કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/લિજ્જત છે

૨૬. લિજ્જત છે

ગભરું આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે,
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે!

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે,
હર ફૂલમહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે;
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે!

બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે!

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ',
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.

(આઠોં જામ ખુમારી, પૃ. ૩૬૮)