કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/પહેલો માણસ

૬. પહેલો માણસ

ઠોકર ખાધેલો માણસ છું,
હું ભીંત ભૂલેલો માણસ છું.

હે દોસ્ત, દયા અપરાધ ક્ષમા!
‘ખોવાઈ ગયેલો માણસ છું.'

મસ્તીમાં ડૂબેલો માણસ છું,
હું રંગાયેલો માણસ છું.

ઘેઘૂર બનેલો માણસ છું,
અલગારી અકેલો માણસ છું.

ઘાયલ છું, ઘેલો માણસ છું,
પણ લેશ ન મેલો માણસ છું.

છું છેલછબીલો છોગાળો,
પણ સ્હેજ છકેલો માણસ છું.

ઝૂક્યા'તા ફિરસ્તાઓ જેને,
હું એ જ પહેલો માણસ છું.

આબાદ મુરાદોની વચ્ચે,
બરબાદ થયેલો માણસ છું.

ક્યાં દુનિયા અને ક્યાં મારું દિલ!
એક આવી ચડેલો માણસ છું.

લાગું છું ખાલી પણ ‘ઘાયલ',
ભરપૂર ભરેલો માણસ છું.

૧૨-૬-૧૯૫૮(આઠોં જામ ખુમારી, પૃ. ૨૨૪)