કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૭.સપનાં ઉઘાડી આંખનાં...
૨૭.સપનાં ઉઘાડી આંખનાં...
ચિનુ મોદી
સપનાં ઉઘાડી આંખનાં જોયા હતાં, મોહ્યાં હતાં
રણમાં નિતરતાં ઝાંઝવાં ખોયાં હતાં, રોયાં હતાં.
તરતી નથી, મરતી નથી, કાંઠે પડેલી માછલી,
શું કામ કોરાં આંસુઓ ખોબો ભરી ટોયાં હતાં.
પાણી મને વ્હેરી શકે, કરવત નહીં કાપી શકે,
ડૂબ્યાં પછી દરિયા થતાં પાણી બધે જોયાં હતાં.
ખંડેરમાં ધોળે દિવસે દીવો કરી શું પામશો ?
રજકણ ભરેલી બારીઓ દૃશ્યો અહીં જોયાં હતાં.
પીંછાં ખરે છે પાંખનાં પંખી છતાં ઊડ્યાં હતાં.
આકાશમાં ખોવાયલાં પગલાં ‘ચિનુ’ જોયાં હતાં ?
(ઇર્શાદગઢ, પૃ.૪૯)