કાવ્યચર્ચા/પરિશિષ્ટ - રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ


પરિશિષ્ટ

સુરેશ જોષી

પાષાણયુગના ગુફાવાસી આદિ માનવે જે પશુનો શિકાર કર્યો, ને જેનું ભક્ષણ કર્યું તેનું ચિત્ર શા માટે આંક્યું હશે? આ પ્રશ્નથી જ કળામીમાંસાનો પ્રારમ્ભ થઈ ગયો. મનુષ્યે પૃથ્વી પર જન્મીને પોતાની ચારે બાજુ વિસ્તરેલા વિશ્વને જોયું. એના અપરિમેય વિસ્તાર વચ્ચે એ ઊભો ને એની જોડે પોતાનો મેળ બેસાડવા એ મથ્યો. ક્ષુધાતૃષાદિ જૈવિક આવશ્યકતાઓ સંતોષવા એને વિશ્વની અમુક વસ્તુઓનો સામગ્રી તરીકે ઉપયોગ કરવો પડ્યો. નદીમાંથી એણે પાણી પીધું, પણ નદી એની તરસ છિપાવવાને સરજાઈ હોય એમ એ માની શક્યો નહિ. એની તટરેખા, આવર્તબુદ્બુદોવાળો એનો પ્રવાહ, એની બંકિમતા, એના પાણીમાં પડતાં વૃક્ષોનાં પ્રતિબિમ્બ, એની સપાટી પર ઊછળીને ફરી પાણીમાં સરી જતી માછલીની રૌપ્ય ચટુલતા આ બધું જોયું ને અને લાગ્યું કે નદી એની તૃષાની તૃપ્તિના સાધનથી કંઈક વિશેષ છે. વૃક્ષોની છાયામાં એ તાપથી બચવા ઊભો, એનાં ફળ ખાધાં, એની શાખા પર આશ્રય લીધો; છતાં જ્યારે પાનખરમાં એનાં પાંદડાંને એણે ખરતાં જોયાં ત્યારે એ ઘડી જોતો ઊભો રહી ગયો. વસન્તમાં એના પર તામ્રવર્ણી કૂંપળ બેઠી ત્યારે એને વિસ્મયથી જોઈ રહ્યો. દૂર નિર્જન વેરાનમાં એકલા ઊભેલા વૃક્ષનો મહિમા જોઈને એ અવાક્ થઈ ગયો. ખરેલાં પાંદડાંમાંથી સરી જતા સાપને જોઈને એને નદીનો બંકિમ પ્રવાહ યાદ આવ્યો, એના મનમાં ઉપમા જન્મી, એ બેનો મનમાં એણે સમ્બન્ધ જોડ્યો. એ સાપ એના સાથીને ડંખ્યો ને એના ઝેરથી એ સાથીનું મરણ થયું ત્યારે એને સાપથી ભય થયો. હાથમાં ન આવતા સાપનું એણે ગુફાના પથ્થર પર ખડીથી ચિત્ર આંક્યું. મનુષ્યોની બીજી ટોળીની સાથે અથડામણ થતાં એ સાપના ચિત્રને પોતાના નિશાન તરીકે વાપરીને પ્રતિપક્ષીને ભય પમાડવાની એણે તરકીબ શોધી. જે એની પૂરી પકડમાં નહિ આવ્યું હોય તેના એક અંગને કે અંશને પામીને એમાં એ સમગ્રતા જોઈ. આ રીતે એણે વિધિઓની જટાજાળ ઊભી કરી, પ્રતીકો ઉપજાવ્યાં. વિશાળ અવકાશમાંના પ્રખર સૂર્યને એણે થોડી રેખાથી ગુફામાં આણી દીધો. આ રીતે આદિમાનવે અપરિમેય વિશ્વને આત્મસાત્ કરી એની સાથે પોતાનો મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો.

