કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૩. ઝૂમાં સુંદરી


૨૩. ઝૂમાં સુંદરી

નલિન રાવળ

ધીખેલ ગ્રીષ્મ આભ
ઝૂ
મહીં
ધખંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ
નેત્રમાં જલંત આગ
યાળ ઝાળ ઝાળ
સુંદરી
સકંપ બાષ્પરુદ્ધ નિષ્પલક નિહાળતી :
સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં
પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી
ધસે
ધસી કૂદે
સિંહણ છલંગમાં ધખંત લોહ પિંજરે
પડે
ભફાંગ
ઝૂ
મહીં
ધીખેલ ગ્રીષ્મ આભ
હાંફતી
મદિલ સુંદરી સરે.
ધીરે ધીરે બહાર…
(અવકાશપંખી, પૃ. ૫૬)