કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૬. કર્ણ-કૃષ્ણ
[વિષયઃ કૃષ્ણ વિષ્ટિમાં નિષ્ફળ નીવડ્યા પછી પાછા ફરે છે ત્યારે જતાં જતાં કર્ણને વાત કરવા માટે પોતાના રથમાં બેસાડે છે. પછી કર્ણને એ કુંતીનો પુત્ર છે એ રહસ્ય કહે છે અને એને પાંડવોના મોટાભાઈનું સ્થાન લેવા સમજાવે છે. પણ કર્ણ જવા સંમત થઈ શકતો નથી. માતાએ બાળપણમાં જ એનું ભારે અહિત કર્યું છે. જ્યારે દુર્યોધને એને જીવનભર સન્માનપૂર્વક રાખ્યો છે. વળી, પોતે કર્ણ મટી પાંડવ બને તેથી હવે સૌ પોતાનું બહુમાન કરે એમાં શું? આ રીતે પોતે પોતાના વ્યક્તિત્વનો જ માત્ર વિચાર કરે છે એમ પણ નથી; સમષ્ટિનું હિત પણ પોતે વિચાર્યું છે. દ્રૌપદીના સ્વયંવરમાં પોતાનું થયું હતું તેવું અપમાન ભવિષ્યમાં જીવનસુંદરીના સ્વયંવરમાં કોઈનું થવા ન પામે, ત્યાં જન્મ નહિ પણ પૌરુષ જ જોવામાં આવે – એવી સ્થિતિ પ્રવર્તે એ માટે પોતાનો આગ્રહ છે એમ કર્ણનું કહેવું છે. ...કર્ણનું વીરત્વ એવું છે કે જો એ પાંડવોને જઈ મળે તો એક વાર તો કદાચ કૌરવો લડાઈ કરવાનો વિચાર પણ માંડી વાળે. પણ સામે વિનાશ ઊભો છે એવી પ્રતીતિ છતાં કર્ણ પાંડવો સાથે મળી, પાટવી બની, ભારતવર્ષના રાજા થવાની તકને ઠોકરે મારે છે અને કૌરવોને એમની કપરી વેળાએ વળગી રહે છે. આ એના જીવનની અનિવાર્ય કરુણતા છે.]
કર્ણ: જુઓ હસે છે નભગોખ સૂર્ય,
પાસે પાસે એક જલે ઝૂલંતાં
પ્રફુલ્લતાં કિંતુ ન જેહ સંગમાં
અધન્ય એવાં પદ્મ ને પોયણા-શાં
જોઈ મુખો આપણ બે તણાં અહીં.
ઝાઝી વેળા વ્યોમ માંહે ન સોહે
સાથે સાથે સૂર્ય ને સોમ, કૃષ્ણ,
સોહે નહીં એક રથેય એવા
પ્રવીર બે કૌરવપાંડવોના.
અદૃશ્ય થાતા પુરકોટકાંગરા,
ધપ્યે જતા પંથપિપાસુ અશ્વ.
આજ્ઞા કરો, કૃષ્ણ, ઉતારવા મને
ક્ષણેક થંભે રથ. દો અનુજ્ઞા.
જાઉં. પ્રતીક્ષા કરતા હશે ત્યાં
કૈં વર્ષોથી શૌર્યઉન્માદવ્યાકુળા
સંગ્રામાર્થે જે ભુજા ખંજવાળતા,
આજે લાધ્યે યુદ્ધનું પર્વ ધન્ય,
પ્રસન્ન સૌ કૌરવ હસ્તિનાપુરે;
અને કુરુજાંગલ – રે સમગ્ર
આર્યાવર્તે આણ જેની યશસ્વી,
એવા મહારાજ–
કૃષ્ણ: –ની ધર્મરાજને
આજે ભલી રીતથી ભેટ છો થતી,
ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના.
પાંડુપુત્રો આ દિશે ચક્ષુ માંડી
પીતા હશે પંથદિગંતરેખા:
ક્યારે આવે કૃષ્ણ વેગેથી, લાવે
કાં યુદ્ધ કાં બંધુજનોની પ્રીતિ.
પ્રીતિપ્રતીક્ષા પણ આજ એમની
ભલે ફળે બેવડી: યુદ્ધશ્રદ્ધા
સંતોષાશે વિષ્ટિ હું હારતાં; ને
બંધુપ્રીતિ પાંડુ પુન: જીવ્યા સમી
સૌ પામશે આજ પધારતાં ઘરે,
કારાગારે કૌરવોને પડેલ,
ધનુર્ધરોમાં સહજે શિરોમણિ,
શસ્ત્રે તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ
કુન્તીજાયો પાટવીપુત્ર કર્ણ.
કર્ણ: કુન્તીજાયો? તેર વર્ષોની વાત!
અજ્ઞાત અન્યોન્યથી હસ્તિનાપુરે
વસ્યાં અમે મા-શિશુ વર્ષ તેર!
વર્ષે વર્ષે માસ તો બાર બાર,
માસે માસે ને દિનો ત્રીસ ત્રીસ,
ને ત્રીસમાંથી દિન એક એક,
મૂકે ઘડી ગણિતી તેની સાઠ.
મળી ઘડી અધઘડી ન માતને
વાત્સલ્યથી વંચિત બાલ કારણે!
અપૂર્વ આશ્ચર્ય ન એ શું કૃષ્ણ?
એ ભારતે અદ્ભુત માપ ધર્મનું!
કૃષ્ણ: બોલાવવી એ જનનીમુખે જો
લજ્જાભરી શોક-કથા વીતેલી,
કુંતી ક્હેશે, તાત, તો, એય ક્હેશે
સહોદરોના સુખ કાજ હોંસે.
કર્ણ: ના, કૃષ્ણ, મારે નથી ક્હેવરાવવી
કલંકગાથા જનનીમુખેથી,
કે શી રીતે ત્યાગ અબોલ બાલનો
કરી શિશુને વિધિઅંક સોંપ્યો.
એ જાણું છું કૈંક રહસ્ય, જ્યારથી
પામ્યો છું હું આશિષ કુંતીનેત્રની
મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી,
અનલ્પ રિદ્ધિ મુજ ક્ષુદ્ર આયુની.
જ્યારે કૃપે દીન મુખે સુણ્યું મહા
આહ્વાન મારું કપરું કિરીટીને
અને કહ્યું: ‘રાજવીપુત્ર સ્પર્ધા
કરે ન જાણ્યા વિણ ગોત્ર અન્યનાં;
આ કુંતી ને પાંડુ તણો સુપુત્ર
ઊભો અહીં અર્જુન, બોલ, તાત,
પિતા-જનેતા તવ કોણ કોણ?’ –
રે ત્યાં જ મા'રાજ સુયોધને મને
તત્કાલ યોજી અભિષેક, દીધું
મહાર્ઘ એવું પદ અંગરાજનું.
ત્યાં સ્ત્રીવર્ગે એક સાધ્વી તણાં બે
નેત્રો દ્વારા ઊભરાતી અખંડ
ન્યાળી'તી મેં દિવ્ય વાત્સલ્યધારા,
માતી પરાણે મુજ સ્વલ્પ હૈયે,
દુ:ખેસુખે જે સ્ફુરતી રહી કો
હૈયાખૂણેથી, મધુરું કરી જતી
બધુંય તે માન વિમાનના વા,
કે દંશ ભૂંડા વળી હીન જન્મના.
આજેય આલંબન દિવ્ય એ મમ.
વાંચી હતી એ દ્વયનેત્રવિસ્તરે
માતા તણી મંગલ આશિષો મેં.
મીઠી સ્મૃતિ જીવનની સુધન્ય એ,
આયુરણે વીરડી સ્નેહભીની એ.