જે પશુનું ભક્ષણ કરી ગયો તેની આકૃતિ રચીને જાણે એના પર સદાનો એણે અધિકાર મેળવી લીધો. એ વાતનું આદિમાનવને કદાચ ભાન નહિ હશે. એણે તો અસંપ્રજ્ઞાતપણે જ એ કર્યું હશે. પણ આજનાં મનોવૈજ્ઞાનિક સંશોધનોને પરિણામે આપણે એ પ્રવૃત્તિઓનાં કાર્યકારણને બુદ્ધિથી સમજતા થયા છીએ. સ્થૂળ અર્થમાં, માણસે પશુનું ભક્ષણ કરીને, એને આત્મસાત્ કર્યું. સૂક્ષ્મ અર્થમાં, એ પશુની પુન:રચના કરીને, એ આત્મસાત્ કર્યું. એની રચના અવગત કરવાથી એના પર પોતાનો કાબૂ સ્થપાયો.

આમ માણસ જીવતો ગયો, જે નષ્ટ કર્યું કે નષ્ટ થયું તેની પુન:રચના કરતો ગયો. જે એની પકડમાં ન આવ્યું તેના રૂપને સારવી લઈને એણે પોતાનું કરી લીધું. આ પ્રવૃત્તિ વિકસતી ગઈ, સાહિત્યકળાનો ઉદ્ભવ થયો, ઈશ્વરે દેખા દીધી, ધર્મો સ્થપાયા, શાસ્ત્રો રચાયાં, સંસ્કૃતિ વિકસી.

માણસ વસ્તુને ભોગવીને બેસી નથી રહેતો, પોતાની ભોગવવાની પ્રવૃત્તિને એ સમજવા પણ ઇચ્છે છે. કળાનું નિર્માણ કરીને એણે તપાસી. એમાંથી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ. એ સમસ્યાઓ પૈકી ઘણી આજ દિન સુધી ઉકેલાયા વિનાની જ રહી છે. માણસને પોતાની એક ક્ષેત્રની પ્રવૃત્તિનો બીજા ક્ષેત્રની પ્રવૃત્તિ સાથે મેળ બેસાડવાનો રહ્યો. પ્રવૃત્તિનાં ક્ષેત્રો વધ્યાં, પ્રવૃત્તિઓ વચ્ચેના સમ્બન્ધો અટપટા ને સંકુલ બન્યા. દરેક જમાનો આ સમ્બન્ધોની ફેરતપાસ કરી જુએ છે; કેટલીક મૂળભૂત સમસ્યાઓ નવે રૂપે ફરી રજૂ થાય છે. સમસ્યાને એના યથાર્થ સ્વરૂપમાં રજૂ કરવાનું સામર્થ્ય હોવું એ તત્ત્વાલોચનામાં મહત્ત્વનું છે. એ સમસ્યાઓની યથાર્થ રૂપે રજૂઆત ફરી ફરી થતી રહે તે બૌદ્ધિક સજાગતાની નિશાની છે. જુગે જુગે મનુષ્યની સંવેદના સમૃદ્ધ થતી રહે છે. આ સમૃદ્ધ સંવેદનાથી મૂળભૂત સમસ્યાનું રૂપ તપાસવું એ કળામીમાંસાની પ્રધાન પ્રવૃત્તિ છે.

