કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૯. ભીની હવામાં

૯. ભીની હવામાં

જયન્ત પાઠક

વળ ખાય વાદળીઓ ભીની ભીના હવામાં;
વીંઝાય વીજળીઓ ભીની ભીની હવામાં.

કળીઓને હર ઋતુમાં ફૂલો થવાની ઇચ્છા
ફૂલને થવાની કળીઓ ભીની ભીની હવામાં.

નેવાંની છાંટ આવે છે ઓટલે ઊડીને
ભીંજાય ઓકળીઓ ભીની ભીની હવામાં.

બાંધેલ વાદળીની ભારી છૂટી ગઈ ને
છુટ્ટી ઊડે છે સળીઓ ભીની ભીની હવામાં.

ધીમી ધીમી બળે છે તમની ધુમાડી વચ્ચે
તારાની તાપણીઓ ભીની ભીની હવામાં.

પનિહારીઓની ગગરીનાં નીર લે હિલોળા
ચૂએ છે કાંચળીઓ ભીની ભીની હવામાં.

પીછાંની જેમ પ્હોળી ફેલાય લાગણીઓ
ટહુકાય વાંસળીઓ ભીની ભીની હવામાં.

એકાન્તની રહેલી અધખૂલી બારીઓને
અડકે છે આંગળીઓ બીની ભીની હવામાં.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૧)