કાફકા/14


કાફ્કા વિશે

કાફકાએ એની ગદ્યકૃતિઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશકને છાપવા માટે મોકલ્યો ત્યારે સાથે એક પત્ર લખ્યો હતો. એમાંની કેટલીક વિગતો નોંધવા જેવી છે. એણે લખ્યું હતું, ‘આ સાથે, તમે જોવા માગેલા તે, કેટલાક નાના ગદ્યખણ્ડો મોકલું છું; એક નાનકડું પુસ્તક થાય એટલા એ છે. હું જ્યારે આ હેતુથી એનું સંકલન કરતો હતો ત્યારે મારે બે રીતે પસંદગી કરવી પડતી હતી : એક તો મારી જવાબદારીની ભાવનાને સંતોષે એ રીતે, બીજું તમારાં સુન્દર પુસ્તકોની શ્રેણીમાં મારું પણ પુસ્તક હોય એવી ઉત્સુકતાથી પ્રેરાઈને. આ બાબતમાં દરેક પ્રસંગે હું સ્પષ્ટ અને અસંદિગ્ધ નિર્ણય લઈ શક્યો છું એવું નથી. પણ તમને જો એથી પ્રસન્નતા થાય અને જો તમને આ છાપવા જેવું લાગે તો સ્વાભાવિક રીતે જ મને ખુશી થશે. ગમે એટલી નિપુણતા હોય અને ગમે તેટલી ઉત્તમ સમજ હોય તે છતાં એમાં જે નબળું રહેલું છે તે પહેલી નજરે તરત પકડી શકાય એવું નથી. દરેક સર્જક પોતાનું નબળું પોતાની આગવી રીતે પ્રચ્છન્ન રાખી શકે છે તે જ એ સર્જકની વિશિષ્ટતા નથી બની રહેતી?’ આ પત્રની પારદર્શક નિખાલસતા આપણને સ્પર્શી જાય છે. એમાં પ્રસિદ્ધિ માટેની ઉત્સુકતા, તથા તેથી થતા આનન્દને કાફકાએ ઢાંક્યાં નથી. તેમ છતાં, બીજા સહેલાઈથી પારખી નહિ શકે તેવી, પોતાની નિર્બળતાનો એ એકરાર કરી દે છે. પછી જે એ કહે છે તે આપણને વિચાર કરતા કરી મૂકે એવું છે. એમાં પ્રથમ દૃષ્ટિએ વક્રતાપૂર્વક કરેલો કટાક્ષ દેખાશે. પણ એમાં સત્ય પણ રહેલું છે. નિપુણતા નિર્બળતા ઢાંકવા માટે જોઈએ, બાકી સર્જનકર્મમાં તો નિરાડમ્બર સાહજિકતા જ હોય. કૃતિમાં વધુ પડતું ચાકચિક્ય હોય, ચતુરાઈ હોય તો એ કશીક નબળાઈને ઢાંકવા માટે જ હોય. વધારે પડતાં શૈલીનાં નખરાં કોઈ કરે તો તે કશી નિર્બળતાને ઢાંકવા માટે. આ વાત સાચી લાગે છે. રસકીય દૃષ્ટિએ કશુંક સિદ્ધ કરવા માટે શૈલી યોજવી પડે છે. એવાં કશાં પ્રયોજન વિનાની શૈલી પોતે પોતાના તરફ ધ્યાન ખેંચે છે. જેને કશું આગવું રસકીય પ્રયોજન સિદ્ધ કરવાનું નથી તેને માટે શૈલીપ્રપંચ નિરર્થક છે. ચાતુર્યથી જ મુગ્ધ થઈ જનારાને કાફકા સાચી દિશા ચીંધે છે. સર્જનપ્રવૃત્તિના પ્રારમ્ભમાં જ આ વિવેકભરી સૂઝ હતી તે એક આશ્ચર્યકારક ઘટના છે. આપણે તો પૂર્વગ્રહના પાયા પર વિવેચનની ઇમારત રચીએ છીએ અને એને અપ્રામાણિકતાના ટેકા આપીએ છીએ. આમ છતાં એની પાછળ ઉદાત્ત દૃષ્ટિ રહી હોવાનો આપણે દાવો કરીએ છીએ. પ્રકાશકને કે વાચકોને રિઝવવાની વૃત્તિ રાખવી અને પછી એને જીવનાભિમુખતા અને વાસ્તવપરાયણતાને નામે ઓળખવાનો દમ્ભ કરવો તે ઉચિત નથી. સર્જનકાર્ય શરૂ કર્યા પછી, પ્રસિદ્ધિના ચક્રવાતમાં ફસાયા પછી, સર્જકોના જીવનમાં એવા તબક્કા આવે છે જ્યારે કશું રચી શકાતું નથી. આ ગાળો ભારે કસોટી કરનારો નીવડે છે. પ્રસિદ્ધિની આસક્તિ અને સર્જન કરવાની આસક્તિ હોય તો કંઈક ને કંઈક રચી કાઢવાના ઉધામા ચાલુ રહે છે. આવી, પરાણે રચાતી કૃતિઓની નિર્બળતા પૂરેપૂરી ઢાંકી શકાતી નથી. આથી વિવેચકોનાં મંતવ્યો જીરવી શકાતાં નથી. ફોકનર અને હેમિન્ગ્વેએ આથી જ આપઘાતના પ્રયત્નો કરેલા તે સુવિદિત છે. બીજી બાજુથી વાલેરી જેવાના પણ દાખલા છે. સતત વીસ વર્ષ સુધી એક કૃતિને મઠાર્યા કરવાની એની ધીરજ એક વિરલ ઘટના છે. માલ્કમ લાવરીએ ચારેક નવલકથા લખી છે, એ પૈકીની છેલ્લી તો મરણોત્તર પ્રસિદ્ધ થઈ. એક વાક્યને એ શક્ય તેટલી જુદી જુદી રીતે લખી જોતો. અઢીત્રણ હજાર પાનાંના લખાણમાંથી બસોએક પાનાં ઉદ્ધારીને એને એ આખરી રૂપ આપતો. સર્જન માટેની ઊંડી નિષ્ઠા વિના આ ન બની શકે. કાફકાની ડાયરીમાં ઘણી વાર આવી નોંધો આવે છે : ‘કશું લખી શકાયું નહિ’, ‘કશું જ નહિ, કશું જ નહિ’. પુસ્તક પ્રસિદ્ધ કરવા સાથે સંકળાયેલી બધી પળોજણ એને ઉદ્વિગ્ન કરી મૂકે છે. જૂનું લખીને રાખી મૂક્યું હોય, પોતે જ જેને પ્રસિદ્ધિને યોગ્ય નહિ ગણ્યું હોય, તેને પછીથી મળેલી પ્રસિદ્ધિને કારણે પ્રકટ કરવાના પ્રલોભનને કેટલાય લેખકો વશ થતા હોય છે તે આપણે ક્યાં નથી જાણતા! કાફકા આવી વૃત્તિને સાચા સર્જન માટે વિઘાતક લેખે છે : આ પ્રકારના ખોટા અભિમાનને એ હાસ્યાસ્પદ લેખે છે. આત્મતુષ્ટિની ગર્તામાં પડ્યા પછી ઘણા એમાંથી કદી બહાર આવી શકતા જ નથી. સર્જકને તો પોતાની જાત સાથે ઝઘડ્યા કરવાનું કૌવત મેળવી લેવું ખૂબ જરૂરી છે. પુસ્તકના પ્રકાશન પછી વળી બીજા જ ઉધામા શરૂ થઈ જાય છે. અનુકૂળ વિવેચનો મેળવવાની તરકીબો, પુસ્તક વિશે ક્યાંક એકાદ પંક્તિ લખાઈ હોય તો તે જાણવાની ઉત્સુકતા, સામયિકો પર નજર નાખ્યા કરવાની લાચારી, અણગમતા વિવેચનથી થતી નારાજી — આ ગાળો પણ ઝાઝો સુખદ હોઈ શકતો નથી. આ બધા ઉધામામાં સર્જનકાર્ય માટે અનિવાર્ય એવી અવિક્ષુબ્ધતા એ ક્યાંથી પામી શકે? કાફકાએ તો નિશ્ચય કરેલો કે કોઈ સામયિક જોવાં જ નહિ. બૅકૅટ પણ પોતાની કૃતિઓનાં વિવેચનથી સાવ અજાણ જ રહેવાનું પસંદ કરે છે. સર્જનકર્મ સાથે ગમ્ભીરતાથી કામ પાડનારને જ આ પરવડે, કારણ કે સર્જન કરતી વખતે એનામાં રહેલો વિવેચક સદા જાગૃત રહે છે. કાફકા કે દોસ્તોએલ્સ્કી કોઈ કૃતિ પૂરી ન કરી શક્યા એનું આ જ કારણ મને તો લાગે છે. પ્રૂસ્તની વાત પણ એવી જ છે. બાળપણથી જ એને કશુંક લખવાનો ભારે ઉત્સાહ. પણ લખવા બેસે ત્યારે શાને વિશે લખવું તે જ સમજાય નહિ. કાફકાના પિતા એને કશુંક એવું કરવાનું કહેતા જેથી એની વિશિષ્ટ છાપ અંકાઈ જાય. કાફકાને એ જ કરવાનું સૌથી અઘરું લાગતું હતું. આમ અદમ્ય એવી સિસૃક્ષા અને એની સાથે સાથે એ બધા પ્રપંચની નિરર્થકતા — આ બંને લાગણીઓ આ સર્જકોને પીડતી હતી. આથી પ્રૂસ્તની નવલકથા તે નિરૂપણ કરવા યોગ્ય વિષયને માટેની નિષ્ફળ જવા નિર્માયેલી શોધનો આલેખમાત્ર છે. કાફકા પણ ભારે ખંત અને ધીરજથી