કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૭. સોહાગરાત અને પછી

૩૭. સોહાગરાત અને પછી

ઉશનસ્

તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથી
પથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,
અને હું તો સ્વપ્ને સ્થગિત, અધઘેને હું પછીયે
તમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે…

તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના :
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,

હવે વ્હાલા, હું તો નવરી જ નથી ને ક્ષણ પણ :
ન દ્હાડે કે રાતે, દિનભર ગૂંથું ઊન-ઝભલું
અખંડે અંઢેલી ઘરની ભીંત અર્ધેરી ઊંઘમાં,
ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઈ સપનું.

અને સાથે વ્હાલા! ભીતર ગૂંથું છું બાળક તમ
તમારી રેખાઓ લઈ લઈ, કંઈ ભેળવી મમ.

૬-૯-૭૦

(સમસ્ત કવિતા, પૃ. ૪૫૫-૪૫૬)