સૌથી પહેલી સમસ્યા તો એ છે કે કળા જેનું નિર્માણ કરે છે તેનો આપણી વાસ્તવિકતા જોડે શો સમ્બન્ધ છે? એક રીતે જોઈએ તો કળા વાસ્તવિકતાને એને એ રૂપે નથી રજૂ કરતી. કેટલીક વાર એ એનું વક્રીકરણ કરે છે, એનાં પ્રમાણને વ્યસ્ત કરી નાંખે છે. એના ઘટક અંશોના ક્રમને પલટાવી નાંખે છે તો કેટલાક અંશોને પ્રાધાન્ય આપે છે; સાથે, સંકળાયેલી વસ્તુઓને છૂટી પાડીને એને બીજી જ વસ્તુઓ(જેની જોડે દૂરનો પણ સમ્બન્ધ હોવાની આપણને કલ્પના સરખી ન હોય!) જોડે સાંધી દે છે. સામાન્ય માણસ જેને સાચું કહે છે, વાસ્તવિક કહે છે તે કળાનું વાસ્તવિક રહેતું નથી. આમ છતાં આ વાસ્તવિકતાના પુનનિર્ર્માણથી આપણને વસ્તુઓનાં અને અનુભૂતિઓના યાથાર્થ્યની ઉત્કટ પ્રતીતિ થાય છે; જેને સામાન્ય માણસ વાસ્તવિકતા કહે છે તે તો સાચી યથાર્થતાને ઢાંકતું આવરણ જ હતું એવું આપણને લાગે છે; કળાકાર વસ્તુની સાચી યથાર્થતાની ને આપણી વચ્ચેનાં વ્યવધાનોને દૂર કરતો હોય એવો આપણને અનુભવ થાય છે. વાસ્તવિકતાનું સાચું હાર્દ એનાં, કળાકારને હાથે થતાં આવા પુનનિર્ર્માણથી જ પ્રગટતું હોય એવું આપણને લાગે છે. આવું શા માટે થતું હશે? વાસ્તવિકતાનું રૂપાન્તર, એ રૂપાન્તરની પ્રક્રિયા, એનાં પરિણામો, એ પરિણામોને ફિલસૂફ જેને ‘યથાર્થ’ કહે છે તેની સાથેનો સમ્બન્ધ, એને ભ્રાન્તિ કે આભાસ હોય તો એવી પ્રાતિભાસિકતા જ રસાસ્વાદનું જીવાતુભૂત તત્ત્વ ગણાય, કે પછી એ કોઈ નવા જ ગુણધર્મવાળી સ્વાયત્ત સત્તા છે એમ કહેવાનું રહે? – આ પ્રશ્ન પાયાની સમસ્યા ઊભી કરે છે.

આમાંથી જ એક બીજો પ્રશ્ન ઉદ્ભવે છે: કળાકાર નવી વસ્તુનું નિર્માણ કરે છે કે અનુભૂતિના યાથાર્થ્યના સાક્ષાત્કારની આડે જે વિઘ્નો ને અન્તરાયો આવતાં હોય છે તેને કળાકાર દૂર કરે છે ને એ રીતે એની સાથે આપણો અપરોક્ષ સમ્બન્ધ સ્થાપી આપે છે? કળાકાર માત્ર આટલું જ કરતો હોય છે? વિઘ્નો દૂર કરવાની પ્રવૃત્તિને ભાગ્યે જ સર્જનાત્મક કહી શકાય. કળાકાર આપણી વાસ્તવિકતાને કેવળ ઉપાદાન તરીકે વાપરે છે, પણ એની સર્જનાત્મક પ્રતિભાના સંસ્કાર પડવાથી જે નિર્માણ થાય છે તે વાસ્તવિકતાની પ્રતિકૃતિ નથી, તે કશુંક નવીન જ બની રહે છે એમ કહી શકાય ખરું? વાસ્તવિક ગુલાબ અને કાવ્યનું ગુલાબ – આ બે વચ્ચે સમ્બન્ધ શો?

