કાફકા/3


વર્ણસંકર

મારી પાસે એક વિચિત્ર પ્રાણી છે. એ અર્ધું બિલાડીના બચ્ચા જેવું છે અને અર્ધું ઘેટા જેવું. મારા બાપ તરફથી એ વારસામાં મળેલું. પણ એનો વિકાસ તો મારા જીવનકાળ દરમિયાન જ થયો; પહેલાં તો એ ઘેટા જેવું વધારે લાગતું હતું, બિલાડી જેવું ઓછું. હવે તો સરખા પ્રમાણમાં બન્ને જેવું લાગે છે. બિલાડી પાસેથી એને માથું અને નહોર મળ્યાં છે, ઘેટા પાસેથી એનાં કદ અને ઘાટ મળ્યાં છે; આંખો તો બન્નેના જેવી છે — એ નમ્ર છે અને પલકારા માર્યા કરે છે. એની રૂવાંટી સુંવાળી અને શરીરને વળગીને રહેલી છે. એ હરેફરે છે કૂદકા મારીને અને કોઈક વાર લપાઈ સંતાઈને બારીની પાળ પર તડકામાં એ અંગોને સંકોચીને દડો થઈને બેસે છે અને ધીમું ધીમું બોલ્યા કરે છે. ખેતરમાં તો એ ગાંડાની જેમ દોડી જાય છે. ત્યાં તો ભાગ્યે જ કોઈ એને પકડી શકે. એ બિલાડીઓથી દૂર ભાગે છે અને ઘેટાંઓ ઉપર હુમલો કરવાનું એનું વલણ હોય છે. ચાંદની રાતે છાપરાનાં નળિયાં પર લટાર મારવાનું એને ગમે છે; એ મ્યાઉં મ્યાઉં કરી શકતું નથી. ઉંદરોથી એ છળી મરે છે; મરઘાંઘર આગળ એ કલાકો સુધી છુપાઈને તરાપ મારીને બેસી રહે છે, પણ મરઘું મારવાની એક પણ તક એણે અત્યાર સુધી ઝડપી નથી. હું એને ગળ્યું દૂધ પિવડાવું છું અને તે એને બરાબર અનુકૂળ આવી ગયું છે. મોટા મોટા ઘૂંટડાથી એ એના શિકારી દાંતો વચ્ચેથી દૂધને ઉતારી દે છે. બાળકોને માટે તો સ્વાભાવિક રીતે જ આ એક અદ્ભુત દૃશ્ય બની રહે છે. રવિવારની સવાર મુલાકાતીઓ માટેનો સમય હોય છે; હું એ પ્રાણીને મારા ખોળામાં લઈને બેસું છું અને અડોશપડોશનાં બધાં બાળકો મને વીંટળાઈ વળે છે. પછી મને અજબ તરેહના પ્રશ્નો પૂછાય છે જેનો કોઈ જ જવાબ આપી નહીં શકે; અને હું એવું કરવાનો પ્રયત્ન પણ કરતો નથી. હું તો મારી પાસે જે છે તે, કશી સમજૂતી આપ્યા વિના, માત્ર એમને દેખાડું છું. કેટલીક વાર બાળકો સાથે બિલાડી લઈને આવે છે. એક વાર તો એ લોકો બે ઘેટાં પણ લાવ્યાં હતાં; એમણે ધાર્યું હશે કે કશીક ઓળખાણ પડશે, પણ એવું કશું બન્યું નહીં; એ પ્રાણીઓ એકબીજા તરફ, એમની પ્રાણીની આંખે, શાન્તિથી જોઈ રહ્યાં; એમણે એકબીજાના અસ્તિત્વને ઈશ્વરસજિર્ત હકીકત તરીકે સ્વીકારી લીધું. મારા ખોળામાં હોય છે ત્યારે એ પ્રાણીને નથી ભય લાગતો કે નથી શિકારની ચળ આવતી. મારી સાથે દબાઈને બેસવામાં એને ખૂબ સુખ થાય છે. એને ઉછેરનાર કુટુંબને એ વળગી રહે છે. આ કાંઈ કદાચ અસાધારણ વફાદારીનું ચિહ્ન નથી; એ તો કદાચ એની પ્રાણીસહજ વૃત્તિ જ હશે જેને સાવકા સંબંધો તો અસંખ્ય હોય, પણ એક લોહીનો સંબંધ તો એક્કેય નહીં હોય. આથી અમારે ત્યાં એને જે રક્ષણ મળે છે તે એને પવિત્ર લાગ્યું હોય. ક્યારેક એ મને સૂંઘતું સૂંઘતું મારી ચારે બાજુ ફરે છે અને મારા પગ વચ્ચે વીંટળાય છે અને મારાથી કેમે કર્યું છૂટું પડતું નથી. ત્યારે મને હસવું આવ્યા વગર રહેતું નથી. ઘેટું અને બિલાડી થયાથી એને સંતોષ નથી થયો તેથી એ હવે સાથે સાથે કૂતરો થવાનોય આગ્રહ રાખે છે. હું ગંભીરતાપૂર્વક ખરેખર માનું છું કે આવં કંઈક એના મનમાં છે. એનામાં એ બન્ને પ્રાણીની ચંચળતા છે — બિલાડીની અને ઘેટાની, એ બન્નેના સ્વભાવ એકબીજાથી સાવ જુદા તે છતાં. તેથી એના ખોળિયામાં એ સુખ અનુભવતું નથી. ખાટકીનો છરો જ કદાચ એ પ્રાણીને મુક્તિ અપાવશે, પણ એવું તો હું કરવા ન દઈ શકું કારણ કે એ તો મને વારસામાં મળ્યું છે. એક નાના છોકરાને એના બાપ તરફથી વારસામાં માત્ર એક બિલાડી મળી અને એનાથી એ લંડન શહેરનો નગરપતિ બન્યો. મારા પ્રાણીથી હું શું બનીશ? એ વિશાળ નગર ક્યાં વિસ્તર્યું હશે? એતદ્ : જૂન, 1979