કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૩૫. જેસલમેર-૨


૩૫. જેસલમેર-૨


કઠણ પથરા કાપી ચણી ઢાલ જેવી ધીંગી ભીંતો,
ઊંટની ડોક જેવા ઘડ્યા ઝરૂખા,
આંગણાં લીંપ્યાં પૂર્વજોના લોહીથી.
વારસામાં મળેલ
સૂરજનો સોનેરી કટકો વાટી
ઘૂંટ્યો કેસરિયો રંગ,
પટારેથી ફંફોસ્યું કસુંબીનું પાત્ર,
પછી સંભારણાં ગટગટાવતા
વૃદ્ધ પડછાયા ઢળી પડ્યા.

માર્ચ, ૧૯૬૩
(અથવા અને, પૃ. ૯૮)