પરંતુ, ધર્મજ્ઞ, પૃથામુખેથી
‘છે કર્ણ કૌન્તેય', ન શબ્દ એવા
આચાર્યને એ સમયે મળ્યા; મળ્યા
હવે, હવે જ્યાં ડગલુંય પાછું
ક્યાં દેવું તે ના રહ્યું શોચવાનું.
કૃષ્ણ: સુણ્યું હશે, કર્ણ, કદી; ન જો સુણ્યું
તો હું કહું: ત્યાં નીરખી તને, પ્રિય,
શો કુંડળે ને કવચે સુહંત
આહ્વાન દેતો ભડ સવ્યસાચીને, –
એ દૃશ્ય જોઈ – સહુ વીરસંઘ
ઉલ્લાસઆશ્ચર્ય મહીં ડૂબેલ;
પરંતુ કુંતી હતી ના તટસ્થ
એક્કેય પક્ષે; ઉભયે સૂતેલા
નિજોદરે, તે નિજ નેત્રથી હવે
અન્યોન્યનો નાશ કરંત જોવા!
ને માતથી એ કદી જોયું જાય?
સહ્યો ન જાતાં સ્નેહઑથાર, માતા
મૂર્છા પામી ને ઢળી પૃથ્વીખોળે.
સુભાગ્ય કે જીવી ગઈ નિહાળવા
અંગાધિરાજા તુજને થયેલો
અને થતો ભારતરાજ આજ.
કર્ણ: વાણી પ્રેરો, કૃષ્ણ, ના ભાવપૂર્ણ
સંસારની ઘોર કઠોર વાતે.
સહ્યાં જવું જે વિધિદત્ત કાંઈ,
કાં ઊર્મિની અંજલિ વ્યર્થ પથ્થરે?
કૃષ્ણ: ના, ના, ન એવું વદ, ધર્મવત્સલ.
તું કુંતીનો અંકુર આદિ ઉજ્જ્વલ.
કૌમાર્ય અર્પી તુજને ખરીદ્યો,
ને લોકલજ્જા તજી પેટ સંઘર્યો.
રે યૌવનશ્રી તણું પામી જ્યાં ફલ,
શકી ન એ સાચવી ભાગ્યદુર્બલ.
કલંકમાંથી બચવા, બચાવવા
તનેય સાથે, જગહાથ સોંપ્યો
અબોલ મોંઘો શિશુ પેટનો જણ્યો,
જાણી: ભલે જીવી કહીંક ઊછરે
અજ્ઞાત ખૂણે જગને; પ્રતાપ તે
ઓછો જ ઢાંક્યો કદી ક્યાંય ર્હેશે?
પૂછું, યશસ્વી, સ્મરતો તું ઘોર
અન્યાય જે કાંઈ તને થયેલ;
તો શી હશે કારમી આત્મવેદના
કુંતી તણી, છાતીથી બાળ ધાવતો
આડું કરી મોં હડસેલી દેતાં?
કલ્પી દશા એ કદી માતૃઉરની? –
જે માતને શોણિતપોષણે તું
જન્મ્યો, વહે જેહનું રક્ત તારી
નસે નસે આ ઘડીએય વેગથી;
જેની મૃદુમીઠી મુખાકૃતિની
તારે મુખે અંકનરેખ આછી;
ને જેહના કોમલ પાદયુગ્મની
શોભા વસી આ તવ પાયયુગ્મમાં;
– એ પાયયુગ્મ! સ્મરું છું, યુધિષ્ઠિરે
કહેલું કો દી વનવાસગોષ્ઠિમાં
કે કેમ જોઈ ચરણો અરે તવ
કુંતી તણા બે ચરણો સમાન,
શમી જતી ચિત્ત વિશે સ્ફુરંતી
એ સૌમ્ય ને શાન્તમના મહાત્મની
પ્રકોપ-ઊર્મિ ઊઠતી જ એવી,
જ્યારે તપ્યા તેલ સમાં કુવાક્યો
સુણાવતો'તો તું ભરી સભા મહીં
એકાકિની તે દ્રુપદાત્મજાને.
