કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૩. વૃક્ષો
૧૩. વૃક્ષો
જયન્ત પાઠક
વૃક્ષો મને ગમે છે.
અરણ્યમાં અડાબીડ ઊભેલાં
એકબીજાને ખભે હાથ નાખી
પવનના પ્રવચને ડોક હલાવી ચગાવતાં વૃક્ષો.
નદી-કાંઠે
આપઘાત માટે
ઢીલે પગે ઊભેલાં એકાકી વૃક્ષો.
ખેતર-શેઢે ખડાં
શહીદ થવા
ધીરવીર રૂખડાં,
વૃક્ષો, મારાં વનવાસીનાં ભેરુ.
બા કહેતીઃ
ગયા જનમમાં ઝાડ હતો કે શું?!
કદાચ આજેયે છું
ન હોત તો—
પગ મારા ટટાર
પૃથ્વીરોપ્યા ક્યાંથી હોત?!
હોત ક્યાંથી હાથ
શાખાઓ જેમ ભીડતા બાથ?!
ઊડતાં ક્યાંથી હોત
મારી આંખોમાંથી પલકારાનાં પાન?!
સૂર્યધારાને જટાઘટામાં ઝીલવાની
આંગળીઓને પાંખડીઓ થૈ ખીલવાની
વાસના ક્યાંથી હોત?!
વૃક્ષો મને ગમે છે
વૃક્ષો મારાં ભેરુ
વૃક્ષો હું...
૭-૨-૧૯૬૭
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૮૭-૧૮૮)