કાફકા/6


વદાય

મેં તબેલામાંથી ઘોડાને લાવવાનો હુકમ કર્યોે. નોકર મારું કહ્યું સમજ્યો નહીં. હું જાતે તબેલામાં ગયો, ઘોડાને પલાણ્યો અને એના પર સવાર થયો. દૂરથી મેં ભૂંગળનો અવાજ આવતો સાંભળ્યો, મેં એને પૂછ્યું, ‘આનો અર્થ શો?’ એને તો કશી ખબર નહોતી ને એણે તો કશુંય સાંભળ્યું નહોતું. દરવાજા આગળ એણે મને રોકીને પૂછ્યું, ‘શેઠ, તમે મારતે ઘોડે ક્યાં જઈ રહ્યા છો?’ મેં કહ્યું, ‘મને ખબર નથી, મારે માત્ર અહીંથી દૂર ને દૂર જવું છે; મારા લક્ષ્યને પહોંચવાનો એ જ માત્ર એક માર્ગ છે.’ એણે પૂછ્યું, ‘તો તમને તમારા લક્ષ્યની ખબર છે ખરી?’ મેં કહ્યું, ‘હા, હમણાં જ તો તને કહ્યું. અહીંથી દૂર ચાલ્યા જવું એ જ મારું લક્ષ્ય.’ એણે કહ્યું, ‘તમારી પાસે પૂરતું ભાથું તો છે નહીં.’ ‘મારે કશાની જરૂર નથી.’ મેં કહ્યું, ‘મારી મુસાફરી એટલી લાંબી છે કે જો મને રસ્તે કશું મળે નહીં તો મારે ભૂખમરાથી મરવાનું જ રહે. કશું ભાથું મને બચાવી શકે નહીં, સદ્ભાગ્યે એ ખરેખર ખૂબ મોટી મુસાફરી છે.’ એતદ્ : જૂન, 1979