કર્ણ: હા! દ્રૌપદી! પંચપતિ વરેલી
તથાપિ આયુષ્યની જે અનાથા!
ન વાત છેડો, કિરીટીસખા, તે.
સૌભાગ્ય એ પંચવિધ પ્રશસ્ય
છો ભોગવે તે અભિજાત કન્યા.
ઉખેળશો ના પડ ભૂતકાલનાં,
સંકોરશો અગ્નિ ન માનહાનિનો.
વેગે જઈ સમ્મુખ તેડી લાવો
એ દ્રૌપદીજિત્ અભિજાત અર્જુન.
યુદ્ધાંગણે કાલ જુએ ન કોણ
કુજાત કે કોણ વળી સુજાત.
કૃષ્ણ: એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ,
સન્તોનું એ પેય પીયૂષ પુણ્ય,
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા!
જણનારાંના, કર્ણ, બે દોષ પી જા!
ન કુંતીના દોષની હોય શિક્ષા
કો પુત્રને, પુત્રની વા વધૂને.
ને એ વધૂ, વત્સ, ચડાવી આજ્ઞા
કુંતી તણી મસ્તક, સેવતી સુખે
ક્રમે ક્રમે પંચ પ્રતાપી ભર્તા,
ક્રમે ક્રમે તેવી જ સેવશે સુખે
એ પંચના અગ્રજ જ્યેષ્ઠ કર્ણને.
કર્ણ: ના, કૃષ્ણ, ના, હોય ન એવી વાર્તા
આજે હવે જીવન અસ્ત વેળા.
આજે હવે પુત્રઘરેય પારણાં.
એ પુત્રપૌત્રે વળી પત્નીહૈયે
ગૂંથાઈ-ગૂંચાઈ ગયું જ એવું
આ હૈયું કે ઉતરડી તહીંથી
ન ખેંચવાનું રહ્યું શક્ય હાવાં.
ને શક્ય એ હોય તથાપિ શોભે
ધર્મિષ્ઠને આપણને શું એવું?!
અને થશે હાનિ ન માતને તો.
કુંતી તણા પ્રૌઢ પ્રતાપી પુત્રો
તે પાંચના પાંચ રહો સુરક્ષિત,
મારે લીધે, અર્જુન મૃત્યુ પામતાં,
મારે મર્યે, અર્જુનને લીધે વા.
કદીય તે પાંડવબંધુ, કિંતુ,
એકીસાથે દ્રૌપદીને ન શોભે
ભર્તાસ્થાને કર્ણ ને – ને કિરીટી.
જાઓ. પ્રેરો, કૃષ્ણ, શ્વેતાશ્વશોભિતે
રથે વિરાજંત રણે ધનંજય.
હવે અમે જો ચડીએ ન યુદ્ધે,
વીરત્વ તે અર્જુનનુંય લાજે,
લાજે વળી પૌરુષ અંગરાજનું.
આજે હવે બે, વિધિના ધનુષ્યથી
છૂટી ચૂકેલાં, શર-શા અમે બે
યુદ્ધેપ્સુ કર્ણાર્જુન; કોણ બાણ
વીંધે બીજાને રહ્યું એ જ દેખવું.
છો વિશ્વ ન્યાળે રણ કર્ણપાર્થનું.
કૃષ્ણ: અહો! જનોની ચિર યુદ્ધશ્રદ્ધા!
કર્ણ: ને હે મહાત્મન્! વિનતી….
કૃષ્ણ: તને છે
મારેય પૃચ્છા કરવાની, કર્ણ
કુરુપ્રવીરો સહ મેળવી ખભા,
શકીશ ને યુદ્ધ તું ખેલી મા'રથી?
