કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૮. સમણાં
૧૮. સમણાં
જયન્ત પાઠક
તમે ક્યાંથી મારે નગર, ઘરને આંગણ પિયા!
બપોરી વેળાનું અલસ સમણું તો નથી તમે!
—મને એવા એવા બહુ અનુભવો થાય હમણાં—
હું સૂતી હોઉં ને અરવ પગલે — હોય ન હવા! —
તમે આવો શય્યા મહીં, વદન મારે ઝૂકી રહો;
હું જાગી જાઉં ને ચમકી લહું ઓષ્ઠદ્વય ભીના!
સવારે જ્યાં વાળું ઘર, અહીંતહીં જોઉં પગલાં
તમારાં ને થંભી જાઉં ક્ષણ, પડું પાય વળગી;
છુપાવું લજ્જાને અમથું અમથું ગીત ગગણી!
જમું તો ઓચિંતો કવલ સરી જાયે કર થકી;
બધાંની આંખોથી જ્યમત્યમ કરી જાઉં સરકી;
ફરે પાછી ભીની નજર નીરખી બંધ ખડકી.
મને સાચાં-માચાં સુખ પણ હવે ભ્રાન્તિ-સમણાં;
પ્રતીતિ દો ચૂમી અધર, ભુજમાં ભીડી, હમણાં.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૨)