કાફકા/7


ગીધ

એક ગીધ મારા પગ આગળ બેસીને ટોચ્યા કરતું હતું. એણે મારા જોડા તો ફાડી જ નાખ્યા હતા અને મોજાંનાંયે ચીંથરાં ઉડાવી દીધાં હતાદ્વ. હવે એ સીધું પગને જ ટોચતું હતું. ફરી ફરી એ પગ પર હુમલો કર્યા કરતું હતું, પછીથી ચંચળ બનીને મારી આજુબાજુ થોડાં ચક્કર લગાવતું હતું, અને ફરી કામે લાગી જતું હતું. એક સજ્જન ત્યાં થઈને પસાર થયા. થોડી વાર સુધી તો એ જોઈ જ રહ્યા, પછી મને પૂછ્યું કે હું આ ગીધને શા માટે વેઠી લઉં છું? મેં કહ્યું,‘હું લાચાર છું, જ્યારે એણે આવીને મારા પર હુમલો કરવા માંડ્યો ત્યારે અલબત્ત, મેં એને હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ આ પંખીઓ ભારે કૌવતવાળાં હોય છે. એ તો સીધું મારા મોઢા પર જ ત્રાટકવા જતું હતું, પણ મેં મારા પગનો ભોગ આપવાનું પસંદ કર્યું. હવે મારા પગ લગભગ છેદાઈ ગયા છે.’ એ સજ્જન બોલ્યા, ‘આવી રીતે તમે તમારી જાત પર જુલમ ગુજારવા દો છો તે કેવું? એક ગોળી મારીએ કે ગીધનો ખાત્મો બોલી જાય.’ મેં પૂછ્યું, ‘ખરેખર? અને તમે એ કરશો?’ એમણે કહ્યું, ‘હા, ખુશીથી. મારે માત્ર ઘેર જઈને મારી બંદૂક લઈ આવવી પડશે. તમે અર્ધોએક કલાક રાહ જોઈ શકશો?’ મેં કહ્યું, ‘એ વિશે તો હું કશું નક્કી કહી શકું નહીં.’ વેદનાથી લાકડા જેવો થઈને હું ઘડીભર ઊભો રહી ગયો. પછી મેં કહ્યું, ‘વારુ, તમે પ્રયત્ન તો કરો.’ સજ્જને કહ્યું,‘ ઠીક, હું બને તેટલો જલદી આવીશ.’ આ વાર્તાલાપ દરમિયાન ગીધ શાન્તિથી બધું સાંભળી રહ્યંુ હતું અને પેલા સજ્જન અને મારા તરફ આંખો ફેરવી ફેરવીને જોયા કરતું હતું. હવે મને સમજાયું કે એને બધી જ ખબર પડી ગઈ હતી; એણે પાંખો પસારી, ઠીક ઠીક પાછળ ઝૂકીને બળ એકઠું કર્યું અને પછી ભાલો ફેંકનારની જેમ એણે એની ચાંચ મારા મોઢામાં ઊંડે સુધી ઘોંચી દીધી. હું પાછળ ફેંકાઈ ગયો, પણ એને મારા લોહીમાં ડૂબી જતું જોયું. એને ઉગારી શકાય એમ નહોતું જાણીને મેં નિરાંતનો દમ ખેંચ્યો. મારું લોહી બધાં ઊંડાણોને ભરી દેતું હતું, બધા કાંઠાઓને છલકાવી દેતું હતું. એતદ્ : જૂન, 1979