કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧૯. મુસાફરો


૧૯. મુસાફરો


સંધ્યાકાળે
ક્યારના
કોઈ ટ્રેનની રાહ જોતા
બાંકડે બેઠેલા
મુસાફરો—
અવરજવર વિનાનું સૂનું પ્લૅટફોર્મ
ઇન્ડિકેટરના સ્તબ્ધ થઈ ગયેલા હાથ
લાંબા થઈને સૂઈ ગયેલા પાટા
ન ઊતરી કે ચડી શકતાં પુલનાં પગથિયાં
મોઢે તાળું મારી વસાઈ ગયેલી છાપાંની દુકાન
ખખડાટને ગળામાં અટકાવી
જંપી ગયેલી પીણાંની શીશીઓ
અંધારામાં ઝાઝું ન જોઈ શકતી ઊભેલી
               ઝાંખી બત્તીઓ…
આવા સાવ નિર્જીવ વાતાવરણને
કંઈક અંશે સભર કરતો
અને અમથી અમથી ઉડાડેલી રજકણોના બાચકા ભરી
બળેલાંજળેલાં વેરાયેલાં સિગારેટનાં ઠૂંઠાં સાથે
સંવનન કરતો
હરાયો સૂકો-લુખ્ખો પવન…
આ બધાંની વચ્ચે
સંધ્યાકાળે
બાંકડે બેઠેલા
મુસાફરો.


(વિદેશિની, પૃ. ૨૭૨-૨૭૩)