કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૨૪. વહેલી સવારે


૨૪. વહેલી સવારે

સહસ્ર સોયની ધારે
જાળીએ જાળીએ ચળાઈ
શ્વાસની હેલી ચડી.
પ્હો ફાટતાં પ્હેલાં વરસ્યો અંબાર.
ખખડતા પૂલ પરથી સરકતી ટ્રેન જેવો
દેહનો રેલો
ચાદરને છીંડે છીંડે ચાલ્યો.
પરોઢિયા જેવી પાતળી ઊંઘને
અંધકારની પથારી પર મસળતો
તને હોડે લઈ ખેપે ચડું.
જો હજી પોઢેલાં પક્ષી ઊઠ્યાં નથી:
ભીની ધૂળમાં
વાંસ લળે પગ તળે સૃષ્ટિ ગળે
બંધ મુઠ્ઠીમાં સમેટું જ્યાં તને
નાભિકુંડ ઝળહળ ઝળહળ ઝળહળે.

એ૨૭-૧૦-૭૭
(અથવા અને, પૃ. ૭૨)