કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧. ઉનાળાનો દિવસ
૧. ઉનાળાનો દિવસ
જયન્ત પાઠક
દિવસ વહતો ઉનાળાનો ધીમે પદ નીરવ
રણ મહીં યથા ધીમી ચાલે જતા ઊંટ-કાફલા;
ચહુદિશ રહ્યો રેતી કેરો લૂખો પટ વિસ્તૃત,
પશુગણની છાયામાં ટૂંકી મૂકે પથિકો ડગ..
વરસતી લૂમાં ચાલે ઊંટો સ્થિર, ક્ષિતિજે દૃગ
મૃગજલ તણું દૃષ્ટિ સામે તરંત સરોવર
ઝૂકી તરુ રહ્યાં જેને કાંઠે છળંત મુસાફિર
જહીં દૃગ રહ્યા રોધી રેતી તણા ઢગ એકલા
નહીં દિવસને અંતે દેખે દૃગો રણદ્વીપને
જહીં ખજૂરીનાં, ફુવારા શાં લીલા જલનાં દ્રુમ;
નીરખી ઊંટ ઝોકાવી થાક્યા ઢળંત મુસાફિરો
શીતલ જલના પાને તાજા, મુલાયમ રેતમાં.
દિનદહનને અંતે કેવું શશીમુખઅમૃત!
રજની અરબી રાત્રિઓની કથા સમ અદ્ભુત!
(ક્ષણોમાં જીવું છું, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૧૨-૧૩)