કાવ્યમંગલા/સુજાગૃત સર્જન


સુજાગૃત સર્જન

(પાંચમી આવૃત્તિ વેળાએ)

આ સંગ્રહની આ પાંચમી આવૃત્તિ છે, અથવા ખરું કહીએ તો ચોથી આવૃત્તિનું પુનર્મુદ્રણ છે. ફેરફાર છે તે એમાંની પ્રસ્તાવનામાં છે. અને તે પણ ઓછામાં ઓછું કહેવું એ દૃષ્ટિથી કરેલો ફેરફાર છે. સંગ્રહની બીજી આવૃત્તિથી કાવ્યોમાં ‘સુધારા’ કરવા માંડેલા. ત્રીજી આવૃત્તિમાં એમાંના ઘણાને નામંજૂર કરી મૂળ પાઠને રાખ્યા અને કેટલાંક કાવ્યોને ઘણાં બદલી નાખ્યાં. ચોથી આવૃત્તિમાં વળી મૂળ પાઠો પાછા બને તેટલા ગોઠવી દીધા. કાવ્યનાં પ્રૂફ વાંચવા બેસું અને મૂળ પાઠનો જ ભણકાર આવે, નવો પાઠ અતડો-વરવો જ લાગે. પણ કેટલાંક કાવ્યો –‘ધૂમકેતુ’ ‘પોંક ખાવા’ ઇત્યાદિ તેમના નવા રૂપે, સુધારા વધારા કે ઘટાડા સાથે રહેલાં છે. આ આવૃત્તિમાં હવે બધાનું પુનર્મુદ્રણ જ થયું છે, ક્યાંય તો ભૂલોનું પણ !

કાવ્યને વધારે સારું કરવાની ઈચ્છા રાખવી એ પણ કેટલીક વાર લોભ અને લાલસાનું રૂપ લે છે. કળામાં ઉચ્ચ ગ્રાહ હોય એ એક વસ્તુ છે, અને કાવ્યને ઉચ્ચ કરવાની લાલસા થવી, આગ્રહ બનવો એ બીજી વસ્તુ છે. આવા આગ્રહમાંથી નહિ પણ સર્જનની પ્રેરણાને સમર્પણ ભાવે લખાય અને જાગૃત બુદ્ધિ શબ્દના, વિચારના, ઊર્મિના, વસ્તુના સત્યને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે, તંબૂરના તાર મેળવીએ એ રીતે, તો પછી એમાંથી જે સરજાય તેને સ્વીકારી લેવું જોઈએ અને વિનમ્ર ભાવે જગતદેવતાને ચરણે ધરી દેવું જોઈએ. કાવ્ય કે હરકોઈ સર્જન કે હરકોઈ પ્રવૃત્તિ તેના કરનારને મહાન બનાવવા માટે નથી, પણ વિશ્વના અનંત સનાતન આવિર્ભાવની ગતિમાં અને લીલામાં તે એક સહજ અનિવાર્ય જેવો બની રહેતો વ્યાપાર છે. આવી સહજ અનિવાર્યતાની રીતે રચાતું કાવ્ય એનો નાનો મોટો ગમે તે ભાગ ભજવતું રહે છે અને વિશ્વની આનંદમયતામાં પોતાનો ફાળો આપતું રહે છે. ૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૧
શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી
સુન્દરમ્