કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૩૭. જેસલમેર-૪


૩૭. જેસલમેર-૪

તપ્યો તપ્યો સૂરજ બારે મુખે
અને ઢળ્યો તો ઠારી ગયો બારેય લોકને.
રેતી સૂઈ રહી અનાથ
વાદળાં નાસી ગયાં લાગ જોઈ
નપુંસક તારા હસી રહ્યા
ત્યારે
રણને છેડે બેઠેલાં બધાં ઘર
મરેલાં ઊંટોને કાંધે નાખી ચાલી નીકળ્યાં.
પોઠો પડી વેરાઈ રેતીમાં,
પાઘડાં અસવારોનાં
ચિરાઈ
ઊડ્યાં, ખવાયેલ પક્ષીનાં પીંછાં જેવાં
અને
અધખુલ્લા આદમી
ખુલ્લા મોઢે
ગળચી રહ્યા
રણની કાંટાળી હવાને.

જાન્યુઆરી, ૧૯૬૩
(અથવા અને, પૃ. ૧૦૦)