કર્ણ: મહારથી! એ ઉપહાસશબ્દ
ઉચ્ચારિયો, કૃષ્ણ, તમે સુઝાડવા
ઊભી થઈ જાય શિખા પ્રરોષે
એવાં કર્યાં જે અપમાન દ્રૌણિએ
વિરાટઝાંપે, વળી ઘોષયાત્રા-
પ્રસંગઅંતે કુરુવૃદ્ધ ભીષ્મે
પૌરુષ્યથી, – ને હું મહારથી થઈ
સાંખી રહ્યો મૂઢ વિમાનના બધી?
કૃષ્ણ: ને એ જ સેનાધિપતિ થશેને
ગાંગેય સૌ કૌરવોના રણાંગણે?
કર્ણ: હા. એ જ સેનાધિપતિ થશે.
કૃષ્ણ: ને
નીચું કરીને મુખ આ મહારથી
ગાંગેય નીચે રહી યુદ્ધ માણશે!
કર્ણ: ઘટે નહીં, હે યદુવીર ખોલવા
વ્રણો રૂઝ્યા-અર્ધરૂઝ્યા બીજાના.
જાણો છતાં જીભ ઉઘાડવા કાં
મથો તમે કર્ણની જન્મમીંઢી?
એ તુચ્છકારો અપમાન કારમાં,
કોઠે મને એ સહુ છે પડી ગયાં.
ગાંગેય ખીજે ક્યમ આમ આકળા
મારી પરે, કૃષ્ણથી છે અજાણ્યું તે?
એ શૌર્યના ધોધ સમાન ભીષ્મને
વીરત્વ તો મારું ઘણું ગમે છે,
એ ક્ષાત્રના રક્ષકને પરંતુ
કુજન્મ મારો કપરો કઠે છે.
હું કૌરવોમાં રહી કૌરવોની
ગાંગેયથીયે કરું ઝાઝી રક્ષા,
છે એ જ પ્રત્યુત્તર ભીષ્મયોગ્ય,
અને ન કે આજ બનું હું પાંડવ.
તો તો અરે, કર્ણ મટે અને રહે
કો પ્રેત, જેને બહુમાનથી કહે
એ એ જ ગાંગેય ઉમંગભેર:
‘તપ્યાં કરો પૌરુષ તારું, પાંડવ!'
એ પ્રીતિની અંજલિ પાંડુને જશે,
ન કર્ણને તો લવલેશ, કૃષ્ણ.
હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર,
સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ.
સ્થાપીશ વ્યક્તિત્વની વીરતા હું
સુજન્મના પૈતૃક લાભ માથે.
કૃષ્ણ: નિ:શબ્દ છું, કર્ણ, હું જોઈ ભારતે
ગૂંથાયલી જાળ કરાળ કાળની,
ને મધ્યમાં દેખી તને ફસાયો;
પ્રયોજતો પૌરુષ મૃત્યુઘેરું
એકાકી શો તું અસહાય થૈને!
તને ન ચિંતા, બધી કાળજાળ
થશે ઘડીમાં ક્યમ છિન્નભિન્ન.
તું વ્યક્તિ આડે ન જુએ સમષ્ટિને.
કર્ણ: વર્ષો લગી એ કરી ધર્મચિંતા,
ને વેઠી કૈં વર્ષ સુધી અનિદ્રા.
હું પૂછું: સૌ પાંડવ યુદ્ધસજ્જ
ઊભા, કહો તે શીદ? બોલશો તમે:
‘જે ન્યાયનો તે અધિકાર પામવા.'
જે ન્યાયનો, કારણ? – ‘જન્મ-સિદ્ધ.'
તો, કૃષ્ણ, હુંયે મુજ જન્મસિદ્ધ
મથી રહ્યો છું અધિકાર પામવા:
કે હીન જન્મે નવ હીન માનવ,
કે હીન કર્મે કરી હીન માનવ.
લડી રહ્યો હુંય સમષ્ટિ કાજ.
સમષ્ટિમાં જે સહુ જન્મ-હીણાં
જીવે, વળી ભાવિ વિશેય જીવશે,
એ સર્વના જન્મકલંક કેરો
અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી.
મારેય હૈયે હિત છે સમષ્ટિનું.
