કાવ્યમંગલા/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય

કાવ્યમંગલા (૧૯૩૩) : સુન્દરમ્ નો વૃત્તબદ્ધકાવ્યો, સૉનેટો, ગીતોને સમાવતો કાવ્યસંગ્રહ. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે સાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાન કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફનો સમભાવ અછતો નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની સાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથનદશા સ્ફૂટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામો દર્શાવતાં કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે ‘બાનો ફોટોગ્રાફ’ જેવી રચનાઓ અને ‘ત્રણ પડોશી’ કે ‘ભંગડી’ જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે.