કાફકા/0


એક પત્ર

દિવસ કેટલો બધો ટૂંકો છે, આ કામ, તે કામ — એવાં નાનાં નાનાં કામમાં જ દિવસ તો પૂરો થઈ જાય છે. સાચી મિલેનાને પત્ર લખવા માટે તો સમય જ રહેતો નથી, કારણ કે સાચેસાચી મિલેના તો આખો દિવસ આટલામાં જ હતી, આ ઓરડામાં, આ ઝઈંખામાં, આ વાદળોમાં. તારા છેલ્લા પત્રમાં જે જીવંતતા, વિનોદવૃત્તિ અને ચંચળતા હતાં તે ક્યાંથી પ્રગટે છે? શું કશું બદલાયું છે? કે પછી હું મારી જાતને છેતરી રહ્યો છું? આ પ્રભાવ પેલા ગદ્યખંડોનો છે? કે પછી તું પણ આવા જ કોઈ સંયમમાં અને એવા જ સંજોગોમાં જીવે છે? શું છે એ? તારા પત્રનો આરમ્ભ કોઈ ન્યાયાધીશના પત્રની જેમ થાય છે, આ વાત હું ગંભીરતાથી કહું છું...‘અથવા પૂરેપૂરો સાચો નહીં’ એમ કહીને તેં જે ઠપકો આપ્યો છે તે સાચો છે, મારા પત્રમાં લખ્યું છે તે પ્રમાણે જો હું ખરેખર એટલી બધી ચિન્તા સતત કર્યા કરતો હોત તો ગમે તેવી મુશ્કેલીઓ હોવા છતાં પણ અહીં આરામખુરશીમાં બેસી રહેવાને બદલે બીજે જ દિવસે તારી નિકટ ઊભો રહી ન જાત? — નિષ્ઠાનું એક માત્ર પ્રમાણ, બાકી બધું તો ઔપચારિક, અથવા તો પછી દરેક વસ્તુની પાછળ રહેલી લાગણીઓ વિશેના નિર્દેશો છે, પણ આ લાગણી મૂક અને શાન્ત. તારા પત્રમાં તું જે ચિત્રવિચિત્ર લોકોનાં વર્ણન કરે છે તેમનાથી તું ધરાઈ નથી ગઈ એની જ નવાઈ લાગે છે. તેમનું વર્ણન પણ તું પ્રેમપૂર્વક અને એટલે રસપ્રદ રીતે કરે છે. દાખલા તરીકે જેણે તને પ્રશ્ન પૂછ્યો અને બીજા બધા. આખરે વિવેક તો તારે જ કરવાનો છે, આમેય અંતે તો આવો વિવેક સ્ત્રી જ કરતી હોય છે ને! (પારિસનું દૃષ્ટાન્ત કદાચ આની ના પાડે) પણ છેવટે પારિસ સુધ્ધાં જેમની દેવીના અંતિમ નિર્ણયો સુદૃઢ હોય તેમનો જ નિર્ણય કરે છે). આ પ્રકારની વિચિત્રતાઓનું એટલું બધું મહદૃવ નથી, એવી વિચિત્રતાઓ તો ક્ષણજીવી હોય, પછી તરત જ ગંભીર બની જાય — આ લોકો સાથે આવી કોઈ આશાના તંતુથી તો તું બંધાઈ ગઈ નથી ને? હું કોઈ ન્યાયાધીશના ગુપ્ત વિચારો જાણું છું એમ તો કોણ કહી શકે, પણ મારા માનવા પ્રમાણે તું આવી વિચિત્રતાઓ માફ કરી દે છે, તેમને સમજે છે, ચાહે છે, તારા પ્રેમ વડે તેમને તું ઉન્નત બનાવે છે. આ વિચિત્રતાઓ તો કૂતરાઓની આમતેમ દોડ જેવી છે, જ્યારે માલિક તો આગળ સીધેસીધો ચાલ્યો જાય. રસ્તાની વચ્ચે નહીં પણ રસ્તો જ્યાં જતો હોય ત્યાં તે ચાલ્યો જાય. તારા પ્રેમનું કોઈ કારણ હશે, આ દૃઢતાથી માનું છું (આમ છતાં વારંવાર પૂછ્યા વિના, એ બદલ નવાઈ પામ્યા વિના રહી શકતો નથી.) આ વાત મને મારી ઓફિસના એક કારકુને કહેલી વાત યાદ અપાવે છે, આ હું તારા પ્રેમની એક બાજુ પર ભાર મૂકવા કહું છું. કેટલાંય વર્ષ પહેલાં હું ઘણી વખત એક નાનકડી હોડીમાં બેસતો હતો, હું ઉપરવાસ તરફ જવા હલેસાં મારતો, અને પછી પીઠ પર સૂઈ જતો, પછી હોડી એની મેળે નદીના મુખ તરફ પ્રવાહની દિશામાં સરી આવે, હું તો ખૂબ જ એકવડા બાંધાનો હતો એટલે પુલ ઉપર ઊભા રહીને આ દૃશ્ય ખૂબ જ વિચિત્ર દેખાયું હોત. આવી રીતે એક વખત પુલ ઉપર ઊભા રહીને એ કારકુને આ દૃશ્ય જોયું હતું. તેણે આ દૃશ્યના હાસ્યાસ્પદ પાસા પર ભાર આપીને પોતાની છાપનું વર્ણન આવા શબ્દોમાં કર્યું : આ દૃશ્ય કયામત પૂર્વેની ક્ષણની યાદ અપાવતું હતું, જાણે