમ્બર કાંચનજંઘાનાં દર્શન માટે સારા દિવસો છે. ત્યારે આકાશ સ્વચ્છ હોય છે. આ નવેમ્બર છે. અહીં શાંતિનિકેતનમાં એકદમ ભૂરું સ્વચ્છ આકાશ છે. પીળો તડકો પથરાયો છે ચારે કોર.

પણ કાંચનજંઘા ક્યાં? એ બોલાવે છે જાણે એકદમ નિરાવૃત્ત, એકદમ. ‘આ હું’ ‘આ હું.’ પણ ના, ભાગ્ય નથી. અલબત્ત તાશીનો હસતો ચહેરો દેખાય છે અને કાંચનજંઘાની પેલી ક્ષણોની સ્મૃતિછવિ મનની ક્ષિતિજ પર ખૂલી જાય છે, અને શાંતિનિકેતનમાં બેસી એને સ્મરું છું.

કોયલો બોલી રહી, કાગડા પણ બોલીને ચૂપ થઈ ક્યાંક ઊડી ગયા છે. હવે તો માત્ર હોલાનો અવાજ સંભળાય છેઃ ‘સમય જાય છે.. સમય જાય છે…’ પંચવટી
શાંતિનિકેતન
૨૫-૧૧-૮૩