કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/ફૂલ વેરાયાં!

૨૫. ફૂલ વેરાયાં!

જીવનવાટે જરા જુદા પ્રકારે ફૂલ વેરાયાં,
હતાં થોડાં છતાં લાગ્યું, વધારે ફૂલ વેરાયાં!

વિદાની બાદ બહુ વસમા વિચારે ફૂલ વેરાયાં,
સરી ગઈ શૂન્યમાં નૌકા, કિનારે ફૂલ વેરાયાં!

બની કરડી સહજ તો વીજળી તૂટી પડી જાણે!
હસી એ આંખ તો એક જ ઇશારે ફૂલ વેરાયાં!

નજર રૂઠી ગઈ શું રૂપની રંગત ગઈ રૂઠી,
ન સાંજે રંગ રેલ્યા કે સવારે ફૂલ વેરાયાં!

ગજું શું ફૂલનું કે આપમેળે જાય વેરાઈ!
તમે આપ્યો સહારો તો સહારે ફૂલ વેરાયાં!

ઉદયકાળે અમે લોકો હતા આનંદમૂર્છામાં,
ખબર સુધ્ધાં નથી અમને કે ક્યારે ફૂલ વેરાયાં!

કરે છે કોણ મૃત્યુ બાદ ‘ઘાયલ', યાદ કોઈને?
ખુદાની મ્હેર કે થોડાં મજારે ફૂલ વેરાયાં.

(આઠોં જામ ખુમારી, પૃ. ૩૬૦)