પોતાની આવી જ નિષ્ફળતાની વાત કરે છે. આ સંઘર્ષ ભારે કપરો છે. એક વાર એમાં ફસાયા પછી એમાંથી કશી નિશ્ચિતતાને કાંઠે લાંગરવાનું અશક્ય બની રહે છે. આથી જ તો વાસ્તવિકતાના દસ્તાવેજી પુરાવા રજૂ કરી શકાતા નથી. હું મારી જ વાત કરવા જાઉં તો ક્યાંનો ક્યાં અટવાઈ જાઉં છું. સીમા ભુંસાતી જાય છે, બધા પરિચિત આશ્રયો દૂર ને દૂર સરી જઈને ઝાંખા થતા જાય છે. મિલ્ટને આવી જ કશી મૂંઝવણ અનુભવીને ઉદ્ગાર કાઢ્યો હશે, ‘સ્અજીનક ચસ રીનન’ અને જો આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચવા જઈએ તો તો વળી મુશ્કેલી ઓર વધી જાય છે. એ મુશ્કેલીનો અનુભવ આપણા જમાનામાં સાર્ત્રે પ્રગટ કર્યો છે. ‘No Exit’ નામના નાટકમાં એનું એક પાત્ર અકળાઈને કહે છે, ‘Hell is Other People.’ આથી કોઈ માનવીને, પોતાની અકાળે નિશ્ચિત કરેલી, માન્યતાના ખાનામાં પૂરીને એ માપનો બનાવીને જુએ અને સાથે સાથે માનવનો આદર્શ રજૂ કર્યાનો ઘમણ્ડ રાખે તો એ મને તો અક્ષમ્ય લાગે છે. કળાકાર કોઈ વિશિષ્ટ પ્રકારનો માનવી છે એવી રોમેન્ટિકોની કલ્પના હતી. એ બોહેમિયન બન્યો; ફૂલણજી, છેલબટાઉ બન્યો. પણ એ બધી જુદા જુદા વેશ ભજવવાની રમત હતી. હવે કાફકા, પ્રૂસ્ત વગેરેએ એ વાત પર ભાર મૂક્યો કે કળાકાર આપણા જેવો જ માનવી છે. એનામાં પયગમ્બરનું કે ક્રાન્તષ્ટાનું આરોપણ કરવાનો કશો અર્થ નથી. એમની કૃતિઓમાંથી પણ આ જ હકીકત ફલિત થતી હોય છે. એનો વિશેષ જો હોય તો તે એટલો જ કે એ કંઈક વધુ વિશિષ્ટતાથી બધું જોઈ સમજી શકે છે. પણ એની પાસે આપણા જમાનાનાં અનિષ્ટોથી બચવાને માટેની કોઈ જાદુઈ કરામત નથી. ઘણાં અનિષ્ટો વચ્ચે જીવવા છતાં એ વિશેની કશી સભાનતા જ ધરાવતા નથી. કેટલાક નવલકથાકારો આ અનિષ્ટોને સહેલાઈથી નિવારવાની યુક્તિઓ બતાવે છે, આ કે તે જીવનની સંકુલતાને જ આંખ આડા કાન કરીને નહિ સ્વીકારવાની અપ્રામાણિકતા છે એવું મને લાગે છે. ‘આ, આ છે’ એવું નિશ્ચિતતાથી કહેવું કેટલું અઘરું છે! કાફકાની નવલકથા ‘The Trial’નું પ્રથમ વાક્ય જ આપણને જુદી આબોહવામાં પ્રવેશ કરાવે છે. ‘કોઈક જોસેફ કે વિશે જૂઠાણું ફેલાવતું હોવું જોઈએ.’ કોઈ ખરેખર આમ કરતું હતું કે નહિ? એ કોણ હતું? આવા પ્રશ્નોના જવાબ મળવાની આશાએ આપણે આગળ ને આગળ વાંચ્યે જઈએ છીએ. બીજી નવલકથામાં એ જાણવાની આપણી ઉત્સુકતા જરૂર સન્તોષાય પણ ખરી. પણ કાફકાની નવલકથામાં એવું બનતું નથી. એનું કારણ એ નથી કે કાફકા કશીક માનસિક વિકૃતિને કારણે વાચકોને પજવવામાં રાચે છે. ઘણા સાધુચરિત વિવેચકોએ કાફકાને મનોરુગ્ણતા બદલ ભાંડવાનું સુખ લીધું છે. માત્ર કાફકાને માટે જ નહિ, પણ જે કૃતિ સન્દિગ્ધ રહે છે, કશી નિશ્ચિતતાની સલામત ભૂમિમાં લઈ જતી નથી તેવી બધી જ કૃતિઓને આવી રીતે ભાંડવામાં આવે છે. નવલકથા પૂરી થતાં બધું નિશ્ચયાત્મક રીતે સ્થાપિત થવું જોઈએ. પશ્ચિમની સંસ્કૃતિ સાથેનો