કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૪.ગમે?
૪૪.ગમે?
ચિનુ મોદી
ગામ છોડ્યાં, નામ છોડ્યાં જેમને લીધે તમે,
એ હવે ક્યારેક પણ જો યાદ આવે તો ગમે ?
વૃક્ષ પર રોકાય છે ક્યારેક જો વ્હેતો પવન,
પુષ્પ ખેરવવા બધીયે ડાળીઓ નીચી નમે.
કૈંક વરસો બાદ જન્મી છે ફરીથી લાગણી,
શાંત મન પાછું ફરી કોલાહલોથી ધમધમે.
હોય શ્રદ્ધા તો પછી આ શ્વાસને અટકાવને,
નર્ક જેવી આ ધરાનો બોજ શું કરવા ખમે ?
એક પળ પણ એકલો ‘ઇર્શાદ’ ક્યારે હોય છે ?
આંખ મીંચે એ ક્ષણે જૂના ચહેરાઓ ભમે.
(નકશાનાં નગર, પૃ. ૮૧)