સ્વયંવરે જીવનસુંદરીના
જોવાય ના જન્મ, પરંતુ પૌરુષ,
– એ સ્થાપવા જીવું છું ને મરીશ.
સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ.
મનુષ્ય જે જન્મ થકી દુભાયાં
તેનું રચું ઉજ્જ્વલ ભાવિ આજ હું.
કૃષ્ણ: અંધારી આવે મુજ આંખ આડે
એ ભાવિ સામે દૃગ માંડતાંમાં.
ધર્મજ્ઞ, છો જે તુજને રુચ્યું!…
કર્ણ: જતાં,
કાને ધરો જે કહું આટલુંક:
ન લેશ આની કદી થાય જાણ
સ્વપ્નેય તે પાટવી ધર્મરાજને.
સ્વીકારશે એ, નહિ તો, ન ધર્મવિત્
ક્ષણાર્ધ માટે પણ રાજ્ય રાજા.
ને આપશે જો મુજને, ગણી વડો,
રાખીશ હું એક ઘડી ન રાજ્ય
સોંપ્યા વિના કૌરવરાજવીને,
મૈત્રીપ્રભાવે જીવું છું હું જેના.
થશે ન એ શોભતું, ધર્મબંધુ.
ભલે થતા રાજવી ધર્મરાજ,
છે કૃષ્ણ જેને સચિવ પ્રબુદ્ધ
ને સવ્યસાચી સમ યુદ્ધવીર.
કૃષ્ણ: તો ઠીક ત્યારે ફરી, યુદ્ધભોમે!
કર્ણ: હા. યુદ્ધભોમે ફરી, પાર્થબંધુ હે,
મળીશું પ્રેમે.
કૃષ્ણ: પ્રિય, ત્યાં રણાંગણે
ન ચાલશે દ્યૂતસભાનું કૂડ,
પાસાની આડાઅવળી ભૂંડી કળા,
પ્રત્યુત્તરો જ્યાં શરથી શરોના.
કર્ણ: એ ભીતિ ના દંડની હોય કર્ણને.
એ ભીતિ? કે જીવનલ્હાણ ભવ્ય?
જેમાં કલંકો અપજન્મનાં બધાં
ધોવાઈ સ્હોશે થઈ કીર્તિશુભ્ર;
ને જે લીધે આખર કોક દી તો
કુજન્મનો અંતર કોરનારો
કાંટો કઢાશે શુચિ મૃત્યુસોયથી.
કલંક વેઠ્યું અપજન્મનું ભલે,
કલંક ક્હેશે અપમૃત્યુનું ન કો.
કૃષ્ણ: સુબાહુ, થંભ્યો રથ… હસ્તિનાપુરે
છે કુંતીને એક જ પુત્ર, જોજે
રહે ન એ વંચિત માતૃભક્તિથી.
કર્ણ: લો, ઊતરું… ચક્ષુથી ઊભરાતું
આ અશ્રુ તે અંજલિ માતૃભક્તિની.
હવે નહીં જન્મ, ન જોવું જીવન,
હવે રહ્યું જ્યાં ધ્રુવ મૃત્યુ એક….
જાઉં હવે…. કૃષ્ણ, જુઓ જુઓ તો
ધરી થકી ચક્ર પડી જુદાં, સરે
જુદે જુદે માર્ગ અને વિભિન્ન
અપંગ ઊભે રથ થંભી જેમ,
એવો સર્યે આપણ ભિન્ન માર્ગે
થંભી ઊભો ભારતનો મહારથ
શો ખોટકાઈ અહીં કારમો!… અરે!
થયા અદૃશ્યે તહીં કૃષ્ણ ક્યારના
દ્રુમો પૂંઠે. ને જગ જોઈને આ
હસી રહ્યો અંબરગોખ સૂર્ય.
અમદાવાદ, ડિસે. ૧૯૩૯; ડિસે. ૧૯૪૦
(સમગ્ર કવિતા, પૃ. ૨૫૫-૨૬૫)