કાવ્યમંગલા/ધખના

ધખના

પ્રભુ, હું તો ભાળી ભાળીને મુઝાઉં,
શાથી મારા મનડાની ધખના શમાવું? ધ્રુવ....

એક આંખે તારી અમૃત વરસે ને
બીજી ઝરે છે અંગારા,
ત્રીજી આંખે હશે શું યે ભરેલું,
જીવન કે મોત કાળાં? પ્રભુ....

એક પાંપણિયે પ્રગટે કિરણિયાં ને
બીજીએ ઘોર અંધારાં,
તેજ-અંધારાંની પાછળ શાં પ્રભુ,
સંતાડ્યાં તત્ત્વો ન્યારાં? પ્રભુ.... ૧૦

એક હથેળીમાં ઉઘડે કમળિયાં ને
બીજીમાં સમદર ખારા,
કરને સંચારત ઘટ રે તારામાં
કિયા રે ભર્યા મેઘ ન્યારા? પ્રભુ...

એક આંગળિયે તરણું ના તોડે,
બીજી હણે વિશ્વ સારાં,
બંનેને દોરતો પેલો તે અંગૂઠો
કિયાં રે ધકેલે કમાડાં? પ્રભુ....

એક પગે તારે ઝાંઝર ઝમકે ને
બીજાએ કાળ નગારાં, ૨૦
આસન વાળી તું બેસે ત્યારે કિયા
ઊઠે ગેબી નાદ ન્યારા? પ્રભુ....

આંખ ખોલું ત્યારે ભાળું અંધારા ને
મીંચું ત્યાં તડકા ને લ્હારા,
છાયાતડકામાં દાઝે મારા પાય,
ક્યાં પ્રભુ શીતળ ક્યારા? પ્રભુ...

(૩૦ જુલાઈ, ૧૯૩૨)