આ જ દિશામાં આગળ વધીને કોઈ એમ પૂછે: જો કળાકાર વાસ્તવિકતાને નિમિત્ત રૂપે વાપરીને એમાંથી કશું નવું જ ઉપજાવીને રાચે છે એમ સ્વીકારીએ તો વાસ્તવિકતાના જતરડામાંથી નાસી છૂટવાની કાયરતા નથી, ફોસલામણી નથી? અસન્તુષ્ટ ઇચ્છાવાસનાઓને તૃપ્ત કરવાને માટેની એ ઇન્દ્રજાળ માત્ર નથી? એ આપણને વાસ્તવિકતાના સન્દર્ભથી દૂર ખસેડીને ભ્રાન્તિની દિશામાં હડસેલવા જેવું નથી? આપણી રોજ-બ-રોજની વાસ્તવિકતાને જીરવવામાં એ શા ખપમાં આવી શકે? કળામીમાંસાનો ઇતિહાસ વાંચનારને જણાશે કે આ પ્રશ્ન દરેક જમાનામાં, કોઈ ને કોઈ રૂપે, પુછાતો જ રહ્યો છે. વ્યવહારમાં કળા કશા ખપમાં આવતી નથી, મીનાકારીવાળા મુરાદાબાદી લોટામાંનું પાણી વધારે સ્વાદુ નથી લાગતું ને છતાં રોજ-બ-રોજની ઉપયોગની વસ્તુને મનુષ્ય કળાથી ભૂષિત કર્યા વિના રહી શકતો નથી. વ્યવહારની ઉપયોગિતાના સન્દર્ભને ઉલ્લંઘીને એમાં નવી આસ્વાદ્યતા ઉપજાવવાની પ્રવૃત્તિને મનુષ્યે મહત્ત્વની પ્રવૃત્તિ લેખી છે. જે જૈવિક પ્રયોજનોની સંકુચિત સીમામાં ખરચાઈને પૂરું થાય છે તેનાથી મનુષ્યે કદી સન્તોષ નથી અનુભવ્યો. પ્રજનનની સાહજિક ક્રિયાને એણે વિધિઓ અને સંસ્કારોમાં સંગોપીને એની નરી જૈવિકતાનો જાણે ઉદ્ધાર કર્યો છે. આથીય આગળ જઈને એમ પણ કોઈ કહે કે વ્યવહારની દૃષ્ટિએ નિરુપયોગી રહીને જ કળા એની આગવી મહત્તા અને સાર્થકતા પ્રકટ કરે છે.

તો કોઈ પૂછશે: આ મહત્તા અને સાર્થકતા એ શી રીતે પ્રાપ્ત કરે છે? એનો જવાબ આપતાં આપણે એક બીજી પાયાની સમસ્યા ઊભી કર્યા વિના રહી શકતા નથી. કળાકાર વ્યાવહારિક પ્રયોજન અને ઉપયોગિતા પરત્વે નિરાસક્ત રહીને જ પોતાની કૃતિમાં ઉત્કટ આનન્દનું કારણ બની રહે છે. વૈયક્તિક રાગદ્વેષની ભૂમિકાથી આપણને નિલિર્પ્ત રાખીને, અંગત ઊમિર્ના આવેગોને ઉપરતિની કક્ષાએ પહોંચાડીને, તાટસ્થ્યપૂર્વકના તાદાત્મ્યથી, એ આપણા ચિત્તને કળાના વિશિષ્ટ પ્રકારના બ્રહ્માનન્દસહોદર આનન્દને ભોગવવાની સ્થિતિમાં મૂકી આપે છે. આ વિગલિતવેદ્યાન્તરત્વની સ્થિતિમાં મનુષ્યને પોતાની શુદ્ધ સત્તાનો અનુભવ થાય છે. આવી નિવિર્કલ્પ નિદિધ્યાસનની અવસ્થા રસાનુભૂતિની પર્યાયવાચક બની રહે છે.

