કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/મસ્તખ્વાબી આદમી
૮. મસ્તખ્વાબી આદમી
ગુલાબી આદમી છઈએ : રૂઆબી આદમી છઈએ,
અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ.
હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ,
મળે તે માણીએ હાજરજવાબી આદમી છઈએ.
અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ,
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ.
નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર!
ખુશીથી આવ, ઓ ખાનાખરાબી! આદમી છઈએ.
ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબતનાં,
કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ.
હિસાબો ચોપડે ના માંડતા કે રાખતા મોઢે,
પરંતુ આમ જુઓ તો હિસાબી આદમી છઈએ.
બગાવત મયકદામાં પણ કરી બેઠા છીએ ‘ઘાયલ',
કસમ મન્સૂરના એ મસ્તખ્વાબી આદમી છઈએ.
૧૦-૧૨-૧૯૫૭(આઠોં જામ ખુમારી, પૃ. ૨૨૭)