કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/દશા મારી...

૨૧. દશા મારી...

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!

નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!

નથી એ રાખતાં કૈં ખ્યાલ મારો કેમ ક્ હેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.

ફરક કેવો દીવાનાની જવાની ને જઇફીમાં?
બરાબર આજ જેવી આગવી એ કાલ રાખે છે.

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ'નું,
છતાં હિંમત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!

(આઠોં જામ ખુમારી, પૃ. ૩૩૪)