કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૩૬. જેસલમેર-૩


૩૬. જેસલમેર-૩


કોટના કાંગરામાંથી માથું કાઢી નગરી નીચે જોતી’તી.
નમણાં દેખાય બે બાજુનાં ઘર
અને એથીય નમણી અર્ધીપર્ધી હવેલીઓ વચ્ચેની ગલી.
જાજરમાન નગરી નીચે તાકી રહી હતી.
ત્યારે
ઉત્તરેથી ડમરીના ડંકા સાથે ચડી આવ્યાં ઊંટ
ભૂખરાં, કથ્થઈ, તેજીલાં ઊંટ
વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યાં
અને જતાં જતાં કિલ્લાને પોઠ પર નાખી નાઠાં.
અવાચક, નગ્ન
નગરી
બે ઘડી હેબતાઈ, ઊભી
પછી નફ્ફટ થઈને ડમરીની પૂંઠે ચાલી નીકળી.

માર્ચ ૧૯૬૩
(અથવા અને, પૃ. ૯૯)