આપણો સમ્પર્ક આપણા માટે ખતરનાક નીવડવાનો છે કે અસ્તિત્વવાદનું ભૂત ભારતની પુણ્યપવિત્ર ભૂમિમાં ટકી રહી શકવાનું નથી તે નવલકથા પૂરી થતાં સ્થાપિત થઈ જવું જોઈએ. સાચી વાત એ છે કે કાફકા જેવા સર્જકો આપણાં ગૃહીતોને જ પડકારવા ઉશ્કેરે છે. એ થવાની ઘણી જરૂર છે, કારણ કે આ ગૃહીતો ધીમે ધીમે આપણી ચેતનાને જડ બનાવી દે છે. આંધળી ચેતના લઈને જીવવાની એ આપણને ટેવ પાડી દે છે. આથી જોસેફ કે દોષિત હતો કે નહિ એ પ્રશ્ન પૂછીને આપણે શો જવાબ મેળવવા ઇચ્છીએ છીએ તે વિચારવું જોઈએ. જોસેફ કે. કાફકાએ સર્જેલી સૃષ્ટિનું પાત્ર છે, આથી સામાન્ય રીતે આપણે એવી અપેક્ષા રાખીએ કે પ્રશ્નનો જવાબ કાફકાએ નક્કી કરી રાખ્યો જ હશે, પણ કાફકા તો એ દર્શાવી આપે છે કે એ વિશે નિર્ણય કરવાનું જ ભારે કપરું છે. આથી કાફકા એ વિશે કશા નિર્ણય પર આવવાનું કેટલું અઘરું છે તે જ આપણને દર્શાવી આપે છે. એનો હા કે નામાં જવાબ આપવો હોય તો એ આપી દઈ શકે, પણ એ જવાબ આપવો બહુ સહેલો છે. માટે જ એને એમાં વિશ્વાસ બેસતો નથી. આ પ્રશ્ન બારાખડીના અમુક અક્ષરોને બદલે બીજા અમુક અક્ષરો વાપરવાનો નથી. કાફકાની બીજી નવલકથા ‘The Castle’માંથી એક બીજું ઉદાહરણ લઈએ : એ નવલકથાનો નાયક (એને નાયક કહેવો એ પણ કેવું તો બેહૂદું છે તે કાફકાએ ક્યાં નથી દર્શાવી આપ્યું?) ફ્રીડાનો હાથ પોતાના હાથમાં લે છે અને કહે છે : ‘એના હાથ ખરેખર નાના અને નાજુક હતા, પણ એને નબળા અને કશી લાક્ષણિકતા વિનાના પણ જરૂર કહી શકાય.’ આમ જોઈએ તો આ તુચ્છ વાત ગણાય. પણ વાચક આથી જરૂર મૂંઝાઈ જવાનો. એને પ્રશ્ન થશે, ‘તો પછી ખરેખર એ હાથ કેવા હતા? નાજુક કે નબળા?’ કાફકા અહીં જે કહેવા માંગે છે તે આપણને અજાણ્યું નથી. એને માત્ર એટલું જ કહેવાનું છે કે આ દુનિયામાંથી આપણે કશો અર્થ ઉપજાવવા જઈએ તો એનો અર્થ એ કે એને વિશેની અમુક વિગતોને જ આપણે સ્વીકારીએ છીએ અને તત્પૂરતી બીજી વિગતોને આપણે વિસારે પાડીએ છીએ. આમ જગતની બાદબાકી કરીને જ એને વિશે કશું નિશ્ચિતપણે આપણે કહી શકીએ. તો સર્જક એવું શા માટે કરે? 28-10-81

કાફકાએ ‘ધ કાસલ’ના લેખન દરમિયાન મૅક્સ બ્રોડને લખેલા પત્રમાં જે કહ્યું છે તે મને હંમેશાં યાદ રહ્યું છે. આપણે લખીએ છીએ તે જાણે આપણને મળતું અદ્ભુત અને રુચિર પારિતોષિક છે. પણ એ પારિતોષિક શાને માટે આપવામાં આવે છે? દિવસના અજવાળામાં મઘમઘતી પ્રશંસા વચ્ચે બેઠાં હોઈએ છીએ ત્યારે તો એ નથી સમજાતું પણ ઉન્નિદ્ર રાત્રિના એકાન્તમાં નિશાળિયાઓ સ્પષ્ટ કરીને સમજતા પાઠની જેમ, એ આપણી આગળ સ્પષ્ટ થઈ જાય છે. આ પારિતોષિક તો શેતાન સામે ઝૂઝવા બદલનું હોય છે. લખતાં પહેલાં કેવા અસૂર્યલોકમાં ઠેઠ નીચે ઊતરવું પડે છે, કેટલા બધા પૂરી રાખેલ અસુરોને છૂટો દોર આપવો પડે છે! અત્યારે સુખાસને બેસીને રસળતી કલમે જે આરામથી લખે છે તેને આ કપરા સંઘર્ષોનો કદાચ ખ્યાલ ન આવે. હું બારી પાસે તકિયાને અઢેલીને આરામથી બેઠો બેઠો લખું છું. હજી તો ગઈ રાતે જે દુ:સ્વપ્નો સામે ઝૂઝતો હતો, જે દુશ્ચિન્તાના ટોળાએ મને હંફાવ્યો હતો તેની કેટલીક રેખાઓ મારી આંખ નીચે અંકાયેલી છે. આ ઝૂઝવાનું કોઈ વ્યક્તિગત કારણ હોતું નથી. વાતાવરણમાં જે છે તેને જોયું ન જોયું તો કરી શકાતું નથી અને ટાળી પણ શકાતું નથી. એ જે પડકાર ફેંકે તેને ઝીલવાનો જ રહે છે. આ પછી ખુશનુમા સવારે તો હું સૃષ્ટિના ખીલી ઊઠેલાં સૌન્દર્યને એવી જ નાજુક નમણી રેખાઓથી આંકતો બેઠો હોઉં છું. ત્યારે જ આ સર્જક વતી સહન કર્યે જવાનું મારું સાચું વ્યક્તિત્વ, મારો સાચો ‘હું’ દયામણો અને કશા રક્ષણ વિનાનો અસુરોને હાથે કેવો તો ઝૂડાય છે તેનો મને ખ્યાલ છે ખરો? શેતાન એને કેવો ભોંયભેગો કરી દે છે! જાણે એક નહીં અનેક મરણને વેઠી લઈને એ કશીક અકળ હઠીલાઈથી વળી બેઠો થાય છે! ઘરની બહાર નીકળી જનાર ઘર ભાંગી પડ્યાની વેદનાથી શી રીતે ચોંકી ઊઠવાનો હતો? એ ઘર ભાંગી પડ્યું તે શું શું વીત્યું હશે તેને કારણે તે એમાંથી ભાગી છૂટનાર હું ક્યાં જાણતો જ હોઉં છું! આમ હું જાતે જ મારામાંથી હદપાર થઈને ભાગી છૂટ્યો નથી હોતો? મેં પોતે જ મારા ઘરને અસુરોની દયા પર છોડી દીધું નથી હોતું? 3જી જૂન 1924 — મારી નજર સામે આ તારીખ ઝબકી જાય છે. એ છે કાફકાની મૃત્યુતિથિ. ઘણાંબધાં સ્મરણો જાગી ઊઠે છે. હજી આજે પણ મને લાગે છે કે કાફકાનું મૃત્યુ એ, મારો નર્યો અંગત એવો કશોક, શોક છે. કોઈને આ માત્ર લાગણીવેડા લાગશે. પણ લાગણીવેડાથી મુક્ત હોવાનો મારો દાવો નથી. યાદ આવે છે બીજા વિશ્વયુદ્ધના પ્રારમ્ભના દિવસો, મારા કોલેજના અભ્યાસકાળના એ દિવસો દરમિયાન ધોબીતળાવ આગળની એડવર્ડ ટોકીઝની પાસેની ફૂટપાથ પર સૌ પ્રથમ ફ્રાન્ઝ કાફકા સાથે મારું મિલન થયું. ‘ધ ગ્રેટ વોલ ઓવ્ ચાઇના’ નામનું નાનકડું પુસ્તક મેં એના વિલક્ષણ નામથી આકર્ષાઈને એક જૂની ચોપડી વેચનારા પાસેથી ચાર આનામાં ખરીદ્યું. ત્યાર પછી ભાગ્યે જ એવો એકાદ દિવસ ગયો હશે જ્યારે કાફકાનું મને વિસ્મરણ થયું હોય. એ પુસ્તક વાંચતાં એક અદ્ભુત પ્રકારનો રોમાંચ થયો. જે જગતમાં જવા જેવું નહોતું તે જગતનું બારણું ખૂલી ગયું. એક સાથે દુસ્સાહસ, ભય, ખેદ — એવી મિશ્રિત લાગણીનો અનુભવ થયો. એમાં સૂત્રાત્મક વાક્યોનો સંચય પણ હતો. પણ એ સૂત્રો મનને શાતા આપનારાં નહોતાં. એ વાંચ્યા પછી ખૂબ વિક્ષુબ્ધ થઈ જવાતું. વિચાર કોેેઈ નવી નિષિદ્ધ કેડીએ વિહરવા નીકળી પડતા. માહિમના સમુદ્રકાંઠે આ સૂત્રો વિશે વિચારતો હું એકાકી બેસી રહેતો. કાફકામાં બહુજન વચ્ચે એકાએક નિર્જનતાભર્યું એકાંત સર્જી આપવાની શક્તિ રહી છે. ત્યારે ગાંધીએ રચેલી આચારસંહિતા, વિવેકાનન્દે નજર સામે આંકી આપેલું લક્ષ્ય — આ બધાંથી અકાળે ગમ્ભીર થઈને ચિન્તકની મુદ્રા સાથે જીવતા હતા. ત્યાં કાફકાએ એક ચોંકાવનારું વાક્ય કહ્યું, ‘ગન્તવ્ય સ્થાન તો છે, પણ ત્યાં પહોંચવાનો રસ્તો નથી; આપણે જેને રસ્તો કહીએ છીએ તે તો આપણી દ્વિધામાત્ર છે.’ અત્યાર સુધી તો શામળની વાર્તાના પાત્રની જેમ જીવતા હતા. રાજકુમાર સ્વપ્નમાં જોેયેલી રાજકુમારીને પામવા ઘોડો પૂરપાટ દોડાવી મૂકે તેવી દશા હતી. લક્ષ્ય મનને વિહ્વળ કરી મૂકતું હતું. વળી માર્ગમાં અંતરાયો આવે તથા ઝાડ પર બેઠેલું પંખીનું જોડું સુધ્ધાં માનવવાણીમાં બોલીને મદદ કરશે એવી મોહક શ્રદ્ધા હતી. કાફકાનું આ વાક્ય વાંચતાં માનવનિયતિના સત્યની ઝાંખી પ્રથમ વાર થઈ. નજર સામે કાફકાની છબિ તરવરી ઊઠે છે. આપણું ધ્યાન એની આંખો પર જ કેન્દ્રિત થાય છે. એનું આખું વ્યક્તિત્વ એની આંખોમાં કેન્દ્રિત થયેલું લાગે છે. એ આંખો જાણે આપણી આગળ બધું છતું કરી દે છે ને પછીથી જે પ્રગટ થયું છે તેને અભિવ્યક્ત કરવા શબ્દો શોધીએ છીએ તો જંદિગી આખી એમાં ચાલી જશે એવી લાગણીથી ભયભીત થઈ જઈએ છીએ. આથી જ તો કાફકા પરત્વે એક પ્રકારની વિલક્ષણ લાગણી મને થયા કરે છે. કહે છે કે એ બહુ ભાવપૂર્વક કવિતાવાર્તા વાંચી સંભળાવવાની શક્તિ ધરાવતો. આમ એ વાંચતો હોય ત્યારે પાસે બેસવું ગમે, ત્યારે સુખદ નિકટતાનો અનુભવ થાય; પણ વાંચવાનું બંધ થયા પછી કાફકા ફરી અત્યન્ત દૂરવર્તી અને દુર્ગમ્ય લાગવા માંડે. પિતાનું વ્યક્તિત્વ ભારે પ્રતાપી, એનાથી કચડાઈ ગયાની ફરિયાદ કાફકા વારે વારે કરે છે. પિતાને ઉદ્દેશીને લખેલો લાંબો પત્ર પોતે તો કદી પિતાને આપી શક્યો નહિ. પોતે ઊણો છે, શક્તિ ઓછી છે એવી લાગણી એને હંમેશાં રહ્યા કરતી. પ્રબળ અને ન્યૂન વચ્ચેના અણસરખા એવા દ્વન્દ્વમાં એ ફસાયો. એક બાજુથી પ્રેમ, યૌનવૃત્તિનું આકર્ષણ. ફેલિસ નામની કન્યા સાથે જ બે વાર વિવાહ કર્યા અને તોડ્યા. મિલેના નામની પરિણીતા જોડે પત્રવ્યવહારથી પ્રેમસમ્બન્ધ. છેલ્લે છેલ્લે આસન્ન મૃત્યુની છાયામાં ડોરા ડાયમંડ જોડેનો સમ્બન્ધ. પણ બીજે છેડે જગતને ઓળખવું, પોતાની ચેતનામાં કાલવવું, પ્રગટ કરવું — આને માટે પણ પ્રબળ એષણા. જીવનનું કાર્ય જેને માટે સીધી રેખાએ નિદિર્ષ્ટ થઈ ચૂક્યું હોય તેવો એ બડભાગી નહોતો. એની ડાયરીમાં એણે નોંધ્યું છે, ‘હું તો એકાદ શબ્દમાં અહીંતહીં રહી લેનારો આદમી છું. એ શબ્દમાં રહેલા સ્વરમાં હું મારું નિરર્થક મસ્તક ઘડીભરને માટે ખોઈ નાખું છું.’ પણ સાહિત્યસર્જન એ એને માટે કશી ભાગેડુ વૃત્તિનું પરિણામ નહોતું. એ તો જીવસટોસટનો ખેલ હતો. 