કાફકા/10


સમસ્યા

સમસ્યા આ છે : વરસોે પહેલાં એક દિવસ હું, લૌરેનઝીબર્ગના ઢોળાવો પર, સારી એવી ઉદાસ મનોદશામાં બેઠો હતો. મને સમજાયું કે સહુથી મહદૃવની અથવા સહુથી આનન્દદાયક ઇચ્છા તો હતી જીવનની એક દૃષ્ટિ મેળવવાની. (અને એની સાથે અવશ્ય પણ એય વાત સંકળાયેલી જ હતી કે બીજાઓને લેખનથી એ ગળે ઉતારવી.) જીવન પણ એવું જેમાં સ્વાભાવિક ભર્યાભાદર્યા ચડતીપડતીના વારાફેરા તો જાણે જળવાઈ જ રહે, પણ એની સાથેસાથે જીવનને એટલી જ સ્પષ્ટતાથી એક શૂન્ય, એક સ્વપ્ન કે એક ઝાંખા ઓળા તરીકે ઓળખી શકાતું હોય. મેં જો બરાબર એવી જ ઇચ્છા સેવી હોય તો કદાચ એને સુન્દર કહેવી પડે. કેવી હતી એ ઇચ્છા? હું કંઈક આવી જાતની ઇચ્છા સેવતો હતો : માણસ કષ્ટપૂર્વક અને પદ્ધતિસરની શાસ્ત્રીય કુશળતાપૂર્વક હથોડીઓ ઠોકીને મેજ ઘડતો હોય, અને તે જ વખતે કશું જ ન કરતો હોય, ને તેય એવી રીતે નહીં કે લોક એમ કહી શકે : ‘હથોડીઓ ઠોકીને મેજ ઘડવું એ એને મન કંઈ નથી,’ ઊલટાં લોક એમ કહે કે ‘એને મન મેજ ઘડવું એ ખરેખર જ મેજ ઘડવા બરાબર છે, પણ સાથે જ કાંઈ નથી,’ ને એની આવી રીતથી નક્કી હથોડીની ચોટ હજી વધુ ચોક્કસ, વધુ જોરદાર ને વાસ્તવિક જ વધુ બની હશે અને છતાં, તમે જો માનો તો, હજી વધુ અર્થહીન થઈ હશે.