શબપેટીઓનાં ઢાંકણાં ખોલી કઢાયાં છે પણ મરણ પામેલા હજુ ચેતનહીન અવસ્થામાં જ સૂઈ રહ્યાં છે. હું નાનકડી મુસાફરીએ ગયો હતો (મેં જે લાંબી મુસાફરીની વાત કરી હતી તે નહિ, ત્યાં તો હું જઈ જ શક્યો ન હતો). ત્રણ દિવસ સુધી એટલો બધો થાકી ગયો હતો (આ થાક કંઈ દુ:ખદ ન હતો.) કે લખવાનો પણ કંટાળો આવ્યો. મેં માત્ર — પત્ર, લેખ કેટલીય વખત વાંચ્યા કર્યા, આવું ગદ્ય માત્ર સ્વયંપર્યાપ્ત રીતે નહીં પરંતુ રસ્તા પર ચાલતા કોઈ મુસાફર માટે પથદર્શક ચિહ્નની જેમ અસ્તિત્વ ધરાવતું હોય છે તેવી પ્રતીતિ સાથે વાંચ્યા કર્યું; રસ્તા પર ઉત્તરોત્તર વધારે આનંદથી ઘેરાઈ કોઈ ચાલ્યા કરે, છેવટે એક ઉજ્જ્વળ ક્ષણે ખ્યાલ આવી જાય કે રસ્તા પર આગળ વધવાને બદલે માત્ર પોતાની જ ભુલભુલામણીમાં અટવાઈ પડ્યા છીએ, ઉત્તેજના વધી ગઈ, પહેલાં કરતાં વધારે ગૂંચવાઈ ગયા છીએ. પણ એ ગમે તે હોય : આનો લેખક સામાન્ય કક્ષાનો નથી. એ વાંચીને જેટલો વિશ્વાસ એક વ્યક્તિ તરીકે તારામાં છે એટલો તારાં લખાણોમાં પણ મને પડ્યો. હું તો ઝેક(મારા મર્યાદિગીતને જ જાણું છું. અહીં આગળ બીજું સંગીત જોવા મળે છે. પણ બોઝેનાના ગદ્ય સાથે દૃઢતા, ભાવ, સૌન્દર્ય અને આ બધાંથી વિશેષ અલૌકિક મેધાની બાબતમાં આ ગદ્ય મળતું આવે છે? આ માત્ર છેલ્લાં થોડાં વર્ષનું જ પરિણામ છે? તું હંમેશાં લખતી હતી? તું તો એમ જ કહેવાની કે હું વિચિત્ર રીતે પૂર્વગ્રહો સેવી બેઠો છું, તારી વાત સાચી છે, હું પૂર્વગ્રહો સેવી બેઠો છું, તારી વાત સાચી છે, હું પૂર્વગ્રહ ધરાવું છું, પરંતુ તારાં લખાણો(આમ તો એ લખાણો એકસરખાં નથી, પત્રકારત્વના દૂષિત પ્રભાવવાળાં છે)માંથી મેં જે નવેસરથી શોધી કાઢ્યું તેનાથી હું પૂર્વગ્રહયુક્ત બન્યો ખરો. સ્થળે સ્થળે અપૂર્ણ એવા ફેશન વિશેના લેખને તારો જ લેખ માની બેઠો છું. એમાંના બે ગદ્યખંડથી હું મોહિત થયો છું એ હકીકત પરથી તને મારા નિર્ણયની ઊતરતી કક્ષા તરત જ પરખાઈ જશે. હું તો માત્ર મારી બહેનને બતાવવા ખાતર પણ એ લેખની કાપલીઓ સંગ્રહી રાખવા માગું છું. પણ તારે એની તાકીદે જરૂર છે એટલે હું આની સાથે બીડું છું, ખાસ તો હાંસિયામાં તેં થોડું ગણિત કર્યું છે માટે. તારા પતિ વિશે તો મેં બીજો જ ખ્યાલ બાંધ્યો છે. કોફીહાઉસના મંડળમાં તો તે ખૂબ જ વિશ્વાસપાત્ર, સમજશક્તિવાળા, અત્યન્ત સ્વસ્થ, વધુ પડતા વત્સલ સ્વભાવના, થોડા ગૂઢ પણ મેં તેમનો જે સ્વભાવ વર્ણવ્યો તેને ભૂંસી નાખે એવા ગૂઢ તો નહિ જ લાગ્યા. મેં હંમેશાં તેમને માનભરી રીતે જોયું છે. આથી વિશેષ તેમના સ્વભાવ વિશે કહેવા મને તક મળી નથી, મારી પાસે શક્તિ પણ નથી. પણ મિત્રો, ખાસ કરીને માક્સ બ્રોડ, તેમના વિશે બહુ સારો અભિપ્રાય ધરાવે છે; હું જ્યારે તેમનો વિચાર કરું છું ત્યારે આ વાત હંમેશાં મારા મનમાં હોય છે. દરેક કોફીહાઉસમાં સાંજના બધા જ સમય દરમિયાન તેમના પર ટેલિફોન આવ્યા જ કરે એ વાત મને એક કાળે ગમી હતી. દેખીતું છે કે કોઈ વ્યક્તિ ઊંઘવાને બદલે ફોન આગળ જ ઝોકાં ખાતી, ખુરશીની પીઠ પર માથું ટેકવીને બેઠી હશે, અને વારંવાર તેમને ફોન કર્યા કરતી હશે. આ પરિસ્થિતિથી હું ખૂબ જ પરિચિત છું એટલે આ જ કારણે મેં તેનો ઉલ્લેખ કર્યોે છે. એતદ્ : નવેમ્બર, 1978