કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૧. સમડી

૧૧. સમડી

જયન્ત પાઠક

નીડ મૂકીને સવારથી
સમડી શોધે છે આભ.
હવાનો સમુદ્ર આખો
વારંવાર વલોવી નાખ્યો,
ચાંચથી ટોચી સૂરજ જોયો;
ઊંચેરા ઝાડ
ક્ષિતિજની વાડ
પંજે લઈ ફંફોસી જોયાં પહાડ કેરાં હાડ.

પાંખથી દીધાં ઉલેચી
વાદળનાં કૈં સૂકાંલીલાં નવાણ.

(આભનાં ક્યાંય નહીં એંધાણ)
થાકી આખરે
નીડમાં સાંજે વળે
બંધ પીછાંની હેઠ, હૂંફમાં એક

ઈંડુંઃ
ગાભમાં આભ છાનું સળવળે.

૩-૩-૧૯૬૮

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮-૧૫૯)