કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪૫. ’દર્શનો વિનોબા’માંથી


૪૫. ’દર્શનો વિનોબા’માંથી


એ પલકાર વિનોબાનો
એક પાતળી મર્યાદા
સર્જક ને સર્જન વચ્ચેઃ
બ્રહ્મ અને બાની વચ્ચેઃ
સમસ્ત પહેલાંનું લગભગઃ
એ છે દૃગ
જ્ઞાન તણું, આત્મજ્ઞાન પાંગરતા પહેલાંઃ
સમૃદ્ધિનો મારગ શૂરાનો અટકે
સિદ્ધિ કેરે દ્વારઃ અગણિત પગલાં એક તરફ
ને એવરેસ્ટની પેલી પાર
ટોચે પગલું છેલ્લું લટકેઃ
સર્વવ્યાપ્ત માનસનો છેલ્લો
દિવ્યશતકમાં સરવાળો;
ટકા શતકના નવ્વાણું,
શૂન્ય ગણિતનું જ્યાં ગાણુંઃ
એક કિરણ સૂરજમાં ઓછું, જેથી સૂર્ય ભણી
ઊભી નીસરણી
પર ચડતા પગલે ચડે મેંદી પ્રકાશ તણી.
ઋષિ ! મુનિ ! સાધક
કર્મયોગમાં રઘવાયો;
પણ હજી પ્રભુનો પડછાયો !

એની જેવા એની પહેલાં
ચાલ્યા સઘળા પગપાળા; ભજવા ઈશ્વરની માળા
ચાલ્યું અચલિત આસન ધ્યાન તણું.
પહોંચવા પાદર આલોકની ભુલભુલૈયાના,
ઉઘાડવા પડ હૈયાનાં,
પૂગ્યા ધામોધામ, ચાલ્યા ગામોગામ, ઉઘાડવા આગળિયા;
ઘાસનાં છત કે નળિયાં,
છોટાં કે મોટાં ખોરડાં, ઓશરી ગાર કે ઓરડા,
એવું ન મનમાં કે કોઈની ભાંગવી ભીડ,
બીક નહીં કે ભજશે કોઈ, કોઈને ચડશે ચીડ.
દિલડે દિલડે દિવ્ય પડ્યો અંગાર
એના હળવા કરવા રાખના ભાર,
ધખલો આપીકા જીવન કેરો
ધમણ બનીને મારે ફૂંક;
આપી દૃષ્ટાંત,
આટલું જીતી છોડતા સત્વર પ્રાન્ત.
કોઈ ન પૂરી ભૂખ;
એક ઉમેર્યું દુઃખ, એક ઉમેર્યું સુખ.
બુદ્ધ, ઈસાનાં, મોહન કેરાં
પગલાં જાગી જાય, આળસ મરડે,
ધૂળ ખંખેરી ઊભરાય,
કારણ એને કેડી થાય.
જે ગામડે એનાં પગલાં તો રોપાય,
કદી ન એનું એ બનશે ફરી
(પાંખ કાપતી ભાળી પરી?).
થોભતા ના એ ગામનો જોવા ઉત્કર્ષ;
ચાંપીને સ્પર્શ
પૂર્ણવિરામને પૂછડું આપી
કરતા અલ્પવિરામ;
એટલું સાધીને છોડતા ધામ.
ચાલતા થાય.
ઘાણીએ પ્રગતિની બાંધે જે જનતા
એમાં એ ન જોતા માનવતા.

(પુનરપિ, ૧૯૬૧, પૃ. ૯-૧૨)