કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૩૯. જેસલમેર-૬
રાતાં રાતાં
લોહીથી ઘેરાં
રણ.
પીળાં પીળાં
આવળથી પીળાં
ઘર.
ધોળો ધોળો હોલા જેવો ગભરુ સૂરજ.
કાળા કાળા
નિસાસાથી ઊંડા બુરજના પથ્થર.
ઝાંખી ઝાંખી
પગના તળિયાથી લીસી પગથી.
ધીમી ધીમી
આછી આછી
ભૂરી ભૂરી
બધી
ગઈ ગુજરી.
માર્ચ, ૧૯૬૩
(અથવા અને, પૃ. ૧૦૨)