1912ના વર્ષના પ્રારમ્ભમાં એ પોતાની ડાયરીમાં નોંધે છે : ‘મારી બધી શક્તિઓને લેખન માટે કેન્દ્રિત થયેલી પારખવાનું સહેલું છે. જ્યારે મને સમજાયું કે લેખનને સ્વીકારવું એ જ મારા અસ્તિત્વને માટેની સૌથી વિશેષ ફળદાયી પ્રવૃત્તિ છે ત્યારે મારામાંનું બધું જ એ દિશા તરફ ધસી ગયું. પછી યૌનવૃત્તિને સંતોષવાનું સુખ, ખાનપાનનું સુખ, તત્ત્વચંતિનનું સુખ અને સૌથી વિશેષ તો સંગીતનું સુખ — આ બધું જ ઠાલું બની ગયું. આ બધી બાજુએથી હું હ્રસ્વ બની ગયો. આમ બને તે અનિવાર્ય હતું, કારણ કે મારી સમગ્ર શક્તિ એટલી તોેે ઓછી હતી કે એ બધીને એકઠી કરીને વાપરું તોય સાહિત્યનું કામ તો અર્ધુંપર્ધું જ થઈ શકે. આ લક્ષ્ય મેં સ્વતન્ત્રપણે કે સભાનપણે નક્કી કર્યું નહોતું, એ લક્ષ્યે જ સ્વાભાવિકપણે મને શોધી લીધો હતો. હવે એમાં વ્યાવસાયિક કામકાજને પૂરેપૂરું ફગાવી દેવું પડશે, અને મારા જીવનનો સાચો આરમ્ભ કરવો પડશે. મારું કામ જેમ જેમ આગળ વધશે તેમ તેમ આખરે મારા મોઢા પર સાચી રીતે વર્ષોના વીત્યાની રેખા અંકાશે.’ ફેલિસે એક વાર પત્રમાં લખેલું, ‘હું જોઈ શકું છું કે તમારો ઝોક સાહિત્ય તરફનો છે.’ તરત જ બીજા પત્રમાં એની આ વાત કાફકાએ સુધારતાં લખ્યું, ‘મને કાંઈ સાહિત્યનો શોખ છે એવું નથી, હું સોએ સો ટકા સાહિત્યમય જ છું. હું એ સિવાય બીજું કશું છું નહિ, હોઈ શકું પણ નહિ.’ મિલેનાને પણ એણે લખ્યું હતું, ‘હું એકી સાથે તારા અવાજો અને મારા આન્તરિક વિશ્વના ભયંકર અવાજોને સાંભળી શકું નહિ.’ ફેલિસને તો એ વારેવારે લખ્યા જ કરે છે કે સાહિત્ય જ એના જીવનની એકમાત્ર વસ્તુ છે. સાહિત્યસર્જન માટે એકાકી હોવું એ સાવ અનિવાર્ય છે. જો ફેલિસ એને પરણે તો એ પોતાના કામ જોડે શૃંખલાથી બંધાયેલા એક સાધુને પરણે છે એમ જ માનવાનું રહેશે. પણ આ લખવું તો નરી સુખદ ઘટના નથી. લગ્નજીવન વિશે ધીમે ધીમે એને ઘૃણા થતી ગયેલી. પરિણીત યુગલના જીવનમાં બધું બની આવે છે, એમાં એમનું કર્તૃત્વ હોતું નથી. આમ ‘doing’ નહિ પણ ‘happening’ જ હોય તો એ જીવનનો શો અર્થ એવો એને પ્રશ્ન થતો. શિશુના જન્મ સાથેના સંસ્કારો પણ કાફકા આ પ્રમાણે વર્ણવે છે : ‘ઘરે દરરોજ જોઉં છું તે જોડાજોડ પથારી, વપરાયેલી ચોળાયેલી ચાદરો, રાત્રે પહેરવાનાં કપડાં — જે પથારી પાસે ગડી કરીને વ્યવસ્થિત મૂક્યાં હોય — આ બધું જોઈને મને ઉબકા આવે. મને એવું લાગે કે જાણે હું નિશ્ચિતપણે હજી જન્મ્યો નથી; પેલા વાસી ઓરડામાંના વાસી જીવનમાંથી રોજ હજી જન્મ્યે જ જાઉં છું; ફરી ફરી મારે જન્મ્યાનું સમર્થન મેળવ્યા કરવું પડે છે. હું જાણે આ પ્રમાદ સાથે અવિચ્છિન્નભાવે એકરૂપ થઈને ભળી ગયો છું. મારે છોડવું હોય તો આ બધું મારા પગને આગળ વધવા દેતું નથી. ગર્ભમાં હોય છે તેવો હજી હું જાણે ઘાટઘૂટ વગરનો માંસનો પિણ્ડ જ છું. શરીર કાફકાનું સૌથી મોટું દુશ્મન હતું. શરીરને એ ભુલાઈ ગયેલી પારકી ભૂમિ જ ગણતો હતો. એ ભૂમિ એક ગાઢ અરણ્ય જેવી! દુર્ભેદ્ય અને એમાં આવતી ક્ષયની લુખ્ખી ઊધરસ તે કોઈ પશુની ત્રાડ જેવી. આ પશુની ત્રાડને કારણે એને અનિદ્રાની સ્થિતિમાં લાંબો સમય ગાળવો પડ્યો. આવી જ એક અનિદ્રાભરી રાતે, લમણાં ફાટી રહ્યાં હતાં ત્યારે, એને એકાએક એક વાત સ્પષ્ટ સમજાઈ જાય છે જે સ્વસ્થતાભર્યા દિવસોમાં સમજાઈ નહોતી : એને લાગે છે કે એ એક અત્યન્ત ક્ષીણ, હજી જાણે અસ્તિત્વમાં જ નહિ આવી હોય એવી ભૂમિ પરથી ચાલી રહ્યો છે. આ ભૂમિ તે પડછાયાઓથી ભરેલી ગર્તા પરનું પાતળું આવરણ માત્ર છે. સાહિત્ય જીવવામાં મદદરૂપ થાય છે, પણ એ આવા પ્રકારના જીવનને નિરર્થક લંબાવવામાં જ મદદ કરે છે એવું નહિ કહેવાય? પણ એનો અર્થ એ નથી કે સાહિત્યની રચના નહિ થતી હોય તે વેળાનું જીવન આનાથી સારું હોય છે. એથી ઊલટું ત્યારે તો સ્થિતિ વધારે ખરાબ હોય છે; એ અસહ્ય જ હોય છે, ઉન્માદ સિવાય એમાંથી ઊગરવાનો બીજો ઉપાય નથી. સર્જન એ એક ઉત્તમ વરદાન છે, પણ શા માટે? આ અનિદ્રાભરી રાતે એ સ્પષ્ટપણે જોઈ શકે છે, ‘આ તો સેતાનની સેવા કરવાથી મળતું પારિતોષિક છે. અન્ધકારનાં બળો તરફનું અવતરણ, સામાન્ય રીતે અંકુશમાં રાખેલાં બળોને છુટ્ટો દોર આપવો, સન્દિગ્ધ સમ્પર્કો — આવું બધું જે નેપથ્યમાં બનતું રહે છે તેનો તો અણસાર સરખો, દિવસના સૂર્યના પ્રકાશમાં વાર્તા લખવા બેસીએ છીએ ત્યારે, આવતો નથી. કદાચ આથી જુદા પ્રકારનું સર્જન પણ થતું હશે, પણ મને એની ખબર નથી.’ આવા એક ભયંકર અસહ્ય જગતને મસ્તકમાં લઈને કાફકા જીવ્યો. એનો પ્રશ્ન આ હતો : ‘હું એમાંથી શી રીતે મુક્ત થાઉં અને એ જગતને પણ અવિકલ રાખીને મારામાંથી શી રીતે મુક્ત કરું? એને મારામાંથી મુક્ત કરતાં હું શતધા છિન્નભિન્ન થઈ જાઉં તો ભલે, એને મગજમાં ઢબૂરી રાખવાનું તો ન જ બને. હું એટલા માટે જ જન્મ્યો છું તે મારે મન સાવ સ્પષ્ટ છે.’ એના મૃતદેહને પ્રાગ લાવવામાં આવ્યો ત્યારે કહે છે કે નમતા પહોરે ચાર વાગે શહેરના ઘંટાઘરની બધી ઘડિયાળોના કાંટા ચાર પર થમ્ભાવી દેવામાં આવ્યા હતા. 4-6-79

આ દિવસોમાં કાફકાની કે ચેઝારે પાવીઝેની ડાયરીઓ વાંચવી ગમે. કાફકા વાતાવરણનો જીવ છે. એ વાતાવરણને નર્યું સાચું બનાવી દેવાની કળા જાણે છે. આવા જ કોઈ વર્ષાના દિવસે એણે જગતને જોઈને ક્ષણભંગુર જળબિન્દુમાં જગતની ભંગુરતાને અનુભવેલી. અહીં જે કાંઈ છે તેનો સ્વભાવ વીતી જવાનો છે; બધું ચાલ્યું જાય છે. અરે, આપણી સ્મૃતિ પણ ધીમે ધીમે આપણામાંથી સરી જાય છે. આથી કાફકા કહે છે કે આ ભંગુરતા જ જગતનો સ્વભાવ છે. એનું ઉગ્ર ભાન જ આપણને અમરતાની શોધ માટે દોડાવે છે. આથી આ નાનકડી ક્ષણનો પ્રભાવ શતાબ્દીઓના પ્રભાવથી સહેજેય ઊતરતો નથી. શતાબ્દી ક્ષણની સ્પર્ધામાં કદાચ ઊણી જ ઊતરે. ક્ષણિકતાનું પણ સાતત્ય કલ્પીને આપણે શાશ્વતીનું આશ્વાસન લેવાને નથી લલચાઈ જતાં? ઘણા લોકો ખંડેરમાંથી ફૂટી નીકળેલા તૃણાંકુરને જીવનના મૃત્યુ પરના વિજયની પતાકા કહીને કવિતડું કરે છે. એમાં જીવનનું ખંતીલું હઠીલાપણું નહિ, મરણનો જ પ્રભાવ ઊપસી આવતો દેખાય છે. મારે જગત સામે ઝૂઝવું હોય તો એની આ ક્ષણિકતા સામે યુદ્ધ માંડવું જોઈએ. હું એ આ જીવન દરમિયાન કરી શકું? કેવળ એ વિશેની આશા રાખવાથી કે શ્રદ્ધા કેળવવાથી ન ચાલે.