કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૬. રસ્તા


૬. રસ્તા

નલિન રાવળ

મેઘ થઈ વરસી પડી મારી નજર
ત્યાં દૂર
જ્યાં —
પગ ટેકવી આકાશ ઊભું તે ધરા પર.

ડોલતી કાળી ચમકતી કીકીઓ હીંચી કૂદી
લઈ તાલ મારી ચાલ સાથે ચાલવા લાગી
બધે
પથરાયલા લીલા રૂપાળા ઘાસના માથા ઉપર થઈને જતા
રસ્તા ઉપર.

ને સાથમાં
નિજના અવાજોને પકડવા દોડતાં પંખી,
નદી, વૃક્ષો, ઢળેલાં ઢોરની ભાંભર, લળી ડોલી રહ્યાં ખેતર,
હવાના કાફલા લઈ દોડતો તડકો,
અને ગોફણ છૂટ્યા પથ્થર સમી મારી નજરનો વેગ,
ના અંબાય
ત્યાં
પગ ટેકવી આકાશ ઊભું તે કને પ્હોંચાય ના.

રસ્તો ગયો
ફંટાઈ,
ફેંકી ફેંકતાં મારી નજર અથડાય ને કુટાય,
ભૂલું હુંય એવી એ જ એ પલટાય.
પણ
આ પગ મને ઊંચકી હજુ ચાલી રહ્યા છે.
સાથમાં

શી ભીડ, ઝાઝી વાહનોની ચીડ,
આ ઢગલો પડેલાં હાંફતાં બિલ્ડિંગ,
હવામાં દોડતા જંગી અવાજોનાં પશુટોળાં.

હવે
ભૂલી ગયો હું મૂળનો રસ્તો.
અહો, આ કેટલા રસ્તા!
કહો ક્યાં લઈ જશે આ આટલા રસ્તા?
કહો ક્યાં લઈ જશે?
(અવકાશપંખી, પૃ. ૯-૧૦)