કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૧૫. ચક્કરિયા ચાલ

૧૫. ચક્કરિયા ચાલ

ચંદ્રકાન્ત શેઠ

અમે જ કાઢી નાખી છે અમારા પાટાની ફિશપ્લેટો.
રોજ એકની એક રીતે જતી ગાડીએ અમને થકવી નાખ્યા છે.

હરિયાળી ને વેરાન
સપાટ ને ખડબચડી
પોચી ને પથરાળ
લાલ ને કાળી
બધી જમીનને ઢાંકી દેતી આ લોઢાની ઘટમાળ માન્ય નથી અમને.

અમે આજે સિગ્નલને સમજીશું નહીં;
ગાર્ડની વ્હિસલથી ઊપડીશું નહીં.

ઘંટ ગમે તેટલો ટકોરા સંભળાવે
ઘડિયાળ ગમે તે સમય બતાવે!
અમે ઠારી દીધું છે એન્જિનને ભરશિયાળાની રાતે.

અમારે ક્યાંય જવું નથી, પહોંચવું નથી.
અમારે સ્ટેશનો નથી.
અમારે લઈ જવાના નથી કોઈને ક્યાંય.
અમે છોડી નાખી છે અમારી બધી જ સાંકળો – ખાનગી ને જાહેર.
એકેએક ડબ્બાને પાડી દીધો છે અલગ.
કોઈ ખેંચી જશે ને અમે જશું – આ ચલણી વાત
હવે હડહડતું જૂઠાણું છે અમારા માટે.

અમે રેલવેનાં બધાં ટાઇમટેબલો ચાવી જઈ
પાટા પર જ સૂઈ જવાનું નક્કી કર્યું છે.
અમે એ રીતે સરિયામ બદલીશું પાટાનો અર્થ.
ને સર્જીશું એક બિનલોહિયાળ અકસ્માત.

અમને લેશ પણ માન્ય નથી અમારી આ ચક્કરિયા ચાલ.

(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૫૪)