આ ઉપરાંત કળાનિર્માણના, ઘણા અટપટા પ્રશ્નોની ચર્ચા થતી રહે છે: કળાનાં ઉપાદાન અને માધ્યમ વચ્ચે શો ભેદ? કળા અને કળા વચ્ચે ઉચ્ચાવચતાનો નિર્ણય ઉપકારક બને કે અપકારક? જો એ ઉપકારક બનતો હોય તો કયા ધોરણને આધારે એવા નિર્ણય પર આવી શકાય? કળાકૃતિનું સ્વરૂપ કેવું હોય? એ વિશિષ્ટ ને અદ્વિતીય હોય તો ભાવક એનું પોતાના ચિત્તમાં પુનનિર્ર્માણ શી રીતે કરી શકે? જે અદ્વિતીય હોય તેનું અભિનયન શક્ય બને? કળાકૃતિ વિશિષ્ટ હોવા છતાં, અસાધારણ હોવા છતાં, સર્વસાધારણ એવા તત્ત્વને મૂર્ત કરે છે એમ શી રીતે કહી શકાય? ‘અસાધારણ સર્વસાધારતા’ એવી સંજ્ઞા યોજી શકાય ખરી? સમકાલીન જીવન સાથેનો કળાકૃતિનો સમ્બન્ધ શો હોઈ શકે? એ સમકાલીન નૈતિક કે સામાજિક મૂલ્યો પરત્વે ઉદાસીન રહી શકે? એ મૂલ્યોને અધીન રહીને એ સ્વાયત્તતા જાળવી શકે? અમુક એક યુગમાં જીવતો કળાકાર પોતાના દેશકાળની અસરથી શી રીતે નિલિર્પ્ત રહી શકે? ને જો નિલિર્પ્ત ન રહી શકતો હોય તો એની કળાકૃતિ બીજા દેશકાળમાં શી રીતે આસ્વાદ્ય બની શકે? એ કાલાતીત ચિરંજીવ શી રીતે બને? કળાકૃતિનું મહત્ત્વ શામાં રહ્યું છે – એની વિશિષ્ટ રૂપરચનામાં કે એમાં પ્રકટ થતા કથયિતવ્યમાં? કળાકૃતિની ગુણવત્તા વિશેના નિર્ણયોમાં એકવાક્યતા સમ્ભવી શકે ખરી? એ નિર્ણય પર આવવાને આપણે કયાં સાધનોનો ઉપયોગ કરીએ છીએ? એમાં મતભેદ ઊભા થાય ત્યારે સત્યાસત્ય શાને આધારે નક્કી કરી શકાય?

પ્રશ્નોની હારમાળા આપણે આમ લંબાવતા થાકીએ નહિ. આ પ્રશ્નોને ઝીણવટથી તપાસતાં એમાંના કેટલાક પ્રશ્નો રસમીમાંસાને અપ્રસ્તુત લાગશે. કેટલાક પ્રશ્નો યોગ્ય રીતે ઉઠાવી શકાયા નથી એવું પણ, વિચાર કરતાં, સમજાશે. એક પ્રશ્ન અને બીજા પ્રશ્ન વચ્ચેના સમ્બન્ધને તપાસતાં એક પ્રશ્નના ઉત્તરમાં જ બીજા પ્રશ્નનો ઉત્તર, આપોઆપ, અપાઈ જતો લાગશે.

પણ જમાને જમાને કળાના સર્જન અને રસાનુભવના હિતમાં આ પ્રશ્નોને ઊભા કરતાં રહેવું જોઈએ. આવી બૌદ્ધિક સજાગતા કળાના સર્જન અને એના રસાનુભવને આવશ્યક છે. પૂર્વસૂરિઓના મતને આપ્તવાક્ય ગણી પ્રમાણભૂત લેખવાનું ને એ રીતે આવી ફેરતપાસને નિરર્થક પુનરાવૃત્તિ ગણવાનું વલણ આવકારવા જેવું નથી. પૂર્વસૂરિઓના મતોનું શોધન થતું રહે તે જરૂરી છે. સર્જનની નવી નવી ભંગીઓ પ્રકટતી રહે છે, એની અનન્તવિધ શક્યતા છે. પૂર્વગ્રહો ને એવાં અન્ય વિઘ્નોથી આક્રાન્ત ભાવકની રુચિને આવી મીમાંસા જ પરિષ્કૃત કરી શકે. આપણે આ પૈકીની કેટલીક પાયાની સમસ્યાના સ્વરૂપને તપાસીશું.